Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમદાવાદના આ ડૉક્ટરની હૉસ્પિટલની બહાર છે કોની પાસેથી કેટલી ફી લેવી એનું બોર્ડ: જેની આવક ઝીરો, તેની ફી ઝીરો

અમદાવાદના આ ડૉક્ટરની હૉસ્પિટલની બહાર છે કોની પાસેથી કેટલી ફી લેવી એનું બોર્ડ: જેની આવક ઝીરો, તેની ફી ઝીરો

Published : 11 October, 2026 03:12 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

હવે કોરોનાકાળ પછી તેઓ એક પણ રૂપિયો નથી લેતા, ફીનું સ્ટ્રક્ચર અસિસ્ટન્ટ ડૉક્ટરો માટે છે

ડૉ. નંદલાલ માનસેતા તેમની હૉસ્પિટલમાં. તસવીર : જનક પટેલ, દરદીની આવક પ્રમાણે તપાસ-ફીનો ચાર્ટ.

ડૉ. નંદલાલ માનસેતા તેમની હૉસ્પિટલમાં. તસવીર : જનક પટેલ, દરદીની આવક પ્રમાણે તપાસ-ફીનો ચાર્ટ.


૮૦ વર્ષની ઉંમરે પણ હૉસ્પિટલમાં રોજના ૧૦૦ જેટલા દરદીઓને તપાસતા નાક, કાન અને ગળાના નિષ્ણાત ડૉ. નંદલાલ માનસેતાએ પચીસ વર્ષ પહેલાં દરદીઓને મદદ કરવાની ભાવનાથી કંઈક કરવાનું વિચાર્યું અને દરદીની આવક મુજબ ફીનું સ્ટ્રક્ચર બનાવ્યું. હવે કોરોનાકાળ પછી તેઓ એક પણ રૂપિયો નથી લેતા, ફીનું સ્ટ્રક્ચર અસિસ્ટન્ટ ડૉક્ટરો માટે છે

આજના મોંઘવારીના સમયમાં પરિવારમાં કોઈ માંદું ન પડે એવી બધા જ કરતા હોય છે, કેમ કે મેડિકલ સારવાર કરાવવી એટલી મોંઘીદાટ થઈ ગઈ છે કે સામાન્ય કે મધ્યમ વર્ગના માણસને પોસાય એમ જ નથી. આવા સમયે અમદાવાદમાં એક એવા પણ ડૉક્ટર છે જેઓ દરદીની મહિનાની આવક પ્રમાણે તપાસ-ફી લે છે. જો દરદી એમ કહે કે મારી આવક જ નથી તો તેઓ દરદી પર ભરોસો કરીને એક રૂપિયો પણ ફી લીધા વગર તે દરદીની સારવાર કરે છે.



દરદીઓમાં વિશ્વાસ મૂકીને તેમની સેવા કરવા માટે તત્પર હોય એવા કદાચ આંગળીના વેઢે ગણી શકાય એવા ડૉક્ટરોમાંના એક એટલે અમદાવાદના ડૉ. નંદલાલ માનસેતા. ૮૦ વર્ષની ઉંમરે પણ ઇઅર, નૉઝ અને થ્રૉટ (ENT) એટલે કે કાન, નાક અને ગળાના આ નિષ્ણાત ડૉક્ટર સવાર પડે એટલે તેમની હૉસ્પિટલમાં પહોંચી જાય છે. ‘મિડ-ડે’એ જ્યારે તેમની હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે દરદીઓની લાંબી લાઇન જોવા મળી. ડૉ. માનસેતા રોજના અંદાજે ૧૦૦ જેટલા દરદીઓને તપાસે છે એટલું જ નહીં, તેઓ અમદાવાદમાં દિવ્યાંગોની સંસ્થા તેમ જ સાવરકુંડલામાં આવેલી હૉસ્પિટલમાં પણ સેવા આપે છે. આ ડૉક્ટરે દરદીને કેન્દ્રમાં રાખીને એક એવો નિર્ણય કર્યો કે દરદી ડૉક્ટરથી દૂર થવાને બદલે નિશ્ચિંત થઈને પોતાનું દરદ બતાવવા આવે અને રાહતનો શ્વાસ લે. એ રીતે આયોજન કરીને દરદીની મહિનાની જે આવક હોય એ પ્રમાણે તેની પાસેથી તપાસ-ફી લેવાનું શરૂ કર્યું. ડૉક્ટરના આ નિર્ણયમાં તેમના પરિવારે સાથ આપ્યો
અને શરૂ થઈ દરદીઓને આર્થિક રીતે રાહત અપાવવાની સફર.


દરદીઓને રાહત અપાવતો નિર્ણય

દરદીઓની આવક પ્રમાણે તપાસ-ફી લેવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે વાત કરતાં ડૉ. નંદલાલ માનસેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘છેલ્લાં પચીસ વર્ષથી આ રીતે ફી લઈએ છીએ. એની પાછળનું કારણ એ છે કે આજથી પચીસ વર્ષ પહેલાં મને એક દિવસ વિચાર આવ્યો કે મારાં પત્ની ગાયનેકોલૉજિસ્ટ છે, દીકરો લંડન છે, દીકરી અમેરિકા છે. આવક ઘણી છે, અમે બરોબર સેટલ છીએ તો દરદીઓ માટે શું કરી શકાય? એટલે વિચાર કર્યો કે દરદીઓ માટે બોર્ડ મૂકવું કે ‘જેની આવક ઝીરો, તેની ફી ઝીરો.’ મારાં પત્ની ડૉ. ઇલા, મારો દીકરો હર્ષ અને દીકરી ખુશાલી સમક્ષ આ વિચાર મૂક્યો તો પરિવારના સભ્યોએ કહ્યું કે ‘કરો કંકુના’. એટલે એ સમયે બાપુનગરની સમજુબા હૉસ્પિટલમાં, જ્યાં હું કન્સલ્ટિંગ કરતો હતો ત્યાં દરદીની આવક પ્રમાણે ફી લેવાનું શરૂ કર્યું હતું. દરદીની માસિક આવક જો કંઈ ન હોય તો તેની પાસેથી તપાસ કરવાની ફી એક પણ રૂપિયો લેવાની નહીં. જો માસિક આવક ૧૦૦૦ રૂપિયા હોય તો માત્ર ૧૦ રૂપિયા તપાસ કરવાની ફી લેવાની. જો ૨૦૦૦ રૂપિયા આવક હોય તો ૨૦ રૂપિયા, ૫૦૦૦ રૂપિયા આવક હોય તો ૫૦ રૂપિયા, ૧૦,૦૦૦ રૂપિયા આવક હોય તો ૧૦૦ રૂપિયા, ૫૦,૦૦૦ આવક હોય તો ૫૦૦ રૂપિયા અને ૧,૦૦,૦૦૦ આવક હોય તો ૧૦૦૦ રૂપિયા ફી લેવાનું નક્કી કર્યું હતું. આજે પણ આ નિયમ ચાલુ રાખ્યો છે. હૉસ્પિટલમાં આવતા દરદીની આવક જાણવા માટે મારે કોઈ આવકના દાખલાની જરૂર નથી. દરદી કહે એ મારા માટે બ્રહ્મવાક્ય. દરદીઓમાં મને પૂરેપૂરો ભરોસો છે. આમાં મારો કોઈ રોલ નથી. પરમ શક્તિએ મને સુઝાડ્યું અને મેં આ બોર્ડ મૂક્યું, કેમ કે પેશન્ટ મારા માટે દરદીનારાયણ છે.’


