ખુરસી તો એક પણ ખાલી નહોતી. જેમને બેસવાની જગ્યા ન મળી તેઓ શાંતિથી દીવાલને અઢેલીને પૅસેજમાં ઊભા હતા તો કેટલાક લોકો પગથિયાં પર બેસી ગયા હતા. ખુરસીઓની હાર વચ્ચેની બધી જગ્યા પણ ખીચોખીચ ભરાઈ ગઈ હતી.
વિમેન્સ મેડિકલ કૉલેજ ઑફ પેન્સિલ્વેનિયા, ૧૮૫૦.
ફિલાડેલ્ફિયા, ગુરુવાર, ૧૧ માર્ચ ૧૮૮૬.
વિમેન્સ મેડિકલ કૉલેજ ઑફ પેન્સિલ્વેનિયાનો પદવીદાન સમારંભ શરૂ થાય એ પહેલાં જ આખો હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. ખુરસી તો એક પણ ખાલી નહોતી. જેમને બેસવાની જગ્યા ન મળી તેઓ શાંતિથી દીવાલને અઢેલીને પૅસેજમાં ઊભા હતા તો કેટલાક લોકો પગથિયાં પર બેસી ગયા હતા. ખુરસીઓની હાર વચ્ચેની બધી જગ્યા પણ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. કૉલેજની વિદ્યાર્થિનીઓ સ્ટેજ આગળની પિટમાં સાંકડમાંકડ ગોઠવાઈ ગઈ હતી. અધ્યાપકો અને તેમના આમંત્રિત મહેમાનોથી સ્ટેજ પરની બધી ખુરસીઓ ભરાઈ ગઈ હતી. જોકે આપણે એ વિશે વાત કરવા કરતાં એ સમારંભમાં હાજર હતાં તેવાં Mrs. Caroline Healey Dall પાસેથી જ એ વાત સાંભળીએ.
મિસિસ આનંદીબાઈ ગોપાલ જોશીએ સફેદ સાડી પહેરી હતી. એ સાડી પ્રમાણમાં સાદી હતી, પણ એની પહોળી બૉર્ડર સોનેરી તારની ફૂલ-બુટ્ટાની ભાતથી ઝગમગતી હતી. એ પહેરનાર આનંદીબાઈને કંઈ બહુ સુંદર સ્ત્રી કહી શકાય નહીં, પણ તેઓ શુદ્ધ સ્ત્રીત્વની જાણે સાક્ષાત્ મૂર્તિ હોય એવાં લાગતાં હતાં. સભાગૃહમાં જેટલા લોકો હાજર હતા તે બધાની નજર ૨૧ વર્ષની આ છોકરી પર મંડાયેલી હતી. આજના આ સમારંભમાં ખાસ મહેમાન તરીકે આવેલાં રમાબાઈ રાનડે આનંદીની બાજુમાં બેઠાં હતાં. મરાઠા વિધવા સ્ત્રીઓ પહેરે છે એવાં સાદાં સફેદ કપડાં તેમણે પહેર્યાં હતાં. અહીંના લોકોને આનંદીબાઈ અને રમાબાઈ બન્ને સ્પેનના વતનીઓ જેવાં લાગતાં હતાં.
સૌથી પહેલાં ડૉ. માર્શલે ભાષણ કર્યું. છેક હિન્દુસ્તાનથી દાક્તરીનું ભણવા આવેલી એક છોકરી, અજાણ્યો મુલક, જુદા રીતરિવાજ, ખાણી-પીણી. એમાં વળી નાજુક તબિયત અને છતાં કેવળ દૃઢ મનોબળ, ખંત અને અપાર મહેનતના બળે આજે પોતાના નિર્ધારેલા મુકામ પર પહોંચી છે. ડૉક્ટર થવા પાછળનો તેનો ઇરાદો સારી કમાણી કરવાનો નથી. તેના મુલક હિન્દુસ્તાનમાં ગમે એવી માંદગી આવે તો પણ સ્ત્રીદરદીઓ પુરુષ-ડૉક્ટર પાસે જાય નહીં એવો ચાલ છે. કાં તો ઊંટવૈદું કરતી કોઈ સ્ત્રી પાસે જાય અને નહીંતર મૂંગા મોઢે યાતના સહન કરીને મરણને શરણ થાય. આવી સ્ત્રીઓને યોગ્ય વૈદકીય સારવાર મળી રહે એ માટે દાક્તરીનો અભ્યાસ કરવાના ઉમદા હેતુથી મિસિસ જોશી અહીં આવ્યાં. આપણી મેડિકલ સિસ્ટમનો અભ્યાસ કરવા સાથે તેમણે પોતાના દેશની પરંપરાને પણ સાંકળવાનો ઇરાદો રાખ્યો અને એટલે તેમના થીસિસ માટે જે વિષય પસંદ કર્યો એ હતો Obstetrics among the Aryan Hindus. લાંબી અને ઉજ્જવળ પરંપરા ધરાવતી આપણી આ કૉલેજ માટે પણ આજનો આ દિવસ અનોખો છે. હિન્દુસ્તાનથી ભણવા આવેલી પહેલવહેલી છોકરીને આજે MDની ડિગ્રી એનાયત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મને ખાતરી છે કે હિન્દુસ્તાન પાછા ગયા પછી ડૉક્ટર આનંદી ગોપાળ જોશી ત્યાંની સ્ત્રીઓની સારવાર કરતી વખતે પાછું વળીને નહીં જુએ.
સ્ટેજની નીચેનો બધો ખાલી ભાગ રંગબેરંગી ફૂલોના બુકેથી, જાત-જાતની ભેટોથી, શુભેચ્છાના સંદેશાનાં કવરોથી ભરાઈ ગયો હતો. આનંદી ગોપાળરાવ જોશી હળવેકથી ઊભાં થયાં. ટટ્ટાર ચાલે સ્ટેજનાં પગથિયાં ચડ્યાં, સહેજ ઝૂકીને ડૉક્ટર માર્શલ સામે ઊભાં રહ્યાં. ડૉક્ટરની પાછળ ઊભેલા સહાયકે ડૉક્ટરના હાથમાં સર્ટિફિકેટ મૂક્યું. ડૉક્ટર માર્શલે એ આનંદીબાઈના હાથમાં આપ્યું. સહેજ નમીને આનંદીબાઈએ એ સ્વીકાર્યું. પછી હૉલમાં બેઠેલા લોકો તરફ ફરીને જરા ઝૂકીને તેમના દેશના રિવાજ પ્રમાણે બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી ધીમા પણ મક્કમ પગલે સ્ટેજ પરથી નીચે ઊતર્યાં, પોતાની જગ્યાએ બેઠાં. હવે બીજા વક્તાઓનાં ભાષણો શરૂ થયાં, પણ આનંદીબાઈ હવે નહોતાં વિમેન્સ મેડિકલ કૉલેજ ઑફ પેન્સિલ્વેનિયાના હૉલમાં, નહોતાં અમેરિકામાં. તે તો અત્યારે પહોંચી ગયાં હતાં એસ. એસ. સિટી ઑફ કલકત્તા સ્ટીમરના ડેક પર.
lll
મુસાફરી દરમ્યાન બે અંગ્રેજ સ્ત્રીઓનો સથવારો મળ્યો હતો. બન્ને બાઈઓ હતી તો ભલી, પણ લાગ મળ્યે આનંદી આગળ ખ્રિસ્તી ધર્મનાં ગુણગાન ગાવા લાગતી. થોડા દિવસ પછી તો તેમણે લગભગ સીધી વાત કરી : ‘તારો આ હિન્દુ ધરમ, આ પહેરવેશ, આ ખાવા-પીવાના નિયમો - એ બધું અમેરિકામાં કેટલો વખત ચાલશે? એના કરતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે.
સથવારાની બન્ને સ્ત્રીઓને થોડા દિવસ લંડન રોકાવું હતું એટલે પાનબાઈ – સૉરી, સૉરી, આનંદીબાઈએ પણ તેમની સાથે એક અઠવાડિયું લંડનમાં રોકાવું પડ્યું. ત્યાં તો કેટલાકે સીધી જ વાત કરી : ‘આ બધાં ધતિંગ છોડી દે ને ભગવાન ઈશુને શરણે જા. બીજી બાજુ એક હિન્દી તરીકે ઉપેક્ષા કે ઉપાલંભનો સામનો પણ લંડનમાં કરવો પડ્યો. ક્યારેક રાતમાં ઊંઘ ઊડી જતી ને મનમાં વિચાર ઘોળાયા કરતો : આ સંઘ કાશીએ કેમ કરીને પહોંચશે.
લંડનથી ઊપડ્યા પછી સ્ટીમર ખોટકાઈ ગઈ એટલે ૮ દિવસ ક્વીન્સ ટાઉનમાં કાઢવા પડ્યા. છેવટે ૧૮૮૩ના જૂન મહિનાની ચોથી તારીખે હું માંડ ન્યુ યૉર્ક પહોંચી. આ દરિયાઈ મુસાફરીના દિવસો લાંબા હતા એટલા જ કસોટી કરનારા પણ હતા. જેમની સાથે કાગળોની આપ-લે ઘણા લાંબા વખતથી ચાલતી હતી તે મિસિસ અને મિસ્ટર કાર્પેન્ટર ન્યુ યૉર્કમાં મને લેવા બંદરે આવ્યાં હતાં. ચોથી જૂનથી પહેલી ઑક્ટોબર સુધી હું તેમની સાથે રહી. બન્ને જણ ખૂબ માયાળુ. મારા વિચારો, મારી માન્યતાઓ અને મારી ધર્મભાવનાનો પૂરેપૂરો આદર કરતાં. એક વાર મેં તેમને કહેલું : ‘હું શબ્દોની ઝાઝી દરકાર કરતી નથી, પણ એની પાછળ રહેલી લાગણીની અને ભાવનાની હંમેશાં કદર કરું છું. હા, હું અમેરિકન રહેણીકરણીનો, રીત-રિવાજો અને માન્યતાઓનો આદર જરૂર કરું છું; પણ મારી સંસ્કૃતિ અને મારા દેશની પરંપરાના ભોગે નહીં જ. રોજ સવારે સ્નાન કર્યા પછી હું કપાળે કંકુનો ચાંદલો અચૂક કરતી. હું ચાંદલો કરું કે ન કરું તેથી અહીંના લોકોને કશો જ ફરક પડતો નથી એમ જાણવા છતાં કરતી. જ્યારે-જ્યારે હિન્દુસ્તાનની ટપાલ જવાની હોય ત્યારે-ત્યારે હું મારા ‘નવરા’ને અચૂક કાગળ લખતી. ઘણી વાર તો હું જાણે મારા જ ઘરમાં હોઉં એમ મારી મરાઠી માઉલીનાં ગીત ગણગણતી ઘરમાં આમથી તેમ ફરતી.
એક વાર મેં કાર્પેન્ટર કુટુંબનાં કેટલાંક સગાં અને મિત્રો માટે મિજબાની ગોઠવી હતી. ત્યારે બધી જ ‘દેશી’ વાનગીઓ મેં જાતે બનાવીને બધાને પીરસી હતી. ડાઇનિંગ રૂમનું બધું ફર્નિચર ખસેડીને મેં દેશમાં પંગત માટે પાથરે એમ જાજમ પાથરી દીધી હતી. જાજમના બે પટ્ટા વચ્ચે રંગબેરંગી રંગોળી કરી હતી. એ માટેના પાઉડર મેં દેશમાંથી મગાવ્યા હતા. પહેલાં ગેરુથી લીંપણ કર્યું અને પછી એના પર સફેદ ચિરોડીના સાથિયા કર્યા. ત્યાં કેળનાં પાન તો મળે એમ નહોતું. એટલે અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં ઊગતા ‘બટનવૂડ’ નામના ઝાડનાં મોટાં પાંદડાં સીવી-સીવીને મેં પતરાવળીઓ બનાવી.
બધી જ મહેમાન સ્ત્રીઓને મેં જાતે સાડી પહેરાવી. વાનગીઓમાં ફળો અને શાકભાજીનો શક્ય એટલો વધુ ઉપયોગ મેં કરેલો. બધાને મેં જાતે પીરસેલું. જમતાં પહેલાં અમારા ઘરમાં બોલાતા સંસ્કૃત શ્લોકો હું બોલેલી. ખાવા માટે મેં છરી-કાંટા, ચમચા-ચમચી કશું જ રાખ્યું નહોતું. એટલે સૌથી પહેલાં તો મહેમાનોની સામે બેસીને હાથ વડે કેમ ખવાય એ બતાવ્યું. ધીમે-ધીમે મહેમાનો એ રીતે ખાવા લાગ્યા. જમણ પછી મેં બધાને કૉફી પીવડાવી. જમવાની જગ્યાથી થોડે દૂર મેં શેતરંજી પાથરીને એના પર તકિયા ગોઠવ્યા હતા. મહેમાનો એના પર ગોઠવાયા પછી મેં દરેકને પુષ્પગુચ્છ આપ્યો, જમણા હાથના કાંડા પર ગુલાબનું અત્તર લગાડ્યું અને પછી બધા પર ગુલાબજળનો છંટકાવ કર્યો. પછી હું ‘હાશ’ કરીને બેઠી, પણ મારા અમેરિકન મહેમાનો મને એમ બેસવા શાના દે? તેઓ જાણતા હતા કે આવા જમણવારના અંતે ગીત-સંગીત તો હોય જ. એટલે તેમણે મને ગાવાનો આગ્રહ કર્યો. મને આવડે એવું મેં હળવા સાદે ગયું.
થોડા વખત પછી ન્યુ યૉર્કની હોમિયોપથી કૉલેજ તરફથી સ્કૉલરશિપની ઑફર આવી, પણ બધા મિત્રો-પરિચિતોની સલાહ હતી કે પેન્સિલ્વેનિયાની વિમેન્સ મેડિકલ કૉલેજમાં ૪ વર્ષનો અભ્યાસક્રમ લેવો. ૧૮૮૩ના સપ્ટેમ્બરની ૨૮ તારીખે, શુક્રવારે, હું ફિલાડેલ્ફિયા આવી. કૉલેજ જવા માટે હું રસ્તા પર નીકળતી ત્યારે લોકો તો ખરા જ, યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ મને તાકી-તાકીને જોઈ રહેતા. કેમ જાણે હું કોઈ અજાણ્યા ગ્રહ પરથી આવી ચડી ન હોઉં! હા, મારા કરતાં પહેલાં અહીં ટર્કીશ, સિરિયન, ચાઇનીઝ છોકરીઓ ભણવા આવી હતી; પણ હિન્દુસ્તાનથી આવેલી અને વળી સાડી પહેરીને બધે ફરનારી તો હું પહેલી જ સ્ત્રી હતી. જોકે અહીંના લોકો એટલા સમજુ અને વિનયી કે કોઈએ પણ ક્યારેય મને કોઈ અણછાજતો સવાલ પૂછ્યો નહીં.
ડૉ. બોડલેએ મારા માટે એક નાનકડા ઘરની વ્યવસ્થા કરી હતી. મારી સાથે મિસિસ કાર્પેન્ટર પણ આવ્યાં હતાં. એક-બે દિવસ પછી તેઓ પાછાં ગયાં. એ પછી એ નાનકડા ઘરમાં મને ખૂબ એકલું લાગવા માંડ્યું. મેં ડૉ. બોડલેને એક જ વાક્યની ચિઠ્ઠી લખી : ‘અહીં મને બહુ એકલું-એકલું લાગે છે.’ અને બીજા જ દિવસે મારા માટે કૉલેજના ડીનના ઘરે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. એ ઘરમાં સૌએ મને દીકરીની જેમ રાખી. જોકે દિવસે-દિવસે મારી તબિયત બગડતી જતી હતી.
અને પછી આવ્યું ૧૮૮૫નું વર્ષ. મારો મરદ અમેરિકા આવે છે એ વાત મને પહેલવહેલી કૅલિફૉર્નિયાના એક અખબાર દ્વારા જાણવા મળી અને એ પણ એક ગ્લાનિ પ્રેરે એવા સમાચાર સાથે. એમાં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે એક સભામાં સ્ત્રીઓના શિક્ષણ વિશે પ્રશ્ન પુછાયો એના જવાબમાં તેમણે કહ્યું : ભણવાથી બૈરાંઓ પત્ની અને માતા તરીકેની ફરજો બજાવવાને લાયક રહેતાં નથી. શ્રોતાઓમાંથી કોઈ મોટેથી બોલ્યું : પણ તમારી પોતાની બૈરી તો ફિલાડેલ્ફિયામાં દાક્તરીનું ભણે છે, એનું શું? જવાબમાં મિસ્ટર જોશીએ એવી રીતે હાથ ફેલાવ્યા કે જાણે કહેતા ન હોય કે એ બાબતમાં હું લાચાર છું. અમે મળ્યાં ત્યારે સૌથી પહેલાં મેં તેમને આ વિશે પૂછ્યું, ‘તમે... તમે આવું બોલ્યા? કેમ?’
‘અરે! એ તો જરા ગમ્મત ખાતર!’
પણ આ બનાવ પછી અમારા જીવનમાં કોઈ અજબ ગૂંચ પડી ગઈ.
આનંદીબાઈએ ગંગાસતીનું ભજન તો ક્યાંથી સાંભળ્યું હોય, પણ એના જેવા જ ભાવ તેમના મનમાં અત્યારે રમતા-ભમતા હતા:
મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી
આનંદીબાઈના માથે આવેલી વધુ વિપત્તિઓની વાત હવે પછી.
