જીવનમાં ચાલશે, ફાવશે અને ગમશેની નીતિ અપનાવીને જીવેલાં લક્ષ્મી છેડા લોકલ ટ્રેનમાં એકલાં ટ્રાવેલ કરે છે
લક્ષ્મી છેડા
અંધેરી-ઈસ્ટમાં નાગરદાસ રોડ પર આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરમાં સવારે જાઓ તો રોજ એક બા પ્રભુને ખમાસમણાં આપતાં જોવા મળશે. આ બા છે લક્ષ્મી છેડા. લક્ષ્મીબહેન ૮૧ વર્ષની ઉંમરે પાંચ કે ૧૦ નહીં, ૧૨૦ જેટલાં ખમાસમણાં પંચાંગ નમાવીને દેરાસરમાં આપે છે. ખમાસમણા એ જૈનોની એક મહત્ત્વની ક્રિયા છે જેમાં બે હાથ, બે પગ અને મસ્તક મળી પાંચ અંગ સાથે ભગવાન અને ગુરુને નમન કરવામાં આવે છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જ્ઞાનને લગતા જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવા માટે જ્ઞાનના પાંચ, ગુરુમહારાજને વંદન કરતી વખતે ત્રણ ખમાસમણાં એમ જુદી-જુદી ક્રિયામાં ખમાસમણાનું વિધાન છે. ખમાસમણા શારીરિક શ્રમ સાથે જોડાયેલી વિધિ હોવા છતાં થાકને બાજુએ રાખીને આ બા દરરોજ આટલાંબધાં ખમાસમણાં ભાવથી આપે છે. મુંબઈમાં હાજર હોય ત્યારે તેઓ અચૂક સવારે દેરાસરમાં જોવા મળે. આ ઉંમરે પણ એકલાં ટ્રેનમાં ટ્રાવેલ કરતાં લક્ષ્મીબહેનની ફિટનેસ જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે અને સાથે જ તેમના સ્વાસ્થ્યનું રહસ્ય જાણવાની ઉત્સુકતા પણ થાય.
ખમાસમણાંની શરૂઆત
ADVERTISEMENT
લક્ષ્મીબહેનનો છેલ્લાં અનેક વર્ષોથી દરરોજ દેરાસર જવાનો નિત્યક્રમ રહ્યો છે. ઘરની નજીક હોવાને કારણે તેઓ ચાલીને જ દેરાસર જાય. બે વર્ષ અગાઉ તેમને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થઈ હતી અને ડૉક્ટરે તેમને જરૂર પડ્યે ઑપરેશન કરવાની સલાહ આપી હતી, પરંતુ લક્ષ્મીબહેન ઑપરેશન ન કરાવવા બાબતે મક્કમ હતાં. તેમણે તેમનાં દીકરા-વહુને સ્પષ્ટ જણાવી દીધું કે હું ગમે એટલો દુખાવો હશે તો એને સહન કરીશ, પણ ઑપરેશન નહીં કરાવું. તેમણે પોતાના ખોરાકમાં ફેરફાર કરી લીધો અને હળવો ખોરાક લેવાનું શરૂ કર્યું. દેશી ગુંદરનો વપરાશ શરૂ કર્યો. પગના દુખાવા છતાં રોજ દેરાસર ચાલીને જવાનો નિત્યક્રમ તેમણે જાળવી રાખ્યો હતો. ખમાસમણાંની શરૂઆત કેવી રીતે કરી એના જવાબમાં તેઓ કહે છે, ‘મને કુદરતી રીતે જ અંત:સ્ફુરણા થઈ કે મારે રોજ ખમાસમણાં આપવાં છે એથી મેં દેરાસરમાં જ જ્ઞાનનો પટ્ટ છે ત્યાં પંચાંગ નમાવીને પાંચ ખમાસમણાં આપવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે મને એનાથી આંતરિક શાંતિ તો મળી જ અને સાથોસાથ શારીરિક રીતે પણ સારું લાગવા માંડ્યું. મારી પાચનની સમસ્યા પણ દૂર થઈ ગઈ એથી મેં દરરોજ ખમાસમણાંની સંખ્યા વધારવા માંડી અને ધીમે-ધીમે એ પચાસની થઈ અને અત્યારે રોજ હું કુલ ૧૨૦ જેટલાં ખમાસમણાં આપું છું. અમારા દેરાસરમાં જ શત્રુંજય તીર્થનો પટ્ટ છે ત્યાં હું રોજ ૧૦૮ ખમાસમણાં આપું છું. જ્ઞાનનાં પાંચ ખમાસમણાં અલગ આપું છું અને બીજાં ખમાસમણાં પ્રભુજીની પ્રતિમાને આપું છું. આમ લગભગ ૪૫ મિનિટમાં મારાથી સહેલાઈથી આ ખમાસમણાં પૂરાં થઈ જાય છે. અમારા જૈન ધર્મમાં ભગવાનને વંદના કરવાનું ખૂબ મહત્ત્વ છે. વંદના કરવાથી કર્મનો ક્ષય થાય છે એથી મને આ કાર્ય કરવાની મજા પડે છે. હું રોજ સવારે સાતથી ૧૦ વાગ્યા સુધી દેરાસરમાં જ હોઉં છું. ખમાસમણાં આપ્યા પછી પૂજા કરું છું અને ત્યાર બાદ વ્યાખાન શ્રવણ કરીને ૧૦ વાગ્યા પછી ચાલીને જ ઘરે જાઉં છું.’
હંમેશાં ઍક્ટિવ
બા હંમેશાં ઍક્ટિવ જ રહ્યાં છે એથી તેમને બેસી રહેવાનું ગમતું નથી એમ જણાવીને લક્ષ્મીબહેનનાં પુત્રવધૂ ગીતાબહેન કહે છે, ‘નાનપણમાં જ માતાપિતા ગુમાવી દીધાં હોવાથી તેમને
કાકા-કાકીએ મોટાં કર્યાં. પરણ્યા પછી ઘરની પરિસ્થિતિ સાધારણ હોવાને કારણે તેમનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. જોકે તેમણે ખરા અર્થમાં જીવનસંગિની બનીને પતિને સપોર્ટ આપવા શરૂઆતમાં ઘરેથી જ કાપડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ ફરસાણ અને ઘરે જ થેપલાં બનાવીને વેચવાનું શરૂ કર્યું. આમ જીવનભર પતિ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું અને દીકરો મોટો થઈને કમાતો થયો ત્યાર બાદ તેમણે નિવૃત્તિ લઈ લીધી, પરંતુ તેઓ ક્યારેય નવરાં બેઠાં નથી. ઘરમાં પણ જરૂર ન હોય તોય કપડાંની ગડી કરવી કે વાસણ લૂછવા જેવાં નાનાં-મોટાં કામ તેઓ કરતાં જ રહે છે.’
બાને કુટુંબ પ્રત્યે ખૂબ લાગણી છે એમ જણાવતાં ગીતાબહેન કહે છે, ‘આજે કોઈ પણ સગાંસંબંધીને મળવાનું મન થાય તો બા ટ્રેનમાં એકલાં જઈને તેમને મળી આવે. તેમની દીકરી ધનવંતીના ઘરે દહિસર પણ તેઓ એકલાં જઈ આવે છે. બાનું મોતિયા સિવાય કોઈ ઑપરેશન થયું નથી. તેઓ ગુજરાતી પાંચમા ધોરણ સુધી જ ભણ્યાં છે. તેમને વાંચનનો ખૂબ શોખ છે. તેઓ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે છે અને સામાયિક લઈને રોજ નીચે પણ બેસે છે. ઘણાં વર્ષો અગાઉથી તેમને કંપવા થયો છે, પરંતુ એ તેમની ઍક્ટિવિટીમાં નડતરરૂપ નથી બન્યો. બા પોતાનાં બધાં કામ જાતે જ કરે છે.’
ચાલશે, ફાવશે અને ગમશે
છેલ્લાં દસેક વર્ષથી ધાર્મિક જીવન જીવી રહેલાં લક્ષ્મીબહેનના પતિ માવજીભાઈનું ચારેક વર્ષ અગાઉ અવસાન થયું છે. બા પહેલાં તો ખાવાનાં ભારે શોખીન હતાં અને ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવતાં હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે સાદું ભોજન અપનાવ્યું છે. તેઓ મોટા ભાગે બિયાસણાં કરે છે એટલે કે બે ટાઇમ જમે છે અને ઉકાળેલું પાણી વાપરે છે. સવારના ભોજનમાં દાળ-ભાત, શાક-રોટલી અને એકાદ ફળ ખાય છે. સાંજે ચોવિહાર જ કરે અને મોટા ભાગે દૂધ, રોટલી અને ભાત ખાય છે. ગોળપાપડી, લાડવા કે ચિક્કી જેવી સ્વીટ પણ તેમને ભાવે છે. વર્ષમાં બે વાર આવતી આયંબિલની ઓળી કરે છે અને પર્યુષણમાં પણ તેમની તપશ્ચર્યા ચાલુ જ હોય છે. ગીતાબહેન તેમના નેચર વિશે કહે છે, ‘તેમણે જીવનમાં ‘ચાલશે, ફાવશે અને ગમશે’ની નીતિ અપનાવી છે. તેમનો નેચર ઍડ્જસ્ટેબલ છે અને સ્વભાવે મદદગાર છે. તેઓ બધી જ પરિસ્થિતિમાં કમ્ફર્ટેબલ હોય છે. એક જમાનામાં બાને ટીવીનો અને ફિલ્મનો ખૂબ શોખ હતો, પરંતુ છેલ્લાં ૧૦ વર્ષથી તેમણે એ બધું જ છોડી દીધું છે છતાં તેમની યાદશક્તિ સારી છે. હજી પણ ટીવી પર જૂનાં ગીત કે ફિલ્મ આવે તો એ પિક્ચર તેમના જમાનામાં કયા થિયેટરમાં લાગ્યું હતું એની વાત કરે અને ગીત આવતું હોય તો એ કઈ ફિલ્મનું છે એ પણ જણાવે.’
સુખી પરિવાર
લક્ષ્મીબાએ જીવનમાં ચડતી-પડતી તો ઘણી જોઈ છે પરંતુ તેમને એનો ગમ નથી. તેઓ કહે છે, ‘સુખ અને દુ:ખ તો બધાના જીવનમાં આવ્યા જ કરે છે, પણ સુખમાં છલકાઈ ન જવું અને દુ:ખમાં તૂટી ન પડવું. દુ:ખમાં હિંમત ટકાવી રાખીએ અને પ્રભુમાં શ્રદ્ધા રાખીએ તો દિવસો પલટાતાં વાર નથી લાગતી. આજે હું મારા પુત્ર સંદીપ, પુત્રવધૂ ગીતા તેમ જ પૌત્ર મનન અને પૌત્રી નિધિ સાથે ખૂબ સુખી જીવન ગુજારી રહી છું. હું મારા જીવનથી સંતુષ્ટ છું. મારી પુત્રી ધનવંતી અને જમાઈ દિનેશ પણ મારા માટે પુત્ર સમાન જ છે. તેમને પણ બે દીકરા-વહુઓ અને તેમનાં સંતાનો છે. આમ મેં ચોથી પેઢી પણ જોઈ લીધી છે.’


