Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સલામ કરીએ આ યંગસ્ટરની સેવાને

સલામ કરીએ આ યંગસ્ટરની સેવાને

Published : 23 March, 2026 07:11 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

પાંચ વર્ષથી ઍમ્બ્યુલન્સ એસ્કોર્ટ બનીને અનોખી રીતે લોકોનો મદદગાર થઈ રહ્યો છે મુલુંડનો કચ્છી યુવાન ચિરાગ ધરોડ

૧૮ માર્ચે એક ઍમ્બ્યુલન્સની આગળ ટ્રાફિક ક્લિયર કરતો ચિરાગ ધરોડ

૧૮ માર્ચે એક ઍમ્બ્યુલન્સની આગળ ટ્રાફિક ક્લિયર કરતો ચિરાગ ધરોડ


પાંચ વર્ષથી ઍમ્બ્યુલન્સ એસ્કોર્ટ બનીને અનોખી રીતે લોકોનો મદદગાર થઈ રહ્યો છે મુલુંડનો કચ્છી યુવાન ચિરાગ ધરોડ : અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ ઍમ્બ્યુલન્સ અને અડધો ડઝન ફાયર-એન્જિન માટે ટ્રાફિક ક્લિયર કરીને એમને ગણતરીના સમયમાં તેણે ગંતવ્યસ્થાન સુધી પહોંચાડ્યાં છે

મુંબઈમાં ભારે ટ્રાફિકમાં ફસાયેલી ઍમ્બ્યુલન્સ માટે એક બાઇકર એસ્કોર્ટ બનીને ઍમ્બ્યુલન્સને સમયસર સાયન હૉસ્પિટલમાં પહોંચાડવામાં મદદગાર થયો હતો. ૧૮ માર્ચે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક ઘટનામાં બદલાપુરના મયૂર બાગુલે કહ્યું હતું કે ‘હું મારી માતાને લઈને બદલાપુરથી સાયન હૉસ્પિટલ જઈ રહ્યો ત્યારે મારી ઍમ્બ્યુલન્સ રસ્તામાં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. એટલામાં એક અજાણ્યો બાઇકર અમને મદદ કરવા આગળ આવ્યો હતો. તેણે ઍમ્બ્યુલન્સની આગળ એસ્કોર્ટ બનીને ટ્રાફિકનું સંચાલન કરીને અને વાહનોને એક બાજુ જવા માટેના સંકેત આપીને ઍમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે હૉસ્પિટલ પહોંચાડી હતી.’



આ યુવાન બાઇકર અત્યારે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે.


આ યુવાન મુલુંડનો રહેવાસી છે. તેનું નામ છે ચિરાગ ધરોડ. કે. જે. સોમૈયા કૉલેજનો ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયર કચ્છી યુવાન ચિરાગ ધરોડ છેલ્લાં પાંચ વર્ષથી આ સેવા લોકોને આપી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ૨૫૦થી વધુ ઍમ્બ્યુલન્સ અને અડધો ડઝન ફાયર-એન્જિનને ગણતરીના સમયમાં મુંબઈના ધમાલિયા અને ટ્રાફિક જૅમવાળા રસ્તાઓ પર ગંતવ્યસ્થાન સુધી પહોંચાડ્યાં છે.’

જો સરકાર પાસે કાયદાઓ છે અને નાગરિકોની ઇચ્છાશક્તિ પણ છે તો આપણા મહાનગરના બમ્પર ટુ બમ્પર ગ્રિડલૉકમાં હજી પણ ‘ગોલ્ડન અવર’ કેમ ખોરવાઈ રહ્યો છે? આ કરોડ રૂપિયાનો સવાલ ચિરાગ ધરોડને સતાવી રહ્યો છે. જોકે આ મૂંઝવણ હોવા છતાં ચિરાગ તેના મૌન મિશન દ્વારા મોટરબાઇક પર એસ્કોર્ટ બનીને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા લોકોના પરિવારજનો માટે મદદગાર બની ગયો છે. મુંબઈના મોટા ભાગના લોકો જ્યારે ટ્રાફિક જૅમને એક અસુવિધા તરીકે જોઈ રહ્યા છે ત્યારે ૩૧ વર્ષનો ચિરાગ ધરોડ આ સમસ્યાને ઘાતક પરિણામો સાથે મૅથેમૅટિકલ ફેલ્યર તરીકે જોઈ રહ્યો છે. તે માને છે કે આ દરેક વ્યક્તિ દ્વારા સર્જાયેલી સમસ્યા છે એટલે જ દરેક વ્યક્તિએ એનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવી વિચારસણી સાથે ચિરાગે ૨૦૧૯થી જીવન અને મરણ વચ્ચેની એક પાતળી રેખાને દૂર કરવા માટે એક મિશનની શરૂઆત કરી હતી. આ મિશન તેણે એક સરળ સવાલ સાથે શરૂ કર્યું કે આપણા દેશમાં કેમ ઇમર્જન્સી વાહનોને અવરોધિત કરવા માટે કોઈ વાહનચાલક પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી?


ચિરાગ માને છે કે તેની પાસે શહેરના ગ્રિડલૉકને અનલૉક કરવાની ચાવી છે જે દરેક ઇમર્જન્સી કૉલને ગૅરન્ટીમાં ફેરવી દે છે. ચિરાગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતના ઉકેલ માટે હું છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છું. એ માટે હું હવે પોલીસના ટોચના સ્તરના અધિકારીઓ સાથે જોડાણ કરવા માટે વિચારી રહ્યો છું. આ સમસ્યાનો હલ હાથવેંતમાં છે, પણ એને પૂરો કરવા માટે એક ચોક્કસ પ્રકારની ધગશની જરૂર છે. આ અભિગમને પૂરો કરવા માટે મોટેથી સાયરન વગાડવાની કે કોઈ મોટો દંડ વસૂલ કરવાની પણ જરૂર નથી. એ માટે સરકાર, પોલીસ પ્રશાસન અને જાગરૂક નાગરિકો વચ્ચે એક સમન્વયની જરૂર છે. મેં આના માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે જે સૈદ્ધાંતિક રીતે શહેરની સમગ્ર ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમને ઑપ્ટિમાઇઝ કરી શકે છે. આ સેવાકાર્ય દેખાય છે એટલું સરળ નથી. એના માટે ખૂબ જ અભ્યાસ અને ટ્રેઇનિંગની જરૂર છે. નાનકડી ભૂલ સેવાને બદલે ક્યારેક ઉપાધિ બની શકે છે. મેં આ સેવાકાર્ય કરવાની સાથે વિદેશોમાં જ્યાં પોલીસ કે અન્ય કોઈ સંસ્થાઓ આ સેવા આપી રહી છે એમની સાથે ચર્ચાવિચારણા કરીને આના લાભાલાભનો અભ્યાસ કર્યો છે જેને કારણે હું આ સેવા સફળતાપૂર્વક આપી રહ્યો છું. એને મુંબઈ પોલીસ અને અન્ય નાગરિકો પણ ટ્રેઇનિંગ અને પૂરતો અભ્યાસ કરીને પાર પાડી શકે છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 07:11 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK