Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આનંદીને અભિનંદન આપ્યાં હતાં મહારાણી વિક્ટોરિયાએ?

આનંદીને અભિનંદન આપ્યાં હતાં મહારાણી વિક્ટોરિયાએ?

Published : 24 October, 2026 02:22 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગોપાળરાવ વિશે એક બીજી વાતનો ઉલ્લેખ પણ જોવા મળે છે. એક વખત પુણેમાં એક મિશનરી સંસ્થાની જગ્યામાં ચા-પાણી માટે તેમણે બાળ ગંગાધર ટિળક, મહાદેવ ગોવિંદ રાનડે, વાસુકાકા જોશી વગેરેને નોતર્યા. પછી એ વિશે જાહેરમાં લેખ લખ્યો.

નવલકથા પરથી બનેલી ફિલ્મનું પોસ્ટર, બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદિત જીવનચરિત્ર, મરાઠી નવલકથા ‘આનંદી ગોપાળ’.

ચલ મન મુંબઈનગરી

નવલકથા પરથી બનેલી ફિલ્મનું પોસ્ટર, બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદિત જીવનચરિત્ર, મરાઠી નવલકથા ‘આનંદી ગોપાળ’.


આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં

જાય કરેથી મર્મ સરી ત્યાં



આનંદીના જીવનમાં આવું જ કંઈક બન્યું. ૧૪ વર્ષની ઉંમરથી સપનું સેવ્યું ડૉક્ટર બનવાનું. અનેક અવરોધોનો સામનો કરીને અમેરિકા ગઈ. સ્ત્રીઓ માટેની મેડિકલ કૉલેજમાં દાખલ થઈ. પરદેશનાં હવા-પાણી માફક ન આવે તોય પરંપરાગત હિન્દુ ધર્મના બધા
આચાર-વિચારને વળગી રહી. આસપાસના બધા લોકોની માનીતી બની. ખંતપૂર્વક અભ્યાસ કરીને MDની ડિગ્રી મેળવી. કોલ્હાપુરની જનાના હૉસ્પિટલનાં વડાંની નોકરી સામે ચાલીને મળી ગઈ. ખૂબ નબળી તબિયતે મુસાફરી કરીને સ્વદેશ પાછી ફરી. સૌથી પહેલાં મુંબઈથી ગઈ જન્મભૂમિ પુણે. અને... અને... તેની જન્મભૂમિ જ તેની મૃત્યુભૂમિ બની. ફક્ત ૨૧ વર્ષની વયે વિદાય લીધી. એટલે દેશની પહેલવહેલી પ્રૅક્ટિસિંગ ડૉક્ટર ન બની.


અગાઉ આનંદી વિશે અહીં જે પ્રગટ થયું એ વાંચ્યા પછી એક મિત્રે ફોન કરીને પૂછ્યું : તમે આનંદી વિશે આટલું વિગતવાર લખો છો, પણ તેને ડિગ્રી મળી એ દિવસે રાણી વિક્ટોરિયાનો અભિનંદન આપતો સંદેશો મળ્યો હતો એ વાત કેમ ન લખી?

કારણ કે હકીકતમાં એવો કોઈ સંદેશો એ દિવસે તેને મળ્યો જ નહોતો. આ વિશે જે બન્યું હતું એની વિગતવાર નોંધ ૧૮૮૮માં પ્રગટ થયેલી આનંદીની જીવનકથામાં નોંધાઈ છે જે આ પ્રમાણે છે : કૉન્વોકેશન થઈ ગયા પછી કૉલેજના વડા ડૉ. રચેલ બોડલેએ કૉન્વોકેશન સમારંભનો વિગતવાર અહેવાલ રાણી વિક્ટોરિયાને મોકલ્યો હતો. કેમ વારુ? કારણ, એક તો આનંદી તાજના રાજની રૈયત હતી. બીજું, હિન્દુસ્તાનના વાઇસરૉય અને ગવર્નર જનરલથી માંડીને ઘણા અફસરો આનંદીને મદદરૂપ થયા હતા. ડૉ. બોડલેને જવાબ રાણીએ પોતે નહીં પણ તેમના પ્રાઇવેટ સેક્રેટરી સર હેન્રી પોનસોનબીએ ૧૮૮૬ની ૧૪ જુલાઈએ લખ્યો હતો જે આ પ્રમાણે હતો :


FROM WINDSOR

July 14th, 1886.

I am commanded by the Queen to request that you will kindly thank Dr. Bodley for having sent to her Majesty the account of Dr. Joshee’s graduation at the Woman’s Medical College of Pennsylvania, and to assure you that the Queen has read it with much interest.

પહેલી વાત એ કે આનંદીનું કૉન્વોકેશન હતું ૧૮૮૬ની ૧૧ માર્ચે. ઉપરનો સંદેશો લખાયો છે એ જ વર્ષની ૧૪ જુલાઈએ, એટલે કે કૉન્વોકેશન પછી લાંબા સમયે. બીજું, એ લખાયો છે રાણીના સેક્રેટરીની સહીથી. ત્રીજું, એમાં આભાર માન્યો છે અહેવાલ મોકલવા માટે ડૉ. બોડલેનો અને એમાં લખ્યું છે કે રાણીએ બહુ રસપૂર્વક એ અહેવાલ વાંચ્યો છે. ડૉ. આનંદી જોશીને મહારાણી તરફથી અભિનંદન પહોંચાડશો કે એ મતલબનું કશું જ લખ્યું નથી અને સેક્રેટરી એવું કશું ન લખે, કારણ કે રાણી વિક્ટોરિયા સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણનાં વિરોધી હતાં. સ્ત્રીઓને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી થાય એવું અને એટલું જ શિક્ષણ આપવું જોઈએ, વધુ નહીં એમ તેઓ માનતાં હતાં એટલે ઉપરનો સંદેશો એ માત્ર પહોંચનો છે, અભિનંદનનો નહીં.

બીજી વાત. ડિગ્રી મેળવીને આનંદીએ અમેરિકા છોડ્યું એ સાથે તેનો અમેરિકા સાથેનો સંબંધ પૂરો થયો? જવાબ છે : હા અને ના. ના એટલા માટે કે હિન્દુસ્તાન પાછા ફર્યા પછી થોડા જ વખતમાં આનંદીનું અવસાન થયું એટલે અમેરિકા સાથેનો દેખીતો સંબંધ તો પૂરો થયો, પણ આનંદીના અંતિમ સંસ્કાર પછી પરંપરાગત રીતે ગોપાળરાવે અસ્થિ અને ચિતાની ભસ્મ એકઠાં કર્યાં હતાં. આનંદીને અમેરિકા માટે અને ત્યાંના તેના યજમાનો, મિત્રો, સાથીઓ વગેરે માટે અનહદ પ્રેમ અને આદર હતો. એ આદર પ્રગટ કરીને તેનું સંભારણું કાયમ માટે સાચવી રાખવાના ઇરાદાથી ગોપાળરાવે આનંદીની ચિતાની ભસ્મ (કે અસ્થિ?) અમેરિકામાં આનંદીના ખાસ મિત્ર અને યજમાન મિસિસ કાર્પેન્ટરને મોકલી હતી અને પોતાના કુટુંબના અંગત કબ્રસ્તાનમાં મિસિસ કાર્પેન્ટરે એ પધરાવી હતી અને ઉપર તખ્તી મૂકી હતી. અલબત્ત, એ જમાનામાં હિન્દુસ્તાનથી છેક અમેરિકા સુધી આનંદીના છેલ્લા અવશેષો ગોપાળરાવે કઈ રીતે મોકલ્યા, એ ક્યારે અમેરિકા પહોંચ્યા વગેરે વિગતો જાણવા મળતી નથી. ફક્ત એ અવશેષો પરની તખ્તી અને એના પરનું લખાણ સચવાયાં છે.


‘એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી’. 

પણ ગોપાળરાવનું શું? આનંદીના અવસાન પછીના તેમના જીવન વિશે પ્રમાણમાં ઓછી માહિતી મળે છે, કારણ કે અગાઉ ગોપાળરાવનું નામ ગાજતું થયું હતું એ આનંદીના પતિ તરીકે. અલબત્ત, આનંદી અભ્યાસ માટે અમેરિકા જાય એ માટે ગોપાળરાવે ઘણા પ્રયત્નો કર્યા હતા અને છેવટે તેને અમેરિકા મોકલી હતી, પણ આનંદી અને ગોપાળરાવના સ્વભાવ અને વિચારો એકમેકથી ઘણા જુદા હતા અને અમેરિકન મિત્રોએ એની નોંધ પણ લીધી હતી. વળી ગોપાળરાવ ઘણી વાર વિચિત્ર કહી શકાય એવી હરકતો કરતા. જેમ કે અમેરિકાથી પાછા ફરતી વખતે સ્ટીમરની ટિકિટ બુક કરાવતી વખતે પોતાની જાતને આનંદીના નોકર તરીકે ઓળખાવવી, લંડનથી મુંબઈની ટિકિટ કઢાવવા જતી વખતે શિપિંગ કંપનીના સ્ટાફ સાથે ઝઘડો કરવો વગેરે. મીરાં કોસંબીએ કરેલા સંશોધનમાં જણાવાયું છે કે ઘણી વાર ગોપાળરાવના વિચારો પરસ્પરવિરોધી રહેતા. ગોપાળરાવ સ્ત્રીશિક્ષણ અને વિધવા વિવાહના ટેકેદાર હતા તો બીજી બાજુથી કેટલાક રૂઢ અને દૃઢ સામાજિક આચાર-વિચારને તેઓ ટેકો આપતા. જેમ કે સુધારક ગણાતા ગોપાળરાવ બાળલગ્નની પ્રથાને ટેકો આપતા! અને આનંદીના અવસાન પછી તો ગોપાલરાવની સમાજસુધારા માટેની ધગશ ધીમે-ધીમે ઘટતી ગઈ.

બીજી બાજુ ગોપાળરાવે અખબારો અને સામયિકોમાં લખવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ખાસ કરીને પુણેના અંગ્રેજી અખબાર ‘મરાઠા’માં અવારનવાર લખતા. એમાં ઘણી વાર પોતાના જીવનની વાતો પણ લખતા. આનંદી સાથેનાં લગ્ન એ ગોપાળરાવનાં બીજાં લગ્ન હતાં અને આનંદીનું અવસાન ઘણી નાની ઉંમરે થયું. તો શું ગોપાળરાવે આનંદીના અવસાન પછી ફરી લગ્ન કરેલાં? આ સવાલનો સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’માં જવાબ આપી શકાય એવો કોઈ પુરાવો મળતો નથી.

એક અહેવાલ પ્રમાણે આનંદીના અવસાન પછી ગોપાળરાવ ‘ધાર્મિક’ વૃત્તિના બન્યા હતા અને એક ‘અગ્નિહોત્રી’ તરીકે આખા હિન્દુસ્તાનની જાત્રા કરી હતી તો બીજા એક અહેવાલ પ્રમાણે નજીકના સગા ‘વાસુકાકા’ની મદદથી ગોપાળરાવે વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલ શરૂ કરી હતી, પણ એ ઝાઝો વખત ચાલી નહોતી. પછી તેમણે મદ્રાસ જઈને ચિત્રો વેચવાની દુકાન કાઢી હતી જે પણ ચાલી નહીં.

ગોપાળરાવ વિશે એક બીજી વાતનો ઉલ્લેખ પણ જોવા મળે છે. એક વખત પુણેમાં એક મિશનરી સંસ્થાની જગ્યામાં ચા-પાણી માટે તેમણે બાળ ગંગાધર ટિળક, મહાદેવ ગોવિંદ રાનડે, વાસુકાકા જોશી વગેરેને નોતર્યા. પછી એ વિશે જાહેરમાં લેખ લખ્યો. ત્યારે કેટલાક રૂઢિચુસ્ત હિન્દુઓએ એનો ઉગ્રપણે વિરોધ કર્યો હતો. છેવટે ૧૯૧૨માં ગોપાળરાવનું અવસાન થયું, પણ નથી મળતી અવસાનની તારીખ કે નથી મળતું સ્થળ. કેટલાકના કહેવા પ્રમાણે તેમનું અવસાન નાશિકમાં થયું હતું.

આનંદીબાઈનું એક જીવનચરિત્ર ૧૯૦૩માં પ્રગટ થયું હતું અને એ લખાયું હતું બંગાળીમાં, પણ એક મરાઠીભાષીના હાથે. તેમનું નામ સખારામ ગણેશ દેઉસકર. મૂળ મરાઠીભાષી, પણ જન્મથી જ કલકત્તામાં એટલે બંગાળીમાં લખતા. તેમનો જન્મ ૧૮૬૯ની ૧૭ ડિસેમ્બરે, અવસાન ૧૯૧૨ની ૨૩ નવેમ્બરે. મહર્ષિ અરવિંદ ઘોષ તો લખે છે કે ‘સ્વરાજ્ય’ શબ્દનો પહેલવહેલો ઉપયોગ દેઉસકરે કર્યો હતો. તેમણે બંગાળીમાં લખેલા જીવનચરિત્રનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો ૧૯૧૨માં. અનુવાદક હતા કોટા-રાજપૂતાનાના શિવપ્રસાદ દલપતરામ પંડિત. પ્રકાશન કર્યું હતું મુંબઈના સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે, જે પછીથી અમદાવાદ ખસેડાયું હતું. પહેલી આવૃત્તિની ૨૩૦૦ નકલ છપાઈ હતી અને કિંમત હતી કાચું પૂંઠું બે આના (આજના બાર પૈસા) અને પાકું પૂંઠું ત્રણ આના! એ જમાનામાં એક મરાઠી સ્ત્રી વિશેના બંગાળી પુસ્તકનો ગુજરાતી અનુવાદ થાય એટલું જ નહીં, એની પહેલી આવૃત્તિની ૨૩૦૦ નકલ છપાય. આજે આમ થવું લગભગ અશક્ય.

અલબત્ત, આનંદી વિશેનું સૌથી જાણીતું પુસ્તક એ તો શ્રી. જ. (શ્રીકૃષ્ણ જનાર્દન) જોશીની નવલકથા ‘આનંદી ગોપાળ’. ૧૯૬૮માં એની પહેલી આવૃત્તિ પ્રગટ થયા પછી એ અવારનવાર ફરી છપાતી રહી છે. એનો અંગ્રેજી અનુવાદ આશા દામલેએ કર્યો હતો. એક જમાનામાં દૂરદર્શન પર આવતી હિન્દી સિરિયલ ખૂબ લોકપ્રિય થઈ હતી. એનું દિગ્દર્શન કમલાકર સારંગે કર્યું હતું તો રામ જોગળેકરે કરેલું મરાઠી નાટ્યરૂપાંતર તખ્તા પર ખૂબ જ લોકપ્રિય થયું હતું. ૨૦૧૯માં પહેલાં મરાઠી ફિલ્મ રજૂ થઈ હતી અને પછીથી એને જુદી-જુદી ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી. આ નવલકથાનો સુવાચ્ય ગુજરાતી અનુવાદ ગોદાવરી પ્રદ્યુમ્ન દેસાઈએ કર્યો છે.

મૂળ મરાઠી નવલકથા વિશે એક હકીકત નોંધ્યા વગર આનંદીની આ વાત પૂરી ન કરાય અને એ વાતની એંધાણી પુસ્તકના કવરથી જ મળી જાય છે. અહીં કથાના કેન્દ્રમાં આનંદી છે એટલે કે એક નારી છે, પણ પૂંઠા પર ગોપાળરાવનું ચિત્ર કદમાં સૌથી મોટું છે અને આનંદીનું ઘણું નાનું અને એ પણ બીજી પાંચ-છ વ્યક્તિ સાથે મુકાયું છે. નવલકથાના નામાંકન પર પણ આનંદીની સાથોસાથ ગોપાળરાવનો સ્કેચ મૂક્યો છે. વાત આટલેથી અટકતી નથી. આખી નવલકથામાં આનંદીની સિદ્ધિ માટે જેટલું શ્રેય તેને પોતાને અપાયું છે એના કરતાં વધુ ગોપાળરાવને અપાયું છે. એટલે કે પુસ્તકના બાહ્ય તેમ જ અંતરંગ પર પિતૃસત્તાનો પૂરેપૂરો પ્રભાવ રહ્યો છે. એ જોઈને ખેવના દેસાઈના એક કાવ્યની આ પંક્તિઓ યાદ આવે:

બાજી એની, મહોરાં એનાં, તારી કેવળ ચાલ

હેઠા મૂકી હાથ, શોધીએ હથેળીઓમાં કાલ

ઇતિ આનંદી પુરાણમ્ સમાપ્તમ્

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 02:22 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK