જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર સ્ક્રોલ કરો છો અને સતત એક જ પક્ષના, એક જ વિચારધારાના વિડિયો તમારી સામે આવ્યા કરે છે ત્યારે માનજો કે ઍલ્ગરિધમ ધીરે-ધીરે તમારા મગજમાં કોઈ એક વાત ઠસાવી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું; એ આપણી વિચારસરણી, રાજકીય વલણ અને સામાજિક વિરોધને આકાર આપતું માધ્યમ પણ બની રહ્યું છે. તાજેતરમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)નું આંદોલન જે રીતે ડિજિટલ સ્પેસમાંથી જમીની પ્રોટેસ્ટ સુધી પહોંચ્યું એ આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. જોકે અહીં યુવા વર્ગમાં જુવાળ જગાવવામાં અને લોકોને બે ભાગમાં વહેંચી દેવાની સમગ્ર પ્રક્રિયામાં આપણા ફોનની સ્ક્રીનની પાછળ રહેલા ઍલ્ગરિધમે પણ બહુ જ મોટો ભાગ ભજવ્યો છે જેને સમજવો જરૂરી છે. CJPના આંદોલનમાં સોશ્યલ મીડિયા પર શરૂ થયેલો ગુસ્સો ઝડપથી વાઇરલ થયો. દૂર બેસીને તમાશો જોઈ રહેલા લોકોને લાગ્યું કે દેશમાં અરાજકતા કે મોટી ક્રાન્તિ આવી રહી છે, જ્યારે ગ્રાઉન્ડ પર જોડાનારા લોકોને લાગ્યું કે તેઓ કોઈ મોટી અને પવિત્ર મકસદનો ભાગ છે. બન્ને પક્ષે ઍલ્ગરિધમે પોતાની રમત રમી. એક વર્ગને આક્રોશ આપ્યો અને બીજા વર્ગને ઉદાસીન કે ભયભીત બનાવ્યો. કોઈ પણ સોશ્યલ મીડિયા-ડ્રિવન મૂવમેન્ટમાં ઍલ્ગરિધમ ક્ષણિક આવેગને મોટો કરીને બતાવે છે.
ડિજિટલ કૂવો
ADVERTISEMENT
કોઈ વ્યક્તિ જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર એક વિષયનો વિડિયો વધારે સેકન્ડ માટે જુએ છે કે એને લાઇક કરે છે ત્યારે સોશ્યલ મીડિયાનું ઍલ્ગરિધમ સમજી જાય છે કે તમારું અટેન્શન ક્યાં છે. અમેરિકન ઑથર-કમ-ઍક્ટિવિસ્ટ એલી પાર્કિઝર ‘The Filter Bubble’ નામના તેમના પ્રસિદ્ધ પુસ્તકમાં સ્પષ્ટ લખે છે કે ઍલ્ગરિધમ આપણને એ જ બતાવે છે જે આપણને ગમે છે અથવા જે આપણને ઉત્તેજિત કરે છે. પરિણામે આપણે એક એવા ડિજિટલ કૂવામાં પુરાઈ જઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે આખી દુનિયા આપણા જેવું જ વિચારે છે. સાઇકોલૉજીની ભાષામાં એને ‘એકો ચેમ્બર’ કહે છે. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ધારો કે તમારી સોશ્યલ મીડિયા મૂવમેન્ટના આધારે ઍલ્ગરિધમને લાગ્યું કે તમે CJP પ્રોટેસ્ટના સમર્થનમાં છો તો તમારી ફીડમાં પોલીસની કાર્યવાહી, વિરોધ-પ્રદર્શન અને જન આક્રોશના વિડિયો જ આવશે. જો તમે વિરોધમાં છો તો એનું ઊંધું દેખાડશે. વ્યક્તિ જ્યારે એકધારી એકસરખી વસ્તુ જ જોયા કરે ત્યારે તેની બિલીફ-સિસ્ટમ સ્ટ્રૉન્ગ બને છે અને સિક્કાની બીજી બાજુ જોવાની કે સમજવાની ક્ષમતા નાશ પામે છે. એને એકો ચેમ્બર ઇફેક્ટ કહેવાય છે.’
‘કિક’નો સવાલ
ઍલ્ગરિધમ હ્યુમન સાઇકોલૉજીનાં બે સૌથી નબળાં પાસાં ફિયર એટલે કે ભય અને ઍન્ગર એટલે કે ગુસ્સાનો ઉપયોગ કરીને આપણી થૉટ-પ્રોસેસને હાઇજૅક કરે છે. ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘સોળથી ૨૦ વર્ષની ઉંમરના યુવાનોમાં સોશ્યલ મીડિયાને કારણે સજેસ્ટિબિલિટી એટલે કે બીજાના વિચારોથી ત્વરિત પ્રભાવિત થવાનું વધી જાય છે કારણ કે તેઓ વધુ પ્રમાણમાં સોશ્યલ મીડિયા પર સમય વિતાવે છે. બીજું, આ ઉંમરે સિસ્ટમ કે સરકાર સામે વિરોધ કરવો અથવા પોતાની જાતને ક્રાન્તિકારી સમજવી મગજને એક અલગ ‘કિક’ આપે છે. યુવાનોને મોટી રાજકીય ગેમ કે એજન્ડાની ખબર નથી હોતી. લેફ્ટિસ્ટ અને ડિસરપ્ટિવ આઇડિયોલૉજીઝનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ આવાં સાઇકોલૉજિકલી વલ્નરેબલ બાળકોને સરળતાથી પોતાના નૅરેટિવમાં બહેકાવી લે છે. બીજું એ પણ કહીશ કે દરેક બાળક કે યુવાન બહેકાવામાં નથી આવતાં. જે બાળકોના જીવનમાં કોઈ ચોક્કસ ધ્યેય નથી, જેમના જીવનમાં પ્રેરણા કે મહત્ત્વાકાંક્ષાઓનો અભાવ છે તેઓ જ આ વાઇરલ ટ્રેન્ડ્સના શિકાર બને છે. વૈશ્વિકીકરણના યુગમાં દરેક માટે સફળતા કે ફેમ મેળવવી સરળ નથી. ઇન્સ્ટાગ્રામ કે સોશ્યલ મીડિયા પર ગાળો બોલવાથી, ગુસ્સો વ્યક્ત કરવાથી, કોઈ મોટા નેતાને અભદ્ર શબ્દોમાં ચીતરવાથી કે અરાજકતા ફેલાવવાથી ઍલ્ગરિધમ તમારા પક્ષમાં કામ કરે છે અને તમારું કન્ટેન્ટ વાઇરલ થવાની સંભાવના વધે છે. તમને ઓળખ મળે છે, અટેન્શન અને લોકોની વાહવાહી મળે છે જેનાથી યુવાનોને અલ્ટ્રા-શૉર્ટ આઇડેન્ટિટી મળી જાય છે જે નશા જેવું જ કામ કરે છે. જોકે આ બધા ટ્રેન્ડની આવરદા પણ અલ્ટ્રા-શૉર્ટ જ હોય છે. સતત નવા-નવા ટ્રેન્ડ વચ્ચે યુવાનોની યાદશક્તિ ટૂંકી થઈ ગઈ છે. તેમને સતત નવું એક્સાઇટમેન્ટ જોઈએ છે. આ જ કારણ છે કે લોકો અણ્ણા હઝારે આંદોલન હોય, સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) પ્રોટેસ્ટ હોય કે ફાર્મર પ્રોટેસ્ટ - બધું ઝડપથી ભૂલી જાય છે અને નવા વિવાદ પાછળ દોડે છે.’
આખી વાતનો સાર એટલો જ કે હવે પછી જ્યારે પણ કોઈ વિડિયો કે રીલ જોઈને તમારું લોહી ઊકળે કે તમે કોઈના તરફ આંધળો પ્રેમ કે ધિક્કાર અનુભવો ત્યારે એક ક્ષણ અટકી સ્ક્રીન બંધ કરીને જાતને સવાલ જરૂર પૂછજો કે ખરેખર શું આ જ એકમાત્ર સત્ય છે? ક્યાંક ઍલ્ગરિધમના ચક્કરમાં તમે તમારી તટસ્થ વૈચારિક પરિપક્વતા ન ગુમાવી બેસો.
સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમ સાથે સંકળાયેલા ચોંકાવનારા અભ્યાસ જુઓ
ન્યુ યૉર્ક યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ X અને ફેસબુકની એક લાખથી વધુ પોસ્ટ્સનો અભ્યાસ કર્યો હતો. આ સ્ટડી અનુસાર જ્યારે કોઈ પણ સોશ્યલ મીડિયા પોસ્ટમાં વિરોધી જૂથ માટે ‘નૈતિક આક્રોશ’ અથવા નિંદાત્મક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ પોસ્ટ પર રી-શૅર થવાના ચાન્સ ૨૦ ટકા વધી જાય છે. ઍલ્ગરિધમ સકારાત્મક કે સંતુલિત ચર્ચા કરતાં ગુસ્સા અને આક્રોશને બેથી ચારગણું વધારે પ્રમોટ કરે છે કારણ કે ગુસ્સો વપરાશકર્તાને સ્ક્રીન પર વધુ સમય રોકી રાખે છે.
૨૦૨૦ની અમેરિકાની ચૂંટણી દરમ્યાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઍલ્ગરિધમનો અભ્યાસ કરનારી દુનિયાની પ્રતિષ્ઠિત રિસર્ચ જર્નલ ‘નેચર’માં ૨૦૨૩માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ઍલ્ગરિધમ સમાન વિચારસરણી ધરાવતા લોકોને જ એકબીજા સાથે જોડે છે. કુલ ૫૦.૪ ટકા પૉલિટિકલ કન્ટેન્ટ સોશ્યલ મીડિયા પર એવા જ યુઝર્સને બતાવવામાં આવે છે જેઓ પહેલેથી જ એ વિચારસરણી ધરાવે છે. માત્ર ૧૪.૭ ટકા કન્ટેન્ટ જ એવું હોય છે જે વિરોધી દૃષ્ટિકોણ દર્શાવતું હોય. પરિણામે યુઝરને લાગે છે કે તેનો દૃષ્ટિકોણ જ સંપૂર્ણ સત્ય છે.
મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (MIT)ના અભ્યાસ મુજબ સોશ્યલ મીડિયા પર ખોટી કે અતિશયોક્તિપૂર્ણ અફવાઓ અને વાઇરલ આંદોલનોના ન્યુઝ સાચા ન્યુઝ કરતાં છગણી ઝડપે વાઇરલ થાય છે. એક સરેરાશ ઇન્સ્ટાગ્રામ-યુઝર કોઈ પણ વિડિયો પર નિર્ણય લેવા માટે માત્ર ૧.૭ સેકન્ડનો સમય લે છે. જો વિડિયોમાં પહેલી બે સેકન્ડમાં આક્રોશ કે સસ્પેન્સ ન હોય તો યુઝર સ્વાઇપ કરી દે છે. આ જ કારણ છે કે ઍલ્ગરિધમ માત્ર ઉશ્કેરણીજનક કન્ટેન્ટને જ આગળ ધકેલે છે.
સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના સાઇકોલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર ‘સ્લૅક્ટિવિઝમ’ એટલે કે લેઝી ઍક્ટિવિઝમ સોશ્યલ મીડિયા પર વધુ ચાલતું હોય છે એટલે કે સોશ્યલ મીડિયા પર વિરોધ દર્શાવનારા ૯૨ ટકા લોકો ક્યારેય ગ્રાઉન્ડ પ્રોટેસ્ટમાં ભાગ લેતા નથી. ડિજિટલી આંદોલનને સપોર્ટ કરનારા ૧૦૦માંથી માત્ર બેથી પાંચ ટકા લોકો જ વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલ પર પહોંચે છે. છતાં ઍલ્ગરિધમ યુઝરના મગજમાં એવો ભાસ ઊભો કરે છે કે સમાજમાં મોટો બદલાવ આવી રહ્યો છે.