રોજના ૧૦૦થી વધુ પેશન્ટ

૮૦ વર્ષની ઉંમરે પણ યુવાન જેવી સ્ફૂર્તિથી કામ કરતા ડૉ. માનસેતા પાછલી ઉંમરે પણ પ્રવૃત્તિશીલ છે. રોજ હૉસ્પિટલમાં જવું અને દરદીઓની તપાસ કરવી એ તેમનો નિત્યક્રમ છે. આ બાબતે ડૉ. નંદલાલ માનસેતા કહે છે, ‘અમદાવાદમાં આવેલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની શારદાબેન હૉસ્પિટલમાં હું વર્ષો પહેલાં ENT સ્પેશ્યલિસ્ટ તરીકે જોડાયો હતો. મને એ સમયે ૧૦૦ રૂપિયા માનદ વેતન મળતું હતું. સવારે નવથી ૧૨ વાગ્યા સુધી ત્યાં દરદીઓની સારવાર કરતો. ક્યારેક દરદીઓ વધુ હોય તો એક પણ વાગી જાય. પછી શારદાબેન હૉસ્પિટલ છોડીને બાપુનગર વિસ્તારમાં સમજુબા હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડૉક્ટર તરીકે કામ શરૂ કર્યું. દરમ્યાન અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં જગ્યા લઈને ENTની હૉસ્પિટલ શરૂ કરી. આ ઉપરાંત ગુરુકુળ રોડ પર પણ સાંજના સમયે દરદીઓને તપાસવાનું કામ શરૂ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. આજે હું રોજના ૧૦૦થી વધુ પેશન્ટ્સ ચેક કરું છું. મને યાદ છે કે એ જમાનામાં બાપુનગર વિસ્તારમાં હીરાનાં કારખાનાં બહુ ચાલતાં હતાં. જોકે પાછળથી મંદીને કારણે ઘણાં કારખાનાં બંધ થયાં. એવા સમયે મારે ત્યાં જે દરદીઓ આવતા તેઓ બોર્ડ જોઈને રાજી થતા અને મને કહેતા કે અમારી આવક બંધ છે એટલે તમે એક પણ રૂપિયો લેતા નથી એ અમારા માટે રાહત અપાવતી બાબત છે. હાલમાં હું મારી હૉસ્પિટલ ઉપરાંત અમદાવાદમાં શ્રીમદ રાજચંદ્ર સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની ઉમંગ સંસ્થામાં સેવા આપું છું. મારો જન્મ સાવરકુંડલામાં થયો છે અને ત્યાં વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન ટ્રસ્ટ ચાલુ કર્યું છે. એમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના આરોગ્ય મંદિરમાં સેવા આપું છું. આ ઉપરાંત ધોળા જંક્શન પાસે ટીંબી ગામે સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હૉસ્પિટલમાં પણ સેવા આપું છું.’

કોરોનાકાળથી ફી લેવાનું કર્યું બંધ

કોરોનાકાળથી મેં દરદીઓની તપાસ-ફી લેવાનું બંધ કર્યું છે એમ કહીને ડૉ. નંદલાલ માનસેતા કહે છે, ‘કોરોના સમયે મને થયું કે હવે મારે દરદીઓની તપાસ કરવાની ફી નથી લેવી એટલે એનો અમલ શરૂ કરી દીધો. હા, કોઈને એમ થાય કે મારે કંઈક દાન આપવું છે તો એક ડબ્બો મૂક્યો છે એમાં દાન કરે છે. જોકે મારી હૉસ્પિટલમાં મારા પાંચ અસિસ્ટન્ટ છે એટલે તેમના માટે થઈને બોર્ડ પ્રમાણેની તપાસ-ફી લઈએ છીએ. આમાં મારો કોઈ રોલ નથી. તમે શ્રેષ્ઠ વિચારો એટલે ઈશ્વર આવીને કામ પાર પાડે છે. તમે શ્રેષ્ઠ કામ કરો, ભગવાનને ગમતું કામ કરો તો લક્ષ્મીજી આવે છે. હું માનું છું કે કામ એવું કરવું જેથી રાતે ઊંઘ આવી જાય. આ વાક્ય યાદ રાખીને આજે ૮૦ વર્ષની ઉંમરે પણ હું કામ કરીને રાતે શાંતિથી સૂઈ જાઉં છું.’

બધામાં રામ અને શિવ જુઓ

સમાજની વચ્ચે રહીને સારા-નરસા અનુભવો સાથે જીવનના ૮ દાયકા વિતાવનાર ડૉ. નંદલાલ માનસેતા સમાજને મેસેજ આપતાં કહે છે, ‘સમાજની જરૂરિયાત હોય, સમાજનો બર્નિંગ પ્રૉબ્લેમ હોય અને જો તમે કામ હાથમાં લો તો તમારા નસીબમાં ન લખ્યું હોય તો પણ ભગવાન તમારા હાથે કામ કરાવે. જોકે એમાં તમારો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. તો ઈશ્વર કામ પૂરું કરી આપે છે. હું તો ઠક્કર છું. જલારામબાપાએ કહ્યું હતું કે ‘રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ’. બધામાં રામ જુઓ, બધામાં શિવ જુઓ એટલે તમારો બેડો પાર.’

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 03:12 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK