આજથી પાંચ વર્ષ પહેલાં રંગમંચના જાણીતા કલાકાર અને સર્જક કમલેશ મોતાનું નિધન થયું એ સમયે તેમના જિગરી મિત્ર બાબુલ ભાવસારનો ફોન સાઇલન્ટ પર હતો એટલે તેમને જાણ જ ન થઈ અને તેઓ મિત્રની અંતિમક્રિયામાં પણ પહોંચી ન શક્યા જેનો તેમનો ભારોભાર અફસોસ છે.
કમલેશ મોતા સાથે ભારતીય વિદ્યાભવનના પગથિયા પર બેસેલા બાબુલ ભાવસાર.
આજથી પાંચ વર્ષ પહેલાં રંગમંચના જાણીતા કલાકાર અને સર્જક કમલેશ મોતાનું નિધન થયું એ સમયે તેમના જિગરી મિત્ર બાબુલ ભાવસારનો ફોન સાઇલન્ટ પર હતો એટલે તેમને જાણ જ ન થઈ અને તેઓ મિત્રની અંતિમક્રિયામાં પણ પહોંચી ન શક્યા જેનો તેમનો ભારોભાર અફસોસ છે. અઢળક ઍડ્સ; ગુજરાતી-મરાઠી-હિન્દી-અંગ્રેજી એમ બધી ભાષામાં નાટકો, ટીવી-સિરિયલો, ફિલ્મો, વેબ-સિરીઝમાં જોવા મળતા બાબુભાઈ કરીઅરમાં ઍક્ટર ઉપરાંત લેખક, દિગ્દર્શક અને નિર્માતા પણ છે
આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાંની વાત છે. ભારતીય વિદ્યા ભવન ખાતે એ સમયના ડિરેક્ટર ભાઉસાહેબ એટલે કે ગિરેશ દેસાઈએ એ સમયે રંગભૂમિમાં કામ કરતા કલાકારો કમલેશ મોતા અને તેમના મિત્ર બાબુલ ભાવસારને રંગભૂમિની એક જાણીતી વ્યક્તિના મૃત્યુના સમાચાર આપ્યા એટલે તરત એ લોકો સ્મશાનભૂમિ તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને જોયું તો રંગભૂમિનું કોઈ જ હાજર નહોતું. બાબુલ ભાવસારને આ ખૂબ કઠ્યું. તેમને થયું કે રંગભૂમિનું કોઈ ગુજરી જાય તો બધા હાજર થાય જ, પણ તકલીફ એ હતી કે બધાને ખબર જ નહોતી. એ સમયે હજી મોબાઈલ નવા-નવા આવેલા. મેસેજ કરવાના પણ પૈસા લાગતા. બાબુલભાઈએ એ સમયે લગભગ ૩૦૦ લોકોને મેસેજ કરીને જણાવ્યું, જેને લીધે એ વ્યક્તિની પ્રાર્થનાસભામાં લોકો હાજરી આપી શક્યા. એ પછી બાબુલભાઈએ આ જવાબદારી સ્વેચ્છાથી પોતે સ્વીકારી લીધી. એ પછી રંગભૂમિ પર કોઈનું પણ મૃત્યુ થાય, બાબુલભાઈનો મેસેજ બધાને મળી જ જાય જેને લીધે મરનાર વ્યક્તિને રંગભૂમિ તરફથી ડિગ્નિટીથી વિદાય આપવાનું શક્ય બનવા લાગ્યું.
જોકે બાબુલભાઈએ નહોતું વિચાર્યું એવું કોરોનાકાળમાં થયું. તેમના જિગરી મિત્ર કમલેશ મોતાને કોરોનાકાળ દરમિયાન હાર્ટ-અટૅક આવ્યો. તે ફક્ત પંચાવન વર્ષના હતા અને ગુજરી ગયા. એ વિશે વાત કરતાં ૬૧ વર્ષના બાબુલભાઈ કહે છે, ‘રાત્રે ૯ વાગ્યા આસપાસ આ બન્યું હશે અને હું મોબાઇલ સાઇલન્ટ પર રાખીને સૂઈ ગયો. કમલેશભાઈનાં પત્નીએ મને ફોન કરેલો. જુદા-જુદા ૧૫ જણે મને જાણ કરવાની કોશિશ કરી અને એ માટે ફોન કર્યા. કોઈ ઘરે આવી શકે એમ નહોતું કારણ કે કોરોના ચાલતો હતો. કમલેશને વહેલી સવારે ૭ વાગ્યે દાહસંસ્કાર માટે લઈ ગયા. મેં સવારે છેક સાડાઆઠે ફોન જોયો અને મને ખબર પડી. હું મારા જિગરી મિત્રના છેલ્લા સમયમાં ત્યાં પહોંચ્યો જ નહીં. આ કડવું સત્ય આજે પાંચ વર્ષ થયા પછી પણ હું પચાવી નથી શક્યો. હું આજે પણ માની નથી શકતો કે તે નથી. મેં તેને જતો જોયો જ નથી એટલે એ મારું મન સ્વીકારી શકતું નથી. એ મારું કામ હતું કે હું બધાને જાણ કરું અને મને જ જાણ ન થઈ. એ દિવસ છે ને આજે, હું ફોન સાઇલન્ટ પર રાખતો જ નથી. મને ખૂબ ડર લાગે છે હવે. તેનું મૃત્યુ મારા જીવનનું સૌથી મોટું દુખ છે અને હું તેની પાસે ન પહોંચી શક્યો એ મારા જીવનનો સૌથી મોટો અફસોસ.’
કરીઅર કેવી?
બાબુલ ભાવસારને તમે ટીવી અને રંગમંચ પર તથા ઍડ્સમાં જોયા હશે. તે એક જૂના અને જાણીતા ઍક્ટર છે. એની સાથે-સાથે તેઓ લેખક, નિર્માતા, દિગ્દર્શક પણ છે. તેમના જીવનનું પહેલું નાટક તેમણે ૧૯૮૦માં કરેલું જેનું નામ હતું ‘સોટી પોઠી’. આ એક બાળનાટક હતું. છેલ્લે તેમણે ‘ભારત ભાગ્ય વિધાતા’ નામનું નાટક કર્યું હતું જેનો ૧૦૦મો શો ભજવવાનો હતો એ સમયે જ કોરોનાનું લૉકડાઉન ડિક્લેર થયું હતું. એ પછી આ નાટકનો શો થયો નથી. તેમણે ‘તોફાની ટપુડો’, ‘ટારઝન’, ‘છોટુ મોટુ’, ‘અકબર બીરબલ’, ‘ચસ્મિશ ચચુ બિલાડીનું બચ્ચું’ જેવાં બાળનાટકોમાં અભિનય કર્યો એટલું જ નહીં, ‘એક દો તીન’, ‘મામા મૂછાળા’, ‘સોટી વાગે ચમચમ’ અને ‘ચાર્લી’ જેવાં બાળનાટકો તેમણે લખ્યાં પણ ખરાં અને એમાં તેમણે અભિનય પણ કર્યો. ‘ઉપર ગગન નીચે ધરતી’, ‘નોખી માટીના નોખા માણસો’, ‘કૅરી ઑન પ્રોફેસર’, ‘માસ્ટર પ્લાન’, ‘જન્મદાતા’, ‘પ્રેમની હેરાફેરી’, ‘જેવા સાથે તેવા’, ‘મનમોજીલા’, ‘ગુરુ દેવો ભવઃ’, ‘પ્રેમ ઘેરૈયા’, ‘મન પાંચમના મેળામાં’, ‘મસ્ત મજાની લાઇફ’, ‘પ્રેમમાં બધું માફ’, ‘સંગ તને છે રંગ’, ‘અધૂરા તોયે મધુરા’, ‘અમે હવે રંગ જમાવી જાશું’, ‘ઓળખાણ’, ‘કાચના સંબંધ’ જેવાં અઢળક ગુજરાતી નાટકોમાં તેમણે ઍક્ટર તરીકે કામ કર્યું છે. આ સિવાય અંગ્રેજી અને હિન્દીમાં નાટકોમાં પણ કામ કર્યું છે.
બાબુલભાઈ ફક્ત ઍક્ટર નથી, લેખક પણ છે. તેમણે લેખક તરીકે ‘સ્વપ્ન કિનારે’, ‘શ્રીલેખા’, ‘હૅન્ડ્સ અપ’, ‘ભાસ આભાસ’ જેવી સિરિયલો લખી છે. માત્ર ગુજરાતીમાં નહીં, હિન્દી અને મરાઠીમાં પણ સિરિયલો લખી છે. લેખક તરીકે તેમણે ‘સાથિયામાં એક રંગ ઓછો’ નામની ઈટીવી ગુજરાતી પરની એક સિરિયલના ૭૦૦ એપિસોડની કથા, પટકથા અને સંવાદ ત્રણેય લખ્યાં છે. નિર્માતા અને દિગ્દર્શક તરીકે તેમણે હિન્દી નાટકો ‘કોહરા’ અને ‘હમ સબ ચોર હૈ’ કર્યાં છે. ‘પ્રેમ ઘેરૈયા’, ‘ઓળખાણ’, ‘કાચના સંબંધ’, ‘મારે તે આંગણે..!’, ‘સરસ્વતીચંદ્ર’ જેવાં ગુજરાતી નાટકોના તેઓ નિર્માતા છે. તેમણે આ ઉપરાંત ઘણી ગુજરાતી, મરાઠી ટીવી-સિરિયલોમાં કામ કર્યું છે. આ ઉપરાંત હિન્દી સિરિયલો જેમ કે ‘સુજાતા’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘પાપડ પોલ’, ‘પાલનપુર એક્સપ્રેસ, ‘દિયા ઔર બાતી હમ’, ‘ઔર પ્યાર હો ગયા’, ‘શપથ’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘બંધે એક ડોરી સે’, ‘બાલવીર’, ‘જીની ઓર જુજુ’, ‘યે હૈ મોહબ્બતેં’, ‘કુછ તો લોગ કહેંગે’ જેવી અઢળક સિરિયલોમાં કામ કર્યું છે. હાલમાં કલર્સ પર આવતી ‘મંગલ લક્ષ્મી’માં તેઓ અભિનય કરી રહ્યા છે. તેમણે ‘મોટાભા’, ‘જન્મદાતા’, ‘કાચિંડો’, ‘લંડન કૉલિંગ’ જેવી ગુજરાતી ફિલ્મો લખી અને એમાં અભિનય પણ કર્યો. આ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સલમાન ખાન સાથે ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરી છે. બાબુલભાઈને તમે ઘણીબધી ઍડ્સમાં પણ જોયા હશે.
ADVERTISEMENT
બાળપણ કેવું હતું?
મુંબઈમાં જ ૧૯૬૪માં જન્મેલા અને ઊછરેલા બાબુલ ભાવસારના પિતા બાબુભાઈ ભાવસાર પત્રકાર હતા. ‘ફ્રી પ્રેસ જર્નલ’માં તેઓ અસિસ્ટન્ટ એડિટર તરીકે કાર્યરત હતા. બાબુલભાઈનું નાનપણ આખું પત્રકાર કૉલોનીમાં જ ઊછર્યું. નાનપણમાં સ્કૂલના ઍન્યુઅલ ફંક્શનમાં નાટકો કરતી વખતે તેમને અંદાજ નહોતો કે આ કામ તેમને જીવનભર કરવું છે. તેમણે BCom, LLB અને મૅનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યો હતો. સતત ભણતા એટલા માટે રહ્યા કેમ કે ઘરમાંથી કોઈ નાટકો છોડવાની વાત ન કરે. નાનપણનો એક કિસ્સો યાદ કરતાં બાબુલભાઈ કહે છે, ‘એ સમયે મોરારજી દેસાઈ થોડો સમય વડા પ્રધાન રહ્યા હતા. મારા પપ્પા તેમને મળ્યા ત્યારે તેમણે મારા વિશે વાત કરેલી. પપ્પાએ મોરારજીભાઈને કહ્યું હતું કે મને ઇન્દિરા ગાંધી વધુ ગમે છે. આ વાત પર તેઓ હસ્યા હતા અને કહ્યું હતું કે તેને મળવા લઈ આવજો. હું ૧૭ વર્ષનો હતો ત્યારે. તેમને મળવા ગયો અને તેમણે મને પૂછ્યું હતું કે તને કેમ ઇન્દિરા વધુ ગમે છે? મેં તેમને બેધડક કહ્યું કે તે એક સ્ત્રી થઈને આટલાં વર્ષોથી વડા પ્રધાનપદ સાચવી રહ્યાં છે, તમે અઢી વર્ષ પણ ન ટક્યા, ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદ જોઈએ છે એટલે તેઓ ટકી રહ્યાં છે. ત્યારે મોરારજીભાઈએ હસીને કહ્યું કે વડા પ્રધાનનું પદ આપણે ઇચ્છવાથી મળતું નથી, તું મોટો થઈને સમજી શકીશ આ વાત. આ મુલાકાતે મારા પર ઘણી ઊંડી અસર છોડેલી. જીવનના યાદગાર કિસ્સાઓમાંની એક એટલે આ મુલાકાત.’

સફરની શરૂઆત
બાબુલભાઈ ૧૫ વર્ષના થયા ત્યારે બાળનાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. એ સમયે બાળનાટકો માટે તેમની ઉંમર વધુ હતી એટલે તે નાનપણથી જ પિતા, દાદા, મામાના રોલ કરતા આવ્યા છે. શરૂઆતના સમયની વાત કરતાં બાબુલભાઈ કહે છે, ‘એ સમયે ભારતીય વિદ્યા ભવન ખાતે મારા મિત્રો કમલેશ મોતા અને રાજેશ સોલંકી સાથે હું ત્યાંના દાદરા પર બેસતો. એક દિવસ ત્યાંના ડિરેક્ટર ગિરેશ દેસાઈ જેમને અમે બધા ભાઉસાહેબ કહેતા તેમણે કહ્યું કે અહીં શું બેસો છો, અંદર આવો કામ કરીએ. ત્યાંની હરીફાઈઓમાં મદદ કરવાથી કામની શરૂઆત થઈ. પડદા પાછળથી શરૂ થયેલું કામ પડદાની આગળ આવવા લાગ્યું. એ દિવસોમાં નાટકમાં કોઈ ખાસ આવક થતી નહીં એટલે સંગીત કલા કેન્દ્ર નામની સંસ્થામાં દસેક વર્ષ મેં મૅનેજર તરીકેનું કામ સંભાળ્યું હતું. એ પછી નાટકોનું કામ વધ્યું ત્યારે એ નોકરી છોડી. ‘જેવા સાથે તેવા’ નામનું નાટક મેં કર્યું જેને લઈને અમે અમેરિકા પણ ગયા. એ પછી યુરોપ, આફ્રિકા, કૅનેડા એમ દુનિયાના ઘણા ખૂણાઓમાં જઈ-જઈને મેં નાટકો કર્યાં. નાટકમાં આવક ઓછી હતી. એને કારણે ઘણા ઉતાર-ચડાવ જોયા. એક સમય એવો પણ હતો જ્યારે હું આત્મહત્યા સુધી પહોંચી ગયેલો. અત્યારે તો યાદ પણ નથી એ સમય. કદાચ એમાં કશું યાદ રાખવા જેવું નહોતું એટલે ધ્યાન નથી આવતું. એ વાતને ઘણો સમય થઈ ગયો. અત્યારે તો બધું ખૂબ સેટલ્ડ છે. નાટકો પ્રત્યે ગમેતેટલો પ્રેમ હોય પણ એમાં પૈસા નથી અને ટીવી-સિરિયલોમાં છે એ તો માનવું જ પડે.’
હમ દો હમારે દો
બાબુલભાઈએ આજથી ૩૫ વર્ષ પહેલાં અરેન્જ્ડ મૅરેજ કરેલાં. તેમનાં પત્નીનું નામ નીલિમા છે. તેમને બે દીકરાઓ છે, એક ૩૪ વર્ષનો અને બીજો ૩૦ વર્ષનો છે. મોટો મૅનેજમેન્ટનું કામ કરે છે અને નાના દીકરાએ દાદાનો વારસો જાળવી રાખ્યો હોય એમ તે સ્પોર્ટ્સ પત્રકાર છે. તેમના વિશે વાત કરતાં બાબુલ ભાવસાર કહે છે, ‘મેં ક્યારેય નહોતું ઇચ્છ્યું કે મારાં બાળકો નાટકો કરે. જોકે મેં તેમને ડિસકરેજ પણ નથી કર્યા. મારા પપ્પાએ ક્યારેય મને પોતે પત્રકાર હતા એટલે મારે પત્રકાર જ બનવું જોઈએ એવી કોઈ માગણી રાખી નહોતી. મને એવું હતું કે જે પૈસાની ખેંચમાંથી હું પસાર થયો એમાંથી મારાં બાળકો પસાર ન થાય છતાં મેં તેમને એમ પણ નહોતું કહ્યું કે આ કામ તો કરવાનું જ નથી. તેમણે એ વસ્તુઓ પસંદ કરી જેમાં તેમને રસ હતો.’
પત્ની અને બાળકો સાથે બાબુલ ભાવસાર.
જલદી ફાઇવ
શોખ : મને થ્રિલર્સ જોવી અને લખવી બન્ને ખૂબ ગમે છે. એ મારો સૌથી મોટો શોખ છે. આજની તારીખમાં એક પણ થ્રિલર સ્ટોરી નહીં હોય જે મેં ન જોઈ હોય.
બકેટ લિસ્ટ : મને ખૂબ સારું કામ કરવું છે. મેં બે વેબ-સિરીઝ લખી છે જે સારા પ્રોડ્યુસર પાસે જાય અને એ ખૂબ સારી બને એવી મારી ખાસ ઇચ્છા છે.
શું ન ગમે? : મને ટ્રાવેલિંગ બિલકુલ પસંદ નથી. પહેલાં પણ નહોતું. અમે પૅરિસ ગયેલા એક શૂટિંગ માટે. ત્યાં જઈને મેં આઇફલ ટાવર નહોતો જોયો. અમે જ્યાં પણ જઈએ ત્યાં ઍરપોર્ટથી હોટેલ, હોટેલથી ઑડિટોરિયમ અને ત્યાંથી પાછા. આમ ફરવાનું મને ગમતું નથી. હવે તો આમ પણ મારું વજન ૧૦૦ કિલો છે એટલે ફરવું અઘરું છે પણ હું પહેલાં પણ ખાસ ઇચ્છા ધરાવતો નહીં.
ડર : મને સિગારેટની આદત છે અને કમલેશ મોતા મને ખૂબ ખિજાતો કે આ પીવાનું છોડી દે. તે કહેતો એ પીને મારી કૅબિનમાં નહીં આવવાનું. મને તેના ઠપકાનો ડર લાગતો એટલે તેને મળવા
જવાનું હોય ત્યારે ન જ પીતો. હવે મિત્ર નથી, મિત્રના ઠપકાનો ડર પણ નથી.
પ્રથમ પ્રેમ : રંગમંચ. હું આજે જે કંઈ છું એ રંગમંચને કારણે છું. એ જ મારો પ્રથમ પ્રેમ છે.
માર્ગદર્શક
બાબુલ ભાવસાર સોશ્યલ મીડિયા પર એક ગ્રુપ ચલાવે છે જેમાં કઈ જગ્યાએ ઑડિશન્સ ચાલે છે એની માહિતી આપવામાં આવે છે. પહેલાં તે સેવા સમજીને સ્ટ્રગલર્સ માટે કરતા હતા. ધીમે-ધીમે તેમણે બેઝિક પૈસા લેવાનું શરૂ કર્યું છે. હજારો લોકોને તેઓ જરૂરી માહિતી પૂરી પાડે છે. ગાઇડન્સ પણ આપે છે કે કઈ જગ્યાએ અપ્લાય કરાય અને ક્યાંથી બચવું જરૂરી છે.
