Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મેં કહ્યું, ભારત માતા કી... પણ એ લોકો જય ન બોલ્યા; મને આ વાતનો રંજ છે

મેં કહ્યું, ભારત માતા કી... પણ એ લોકો જય ન બોલ્યા; મને આ વાતનો રંજ છે

Published : 23 March, 2026 02:00 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કંદહાર હાઇજૅકમાં ભારતીયોને બચાવવા માટે તેમની પાસે ગયેલા એ સમયના ઇન્ટેલિજન્ટ બ્યુરોના જૉઇન્ટ ડિરેક્ટર અજિત ડોભાલ આ વાત પર દુખી થઈ ગયા હતા કે તેમના દેશવાસીઓએ ડરીને ‘જય’ ન કહ્યું. એક અતિ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ આવી નાની બાબતમાં દુખી કેવી રીતે થઈ?

અજિત ડોભાલ

PoV

અજિત ડોભાલ


છેલ્લા ચાર મહિનાથી એક ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જેનું નામ છે ‘ધુરંધર’. હજી ૨-૩ મહિના એ ચાલશે. ૧૩૦૦ કરોડ પહેલી મૂવીએ કમાઈ લીધા છે અને બીજી એનો પણ રેકૉર્ડ તોડવા માટે રિલીઝ થઈ ગઈ છે પરંતુ મને આજે વાત કરવી છે ‘ધુરંધર’ના પહેલા સીનની. ૧૯૯૯માં થયેલું કંદહાર હાઇજૅક એક એવી ઘટના હતી જે ૨૭ વર્ષ પછી પણ લોકોને બરાબર યાદ છે. ‘ધુરંધર’માં આ ઘટનાને એક રેફરન્સ તરીકે લેવામાં આવી છે જે એક હીરોનો ઇન્ટ્રોડક્શન સીન છે. એ હીરો એટલે આર. માધવન, જેણે ભજવેલા પાત્રનું નામ ફિલ્મમાં અજય સન્યાલ છે. એ ભારતના હાલના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ પર આધારિત પાત્ર છે. એ સમયે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોના જૉઇન્ટ ડિરેક્ટર હતા. તેઓ કંદહારમાં આતંકવાદીઓ સાથે ડીલ કરી રહ્યા હતા. આતંકવાદીઓએ પહેલી ડિમાન્ડ એ મૂકી હતી કે તેમના ૩૬ આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરીને તેમને સોંપવામાં આવે. અજિત ડોભાલ પાસે આ લોકો સાથે ડીલ કરવાનો ખૂબ જ સારો અનુભવ હતો અને તેમની વાતચીતને કારણે જ, હા, ફક્ત વાતચીતને કારણે જ ૩૬માંથી તેઓ ત્રણ આતંકવાદીની ડિમાન્ડ સુધી પહોંચ્યા હતા. વિચારો... આપણાથી ઘણી વાર ઘરની વ્યક્તિને મનાવવી અઘરી થઈ પડે છે ત્યાં આ માણસે આતંકવાદીઓને મનાવ્યા અને તેમની ડિમાન્ડને ઓછી કરાવડાવી હતી.

કઈ વ્યક્તિ આ પ્રકારની લેણદેણની વાતચીતમાં અવ્વલ હોઈ શકે? જે સામેવાળાની રગ-રગની જાણકાર હોય. જેનો ફક્ત IQ (ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ) જ નહીં, EQ (ઇમોશનલ ક્વોશન્ટ) પણ ખૂબ વધારે હોય. જે જુદા દેશના, જુદી ભાષા ધરાવતા, તદ્દન જુદા વિચારો ધરાવતા માણસને પણ માણસ તરીકે ખૂબ સારી રીતે સમજીને તેની સાથે નેગોશિએટ કરી શકે છે. સુપ્રીમ ઇન્ટેલેક્ટ ધરાવતા આ લોકોમાં ગજબની હિંમત પણ હોય છે. ૧૯૭૨-’૭૪માં તેઓ મિઝોરમમાં ઉગ્રવાદીઓ સાથે જાસૂસ બનીને રહ્યા અને તેમને વિશ્વાસમાં લઈને મિઝોરમને ભારતથી અલગ ન થવા દીધું. ડોભાલ ૧૯૮૦-’૮૭ સુધી ખુદ ૭ વર્ષ પાકિસ્તાનમાં છૂપી રીતે જાસૂસ બનીને રહ્યા હતા. એ સમયે પાકિસ્તાનમાં કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કરવાનું પ્લાનિંગ ચાલતું હતું જેની માહિતી એકઠી કરવા તેઓ ત્યાં ગયેલા. ૧૯૮૮માં ગોલ્ડન ટેમ્પલના ઉગ્રવાદીઓને પકડાવવાવાળી તેમની બહાદુરીનો કિસ્સો તો ખૂબ જ રસપ્રદ છે. અજિત ડોભાલની બહાદુરી અને તેમની બુદ્ધિપ્રતિભાએ આ દેશને ઘણાં સંકટોમાંથી બહાર કાઢ્યો છે એમ કહી શકાય.



‘ધુરંધર’ના એ સીન પર પાછા આવીએ તો એમાં બતાવે છે કે આર. માધવન પ્લેનમાં ઉપર જાય છે ત્યારે ત્યાં લોહી જોઈને સમજી જાય છે કે મારા લોકોનું લોહી વહાવ્યું છે આ આતંકવાદીઓએ. તેમને એ જોઈને ખૂબ ગુસ્સો આવે છે. અંદર જ્યારે ગનપૉઇન્ટ પર પોતાના દેશની વ્યક્તિને જુએ છે ત્યારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેઓ કહે છે કે બંદૂક કી નોક પે બાતચીત નહીં હોગી. એ જ સેકન્ડે આતંકવાદી તેમની વાત માની લે છે. તેઓ આતંકવાદીઓને જણાવે છે કે સરકાર તેમને તેમના ત્રણ આતંકવાદીઓ આપવા તૈયાર છે અને તેમની નિશ્ચિત થયેલી રકમ પણ તેમને મળી જશે. એ પછી આર. માધવન પૅસેન્જર સાથે વાત કરવા માટે અંદર જાય છે. તેમની આંખ પરથી પટ્ટીઓ હટાવવાનું કહીને તેમને રિલૅક્સ કરે છે. એ ફસાયેલા લોકોને બાંહેધરી આપે છે અને કહે છે કે કાલે સાંજે તમને બધાને સહીસલામત ભારત પાછા લઈ જઈશું, તમે આ કઠિન પરિસ્થિતિમાં ધીરજ રાખી એ બદલ દેશ તમારો આભારી છે. એ પછી તેમણે જોરથી લલકાર્યું... ભારત માતા કી... બધા પૅસેન્જર ચૂપચાપ તેમને જોઈ રહ્યા. તેઓ ફરીથી જોરથી બોલે છે, ભારત માતા કી... પણ એક પણ પૅસેન્જર ‘જય’ બોલતો નથી કારણ કે ત્યારે આતંકવાદીએ તેમની સામે બંદૂક તાણેલી હતી. એ સમયે આર. માધવનની આંખમાં ગુસ્સો દેખાય છે. મોઢા પર ભારોભાર ડિસઅપૉઇન્ટમેન્ટ. અહીં સુધીનો સીન ડિરેક્ટર આદિત્ય ધરનો ઉપજાવી કાઢેલો કે કલ્પના કરેલો સીન નથી, આ હકીકત છે જે અજિત ડોભાલે તેમના એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી હતી. એ ઇન્ટરવ્યુમાં તેઓ કબૂલે છે કે મેં કહ્યું ભારત માતા કી... પણ એ લોકો જય ન બોલ્યા, મને આ વાતનો રંજ હતો કે આ લોકો આટલા ડરી ગયા છે. જેણે પોતાના, પોતાના પરિવારના જીવનને દાવ પર મૂકીને હિંમતવાળાં કામ કર્યાં હોય એ વ્યક્તિને સામે ડરપોક દેખાતી પ્રજા કઠી ગઈ. તેમણે એવું કહ્યું નહીં પણ કદાચ તેમને થયું હશે કે આવા લોકો માટે અમે રાત-દિવસ મરીએ છીએ?


આ સીન જોયો ત્યારે તરત મને એ વિચાર આવ્યો કે પ્લેનમાં બેઠેલા બધા જ મુસાફરોએ સાચું જ કર્યું. સામે કોઈ બંદૂક તાણીને ઊભું હોય, ભારત માતા કી જય બોલવાથી મૃત્યુ મળવાનું રિસ્ક હોય તો કોણ છે એ મૂર્ખ કે જે જય બોલે? એ જય બોલવાથી કે નહીં બોલવાથી દેશપ્રેમ થોડો સિદ્ધ થાય છે? કોઈ પણ રૅશનલ કે સમજદાર વ્યક્તિ આવું જ કરે. જેનામાં થોડી પણ બુદ્ધિ હોય એ વ્યક્તિ આવા સમયે જય બોલવા જેવી ભૂલ ન જ કરે. પણ આટલી વાત અજિત ડોભાલની સમજમાં કેમ નહીં આવી હોય? તેમનામાં તો આપણા કરતાં ઘણી વધુ બુદ્ધિ છે છતાં આવી ક્ષણે તેઓ કેમ ઇમોશનલ થઈ ગયા?

થોડો વિચાર કરીએ. અજિત ડોભાલ જેવી વ્યક્તિ જે અતિ હોશિયાર છે, જેમની બુદ્ધિપ્રતિભાનો કોઈ જવાબ જ નથી તેમની વિચારસરણી અત્યંત તર્કબદ્ધ જ હોવી જોઈએ. તેમના નિર્ણયો જીવનમાં રૅશનલ જ હોવાના એટલે કે તેઓ ભાવનામાં વહીને ખોટા નિર્ણયો તો નહીં જ લેતા હોય એમ માની શકાય. તે તો તર્કનો હાથ પકડીને જ ચાલતા હશે તો જ એ દેશની સિક્યૉરિટી પર કામ કરતા હોઈ શકે. પરંતુ એ તેમના કૅરૅક્ટરનું એક પાસું છે. બીજી તરફ એ વ્યક્તિ સાચી દેશભક્ત છે. પોતાનું આખું જીવન તેમણે દેશ માટે સમર્પિત કર્યું છે. તેઓ ઇચ્છત તો પોતાની આવી બુદ્ધિપ્રતિભા સાથે બીજું કંઈ પણ કરી શકત, પરંતુ દેશની સિક્યૉરિટીનું આ લેવલનું કામ કરવા માટે ટોચની બુદ્ધિપ્રતિભાની સાથે-સાથે દેશ માટે લખલૂટ પ્રેમ હોવો જરૂરી છે. સાઇકોલૉજી કહે છે, પ્રેમ અને સમર્પણ બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે અઘરી બાબતો છે. જ્યારે તમે દરેક પગલું તમારી બુદ્ધિના દમ પર જ ભરતા હો ત્યારે એને બાજુ પર મૂકીને પૂરેપૂરું સમર્પણ કરવાનું કેટલું અઘરું છે. આંધળો ન હોય એ પ્રેમ ન હોઈ શકે અને છતી આંખે આંધળા બનવું અઘરું છે.


આપણે ત્યાં આજે હોશિયાર આઇઆઇટિયન્સ વિચારે છે કે અહીં રહીને તેમની બુદ્ધિપ્રતિભાની કિંમત સારી નહીં મળે એટલે તે દેશ છોડીને અમેરિકા તરફ દોટ મૂકે છે. કેટલા હોશિયાર વિદ્યાર્થીઓ વિદેશમાં માસ્ટર્સ અને PhD કરવા જાય છે અને ત્યાંની જાહોજલાલી, સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગથી આકર્ષાઈને ત્યાંની સંસ્થાઓમાં કામ કરવા લાગે છે. નાસા જેવી સંસ્થા ઇન્ડિયન વૈજ્ઞાનિકોથી ભરાયેલી છે. મલ્ટિનૅશનલ કંપનીઓના CEO ઇન્ડિયન છે. આજે આખી દુનિયા માને છે કે ભારતમાં જે પ્રકારનું એજ્યુકેશન છે એને કારણે આવી બુદ્ધિપ્રતિભાઓ ભારતમાંથી આવી રહી છે. વાત સાચી જ છે. જે આજે દેશ છોડીને જતા રહ્યા છે એ બધાને અહીંની સ્કૂલો અને કૉલેજોએ ખૂબ જ્ઞાન આપ્યું, તેમને ખૂબ હોશિયાર બનાવ્યા; પરંતુ એક વસ્તુ તેમની અંદર રેડવાની રહી ગઈ. એ છે દેશપ્રેમ. અજિત ડોભાલ અજમેરની આર્મી સ્કૂલમાં ભણેલા છે જે સ્કૂલે તેમને અતિ હોશિયાર બનાવ્યા જ પણ સાથે-સાથે તેમનામાં રેડ્યો દેશપ્રેમ. તેમના પિતા આર્મીમાં મેજર હતા એટલે ઘરમાંથી પણ તેમને દેશપ્રેમ ગળથૂથીમાં આપવામાં આવ્યો હતો. આ પ્રકારના ઉછેરને કારણે તેમની હોશિયારી દુનિયાની સૌથી મોટી લોકશાહીનું રક્ષણ કરવાના કામ આવી શકી. સમજી લઈએ, હજી પણ મોડું નથી થયું. આપણે દેશ છોડીને ચાલી નીકળતાં હોશિયાર બાળકોનું નિર્માણ કરવું છે કે અજિત ડોભાલ જેવા દેશને સમર્પિત જિનીયસ લોકોનું? બાળકોને ભણાવવાં જેટલાં જરૂરી છે એટલું જ તેમની અંદર નાનપણથી દેશપ્રેમ રેડવાનું પણ ખૂબ જરૂરી છે. અજિત ડોભાલ ૮૧ વર્ષના થઈ ગયા છે. તેમની હયાતીમાં જ ચાલો, તૈયાર કરીએ તેમના વારસદારોને.  

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 02:00 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK