Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૈવલ્યધામની મુલાકાતના ૭ દિવસના અનુભવ

કૈવલ્યધામની મુલાકાતના ૭ દિવસના અનુભવ

Published : 19 March, 2026 12:36 PM | IST | Mumbai
Jayesh Chitalia

યોગ એટલે ફિઝિકલ, મેન્ટલ, સોશ્યલ, ઇમોશનલ તેમ જ સ્પિરિચ્યુઅલ યાત્રા

કૈવલ્યધામ

PoV

કૈવલ્યધામ


આમ તો લોનાવલા ફરવા જવાનું મારે અનેક વાર થયું છે, પરંતુ તાજેતરમાં લોનાવલા તરવા જવાનું થયું. તમને થશે કે તરવા? એટલે શું? લોનાવલામાં કોઈ ખાસ સ્વિમિંગ-પૂલ બન્યો છે? તરવાની કોઈ વિશેષ તાલીમ ચાલુ થઈ છે? ના ભાઈ ના, આ વખતે લોનાવલાનું અમારું લક્ષ્ય હતું કૈવલ્યધામ, જે દેશની જ નહીં, પણ વિશ્વની સૌથી જૂની (૧૦૨ વર્ષ) યોગ ઇન્સ્ટિટ્યૂટ ગણાય છે. આજે ૧૦૨ વર્ષે એ તરવરાટ સાથે વધુ યુવા બની રહી છે. સમય સાથે અનેક પરિવર્તન થઈ રહ્યાં છે, પરંતુ કોઈ પણ ભોગે યોગ ડાયલ્યુટ થવા જોઈએ નહીં એવા દઢ નિર્ણય અને સિદ્ધાંત સાથે. આ સિદ્ધાંત છે કૈવલ્યધામના સ્થાપક ગુરુ કુવલ્યાનંદજીનો, જેને સંસ્થાના બંધારણ તરીકે જાળવી રખાયો છે. તેથી જ આ મોસ્ટ ઑથેન્ટિક યોગ ઇન્સ્ટિટ્યૂટ ગણાય છે.

માર્ગ અને મંઝિલ



અહીં કોઈ સંસ્થા કે એની પ્રવૃત્તિઓનો પ્રચાર કરવાનો હેતુ નથી, પરંતુ કૈવલ્યધામમાં ૭ દિવસ રહીને મળેલા અનુભવને વહેંચવાનો આશય છે જેને આપ અમારા માટે ગમતાનો ગુલાલ પણ કહી શકો. બાય ધ વે, આ તમામ વાતો જનઉપયોગી છે. ખાસ કરીને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ જ્યારે આજના સમયની જાત સાથેના યુદ્ધ જેવી ગંભીર સમસ્યા બની છે ત્યારે આ સત્યને જેટલું જલદી સમજી શકાય એટલું સારું છે. એ માટે યોગ એક મહત્ત્વનો માર્ગ છે અને કૈવલ્યધામ એની એક મહત્ત્વની મંઝિલ છે. અમે જેવા એના દરવાજે પ્રવેશ્યા કે તરવાનો અનુભવ શરૂ થઈ ગયો, હા આ તરવાની વાત જીવનના દરિયા સાથે સંબંધ ધરાવે છે. એના માટે સ્થળના વર્ણનની સાથે અથવા એના કરતાં વધુ અહીં જીવન સમર્પિત કરી સેવા આપતી હસ્તીઓ સાથેની વાતોનો સાર વહેંચવો જરૂરી છે.


માત્ર સ્થિરતા નહીં, સ્થિતપ્રજ્ઞતા

આ સંસ્થાના વર્તમાન ચૅરમૅન સુબોધ તિવારી કહે છે, ‘યોગ માત્ર આસન નથી; ફિઝિકલ, મેન્ટલ, સોશ્યલ, ઇમોશનલ તેમ જ સ્પિરિચ્યુઅલ યાત્રા છે જેના મારફત જીવનને દૃષ્ટાભાવથી જોવાનું શીખી શકાય છે. યોગથી માત્ર સ્થિરતા મળે એ પર્યાપ્ત નથી, સ્થિતપ્રજ્ઞતા મળવી જરૂરી છે; જે મળી શકે છે. આપણે મોટા ભાગે ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં રહેતા હોઈએ છીએ, જ્યારે કે વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રયાસને યોગ સફળ બનાવી શકે છે. આમ ભલે યોગાસન બોલાતું હોય, પરંતુ વાસ્તવમાં આસન પાંચ ટકા ગણાય, બાકી ૯૫ ટકા યોગ છે. આને પ્રાપ્ત કરવા ધીરજ અને શિસ્ત જરૂરી બને છે, જેના માટે અવેરનેસ વધારવાની આવશ્યકતા રહે છે.’


ઊર્જાથી છલોછલ સુબોધજી વાત માંડે છે ત્યારે એ ઊર્જા સાંભળનાર લોકોમાં આપોઆપ પ્રવેશતી જાય છે.

ચીન જઈ યોગશિક્ષકો તૈયાર કરવાનો યજ્ઞ

બીજી હસ્તીમાં અમારી વાતો થઈ ડૉ. રણજિત ભોગલ સાથે, જે આ સંસ્થામાં ૪૨ વર્ષથી છે અને રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પણ છે. મજાની અને ખાસ નોંધવા જેવી વાત એ છે કે ડૉ. ભોગલ યોગ-ધ્યાન શીખવવા (ટીચર્સ ટ્રેઇનિંગ) માટે ૧૨ વર્ષથી વ્યક્તિગત સ્તરે નિયમિત ચીન જાય છે. ભગવાન બુદ્ધની અસરે ચીનમાં યોગને મોટા પાયે આવકાર મળે છે. ડૉ. ભોગલ ક્રિયાયોગના ટોચના નિષ્ણાત છે જેમાં મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો આવી જાય છે (બાબા રામદેવવાળા નહીં). મંત્રોનો જીવનમાં કેટલો મોટો ફાળો હોઈ શકે છે એનો ક્રિયાયોગમાં અસાધારણ પુરાવો મળે છે. માત્ર ૧૫ મિનિટ જેટલી આ ક્રિયા જીવનપરિવર્તનની અનન્ય શક્તિ ધરાવે છે.

ક્રિયાયોગ ધ્યાનનું સરળ સ્વરૂપ

બહુ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. ભોગલ જણાવે છે, ‘આની વિશેષતા એ છે કે દરેક ધર્મની  વ્યક્તિ ક્રિયાયોગમાં પોતાના ધર્મના મંત્રોનો ઉપયોગ કરી શકે છે જે વ્યક્તિને ઊર્જાસભર બનાવતી રહે છે. તેમના મતે યોગ ભલે થોડો સમય કરો, પરંતુ નિયમિત, રોજ કરો. આમાં અહીં અનુલોમ-વિલોમ, ઓમકાર મંત્ર અને ગાયત્રી મંત્રનો ઉપયોગ થાય છે. જૈનો અહીં નવકાર મંત્ર પણ લઈ શકે છે. આ મંત્રોથી વ્યક્તિની ભીતર જે વાઇબ્રેશન પેદા થાય છે એ શરીરમાં એવી સજાગતા લાવે છે કે ભીતર આનંદ જાગે છે, માણસ પોતે પ્રસન્ન હોય તો જ બીજાને પ્રસન્ન કરી શકે યા રાખી શકે છે. માણસના સ્વભાવને બદલવામાં પણ આ યોગ ઉપયોગી થાય છે. સામાન્ય વ્યક્તિ માટે મેડિટેશન મુશ્કેલ છે, જ્યારે ક્રિયાયોગ એ મેડિટેશન-ધ્યાનનું સરળ સ્વરૂપ કહી શકાય.

પોતાને જાણવા માટે શું જાણવું જરૂરી?

જેને મળીને થયેલા આનંદને વહેંચવાનું દિલ થાય એવી વધુ એક વ્યક્તિ પ્રો. રવીન્દ્ર બોધે પણ આ સંસ્થામાં ૪૨ વર્ષથી સંનિષ્ઠપણે કાર્યરત છે. તેમની વાતચીતમાં સરળતા સતત ઝલકતી દેખાય છે. તેમણે યોગને કેન્દ્રમાં રાખી શિક્ષણમાં મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું. આ વિષય પર તેમણે પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ છે ભગવદ્ગીતા. ઉપનિષદો સહિત અનેક પુસ્તકો-ગ્રંથોના સતત અધ્યયન-અભ્યાસ કરતા બોધેજી વાત કરે ત્યારે જ્ઞાન એની મેળે છલકાય છે. સાંખ્ય યોગનો ઉલ્લેખ કરતાં તેમણે જ્યારે કહ્યું કે TO KNOW YOURSELF, YOU MUST KNOW WHAT YOU ARE NOT (તમને ખુદને જાણવા માટે તમારે એ જાણવું જોઈએ કે તમે શું નથી) ત્યારે મન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયું હોય એવો અનુભવ થયો. એક બહુ જ જોરદાર વિધાન કરતાં તેમણે કહ્યું કે યોગસૂત્ર આધ્યાત્મિકતાનું વ્યાકરણ છે. વ્યાકરણ વિના ભાષા જ ન બને.  

આ માત્ર કેટલીક વ્યક્તિગત મુલાકાતોની ઝલક છે, બાકી અહીં અનેક હસ્તીઓ સમર્પણ સાથે કામ કરી રહી છે. કૈવલ્યધામ કોઈ ધાર્મિક સ્થળ નથી; એ તો યોગ, ધ્યાન, પ્રાણાયામ, નૅચરોપથી, આયુર્વેદ, રિલૅક્સેશન સહિત એક માહોલનો અનુભવ લેવાનું ધામ છે. જોકે અહીં પિકનિક માટે નહીં, સાધના અને સમર્પણ માટે આવવું જરૂરી છે. આશરે ૨૦ જેટલા દેશોના તેમ જ દરેક ધર્મના લોકો અહીં આ હેતુસર આવીને રહે છે. મજાની વાત એ છે કે વિશાળ જગ્યા ધરાવતા આ ધામમાં શૈક્ષણિક સંસ્થાઓ સ્વરૂપે કૈવલ્યધામની સ્કૂલ, કૉલેજ, હૉસ્ટેલ પણ છે જ્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ યોગમાં ડિપ્લોમાથી લઈ PhD સુધીનો અભ્યાસ કરે છે.

આમ તો અહીં ૭ દિવસ ઓછા પડે. અહીંના અનુભવોને એક્સપ્રેસ કરવા આ કૉલમની જગ્યા પણ ટૂંકી પડે. બાય ધ વે, કૈવલ્યધામના અનુભવમાંથી જીવનના ટ્રાન્સફૉર્મેશનનો અવસર મળી શકે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 12:36 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK