હૃદયરોગની સારવાર કરનારા ખૂબ જ પ્રખ્યાત સર્જ્યન ડૉ. શર્મા નિવૃત્ત થવા ઇચ્છતા હતા. તેમણે પોતાની સંપત્તિની વહેંચણી કરવા વિશે નિર્ણય લઈ લીધો હતો. સંપત્તિનો અમુક હિસ્સો તેમના ઘરનોકરને પણ આપવાનું તેમણે નક્કી કરી લીધું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
હૃદયરોગની સારવાર કરનારા ખૂબ જ પ્રખ્યાત સર્જ્યન ડૉ. શર્મા નિવૃત્ત થવા ઇચ્છતા હતા. તેમણે પોતાની સંપત્તિની વહેંચણી કરવા વિશે નિર્ણય લઈ લીધો હતો. સંપત્તિનો અમુક હિસ્સો તેમના ઘરનોકરને પણ આપવાનું તેમણે નક્કી કરી લીધું હતું. તેમના નાણાકીય સલાહકાર તરીકે અમે સૂચન કર્યું કે તેઓ જીવતા હોય ત્યારે જ તેઓ ગિફ્ટ ડીડ દ્વારા વહેંચણી કરી દે તો સારું. જોકે તેમનું કહેવું એ હતું કે જો તેઓ ઘરનોકરને પણ અમુક ભાગ આપવાની ઇચ્છા વસિયતનામામાં લખશે તો ઘણા લોકોને તેમના આ ઉમદા કાર્ય વિશે ખબર પડશે.
સચિન તાજેતરમાં જ નવા ઘરમાં રહેવા આવ્યો હતો. તેનો પાડોશી અજય IT પ્રોફેશનલ હતો અને તેની પાસે હંમેશાં નવાં ગૅજેટ્સ જોવા મળતાં. અજયની દેખાદેખીમાં સચિને પણ પોતાની જરૂરિયાત છે કે નહીં એ સમજ્યા વગર અનેક ગૅજેટ્સ ખરીદવાનું શરૂ કર્યું.
રિશી એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા પદ પર નોકરી કરે છે. એ ઘણા સમયથી નાણાંનું રોકાણ પણ કરી રહ્યો છે. તાજેતરના સમયમાં એનાં રોકાણો પર અસાધારણ વળતર મળ્યું છે. હવે તેને લોભ જાગ્યો છે અને એ વધુ વળતરની ઇચ્છા રાખે છે.
આ બધાં ઉદાહરણોમાં એક વાત સામાન્ય છે – ખ્યાતિ મેળવવાનો મોહ, વધુ પ્રાપ્ત કરવાનો લોભ અને માલિકીભાવ. તાજેતરમાં જૈન સમાજે મહાપર્વ પર્યુષણની ઊજવણી કરી. જૈન ધર્મમાં અપરિગ્રહ પાંચ મહાવ્રતોમાંથી એક છે. આધ્યાત્મિક વિકાસ માટે એમાં ભૌતિક ચીજવસ્તુઓ અને ઇચ્છાઓ પ્રત્યે અનાસક્તિ રાખવા પર ભાર મુકાયો છે. આજની યુવા, આધુનિક પેઢી એને મિનિમલિઝમના નામથી ઓળખે છે.
ડૉ. શર્મા મૃત્યુ પછી પણ પોતાની નામના ટકાવવા માગે છે. સચિન પોતાના પાડોશીની દેખાદેખી કરીને ભૌતિક ચીજવસ્તુઓ પ્રત્યે મોહિત થયો છે. રિશીને પોતાનાં રોકાણોમાંથી વધુ પૈસા એટલે કે વધુ વળતર મેળવવાની લાલસા છે.
આપણે પરિગ્રહના યુગમાં જીવી રહ્યા છીએ, જે વધુ મેળવવાની ઇચ્છા સિવાય બીજું કશું જ નથી. આર્થિક રીતે જોઈએ તો રોકડ પ્રવાહ પર એની મોટી અસર પડે છે. એને લીધે સમય જતાં બચત અને રોકાણો પર પણ અસર થાય છે. વિવિધ ઑનલાઇન શૉપિંગ સાઇટ્સ ક્લિક કરીને ખરીદી કરવાના વિકલ્પને કારણે આપણે ઘણી બિનજરૂરી વસ્તુઓ ખરીદી લઈએ છીએ. સાથે જ સરળ ઑનલાઇન ચુકવણીના વિકલ્પોને કારણે આપણને રોકડ રકમ હાથમાંથી જતી હોય એ વખતે જે અનુભવ થાય છે એવો અનુભવ થતો નથી.
આર્થિક અસર ઉપરાંત વધુ માલિકીની ઇચ્છા અતિ-ઉપભોગ તરફ પણ દોરી જાય છે અને એનાથી મર્યાદિત કુદરતી સંસાધનો પર બોજ વધે છે. બીજી તરફ અપરિગ્રહનો અભ્યાસ કરીએ તો ઉપભોગ બાબતે સભાનતા વધે છે અને વપરાશ ઘટવાથી કચરો પણ ઘટે છે અને પર્યાવરણ પરનો બોજ ઘટે છે. આમ અપરિગ્રહનો ગુણ કેળવવાનું આપણા ઉજ્જવળ આર્થિક અને સામાજિક વિકાસની દૃષ્ટિએ ઘણું જરૂરી છે.

