Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આશાતાઈની ગાયકી એટલે સ્વાદેન્દ્રિયને ઉત્તેજિત કરતી ગળચટી વાનગીઓ સાથે ‘વેજ કોલ્હાપુરી’નું જમણ

આશાતાઈની ગાયકી એટલે સ્વાદેન્દ્રિયને ઉત્તેજિત કરતી ગળચટી વાનગીઓ સાથે ‘વેજ કોલ્હાપુરી’નું જમણ

Published : 19 April, 2026 03:19 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

લતાદીદી જશે પછી કોણ એવો સૌને પ્રશ્ન થતો ત્યારે એક સધિયારો હતો કે હજી આશાતાઈ આપણી વચ્ચે છે, પણ આશાતાઈ પછી કોણ એનો કોઈ જવાબ મળતો નથી. ત્યારે મન મનાવીએ કે અમુક સ્થાનો ઈશ્વર ભરવા માટે નહીં, તમને એની કિંમત સમજાય એટલા માટે ખાલી રાખવા માટે જ સર્જતા હોય છે

આશા ભોસલે

વો જબ યાદ આએ

આશા ભોસલે


‘હું પણ ઘણા વખતથી આશાજીને મળી નથી. ફોન કરીને આવતા અઠવાડિયે તેમની સાથે મીટિંગ નક્કી કરું છું. આપણે સાથે મળવા જઈશું.’

મંગળવારે, પાંચમી એપ્રિલે મારા ઘરે જમતાં-જમતાં સોનાલી રૂપકુમાર રાઠોડ સાથે હું અને  મારી પત્ની ભારતી ગપસપ કરતાં હતાં. વાત-વાતમાં હૃદયનાથ મંગેશકરની લથડેલી તબિયતનો ઉલ્લેખ થયો અને સોનાલીએ કહ્યું કે તેઓ હાલમાં પુણેમાં છે અને સમય મળતાં પુણે જવું છે. એ દરમ્યાન આશાજીની વાત નીકળી એટલે તેમણે કહ્યું કે તેમને મળ્યાને પણ લાંબો સમય થઈ ગયો છે તો આવતા અઠવાડિયે તમે પણ સાથે આવો, મળવા જઈએ.



શનિવારે, ૧૧ એપ્રિલે રાત્રે સોનાલીનો ફોન આવ્યો કે હું પુણે હૃદયનાથજીને મળીને મુંબઈ રિટર્ન થાઉં છું, હવે તેમની તબિયત સુધારા પર છે પરંતુ થોડી વાર પહેલાં આશાજીને હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. આ સાંભળીને એક જ વિચાર આવ્યો કે જલદીથી તેઓ સાજા થઈ જાય અને તેમને રૂબરૂ મળવાની ઇચ્છા પૂરી થાય.


ઘણી વખત એવું થતું હોય છે કે હવે તો સપનું પૂરું થશે, પણ Man proposes and God desposes. દોઢ વર્ષ પહેલાં કલ્યાણજી આણંદજીના જીવન પર આધારિત મારા પુસ્તક ‘ઝિંદગી કા સફર’ના વિમોચન પ્રસંગે તેમને આમંત્રણ આપવા જવાનો હતો, પણ અચાનક તેઓ પુણે ગયાં એટલે શક્ય ન બન્યું. એ સમયે એટલો સધિયારો હતો કે કાર્યક્રમમાં તો આવવાનાં જ છે. સંજોગવશાત્ તેમની તબિયત બગડી અને તે કાર્યક્રમમાં ન આવી શક્યાં એટલે એ મોકો પણ ગયો. મનમાં થયું કે ઈશ્વરે ત્રીજો મોકો આપ્યો છે એટલે તેમનાં દર્શન કરવાનો સમય આવી ગયો છે.

પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી ઘડિયાળ અને ઈશ્વરની ઘડિયાળનો સમય એકસરખો નથી હોતો. ૧૨ એપ્રિલે આશાતાઈએ અંતિમ વિદાય લીધી. સંગીતના દિગ્ગજો મારાં આરાધ્ય દેવી-દેવતાઓ છે. અનેક વિભૂતિઓને મળ્યો છું, અનાયાસ મળ્યો છું અને જેમને નથી મળાયું એનો વસવસો છે પણ વલોપાત નથી. આશાજીના નિધનના સમાચાર મળ્યા ત્યારે ‘સમય સે પહલે ઔર ભાગ્ય સે ઝ્યાદા કુછ નહીં મિલતા’નો સાચો અર્થ સમજાયો. અમુક ઇચ્છાઓ પૂરી ન થવા માટે જ મનમાં આકાર લેતી હોય છે. એ સમયે સંતવાણી યાદ આવે : ‘મનની મુરાદ પૂરી થાય તો હરિકૃપા અને ન થાય તો હરિઇચ્છા.’


આશાતાઈ માટે, તેમની ગાયકી વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે એટલે આજે થોડી અલગ વાત કરવી છે. તેમની વાતો કરીએ એટલે સાથે લતાદીદીની વાતો આવે જ. જીવનભર આશાતાઈને એક ખટકો રહ્યો એની વાત કરતાં તેઓ કહે છે, ‘મને સદૈવ એ વાતનો અફસોસ રહ્યો કે જ્યારે-જ્યારે મારી અને દીદીની સિદ્ધિઓની સરખામણી થઈ છે ત્યારે મને બીજું સ્થાન મળ્યું છે.’

મોટી બહેન લતા મંગેશકર સાથેની પોતાની તુલનાની વાત કરતાં આશાતાઈ વ્યથિત સ્વરે આ મુદ્દાને અસરકારક રીતે રજૂ કરતાં આગળ કહે છે, ‘ચંદ્ર પર પ્રથમ ડગલું મૂકનાર નીલ આર્મસ્ટ્રૉન્ગને દુનિયા ભૂલી નથી, પરંતુ તેની પાછળ જ ચંદ્ર પર ઉતરનાર અવકાશયાત્રીનું નામ ભાગ્યે જ કોઈને યાદ છે. બન્નેની સિદ્ધિ સરખી છે, પણ એક જગમશહૂર છે અને બીજો ગુમનામ છે. દીદી મારા કરતાં ઉંમરમાં મોટી છે એ ન્યાયે મારી સિદ્ધિઓનું મૂલ્યાંકન ઓછું થાય એ યોગ્ય નથી.’

તાર્કિક રીતે જોઈએ તો આશાતાઈની વાતમાં દમ છે. નીલ આર્મસ્ટ્રૉન્ગની પાછળ જ ચંદ્ર પર ડગલું ભરનાર બીજો અવકાશયાત્રી હતો એડવિન એલ્ડ્રિન અને એક ત્રીજો અવકાશયાત્રી ચંદ્રયાનમાં બેઠો હતો જેનું નામ હતું માઇકલ કૉલિંસ. આ બન્નેને કોઈ યાદ નથી કરતું.

મંગેશકર બહેનો ક્રિકેટમાં ઊંડો રસ લેતાં એટલે ‘રો-કો’ની જોડીના રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં ચડિયાતું કોણ એની ચર્ચા બન્ને વચ્ચે થતી જ હશે, પણ બેઉ બહેનોમાં કોણ ચડિયાતું એ પ્રશ્ન બન્નેના ચાહકોમાં રમખાણ ફેલાવી શકે એટલે ન્યાયાધીશ બનવાનો મોહ છોડીને ‘પૉલિટિકલી કરેક્ટ’ જવાબ આપવો હોય તો એમ કહેવાય કે બન્નેને ‘જૉઇન્ટ વિનર’ તરીકે ઘોષિત કરીએ તો ઘીના ઠામમાં ઘી પડ્યા જેવી વાત થાય.

બન્નેની શૈલી અલગ હતી એ વાત સાચી, પણ આશાતાઈ માનતાં કે દીદીએ ગાયેલાં ગીતો હું પણ ગાઈ શકું છું. કદાચ એટલે જ તે રાહુલ દેવ બર્મનને કહેતાં, ‘તું મેલોડિયસ ગીતો માટે હંમેશાં દીદીને બોલાવે છે.’ વાત સાચી છે. પંચમદાએ લતાજી સાથે રેકૉર્ડ કરેલાં ગીતો સાંભળતાં પ્રતીતિ થાય કે આશાતાઈની વાતમાં દમ છે. જોકે લતાજી કહેતાં, ‘આશાએ ગાયેલાં અમુક ગીતોને હું ન્યાય ન આપી શકી હોત.’ અને તેઓ ‘દમ મારો દમ’ અને ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’નો દાખલો આપીને પોતાની વાતને પુરવાર કરે છે.

બન્ને બહેનોના સ્વભાવમાં આસમાન-જમીનનો ફરક હતો. લતાદીદી ‘શુગરકોટેડ પિલ’ની જેમ પથ્થરને ગુલાબના ગાભામાં વીંટીને, ‘લવિંગ કેરી લાકડીએ’ હળવે હાથે હડસેલો મારતાં; જ્યારે આશાતાઈ ‘એક ઘા ને બે કટકા’ની શૈલીમાં જે કહેવું એ મોઢામોઢ કહેતાં. તેમને જલેબીની જેમ ગોળ-ગોળ વાતોમાં રસ નહોતો. ૧૯૫૨માં ‘છમ છમા છમ’ માટે ઓ. પી. નય્યરે પહેલી વાર તેમની સાથે ગીત રેકૉર્ડ કર્યું. રેકૉર્ડિંગ પૂરું થયા બાદ આદત મુજબ સંગીતકારે ગાયિકાની પીઠ થપથપાવી. તરત અણગમો દર્શાવતાં આશાજીએ સંગીતકારનાં પત્ની સરોજને કહ્યું, ‘નય્યરસાબને કહો કે આ ફિલ્મી સ્ટાઇલથી વખાણ કરવાની રીત મને પસંદ નથી અને હું એનાથી ટેવાયેલી નથી.’

૧૬ વર્ષની ઉંમરે પરિવારની વિરુદ્ધ જઈને આધેડ વયના ગણપતરાવ ભોસલે સાથે લગ્નજીવન શરૂ કરનાર આશાજીએ ઘરગૃહસ્થી અને કારકિર્દી માટે હસતાં-હસતાં સંઘર્ષ કર્યો તો સમય જતાં સંબંધની સાંકળ તોડી ૩ બાળકો સાથે પાછા પિયર આવીને નવું જીવન શરૂ કર્યું એ બતાવે છે કે તેઓ આત્મસન્માન માટે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નહોતાં.

આશાજી અને ઓ. પી. નય્યર બન્ને આખાબોલાં અને તડ ને ફ્ડ કહેનારાં. કદાચ એટલે જ બન્ને એકમેકની નજીક આવ્યાં અને ૧૩ વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ છૂટાં પડ્યાં. આ પૂરો સમય આશાજીએ આ સંબંધ વિશે કોઈ ગુનાહિત ભાવ નહોતો રાખ્યો એ તેમના વ્યક્તિત્વનું સબળ પાસું હતું. મોટા ભાગે સ્ત્રીઓ આવા સંબંધમાં સંરક્ષણાત્મક અભિગમ અપનાવતી હોય છે. આશાતાઈ એ બાબતે જમાનાથી આગળ હતાં. એટલે જ ત્યાર બાદ પોતાનાથી વયમાં નાના આર. ડી. બર્મન સાથે લગ્ન કરીને ઠરીઠામ થવાનો નિર્ણય કર્યો ત્યારે કોઈને નવાઈ નહોતી લાગી.

આશાતાઈની બીજી એક ખાસિયત હતી મસ્તી-મજાકમાં સાથી કલાકારોની ટાંગ ખેંચવી. એક વાર એવું બન્યું કે મોહમ્મદ રફી સાથે એક ગીતનું રિહર્સલ થયા બાદ રેકૉર્ડિંગ વખતે તેમણે મુરકી (જે સ્વરમાં શબ્દ ગાવાનો હોય એમાં થોડું ‘ઇમ્પ્રોવાઇઝેશન’ કરવું) લીધી જે રિહર્સલ દરમ્યાન નહોતી લીધી. આ સાંભળીને મોહમ્મદ રફીએ ફરિયાદના સ્વરમાં કહ્યું, ‘મુરકી લેવાની શું જરૂર હતી?’ તરત જવાબ મળ્યો, ‘આપ ભી લે સકતે થે. કિસને રોકા થા?’

ત્યાર બાદ એવું બનતું કે બન્ને એકમેકને માત કરવા અમુક ગીતોમાં મુરકીઓ લેવા લાગ્યા. બન્ને વચ્ચે અહમનો કોઈ ટકરાવ નહોતો. એક ઉદાહરણ આપું. ‘કાલા પાની’માં ‘અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ના’ ધ્યાનથી સાંભળજો. બન્નેની મસ્તીભરી હરકતોને કારણે આ ગીત રંગીલું બન્યું છે.

જોકે આવું કરવામાં એક વાર કિશોરકુમાર આશાતાઈથી નારાજ થઈ ગયા હતા. પંચમદાને કહે, ‘અબ મૈં આશા કે સાથ ગાના નહીં ગાઉંગા.’ સાચું કારણ જાણ્યા બાદ તેમણે કિશોરદાને કહ્યું, ‘મૈં આશા સે બાત કરુંગા. દૂસરી બાર ઐસા નહીં હોગા.’ બાળક જેવા સ્વભાવના કિશોરકુમાર ત્યારે તો માની ગયા, પણ બીજા રેકૉર્ડિંગ વખતે શરત મૂકી, ‘મૈં આશા કે સાથ નહીં, દૂસરી તરફ મુંહ રખકે ગાઉંગા.’ પંચમદાએ આશાતાઈને ચેતવણી આપતાં કહ્યું કે કોઈ પણ જાતની હરકત કર્યા વિના સીધેસીધું ગીત ગાવાનું છે.

રેકૉર્ડિંગ શરૂ થયું. આશાતાઈએ જાણીબૂજીને હરકત કરી. એ સાંભળીને ઊલટા ઊભેલા કિશોરકુમાર ખોટો ગુસ્સો કરતાં બોલ્યા, ‘તૂ કભી સુધરેગી નહીં.’ અને બધા હસી પડ્યા. આશાતાઈની મસ્તીના આવા અનેક કિસ્સાઓ છે.

આવી હરકતો આશાતાઈ લતાદીદી સાથે જ્યારે ‘ફીમેલ ડ્યુએટ’ રેકૉર્ડ કરતાં ત્યારે પણ કરતાં, પરંતુ દીદી એ માટે હંમેશાં તૈયાર રહેતાં. ફળસ્વરૂપે સંગીતપ્રેમીઓને બેજોડ ગીતો મળ્યાં. ‘કર ગયા રે, કર ગયા મુઝ પે જાદુ’ (બસંત બહાર), ‘ઓ ચાંદ જહાં વો જાએ’ (શારદા), ‘જબ જબ તુમ્હે ભુલાયા, તુમ ઔર યાદ આએ (જહાંઆરા), ‘મન ક્યૂં બહકા રે બહકા આધી રાત કો’ (ઉત્સવ) અને બીજાં અનેક કર્ણપ્રિય ગીતોમાં મંગેશકર બહેનોએ સંગીતનો મહોત્સવ સરજ્યો છે. એક તરફ લતાદીદીના સ્વરનું લાવણ્ય અને બીજી તરફ આશાતાઈના સ્વરનું અલ્હડપણ, આ બન્નેની જુગલબંદી ભાવકોને સ્વરથી ઈશ્વર સુધીની યાત્રા કરાવે છે.

એક વાતનો આશાતાઈને સંતોષ રહેશે. સંખ્યાની બાબતમાં લતાદીદી કરતાં વધુ ગીતો ગાવાનો એટલું જ નહીં, સ્ત્રી કે પુરુષ ગાયકો/ગાયિકાઓમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકૉર્ડ તેમના નામે છે. જો લતાદીદીએ જગજિત સિંહ સાથે ગઝલ આલબમ રેકૉર્ડ કર્યું તો આશાતાઈ અને ગુલામ અલીનું ગઝલ આલબમ પણ એટલું જ કર્ણપ્રિય બન્યું છે. બન્ને બહેનોએ હિન્દી ઉપરાંત ગુજરાતી સહિત અનેક પ્રાદેશિક ભાષામાં ગીતો રેકૉર્ડ કર્યાં છે પણ કેવળ આશાતાઈએ અંગ્રેજીમાં ગીતો રેકૉર્ડ કર્યાં છે.

બન્ને બહેનોની ‘પ્રોફેશનલ રાઇવલરી’ એક નહીં તો બીજા સ્વરૂપે બહાર આવતી રહી એ હકીકત છે. એનું જગજાહેર ઉદાહરણ એટલે ‘અય મેરે વતન કે લોગોં’. સંગીતકાર સી. રામચંદ્ર સાથે આશાતાઈ આ ગીતનાં રિહર્સલ કરી ચૂક્યાં હતાં. છેક છેલ્લી ઘડીએ મોટી બહેને બાજી ફેરવીને કઈ રીતે આ ગીત પોતાના નામે હસ્તગત કરી લીધું એ વાત અહીં કરવી ઉચિત નથી. એટલું જ કહેવું પર્યાપ્ત છે કે આ રીતે સહન કરનાર આશાતાઈ પહેલાં કે છેલ્લાં નહોતાં. એક વાતની તારીફ કરવી જ પડે કે જાહેરમાં લતાદીદીની ટેવ અને સ્ટાઇલની મજાક કરતાં આશાતાઈએ હંમેશાં દીદીને માનસન્માન આપ્યું છે. એટલે જ ઓ. પી. નય્યર સાથેના સંબંધ-વિચ્છેદ બાદ દીદીએ આશાજીને દિલથી સાથ આપ્યો હતો.

જો લતાદીદીને ફિલ્મસંગીતનાં જાજરમાન કવીન વિક્ટોરિયા કહીએ તો આશાતાઈને ચાર્મિંગ લવેબલ પ્રિન્સ ડાયના કહેવાં ખોટું ન ગણાય. લતાદીદીની ગાયકી એટલે સર્વરસસંપન્ન સાત્ત્વિક ભોજનની થાળી, જ્યારે આશાતાઈની ગાયકી એટલે સ્વાદેન્દ્રિયને ઉત્તેજિત કરતી ગળચટી વાનગીઓ સાથે ‘વેજ કોલ્હાપુરી’નું ભોજન. બન્ને પૂજ્ય હતાં. લતાદીદી રસ્તે મળે તો પ્રભુ શ્રીરામનાં દર્શન થતાં તેમના ચરણસ્પર્શ કરવાનો ભાવ આવે એવું મન થાય, પણ જો આશાતાઈ રસ્તે મળે તો જેમ શ્રીકૃષ્ણને જોઈને ઉમળકાથી ભેટવાનું મન થાય એમ આલિંગન આપીએ તો જ તે રાજી થાય.

 લતાદીદી જશે પછી કોણ એવો સૌને પ્રશ્ન થતો ત્યારે એક સધિયારો હતો કે હજી આશાતાઈ આપણી વચ્ચે છે, પણ આશાતાઈ પછી કોણ? એનો કોઈ જવાબ મળતો નથી. સંગીતના આસમાનમાં અનેક ટિટોડીઓ અને કાબરો કલબલાટ કરે છે, પણ દૂર-દૂર સુધી આશાતાઈનો કોઈ અણસાર નથી દેખાતો. અમુક સ્થાનો ઈશ્વર ભરવા માટે નહીં, તમને એની કિંમત સમજાય એટલા માટે ખાલી રાખવા માટે જ સર્જતા હોય છે. આશાતાઈની જગ્યા લેવાની ધૃષ્ટતા કરવાની કોશિશ કરવી એટલે ક્રિકેટમાં ડૉન બ્રેડમૅનનું સ્થાન લેવાનો વ્યર્થ પ્રયાસ કરવો.

સદેહે લતાદીદી અને આશાતાઈને અનેક વાર જોયાં છે, પણ મુલાકાતનો મોકો નથી મળ્યો. ઉપર ગયા પછી જો ઈશ્વર કૃપા કરીને વરદાન આપે કે બેમાંથી એકની સાથે મુલાકાત કરાવી, સામે બેસાડીને સાંભળવાનો મોકો આપીશ તો મારી પસંદ હશે આશાતાઈ. આ બાબતે હું ચર્ચા કરવા તૈયાર નથી, કારણ કે ‘પસંદ અપની અપની, ખયાલ અપના અપના’. જેને ગુલાબજાંબુ ભાવતાં હોય તેણે રસગુલ્લાના ચાહકો સાથે જીભાજોડી ન કરવી જોઈએ.

પહેલાંના જમાનામાં વડીલો પોસ્ટકાર્ડ પૂરું કરતાં લખતા, ‘થોડું લખ્યું છે એ ઝાઝું જાણીને વાંચજો.’ એટલે વધુ ન કહેતાં અંતમાં સુરેશ દલાલની પંક્તિઓથી સમાપન કરું છું:

લખવા માટે શબ્દ મળ્યો અને વલખવા મૌન

ના કહ્યાનું મૂલ ઘણું અને કહી દીધેલું ગૌણ

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 03:19 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK