એમણે નાગરિક માળખા પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવાના ઈરાનના પગલાને વખોડી કાઢ્યું હતું અને ભવિષ્યમાં આવું ન કરવા માટે તેહરાનને ચેતવણી આપી હતી.
ફાઇલ તસવીર
૧૨ આરબ અને ઇસ્લામિક દેશોના એક જૂથે ઈરાનના ઘૃણાસ્પદ હુમલાઓની નિંદા કરી હતી. એમણે નાગરિક માળખા પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવાના ઈરાનના પગલાને વખોડી કાઢ્યું હતું અને ભવિષ્યમાં આવું ન કરવા માટે તેહરાનને ચેતવણી આપી હતી.
સાઉદી અરેબિયાના રિયાધમાં કતર, અઝરબૈજાન, બાહરિન, ઇજિપ્ત, જૉર્ડન, કુવૈત, લેબૅનન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, સિરિયા, ટર્કી અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના વિદેશપ્રધાનોએ એક બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ દેશોએ ઈરાન પર સમગ્ર પ્રદેશમાં રહેણાક વિસ્તારો, તેલસુવિધાઓ, ઍરપોર્ટ અને રાજદ્વારી પરિસરને જાણીજોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
અમેરિકા અને ઇઝરાયલના હુમલાનો બદલો લેવા માટે ઈરાન ખાડી દેશો પર ભીષણ અને દુનિયાભરને અસર થાય એવા કાચા તેલ અને નૅચરલ ગેસના પ્લાન્ટ્સને નિશાન બનાવી રહ્યું છે. યુદ્ધ હવે ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે ખાડી દેશોએ ગભરાઈને યુનાઇટેડ નેશન્સ તરફ દોટ મૂકી છે અને તાત્કાલિક આ બાબતે ચર્ચા કરવાની માગણી કરી છે.
દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે ખાડી દેશોએ જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં મિડલ ઈસ્ટના નાગરિકો અને ઊર્જાના બુનિયાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલા માટે તાત્કાલિક ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.
ઈરાનના સતત હુમલા વચ્ચે સાઉદી અરેબિયાની ચેતવણી
અમારી ધીરજ અમર્યાદિત નથી, યુદ્ધમાં અમે પણ જોડાઈશું
ઈરાને એના પાડોશી દેશો કુવૈત, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને બાહરિન પર હુમલા કર્યા હોવાથી હવે સાઉદી અરેબિયાએ વૉરમાં જોડાવાની ધમકી આપી છે. મિડલ ઈસ્ટમાં ઈરાને પાડોશી દેશોની ઊર્જાસુવિધાઓ પર સતત હુમલાઓ ચાલુ રાખ્યા છે ત્યારે સાઉદી અરેબિયાના વિદેશપ્રધાન, પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે તેહરાનને ચેતવણી આપી છે કે તેમના દેશ અને અન્ય ગલ્ફ દેશોની ધીરજ અને સહનશીલતા મર્યાદિત છે, આ હુમલાઓ બ્લૅકમેઇલ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. સાઉદી અરેબિયાના અલ સઉદે જણાવ્યું હતું કે ‘બેઠકના સમયે હુમલો કરવામાં આવ્યો એ ટાઇમિંગ મારા માટે મહત્ત્વનો છે, કારણ કે એનો ઉદ્દેશ હાજર લોકોને ડરાવવાનો અને સંદેશ આપી શકાય કે ઈરાન અટકશે નહીં એવો હતો. આમાંના કેટલાક લક્ષ્યાંકોમાં ચોકસાઈનું સ્તર સૂચવે છે કે આ કંઈક પૂર્વયોજિત અને સારી રીતે વિચારેલું હતું. ગલ્ફ રાજ્યો ઈરાની હુમલાઓથી ડરેલાં નથી, અમને કોઈ પણ રીતે ખાતરી નહોતી કે જ્યારે ઈરાન આ રીતે વર્તે છે ત્યારે એ કાયદેસર ભાગીદાર બની શકે છે. જે થોડો વિશ્વાસ હતો એ સંપૂર્ણપણે તૂટી ગયો છે.’
