શ્રાદ્ધમાં પિતૃઓના આત્માની શાંતિ અને સદ્ગતિ માટેના પ્રયાસો થાય છે. અમુક લોકો ખરેખર નસીબદાર છે જેમના પરિવારની આ પ્રાર્થનાઓ અને પ્રયાસો ફળે છે, પણ જેણે જીવતેજીવ શાંતિ ન આપી હોય તે પરિવારની પ્રાર્થના કે પૂજા મૃત્યુ પછી શાંતિ આપી શકે ખરી?
શ્રાદ્ધપક્ષ
શનિવારે શ્રાદ્ધપક્ષ શરૂ થયો. સનાતન માને છે કે મર્યા પછી વ્યક્તિ પહેલાં પિતૃલોકમાં જાય છે અને જ્યાં સુધી તેનો ફરીથી જન્મ નથી થતો ત્યાં સુધી તે પિતૃલોકમાં જ રહે છે. શ્રાદ્ધમાં પિતૃઓને ખવડાવવાનો એક રિવાજ છે અને તેમના માટે આપણે તર્પણ કરીએ છીએ. મેં જ્યારે સમાજમાં શ્રાદ્ધ કરતાં કુટુંબો જોયાં ત્યારે મને એક વિચાર આવેલો પણ એને તમારી પાસે સીધી રીતે મૂકવા નથી માગતી, એક વાર્તારૂપે રજૂ કરું છું. આશા છે કે હું જે કહેવા માગું છું એ તમારા સુધી પહોંચશે.
ડિસ્ક્લેમર : આ વાર્તા તદ્દન કાલ્પનિક છે, પણ એનો સમાજના ખૂણેખાંચરે જીવતી વ્યક્તિઓ સાથે સીધો સંબંધ છે.
સ્થળ : પિતૃલોક.
સમય : શ્રાદ્ધ પહેલાંના દિવસો.
મૃત્યુ પછી પિતૃલોક ગયેલા લોકો માટે આજે પૃથ્વી પર જવા માટેનો પ્રબંધ થઈ રહ્યો હતો. શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે એટલે પોતપોતાની તિથિ અનુસાર થોડા સમય માટે દરેક વ્યક્તિને પૃથ્વી પર મોકલવામાં આવશે. મનુષ્ય એવું માને છે કે શ્રાદ્ધ કરવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે છે. આ આસ્થાનું માન રાખવા માટે પિતૃલોકમાં આ પ્રથાની શરૂઆત થઈ કે વર્ષે એક વાર બધાને એ છૂટ મળે છે કે તેઓ કોઈ ને કોઈ રૂપ લઈને પોતાના પરિવાર પાસે પાછા જઈ શકે અને તેમને મળી શકે.
બધાં બાળકો અને યુવાનો પૃથ્વી પર જવા માટે અને પોતાના પરિવારને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતાં. પરિવારને મળવા માટે નિયમ અનુસાર તેઓ ગાય, કાગડો, કૂતરો કે કીડીનું સ્વરૂપ લઈને પૃથ્વી પર જઈ શકે છે. શ્રાદ્ધ પક્ષમાં માણસો આ સ્વરૂપોને જ પોતાના પૂર્વજ સમજીને તેમને અન્ન અર્પણ કરે છે. નાનકડી પરી તો પોતાની મમ્મીને મળવા ઘણી ઉતાવળી થઈ રહી હતી. કૅન્સરે તેને તેની મમ્મીથી દૂર કરી દીધી હતી. તેને તેની મમ્મીના હાથની ખીર ખૂબ જ ભાવતી હતી. ખુશ થઈને તેણે દેવતાને કહ્યું, ‘મમ્મી દર વર્ષે મારા શ્રાદ્ધ પર ખીર બનાવે છે. ગયા વર્ષે હું કાગડાનું રૂપ લઈને ગઈ હતી તો ઓછી ખીર ખવાણી હતી, પણ આ વર્ષે તમે મને ગાયનું રૂપ આપજો તો હું માના હાથની ખીર વ્યવસ્થિત ખાઈ શકું.’
અકસ્માતથી મૃત્યુ પામેલા અંકિતે વિચાર્યું કે તેને કીડીનું રૂપ જ મળે તો સારું. તેણે કહ્યું, ‘જો હું કીડી બનીશ તો આખો દિવસ ઘરમાં રહી શકીશ. મારી પત્ની અને દીકરી સાથે જીવન તો ન વિતાવી શક્યો; પણ શ્રાદ્ધનો એક દિવસ આખો તો તેમને જોઈ શકીશ, તેમની વચ્ચે રહી શકીશ એટલું જ મારા માટે ઘણું થઈ પડશે.’
આ બધા વચ્ચે પિતૃલોકમાં હમણાં જ આવેલા મહેતાકાકા અને કમળાકાકીએ હઠ પકડેલી કે તેમને પૃથ્વીલોક નથી જ જવું. બધાનું આવવા-જવાનું મૅનેજમેન્ટ જોઈ રહેલા દેવતાઓએ તેમને સમજાવ્યું કે આ એક નિયમ છે જેનું પાલન બધાએ કરવું જ પડે. એમાંના એકે ખૂબ પ્રેમથી કહ્યું, ‘જેમનાં પણ મૃત્યુ થયાં છે તેમણે શ્રાદ્ધ દરમ્યાન પૃથ્વીલોક પોતાના ઘરના સદસ્યોને મળવા માટે પાછા જવું પડે છે. તમારું મૃત્યુ તો હમણાં જ થયું છે. તમારું તો પિંડદાન પણ બાકી છે. તમારો સંપૂર્ણ પરિવાર એકત્રિત થઈને તમારી રાહ જોઈ રહ્યો હશે. તમારા બન્ને દીકરાઓ પાસે તમારે નથી જવું?’”
આ વાત સાંભળીને કાકા-કાકીનું કચવાયેલું હૃદય જાણે કે તેમના ચહેરા પર તરી આવ્યું. કાકા બોલી ઊઠ્યા, ‘જેમણે જીવતેજીવ અમને બન્નેને વૃદ્ધાશ્રમમાં દાન આપી દીધાં હોય તે અમારું પિંડદાન શું કરવાના?’
આંખોમાં આંસુ લઈને કમળાકાકી બોલ્યાં, ‘તમે શું ઇચ્છો છો કે જે લોકો અમને બે ટંકનું ખાવાનું ન આપી શક્યા હોય તેમની છત પર કાગડો બનીને અમે જઈએ? તેમની થાળીમાં પીરસેલી ખીર-પૂરી શું ખાઈ શકીએ અમે?’
કાકીને રડતાં જોઇને મહેતાકાકાએ કહ્યું, ‘શું તું પણ! જીવતી હતી ત્યારે આખું ઘડપણ તે રોવામાં વિતાવ્યું છે. અહીં પિતૃલોકમાં પણ તારી રોવાની આદત ગઈ નથી. આપણે સ્વર્ગની સીડી સુધી તો પહોંચી જ ગયાં. સુખની આટલી નજીક આવીને પણ તું રડ્યા જ કરે છે. અહીં કોઈ પરિવાર નથી જે તમને દુખ આપી શકે, કોઈ દીકરો નથી જે તમને ઘરથી બેઘર કરી શકે.’
કાકીનું રડવું શાંત થતું નહોતું. તેઓ બોલ્યાં, ‘બાળકોએ દીધેલી પીડા એટલી તીવ્ર છે કે શરીર છૂટી ગયું પણ પીડા છૂટતી નથી.’
તેમની વાતો સાંભળીને પિતૃલોકના બીજા હજારો વડીલોની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યાં. તેમણે બધાએ દેવતાઓને કહ્યું કે શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે, પણ જે બાળકોએ તેમને જીવતેજીવ શાંતિ લેવા ન દીધી તે બાળકોની આ પૂજાનું કોઈ મહત્ત્વ નથી. આ વાત પર બધા વડીલો એકત્રિત થયા, એક અરજી લખી અને આ નિયમ બદલવાની માગણી કરી. જે વ્યક્તિને શ્રાદ્ધ દરમ્યાન પૃથ્વી પર જવાની ઇચ્છા જ ન હોય તેને નિયમમાં બાંધીને પરાણે તેના મનના ઘા પર મીઠું ભભરાવવા માટે પૃથ્વી પર પાછી ન મોકલવામાં આવે. આ અરજી પર અગણિત દુખી માતા-પિતાઓએ સાઇન કરી. આ અરજીને તાત્કાલિક રીતે મંજૂર કરવામાં આવી, કારણ કે આટલું દુખ ભોગવ્યા પછી વિધાતા પણ ઇચ્છતા હતા કે આ માતા-પિતાને ફક્ત ને ફક્ત સુખની પ્રાપ્તિ થાય. જે ખુશીથી પોતાના આપ્તજનોને મળવા ઇચ્છતા હતા ફક્ત તેમના જવાનો પ્રબંધ કરવામાં આવ્યો. જોકે આનું મૅનેજમેન્ટ સંભાળવાવાળા તો ખુશ હતા કારણ કે તેમનું કામ અડધું પણ બચ્યું નહોતું.
નિયમમાં બદલાવથી બધા જ ખુશ હતા, પણ આપત્તિજનક વાત એ હતી કે સ્વર્ગની સીડી ચડનાર પણ દુખી ન રહી શકે. તેણે પોતાનાં બધાં જ દુખોને દૂર કરીને જ આ સીડી પર પગ મૂકી શકાય. પરિવારવાળાના દુર્વ્યવહારથી હજી પણ વ્યથિત હોય એવી વ્યક્તિઓ માટે કશું કરવું તો પડશે. એ દિવસે ઉપાય-સ્વરૂપ બધા લોકોએ પિતૃલોકમાં જ શ્રાદ્ધની વિધિ કરી. પોતાના કડવા સંબંધોની કડવી યાદનું શ્રાદ્ધ બધાએ કર્યું અને ખુદના આત્માને શાંતિ પ્રદાન કરી.
જીવતેજીવ જેણે શાંતિથી શ્વાસ લેવા નથી દીધો, આજે તે મારા આત્માની શાંતિ માટે પૂજા કરી રહ્યા છે!
જેને આપત્તિ હતી મારી બે રોટલી પર, તે આજે શ્રાદ્ધમાં
ખીર-પૂરી ખવડાવવાની જીદ કરે છે.
જીવનભર પીડા ભોગવી છે મેં મારા જ સંબંધોથી
પણ હવે નહીં.
મને શૂળની જેમ ખૂંચતા સંબંધોનું શ્રાદ્ધ આજે હું કરીશ.
આજે તેમણે દીધેલી પીડાનું પિંડદાન હું કરીશ.
કારણ કે હું આત્મા છું, મારી શાંતિની ખોજ હું ખુદ કરીશ.
