Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૧૪ વર્ષની આનંદીએ મનમાં પાક્કી ગાંઠ વાળી: હું ડૉક્ટર થઈશ જ

૧૪ વર્ષની આનંદીએ મનમાં પાક્કી ગાંઠ વાળી: હું ડૉક્ટર થઈશ જ

Published : 19 September, 2026 10:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કલ્યાણ આજે તો મુંબઈની આસપાસનાં નાનાં-મોટાં શહેરોમાંનું એક બની રહ્યું છે. એક જમાનામાં એ ધીખતું બંદર હતું. આનંદીના પતિ ગોપાળરાવ હતા તો બ્રિટિશ સરકારના ટપાલ ખાતામાં કારકુન, પણ હતા સ્ત્રીશિક્ષણના હિમાયતી.

આનંદી ગોપાળ જોશી, થિયોડિસિયા કાર્પેન્ટર.

ચલ મન મુંબઈનગરી

આનંદી ગોપાળ જોશી, થિયોડિસિયા કાર્પેન્ટર.


‘બંદર છો દૂર છે, જાવું જરૂર છે.’
હા જી, આજે આપણે મુંબઈના બંદરથી ખૂબ દૂર જવાના છીએ, પહેલી વાર. અમેરિકાનાં રાજ્યોમાંનું એક ન્યુ જર્સી. એનું એક નાનકડું ગામ રોઝેલ. ત્યાં રહે થિયોડિસિયા કાર્પેન્ટર નામની સ્ત્રી. પૈસાદાર તો ખરી જ; પણ સ્ત્રીમાત્રનું ભલું ચાહનારી, સ્ત્રીઓને બનતી મદદ કરવામાં માનતી. તેને એક વાર ઊપડ્યો દાંતનો દુખાવો. ગઈ દાંતના ડૉક્ટર પાસે. પોતાનો વારો આવે એની રાહ જોતી બેઠી વેઇટિંગ-રૂમમાં. એક ખૂણામાં થોડાં મૅગેઝિનો પડ્યાં હતાં. આપણે ત્યાં હોય એમ જરીપુરાણાં નહીં, નવાંનક્કોર. એમાંથી એક ઉપાડ્યું, પ્રિન્સ્ટનનું ‘મિશનરી રિવ્યુ’. પાનાં ઉથલાવતાં એક લેખ પર નજર ચોંટી ગઈ. લખ્યો હતો હિન્દુસ્તાનના કોઈ ગોપાળરાવ જોશીએ. એમાં લખ્યું હતું : ‘મારી પત્ની આનંદીબાઈને ઘણી ઇચ્છા છે અમેરિકા જઈને ડૉક્ટરનું ભણવાની. ભણવામાં છે એક નંબરની. તેની ઇચ્છા પૂરી કરવા હું તો તૈયાર છું; પણ અમારા જેવા મધ્યમ વર્ગના માણસોને અમેરિકા સુધી આવવા-જવાનો ખર્ચ, ત્યાંની કૉલેજમાં ભણવાનો ખર્ચ, અભ્યાસ દરમ્યાન રહેવાનો ખર્ચ એ બધું પોસાય ક્યાંથી?’ લેખના અંતે તેમણે અમેરિકાના સ્ત્રીશિક્ષણના હિમાયતીઓને અપીલ કરી હતી આનંદીનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવામાં મદદ કરવાની. લેખ પૂરો થયા પછી એ મૅગેઝિનના તંત્રી રૉયલ વાઇલ્ડરે તંત્રીનોંધ લખી હતી. એમાં લખ્યું હતું કે આનંદીબાઈને અને તેના પતિને અમેરિકામાં રહેવા-ભણવાની બધી સગવડ તો થઈ શકે, પણ એક શરતે : આખું કુટુંબ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો. આ વાંચીને પહેલાં તો કાર્પેન્ટરે મૅગેઝિન જોરથી ટેબલ પર પછાડ્યું. મનમાં ને મનમાં એક-બે ગાળ આપી. આ તે કંઈ રીત છે કોઈ પણ ધર્મનો પ્રચાર કરવાની, પરમ કૃપાળુ ઈશ્વર તો સૌનો છે, એ કોઈ એક ધર્મનો ઇજારદાર થોડો છે?’ જોકે પછી કંઈક વિચાર આવતાં એ મૅગેઝિન પાછું હાથમાં લીધું. લેખના અંતે ગોપાળરાવ જોશીનું સરનામું છાપ્યું હતું એ નોંધી લીધું અને એ જ વખતે દાંતના ડૉક્ટરે તેને તપાસવા બોલાવી. 
lll
મુંબઈ નજીકના કલ્યાણમાં ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં ૧૮૬૫ની ૩૧ માર્ચે જન્મ. જન્મ વખતનું નામ યમુના. કુલ ૯ ભાઈ-બહેન. એમાં યમુના પાંચમી. એ જમાનાના રિવાજ પ્રમાણે ૯ વર્ષની થઈ ત્યારે તેનાં લગ્ન ૨૯ વર્ષના બીજવર ગોપાળરાવ જોશી સાથે કરી નાખવામાં આવ્યાં. મરાઠીભાષીઓના મોટા સમૂહમાં પ્રચલિત રિવાજ પ્રમાણે લગ્ન પછી તેને નવું નામ આપવામાં આવ્યું : ‘આનંદી.’
આ કલ્યાણ આજે તો મુંબઈની આસપાસનાં નાનાં-મોટાં શહેરોમાંનું એક બની રહ્યું છે. એક જમાનામાં એ ધીખતું બંદર હતું. આનંદીના પતિ ગોપાળરાવ હતા તો બ્રિટિશ સરકારના ટપાલ ખાતામાં કારકુન, પણ હતા સ્ત્રીશિક્ષણના હિમાયતી. આનંદી ૧૪ વર્ષની થઈ ત્યારે એક દીકરાને જન્મ આપ્યો, પણ જરૂરી સારવાર ન મળવાને કારણે તે ફક્ત ૧૦ દિવસ જીવ્યો. દીકરાનું અવસાન થયું એ જ દિવસે આનંદીએ મનમાં ગાંઠ વાળી : ‘હું ડૉક્ટર થઈશ.’
બીજી બાજુ ગોપાળરાવે ટપાલ ખાતાની નોકરીમાં મહામહેનતે મુંબઈ બદલી મેળવી. એ જમાનો હતો સંસ્કૃત શીખવાના આગ્રહનો, પણ આનંદીએ બધું ધ્યાન કેન્દ્રિત કર્યું અંગ્રેજી શીખવા પર. વખત જતાં ગોપાળરાવે પેલો પત્ર લખ્યો જે અમેરિકાના સામયિકમાં છપાયો. કાર્પેન્ટરે પહેલાં ગોપાળરાવને અને પછી આનંદીને પત્ર લખ્યો. આનંદી અને કાર્પેન્ટર વચ્ચે તો લાંબો પત્રવ્યવહાર ચાલ્યો. આનંદી પોતાના પત્રોમાં તેમને ‘મૌસી’ તરીકે સંબોધન કરતી. 
ત્યાં તો ગોપાળરાવની ફરી બદલી થઈ સિરામપોર. કલકત્તા નજીકનું આ ખ્રિસ્તીઓનું મોટું મથક. ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં નક્કી કરી લીધું હતું કે એકસાથે બે જણની મુસાફરીનો ખર્ચ પોસાય એમ નથી. એટલે પહેલાં આનંદીએ અમેરિકા જવું અને પછી સગવડ થાય ત્યારે ગોપાળરાવે જવું. બેમાંથી કોઈને આમ કરવું ગમતું નહોતું, પણ એમ કર્યા વગર છૂટકો નહોતો. 
જેમ-જેમ આનંદી અમેરિકા જવાની છે એ વાત ફેલાતી ગઈ એમ-એમ તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો : આપણાં શાસ્ત્રોમાં તો દરિયો ઓળંગવો એને ઘોર પાતક કહ્યું છે. એમ છતાં મરદ માણસને કોઈક કારણસર એવું કરવું પડે તો પ્રાયાશ્ચિત્ત કરીને જાતભાઈઓ સામે નાકલીટી તાણીને ફરી ‘શુદ્ધ’ થઈ શકે, પણ બાઈમાણસ! તેનું સ્થાન તો ઘરના રસોડામાં. તેને વળી ભણવાની શી જરૂર? અને એય પાછું અમેરિકા જઈને? શાન્તમ્ પાપમ્, શાન્તમ્ પાપમ્.
જોકે આનંદી અને ગોપાળરાવ બન્નેએ આપણા કવિ નર્મદની જેમ મનમાં ગાંઠ વાળી હતી : ‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું!’ આનંદીબાઈને જાહેરમાં ટેકો આપનારા ઓછા હતા, તેમનો વિરોધ કરનારા ઘણા. અને આનંદીબાઈએ એક અસાધારણ પગલું લેવાનું નક્કી કર્યું : જાહેરમાં ભાષણ કરીને પોતાની વાત લોકો સામે રજૂ કરવી. પોતે શા માટે અમેરિકા જાય છે, ત્યાં જઈને પણ પોતે હિન્દુ ધર્મની પરંપરાનો ત્યાગ કરવાની નથી વગેરે વાતો જાહેરમાં કરવાનું તેમણે નક્કી કર્યું.
એ દિવસ હતો ૧૮૮૩ના વર્ષની ૨૪ ફેબ્રુઆરીનો. કોઈ હિન્દુ સંસ્થા તો હૉલ આપે નહીં. ૧૮૧૮ની ૧૫ જુલાઈએ વિલિયમ કૅરી, જોશુઆ માર્શમન અને વિલિયમ વૉર્ડ નામના ૩ પાદરીઓએ શરૂ કરેલી સિરામપોર કૉલેજ પોતાનો હૉલ આપવા તૈયાર થઈ. કૉલેજનો હૉલ તો ચિક્કાર ભરાઈ ગયો હતો. શ્રોતાઓમાં હિન્દુસ્તાન ખાતેના અમેરિકાના રાજદૂત પણ કલકત્તાથી સિરામપોર આવીને ખાસ હાજર રહ્યા હતા. (એ વખતે કલકત્તા બ્રિટિશ ઇન્ડિયાની રાજધાની હતું.) સામે બેઠેલા શ્રોતાઓમાંના મોટા ભાગના આનંદીબાઈનો વિરોધ કરવા આવ્યા હતા. આનંદીબાઈની સામે એ વખતે ટેલિપ્રૉમ્પ્ટર તો ક્યાંથી હોય, પણ તેમણે હાથમાં એક ચબરખી સુધ્ધાં રાખી નહોતી. આવેશ વગર પણ મક્કમતાથી તેમણે પોતાની વાત રજૂ કરી. પહેલું તો એ કહ્યું કે આપણા દેશમાં માંદી સ્ત્રીઓની સારવાર માટે કશી વ્યવસ્થા નથી. લેડી ડૉક્ટરો છે નહીં અને ઘણીખરી સ્ત્રીઓ પુરુષ ડૉક્ટર પાસે ઇલાજ કરાવવા કરતાં રોગથી રિબાઈ-રિબાઈને મરવાનું વધુ પસંદ કરે છે. આવી સ્ત્રીઓ માટે લેડી ડૉક્ટરની સગવડ હોય એ જરૂરી જ નહીં, અનિવાર્ય છે. 
બીજી વાત એ કે ઘણા લોકોને બીક છે કે અમેરિકા જઈને હું મારો હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી બની જઈશ. મારે આવા લોકોને કહેવું છે કે હું અમેરિકા જઈશ એક હિન્દુ તરીકે, ત્યાં રહીશ એક હિન્દુ તરીકે અને ત્યાંથી પાછી આવીશ ત્યારે પણ હું હિન્દુ જ હોઈશ. કેટલાક લોકો કહે છે કે દાક્તરીનું ભણવું હોય તો છો ભણે, પણ એ માટે અમેરિકા જવાની શી જરૂર છે? તેમને મારે જણાવવું જોઈએ કે જો આપણા દેશમાં સ્ત્રીઓ માટે તબીબી શિક્ષણની થોડીઘણી વ્યવસ્થા પણ હોત તો મેં એવું શિક્ષણ લેવા માટે પરદેશ જવાનો વિચાર સુધ્ધાં કર્યો ન હોત. જોકે આવી સગવડ દેશમાં ઊભી કરવામાં કોઈને રસ નથી. તેમને રસ છે મને અમેરિકા જતી રોકવામાં. 
તો વળી કેટલાક પૂછે છે : અમેરિકા જઈને, કૉલેજમાં ભણીને, છેવટની પરીક્ષામાં ફેલ થઈશ તો? મારા ખ્રિસ્તી મિત્રોને હું પૂછીશ : નિષ્ફળ જવાની બીકે ઈશુ ખ્રિસ્તે જો ધર્મોપદેશ કર્યો જ ન હોત, દિનદુખિયાં માટે જાત ઘસી નાખી ન હોત તો શું તમારાં પાપ ધોવાયાં હોત ખરાં? પોતાના જમાનાના લોકોનાં જ નહીં, આવનારી અનેક પેઢીઓનાં પાપ ધોવા ખાતર તેઓ ક્રૉસ પર ચડી ગયા. મારા હિન્દુ મિત્રોને હું પૂછીશ કે શું રાજા શિબિએ, રાજા મયૂરધ્વજે, રાજા રામે, સ્વયમ્ શ્રી કૃષ્ણે લોકોનાં પાપ ધોવા માટે પોતાની જાતનું સર્વસ્વ હોમી દીધું નહોતું? હું તેમના જેવી છું એમ તો ક્યારેય ન માનું અને ન કહું, પણ હું એક વાર પ્રયત્ન કરવા માગું છું. એ પ્રયત્ન સફળ થશે કે નિષ્ફળ એનો વિચાર સુધ્ધાં હું અત્યારે કરતી નથી. ‘મારે એક ડગલું બસ થાય.’ મારા મનમાં હજી ઘણી વાતો છે જે હું તમને કહી શકું, પણ મારે આપ સૌની ધીરજની કસોટી કરવી ન જોઈએ એટલે બે હાથ જોડીને મારી વાત પૂરી કરવાની અનુમતિ માગું છું.
અને પછી ઊગ્યો ૧૮૮૩ની ૭ એપ્રિલનો દિવસ. કલકત્તાના બારામાં નાંગરેલી ‘એસ.એસ. સિટી ઑફ કલકત્તા’ નામની સ્ટીમરના ગૅન્ગવેનાં પગથિયાં ચડતી આનંદીબાઈ ઘડીભર માટે થોભી ગઈ અને એકીટશે જેટીના કાળમીંઢ પથ્થરો પર માથું અફાળતાં મોજાંઓ તરફ તાકી રહી. તેણે ગુજરાતી ભાષાનાં એક કવયિત્રી મનોજ્ઞા દેસાઈનાં કાવ્યો તો ક્યાંથી વાંચ્યાં હોય? પણ એ વખતે તે એવું જ કંઈક ગણગણતી હતી:
દઈ દીધો દરિયો પણ તરવાની ના
અને રમવું પણ ફેંકવો ન પાસો,
આવી વાતોમાં જોજે આંસુ તો દૂર
ક્યાંય સરે નહીં એક્કે નિસાસો.
બાકી ભીતરમાં મોજાં તો એવાં ઊછળે
એનાં એકમ ના મીટર ના ફૂટ છે.
આનંદીબાઈની બાકીની સફરની વાત હવે પછી. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 10:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK