Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૯૦ વર્ષની ઉંમરે પણ આ વડીલનો સંગીતપ્રેમ હજી અકબંધ છે

૯૦ વર્ષની ઉંમરે પણ આ વડીલનો સંગીતપ્રેમ હજી અકબંધ છે

Published : 23 February, 2026 01:57 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આ ઉંમરે મોટા ભાગના લોકો સ્ફૂર્તિ ગુમાવી બેસે છે ત્યારે કાંદિવલીમાં રહેતા ભગવાન બખાઈ અપવાદ સમાન છે. બાળપણમાં પિતા સાથે હાર્મોનિયમ વગાડવાનું શરૂ કરનાર ભગવાનભાઈ ૯૦ વર્ષની ઉંમરે પણ દરરોજ કીબોર્ડ વગાડે છે.

એડનમાં ધીરુભાઈ અંબાણી સાથે એક જ કંપનીમાં કામ કરી ચૂકેલા ભગવાનભાઈની શિસ્તબદ્ધ લાઇફ વિશે જાણીએ

ઉમ્ર કી ઐસીતૈસી

એડનમાં ધીરુભાઈ અંબાણી સાથે એક જ કંપનીમાં કામ કરી ચૂકેલા ભગવાનભાઈની શિસ્તબદ્ધ લાઇફ વિશે જાણીએ


કી હાઇલાઇટ્સ

  1. ભગવાનભાઈનો સંગીતપ્રેમ ખરેખર પ્રશંસનીય છે
  2. તેઓ દરરોજ એક કલાક કીબોર્ડ વગાડે છે
  3. સાથે હાર્મોનિયમ, તબલાં પણ વગાડી જાણે છે

કેટલાક લોકો માટે સંગીત મનોરંજન છે, કેટલાક માટે શોખ; પરંતુ કાંદિવલીમાં રહેતા ભગવાન બખાઈ માટે સંગીત જીવનની રીત છે. ૯૦ વર્ષની ઉંમરે પણ દરરોજ કીબોર્ડ સામે બેસીને તેઓ સાબિત કરે છે કે સ્વર મનનો વ્યાયામ છે. સમય બદલાયો, દેશ બદલાયો, વ્યવસાય બદલાયો પણ સ્વરો સાથેનો તેમનો સંબંધ અડગ રહ્યો.

આ અડગતા માત્ર સંગીત સુધી સીમિત નથી. જીવનના દરેક પડાવે તેમણે શિસ્તને પ્રાથમિકતા આપી છે. આ ઉંમરે પણ તેઓ ખાવાપીવા, ઊઠવા-સૂવામાં, શારીરિક કસરતમાં નિયમિતતા જાળવે છે. યમનના એડનથી અમદાવાદ સુધીનું તેમનું જે રીતનું જીવન અને કારકિર્દી રહ્યાં છે એમાં પણ તેમની નિષ્ઠા દેખાય છે.



વધતી ઉંમર સાથે સંગીતપ્રેમ યથાવત્


ભગવાનભાઈનો સંગીતપ્રેમ ખરેખર પ્રશંસનીય છે. તેઓ દરરોજ એક કલાક કીબોર્ડ વગાડે છે. બાકી આ ઉંમરે આંગળીઓની મૂવમેન્ટ જાળવવી અઘરી હોય છે. ભગવાનભાઈ હાર્મોનિયમ, તબલાં પણ વગાડી જાણે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારો જન્મ યમન દેશના એડનમાં થયેલો છે. મારા પિતા છોટાલાલ ત્યાં કાપડની દલાલીનું કામ કરતા. તેમને હાર્મોનિયમ વગાડવાનો શોખ હતો એટલે અમારા ઘરે હાર્મોનિયમ હતું. પિતાને હાર્મોનિયમ લઈને બેસવાનો એટલો સમય મળતો નહીં. એટલે તે મને કહેતા કે જેમ હું જાતે હાર્મોનિયમ વગાડતાં શીખ્યો એમ તારે પણ શીખવું હોય તો શીખ. મેં હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર ૧૦ વર્ષની હશે. અમારે ત્યાં હવેલી હતી તો ત્યાં કીર્તન થાય કે નવરાત્રિમાં ગરબા થાય ત્યારે હું પપ્પા સાથે હાર્મોનિયમ વગાડવા માટે જતો. મારા ઘરે હતું એ હાથેથી વગાડવાનું હાર્મોનિયમ હતું પણ ત્યાં ફુટ હાર્મોનિયમ હતું જેમાં પેડલને સતત એક પછી એક પગથી દબાવવાનાં હોય. મારા પપ્પા તો હાર્મોનિયમ અને તબલાં બન્ને વગાડતા. મેં તબલાં શીખવાનો પ્રયત્ન કરેલો પણ મને મજા ન આવી એટલે મેં હાર્મોનિયન શીખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હાર્મોનિયમ અને કીબોર્ડનો બેઝ સેમ જ હોય છે. એટલે હાર્મોનિયમ આવડતું હોય તો કીબોર્ડ શીખવું સરળ પડે. વર્તમાનમાં હું કીબોર્ડ વગાડું છું.’

એડનનું જીવન અને ભારત પ્રયાણ


ભગવાનભાઈનું ભણતર, શરૂઆતની કારકિર્દી અને લગ્ન બધું જ એડનમાં થયું છે. ત્યાં તેમનું જીવન કયા પ્રકારનું રહ્યું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મેં અંગ્રેજી માધ્યમથી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો છે. એ પછી હું A. Besse & Coમાં કામે લાગ્યો. ધીરુભાઈ અંબાણી પણ અહીં જ કામ કરતા હતા. તે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં હતા અને હું શિપિંગમાં હતો. તેમની સાથે મારો સારોએવો પરિચય હતો. એમાં મેં ત્રણ વર્ષ કામ કર્યું. એ પછી હું Luke Thomas & Coમાં કામે લાગ્યો. એ પણ એક શિપિંગ કંપની હતી. અહીં મેં લગભગ ૮ વર્ષ કામ કર્યું. એ પછી ૧૯૬૯માં હું ભારત આવ્યો. એ સમયે હું ૩૩ વર્ષનો હોઈશ. ભારત પરત આવવાનું મુખ્ય કારણ ત્યાં ફાટી નીકળેલું ગૃહયુદ્ધ અને બ્રિટિશ શાસનનો અંત હતો. ૧૯૬૭માં યમનને આઝાદી મળી અને બ્રિટિશરોએ એડન છોડ્યું. ત્યાર બાદ ત્યાં માર્ક્સવાદી સરકાર આવી જેણે ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ શરૂ કર્યું. એમાં ઘણી કંપનીઓનાં વળતાં પાણી થયાં જેના કારણે હજારો ગુજરાતીઓએ પોતાનો વર્ષો જૂનો વ્યવસાય અને નોકરી છોડી ભારત પરત ફરવું પડ્યું. એ સમય સુધીમાં મારાં લગ્ન થઈ ગયાં અને ત્રણ દીકરીઓ પણ થઈ ગયેલી. હું ૨૧ વર્ષનો હતો ત્યારે નયના સાથે લગ્ન થઈ ગયેલાં. તે ભારતમાં પહેલાં મદ્રાસ પછી કલકત્તામાં રહ્યાં ને લગ્ન પછી એડનમાં આવ્યાં હતાં.’

સફળ અંગત જીવન અને કારકિર્દી

એડન છોડીને ભગવાનભાઈ મુંબઈ આવી ગયા. એ પછીથી કઈ રીતે તેઓ અહીં સેટલ થયા એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અહીં મને સર્વિસ કોઈ જગ્યાએ મળી નહીં એટલે ધંધા જમાવવાના પ્રયત્ન કર્યા. જોકે એમાં કંઈ ખાસ જામ્યું નહીં. દરમિયાન મને એક મોટી તક મળી. બી. કે. બિરલા ગ્રુપને અમદાવાદમાં કેસોરામ રેયૉનની એક બ્રાન્ચ ખોલવી હતી. મારો એડનનો અનુભવ અને અંગ્રેજીમાં સારી ફાવટને જોઈને તેમણે મને અમદાવાદ બ્રાન્ચનો મૅનેજર અપૉઇન્ટ કર્યો. બી. કે. બિરલા મને સારી રીતે ઓળખતા. હું રેયૉન યાર્ન અને સેલોફેન ટ્રાન્સપરન્ટ પેપર આ બે પ્રોડક્ટનું માર્કેટિંગ આખા ગુજરાતમાં કરતો. હું ૨૦૦૨માં નિવૃત્ત થયો ત્યાં સુધી મેં ત્યાં જ કામ કર્યું. જીવનના દરેક ઉતાર-ચડાવમાં મારી પત્ની નયનાનો મને બહુ સાથ મળ્યો. લગ્ન પહેલાં તો અમે એકબીજાને જોયાં પણ નહોતાં છતાં આ સંબંધ આજે ૬૯ વર્ષ પછી પણ મજબૂત અને પ્રેમાળ છે. અમે એકબીજાનાં સ્વભાવ, પસંદ-નાપસંદ અને વિચારોને સમજી, સ્વીકારી અને એમાં પોતાને ઢાળી દીધાં. જીવનની આર્થિક પરિસ્થિતિ હંમેશાં અનુકૂળ નહોતી છતાં અમે ચારેય દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી, સંસ્કારોનું સિંચન કરીને પરણાવી. મારે સંતાનોમાં ચાર દીકરીઓ છે. એક દીકરીનો જન્મ ભારતમાં થયેલો છે.’

નીરોગી જીવન અને પરિવારનો સાથ

વર્તમાનમાં ભગવાનભાઈ થોડા-થોડા મહિનાઓ બધી દીકરીઓના ઘરે રહેવા માટે જાય. હાલમાં તેઓ કાંદિવલીમાં તેમની દીકરી સ્મિતા અને જમાઈ દીપક શાહ સાથે રહે છે. દીપકભાઈ કહે છે, ‘તેમનાં સૌથી મોટાં દીકરી હર્ષા ગુજરી ગયાં છે, પણ તેમનો પરિવાર લંડનમાં સ્થાયી છે. બીજી એક દીકરી પ્રીતિ અને જમાઈ અશ્વિન પારેખ લંડનમાં સેટલ્ડ છે. ત્રીજી દીકરી ખ્યાતિ અને જમાઈ સમીર છાપિયા અમદાવાદમાં રહે છે. મારા સસરા થોડા-થોડા મહિનાઓ બધી દીકરીઓના ઘરે રહેવા માટે આવે છે. તેમનાં દોહિત્રી અને દોહિત્રો સાથે સમય વિતાવે. આ ઉંમરે પણ તેઓ એકદમ શિસ્ત સાથે જીવન જીવે છે. સવારે એક્સરસાઇઝ કરે, વૉક કરવા માટે જાય. જમવાનું પણ સમયસર પતાવી દે. સમયસર સૂવાનું અને ઊઠવાનું. એટલે રોજિંદા જીવનમાં તેમણે બધી વસ્તુની નિયમિતતા બહુ જાળવી રાખી છે. તેમને કોઈ હેલ્થ-ઇશ્યુ નથી. ક્યારેય કોઈ દવા લેવી પડી નથી. બાકી તેમને કીબોર્ડ વગાડતાં સારુંએવું આવડે એટલે ફૅમિલી-ફંક્શનમાં કે જ્ઞાતિનો કોઈ પ્રસંગ હોય ત્યારે તેમને કીબોર્ડ વગાડવા માટેનું આમંત્રણ હોય જ. તેઓ ગુજરાતી ભજન, હિન્દી ગીતો વગાડે. કીબોર્ડ વગાડવા બેસે ત્યારે કોઈ પણ પ્રકારની મદદ લીધા વગર તમામ ટેક્નિકલ સેટિંગ જાતે કરે છે.’

સસરાના સ્વભાવ વિશે જણાવતાં દીપકભાઈ કહે છે, ‘તેમના વ્યક્તિત્વનું સૌથી મોટું જમા પાસું તેમની સાદાઈ છે. આટલી મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર રહ્યા હોવા છતાં તેમનામાં લેશમાત્ર અહંકાર જોવા મળ્યો નથી. તેઓ સાદગીભર્યું જીવન જીવવામાં માને છે. તેમનો સ્વભાવ એટલો મૃદુ છે કે નવ દાયકાની આ સફરમાં કોઈની સાથે ક્યારેય ઊંચા અવાજે બોલાચાલી થઈ હોય એવું બન્યું નથી. અજાણ્યા હોય કે અંગત, દરેક સાથે પ્રેમથી વાત કરવી એ તેમની પ્રકૃતિ છે. તેમના આ જ શાંત અને હકારાત્મક અભિગમને કારણે દરેક ક્ષેત્રમાં તેમના સંબંધો ખૂબ જ મધુર અને આદરણીય રહ્યા છે.’

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 01:57 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK