વિપક્ષે અડધી વસ્તીનો અધિકાર છીનવ્યો છે, નારી અપમાન નથી ભૂલતી, તેનો હક છીનવવાનું પાપ કરનારને સજા જરૂર મળશે
નરેન્દ્ર મોદી
શુક્રવારે લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ પાસ ન થઈ શકતાં BJPએ ૧૭ એપ્રિલને લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો છે. ગઈ કાલે કૉન્ગ્રેસ અને વિરોધ પક્ષોએ બિલ પાસ ન થવા દીધું એની ખુશી વ્યક્ત કરી હતી. એ પછી ગઈ કાલે રાતે ૮.૩૦થી ૯ વાગ્યા દરમ્યાનની ૩૦ મિનિટ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે ભારે હૈયે સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘મહિલા અનામત સંશોધન બિલ ન લાવી શક્યા એ બદલ હું ભારતની તમામ માતાઓ અને બહેનોની માફી માગું છું.’
મારા માટે દેશહિત સર્વોપરી છે, જ્યારે કોઈ લોકો માટે પાર્ટીનું હિત દેશહિતથી મોટું થઈ જાય છે ત્યારે નારીશક્તિએ જ એનો ભોગ બનવું પડે છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ દિલનો ભાર દેશ સમક્ષ ઠાલવતાં કહ્યું હતું...
ADVERTISEMENT
કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ, DMK, સમાજવાદી પાર્ટી જેવી વિપક્ષી પાર્ટીઓ ભ્રૂણહત્યાની ગુનેગાર છે. તેઓ દેશના સંવિધાનના અપરાધી છે. નારીશક્તિના અપરાધી છે. જે લોકોએ દેશની અડધી જનતા પાસેથી તેમનો અધિકારી છીનવ્યો છે તેમને આ પાપની સજા જરૂર મળશે.
૦ કૉન્ગ્રેસ મહિલા અનામતના વિષયને જ નફરત કરે છે. હંમેશાં મહિલા અનામતને રોકવા માટે ષડ્યંત્ર રચાતું આવ્યું છે. આ બાબતે જ્યારે પણ પ્રયાસ થયા છે ત્યારે વિપક્ષે અવરોધ નાખ્યો છે. આ વખતે વિપક્ષી સાથીઓએ એક નવા જુઠ્ઠાણાનો સહારો લીધો. એવું જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું કે સીમાંકનથી કેટલાંક રાજ્યોને નુકસાન થશે.
૦ આજે ભારતનો દરેક નાગરિક જોઈ રહ્યો છે કે કેવી રીતે ભારતની નારીશક્તિને ઊડવાથી રોકવામાં આવી. તેમનાં સપનાંઓને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યાં.
૦ દેશની કરોડો મહિલાઓની નજર સંસદ પર હતી. વિપક્ષોએ બિલ પાસ ન થતાં ખુશીથી ટેબલ થપથપાવ્યું, તાળીઓ પાડી. મહિલાઓનો અધિકાર છીનવીને આ લોકો ટેબલ થપથપાવી રહ્યા છે.
૦ કાલે વિપક્ષે જેકંઈ કર્યું એ માત્ર ટેબલ પર થાપ નહોતી. એ નારીના સ્વાભિમાન પર ઘા હતો. નારી બધું ભૂલી શકે છે, પણ પોતાનું અપમાન કદી નથી ભૂલતી. એટલે સંસદમાં કૉન્ગ્રેસ અને એના સહયોગીઓએ જે વ્યવહાર કર્યો એની કસક દરેક નારીના મનમાં હંમેશાં રહેશે. જ્યારે પણ મહિલાઓ તેમના ક્ષેત્રમાં આ નેતાઓને જોશે ત્યારે યાદ આવશે કે આ જ લોકોએ સંસદમાં મહિલા અનામતને રોકીને ઉત્સવ અને ખુશી મનાવ્યાં હતાં.
૦ આપણી સાથે આઝાદ થયેલા અનેક દેશો આપણાથી આગળ નીકળી ગયા, પણ કૉન્ગ્રેસ તમામ બદલાવોને રોકીને બેઠી છે. સરકારે અત્યાર સુધી કરેલાં તમામ કામો અને તમામ બિલોનો તેમણે વિરોધ જ કર્યો છે. પાડોશી દેશો સાથે પાણીની વહેંચણી અને સરહદના વિવાદોને લટકાવ્યે રાખ્યા. કૉન્ગ્રેસે ફરી એક વાર સાબિત કરી દીધું કે એ ઍન્ટિ-રીફૉર્મ પાર્ટી છે. એ ૨૧મી સદીના ભારતના નિર્માણ માટેના તમામ નિર્ણયોને ફગાવી દે છે. આ એનો ઇતિહાસ રહ્યો છે.
૦ ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ વિપક્ષની નીતિ રહી છે. કૉન્ગ્રેસ હંમેશાં દેશમાં તિરાડ પાડનારી ભાવનાઓને હવા આપે છે. અમે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ રાજ્યનું રિપ્રેઝન્ટેશન ઘટવાનું નથી. બિલ પાસ થઈ જાત તો ભારતના દરેક રાજ્યની બેઠકો વધી હોત. કોઈ પક્ષ એ સમજવા તૈયાર ન થયો. તમામ પાર્ટીઓ અને રાજ્યો પાસે એક મોકો હતો કે તેઓ વધુ ને વધુ લોકોને સંસદસભ્ય અને વિધાનસભ્ય બનાવીને દેશના ઘડતર માટે સામેલ કરી શકે, પણ આ મોકો તેમણે ગુમાવી દીધો.
૦ ૪૦ વર્ષથી લટકી રહેલા નારીના હકને ૨૦૨૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હક આપવા માટેનું સંશોધન હતું. આ બિલ નવી તકો, નવી ઉડાન અને નારીશક્તિ વંદન બિલ સામેની બાધાઓને હટાવવાનો મહાયજ્ઞ હતો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તમામ રાજ્યોની મહિલાઓની શક્તિને સમાન રીતે વધારવાનો પ્રયાસ હતો. દેશની વસ્તીના સમાન અનુપાનમાં શક્તિ વધારવાની સહૃદય કોશિશ હતી. આ ઈમાનદાર પ્રયાસની કૉન્ગ્રેસ અને સહયોગી પાર્ટીઓએ સંસદમાં જ ભ્રૂણહત્યા કરી નાખી. આ પાપની સજા તેમને જરૂર મળશે. આ બિલ કોઈ પાસેથી કશું છીનવી લેવા માટે નહોતું, બધાને કંઈક ને કંઈક આપવા માટે હતું.
