બોરીવલી-વેસ્ટમાં ગોરાઈ ખાતે શરૂ કરવામાં આવેલા ધ બોબા હાઉસમાં એક આંટો મારવા જેવો છે
બોબા ટી બાદ હવે બોબા ડિઝર્ટ
બોબા-લવર્સ માટે વધુ એક આઇટમ આવી ગઈ છે - બોબા ડિઝર્ટ. નૉર્મલી મોટી-મોટી કૅફેમાં બોબા ડિઝર્ટની કેટલીક વરાઇટી મળતી હોય છે, પરંતુ સ્ટૉલ પર બોબા ડિઝર્ટ જોવા મળતાં નથી. કદાચ આ જ વિચાર સાથે બોરીવલી-વેસ્ટમાં રહેતાં એક મહારાષ્ટ્રિયન લેડી બોબા ડિઝર્ટને સ્ટૉલ પર લઈ આવ્યાં છે. તો ચાલો જાણીએ આ બોબા ડિઝર્ટમાં શું આવે છે અને એની અંદર કઈ-કઈ વરાઇટી આવે છે?
બોબા ડિઝર્ટ વિશે માહિતી આપતાં ધ બોબા હાઉસનાં ઓનર સૃષ્ટિ ચવાઠે કહે છે, ‘હમણાં છેલ્લા થોડા સમયથી ડિઝર્ટ બાઉલ ખૂબ ટ્રેન્ડમાં છે. એને ધ્યાનમાં રાખીને મને વિચાર આવ્યો કે આપણે એમાં કંઈક ઇનોવેટિવ કરીને લોકો સમક્ષ મૂકવું જોઈએ. એટલે હું ડિઝર્ટ સાથે બોબાને લઈ આવી. પહેલાં હું જૉબની સાથે કેક બનાવતી હતી, પણ બે મહિના પહેલાં જ મેં મારી જૉબ છોડી દીધી છે અને ફુલ ટાઇમ ડિઝર્ટના સ્ટૉલ પાછળ લાગી ગઈ છું. આમ પણ બોબા અત્યારે બધાને ખૂબ જ પ્રિય છે જેને હું ડિઝર્ટની અંદર લઈ આવી. ચૉકલેટ બાઉલની જેમ જ આ ડિઝર્ટ પીરસવામાં આવે છે. એમાં કેક, નટેલા, બિસ્કોફ, કિટકૅટ વગેરેને ક્રીમમાં મિક્સ કરીને ઉપર આઇસક્રીમ નાખવામાં આવે છે અને પછી બોબા અને ટૉપિંગ્સ નાખીને એને સર્વ કરવામાં આવે છે. બોબા ડિઝર્ટમાં બિસ્કોફ અને કુનાફા લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. આ ડિઝર્ટ અલગ-અલગ સાઇઝના કપમાં સર્વ કરવામાં આવે છે અને એ મુજબ એના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.’
ક્યાં મળશે? : ધ બોબા હાઉસ, જલદર્શન હાઉસિંગ સોસાયટીની સામે, પેપ્સી ગ્રાઉન્ડની બાજુમાં, ગોરાઈ 2, બોરીવલી-વેસ્ટ.
સમય : સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી
