Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવન પર ધી એન્ડનું પાટિયું લાગે એ પહેલાં માણસ બનતાં શીખી જાઓ

જીવન પર ધી એન્ડનું પાટિયું લાગે એ પહેલાં માણસ બનતાં શીખી જાઓ

Published : 20 April, 2026 01:17 PM | Modified : 20 April, 2026 01:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જરાક વિચારો કે આખો દિવસ કમાવામાં અને ઑનલાઇન ઍક્ટિવિટીમાં સમયની બરબાદી કરનારા આપણે જાતને કે આપણી આસપાસની જીવંતતાને જોવાનું ભૂલી ગયા છીએ

સંખ્યાબંધ મૅનેજમેન્ટ અવૉર્ડ્‍સથી સન્માનિત થયેલા અંબરીષ છેડા અગ્રણી બિઝનેસ મેન્ટર છે

What’s On My Mind?

સંખ્યાબંધ મૅનેજમેન્ટ અવૉર્ડ્‍સથી સન્માનિત થયેલા અંબરીષ છેડા અગ્રણી બિઝનેસ મેન્ટર છે


અત્યારના સમયની જો કોઈ સૌથી મોટી વિટંબણા હોય તો એ છે કે માણસ મશીન જેવો બીબાઢાળ બની રહ્યો છે અને મશીનમાં માણસ જેવાં ઇમોશન્સ ઉમેરીને એને માણસ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. એવું બનશે કે ઘરમાં કોઈક ગુસ્સે થયું છે એ જોઈને ઘરના કોઈ બીજા સભ્ય ત્યાંથી આંખ ચુરાવીને છટકી જશે, પણ મશીન તે ગુસ્સે થનારી વ્યક્તિ સાથે વાર્તાલાપ કરશે.

જરાક વિચારો કે આખો દિવસ કમાવામાં અને ઑનલાઇન ઍક્ટિવિટીમાં સમયની બરબાદી કરનારા આપણે જાતને કે આપણી આસપાસની જીવંતતાને જોવાનું ભૂલી ગયા છીએ. લોકો જીવવાની મજા નથી માણી રહ્યા અને એ આ સમયની સૌથી દુખદ સ્થિતિ છે. આપણું જીવન જેટલું વધુ ને વધુ સરળ બની રહ્યું છે એટલી આપણા અંદરની એકલતા વધી રહી છે. આજે લોકો બે કલાક ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવામાં ખર્ચી કાઢશે પણ ઘરમાં બીજી રૂમમાં બેસેલાં ઘરડાં મા-બાપને કેમ છો પૂછવાનો સમય નહીં આપે. પોતાના ઘરની સામે રહેલા કોઈ વૃક્ષ પર ઊડતા પક્ષીની હિલચાલો જોવાનો સમય નથી, પણ ટ્રેન્ડિંગ રીલ માટે દસ-દસ ટેક લઈને પણ કલાકો વેડફવાનો સમય છે. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની સ્માર્ટનેસ અને ઍલ્ગરિધમની દુનિયામાં આપણે આપણા ખરા મિત્રોને મળવાનું, પ્રકૃતિને પામવાનું, પોતાની ગમતી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવાનું ચૂકી રહ્યા છીએ.



અહીં હું ટેક્નૉલૉજી કે સોશ્યલ મીડિયાનો વિરોધ નથી કરી રહ્યો પરંતુ ઍટ વૉટ કૉસ્ટ એ સમજાવવાના પ્રયાસો કરી રહ્યો છું. મની-મેકિંગ જો લાઇફ-મેકિંગમાં કામ ન લાગે તો આટલું દોડ્યા એની ફળશ્રુતિ શું? માણસ છીએ એની સાબિતી છે આપણી માણસાઈ. આપણને દુખીઓ સામે, જરૂરિયાતમંદ સામે, પરિવાર સામે કે મિત્રો સામે જોવાનો સમય નથી, તેમની સાથે જીવવાનો સમય નથી તો માણસાઈનું શું થશે?


મારું માત્ર એટલું જ કહેવું છે કે મશીનોમાંથી થોડાક બહાર આવો. મોબાઇલને બાજુ પર મૂકીને કોશિશપૂર્વક રિયલ વર્લ્ડ સાથેનું તમારું તાદાત્મ્ય અકબંધ રહે એવા પ્રયાસો ચાલુ રાખો. સ્ક્રીનની બહારની દુનિયા પણ તમારી જ છે, સ્ક્રીનની બહારના લોકો પણ તમારા જ છે. તેમને પણ થોડુંક અટેન્શન આપો. તમારી અંદરની માણસાઈ મરી પરવારે એ પહેલાં હજીયે સમય છે કે એ માણસાઈને જગાડો અને જીવનમાં ઉતારો. તમે જ કહો કે માણસમાંથી માણસાઈ નીકળી જાય તો શું રહે? ફક્ત પોતાના સ્વાર્થ અને પૈસા માટે માણસાઈનો ભોગ આપો, પોતાના ક્ષુલ્લક ફાયદા માટે કોઈકનું નુકસાન કરો એ બધી જ દિશામાં તમને મળેલો સમય પૂરો થાય એ પહેલાં વિચારતા થઈ જાઓ.

છેલ્લે એટલું જ કહીશ કે દુનિયાભરમાં અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ પર્મનન્ટ ચાલવાનું નથી. દરેક સમસ્યાનું છેલ્લે તો સૉલ્યુશન આવી જ જતું હોય છે. બસ, તમે તમારું કામ કરતાં-કરતાં તમારી અંદરની માણસાઈને સાચવી રાખો, જીવનને માણો કારણ કે વીતેલો સમય પાછો નહીં આવે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK