યુરોપિયન શૈલીની ભવ્ય ઇમારતો અને દરિયાઈ પવનોની લહેરોથી શોભતા મુંબઈના આર્કિટેક્ચરલ માસ્ટરપીસ બૅલાર્ડ એસ્ટેટની જો તમે હજી સુધી મુલાકાત નથી લીધી તો આ મહિનો એના માટે બેસ્ટ સમય છે.
‘પિયર પૉપ વૉટરફ્રન્ટ ફેસ્ટિવલ’ના સૌથી મહત્ત્વનાં બે મુખ્ય આકર્ષણોમાં છે પિકલ બૉલ (ડાબે) અને ઇન્ડોર ગો-કાર્ટિંગ (જમણે)તસવીરો ઃ સૈયદ સમીર અબેદી.
યુરોપિયન શૈલીની ભવ્ય ઇમારતો અને દરિયાઈ પવનોની લહેરોથી શોભતા મુંબઈના આર્કિટેક્ચરલ માસ્ટરપીસ બૅલાર્ડ એસ્ટેટની જો તમે હજી સુધી મુલાકાત નથી લીધી તો આ મહિનો એના માટે બેસ્ટ સમય છે. ૨૧ જૂનથી અહીં ડાઉનટાઉન એક્સ્પીરિયન્સ સેન્ટરમાં ‘પિયર પૉપ વૉટરફ્રન્ટ ફેસ્ટિવલ’ શરૂ થયો છે જેમાં પિકલબૉલ, ઇન્ડોર ગો-કાર્ટિંગથી લઈને ઢગલાબંધ ઍક્ટિવિટીઝ કરવા મળવાની છે. આ વિસ્તારની અને ફેસ્ટિવલની વિશેષતાઓ જાણી લો
સાઉથ મુંબઈના ફોર્ટ વિસ્તારથી આગળ વધીને બૅલાર્ડ એસ્ટેટની શાંત સડકો પર પગ મૂકો તો એક ક્ષણ માટે એવું લાગશે કે તમે મુંબઈમાં નહીં, લંડનના કોઈ ઐતિહાસિક પરામાં આવી ગયા છો. અહીંની પથ્થરની બનેલી ભવ્ય અને એકસરખી ઇમારતો, આયોજનબદ્ધ રસ્તાઓ અને દરિયાઈ પવનની લહેરો એક અનોખો રોમાંચ જગાડે છે. મુંબઈનો આ પૉશ વિસ્તાર મોટા ભાગના મુંબઈકરો માટે રિસ્ટ્રિક્ટેડ જેવો રહ્યો છે એનાં બે કારણો છે. એક તો આ વિસ્તાર મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તાર તરીકે પંકાયેલો છે અને બીજું એ કે હેરિટેજ બિઝનેસ હબ હોવાથી એમાં પણ સામાન્ય મુંબઈકરોનું અહીં આવવાનું પ્રયોજન ન રહે. જોકે હવે એ પ્રયોજન બનાવી શકાય એવા સંજોગો ઊભા થયા છે. બૅલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં મુંબઈકરો માટે એક અનોખો વૉટરફ્રન્ટ ઇન્ડોર ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે જે ૨૩ જુલાઈ સુધી ચાલવાનો છે. ગો-કાર્ટિંગથી લઈને રિમોટ કન્ટ્રોલ ગેમિંગ, શૉપિંગથી લઈને ઇન્ટરેસ્ટિંગ ફૂડ-ઑપ્શન સાથે નાનાં બાળકોથી લઈને મોટેરાંઓ માટે અઢળક ઍક્ટિવિટીઓની દુનિયાનો અનુભવ લેવાની ગોલ્ડન તક મુંબઈકરો પાસે છે. એ અનોખા ફેસ્ટિવલની મુલાકાત સાથે આ અનેક ખૂબીઓથી ભરપૂર આ વિસ્તારની વિશેષતાઓથી પણ વાકેફ થઈએ.
ઐતિહાસિક દરિયાઈ પ્રવેશદ્વાર
વીસમી સદીની શરૂઆતમાં હવાઈ મુસાફરી અસ્તિત્વમાં નહોતી ત્યારે દુનિયા માટે ભારત આવવાનો એકમાત્ર માર્ગ દરિયો હતો. આ સમયગાળામાં બ્રિટિશ એન્જિનિયરોએ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના પ્રથમ ચૅરમૅન જૉન બૅલાર્ડના નામ પરથી અત્યાધુનિક બંદરનું નિર્માણ કર્યું જેને બૅલાર્ડ પિયર નામ આપવામાં આવ્યું. મુંબઈને વૈશ્વિક વેપારનું કેન્દ્ર બનાવવામાં આ બન્ને સ્થળોએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ સમયે બ્રિટનથી નીકળતાં મોટાં પૅસેન્જર જહાજો સીધાં બૅલાર્ડ પિયર પર આવીને લાંગરતાં હતાં. પ્રવાસીઓની સુવિધા માટે બંદર પર જ એક ખાસ રેલવે-સ્ટેશન બનાવવામાં આવ્યું હતું જે બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશન કહેવાતું. લંડનથી જહાજમાં આવેલા મુસાફરો અહીં ઊતરીને સીધા જ ટ્રેનોમાં બેસીને દિલ્હી કે કલકત્તા જવા રવાના થઈ શકતા હતા. આ બંદર ભારત માટે ગેટવે ઑફ ઇન્ડિયા પહેલાંનું અસલી પ્રવેશદ્વાર હતું. બૅલાર્ડ પિયર બંદર બન્યા પછી એની આસપાસ વેપારી પ્રવૃત્તિઓ માટે જગ્યાની જરૂરિયાત ઊભી થઈ. આ માટે ૧૯૧૪થી ૧૯૧૮ દરમ્યાન બૉમ્બે પોર્ટ ટ્રસ્ટે દરિયાકિનારાની કાદવવાળી જમીન સરખી કરીને બાવીસ એકરનો નવો વિસ્તાર તૈયાર કર્યો જે બૅલાર્ડ એસ્ટેટ તરીકે ઓળખાયો.
કઈ-કઈ રીતે ખાસ?
બૅલાર્ડ એસ્ટેટની સૌથી મોટી વિશેષતા એનું સ્થાપત્ય છે. આ આખા વિસ્તારની ડિઝાઇન પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ જ્યૉર્જ વિટ્ટેટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેમણે ગેટવે ઑફ ઇન્ડિયા અને પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ પણ ડિઝાઇન કર્યાં હતાં. અહીંની તમામ ઇમારતો એડવર્ડિયન નીઓ-ક્લાસિકલ શૈલીમાં બેસાલ્ટ સ્ટોનમાંથી બનાવવામાં આવી છે. તમામ ઇમારતોની ઊંચાઈ અને આર્કિટેક્ચર સમાન રાખવામાં આવ્યાં છે જેથી આખો વિસ્તાર અત્યંત વ્યવસ્થિત અને સુંદર દેખાય છે. આજે અહીં શિપિંગ કંપનીઓ, બૅન્કો, કસ્ટમ્સ હાઉસ અને દેશનાં અગ્રણી બિઝનેસ હાઉસિસની ઑફિસો આવેલી છે.
૨૦૨૬માં નવો અવતાર
સમયની સાથે આ હેરિટેજ વિસ્તારને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ભારતની જાણીતી લૉજિસ્ટિક્સ અને પોર્ટ કંપની જે. એમ. બક્ષી ગ્રુપની પેટાકંપની બૅલાર્ડ પિયર પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કરીને મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ અને એની આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરના પ્રવાસન અને મનોરંજન હબ તરીકે વિકસાવી રહ્યું છે જેથી મુંબઈના આ સૌથી જૂના બિઝનેસ હેરિટેજ હબને યુવા પેઢી અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ફરીથી આકર્ષણનું કેન્દ્ર બનાવી શકાય. આ સંદર્ભે બૅલાર્ડ પિયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આ પ્રોજેક્ટના પ્રેસિડન્ટ અને ટર્મિનલ-હેડ કંચન રિઝવી કહે છે, ‘મોટા ભાગે મુંબઈકરો માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો ગ્રીન ગેટ હંમેશાં બંધ રહ્યો છે અને પ્રતિબંધિત એરિયા જ ગણાયો છે, જેને કારણે મુંબઈનું આ રત્ન સામાન્ય મુંબઈકરોની નજરોમાં ક્યારેય આવી ન શક્યું. આ જ કારણ છે કે દરિયાનો આ શ્રેષ્ઠ પટ્ટો લોકોની નજરમાં આવે, ખાસ કરીને ચોમાસામાં જ્યારે દરિયાઈ જહાજોની પોર્ટમાં આવાગમન બંધ હોય ત્યારે મુંબઈકરો આ સ્થાન સાથે એક સંબંધ બનાવી શકે એ આશયથી ગયા વર્ષે અખતરારૂપે અમે ઇન્ડોર પિકલબૉલની વ્યવસ્થા ઊભી કરી હતી. એમાં પણ અમને તોતિંગ રિસ્પૉન્સ મળ્યો હતો. એના જ આધારે એને વધુ વ્યાપક ફેસ્ટિવલમાં કન્વર્ટ કરવાની દિશામાં અમે કામ કર્યું. મુંબઈમાં ક્યાંય અત્યારે ઇન્ડોર ગો-કાર્ટિંગ નથી. આટલી સુનિયોજિત રિમોટ કન્ટ્રોલ ગેમ્સના પર્યાયો નથી. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાના દિવસોમાં મુંબઈકર્સને દરિયાકિનારે એક અનોખો અને વાઇબ્રન્ટ ઇન્ડોર-આઉટડોર અનુભવ આપવાનો છે. આ ફેસ્ટિવલમાં એન્ટ્રી તદ્દન મફત રાખવામાં આવી છે. ફેસ્ટિવલના પહેલા જ દિવસે લગભગ સાડાસાતસો લોકોનો ફુટફૉલ અહીં હતો.’
ફેસ્ટિવલનાં ૪ મુખ્ય આકર્ષણો
૧. નૉટી પિકલ : ભારતનું સૌપ્રથમ ઇન્ડોર સંપૂર્ણ ઍર-કન્ડિશન્ડ પિકલબૉલ હબ અહીં ઊભું કરવામાં આવ્યું છે. અહીં કુલ ૮ હાઈ-ટેક કોર્ટ બનાવવામાં આવી છે, જેમાં એક VIP કોર્ટનો પણ સમાવેશ થાય છે. સ્પોર્ટ્સપ્રેમીઓ અહીં કલાકોના હિસાબે કોર્ટ બુક કરીને રમી શકે છે.
૨. નૉટી ટ્રૅક્સ : અહીંની બીજી વિશેષતા એટલે દરિયાકિનારે ૨૯૫ મીટર લાંબો ઇન્ડોર ગો-કાર્ટિંગ ટ્રૅક અહીં તૈયાર કરવામાં આવ્યો છે. શાર્પ ટર્ન્સ, મ્યુઝિક અને હાઈ-એનર્જી લાઇટ્સ સાથેનો ઇન્ડોર ગો-કાર્ટિંગ ટ્રૅક મુંબઈમાં બીજે ક્યાંય નથી.
૩. બારો માર્કેટ : ખરીદીના શોખીનો માટે ભારતભરનાં પચીસથી વધુ શહેરોની પ્રખ્યાત લાઇફસ્ટાઇલ અને રીટેલ બ્રૅન્ડ્સના ક્યુરેટેડ સ્ટૉલ્સ અહીં લગાવવામાં આવ્યા છે. બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થતી આ માર્કેટમાં દર મંગળવારે નવા વેન્ડર્સ આવશે. જેમ કે અત્યારે તમને પુણેની વેસ્ટ પ્રોડક્ટ્સમાંથી લૅમ્પ બનાવતી, ઑર્નામેન્ટ્સ બનાવતી સંસ્થાથી લઈને જસ્ટ બૉર્ન બેબી માટે લખનવી અને ચિકનકારી વર્કના ડ્રેસિસ વેચતી બ્રૅન્ડ મળશે અથવા તો ધ બિંદી કલ્ચરના અફલાતૂન પૅકેજિંગ અને ડિઝાઇન્સ સાથેના ચાંદલાનાં પૅકેટ્સ કે કલકત્તાના કાથી આર્ટનાં ઑર્નામેન્ટ્સ મળશે. એકથી એક ચડિયાતી અને યુનિક કલેક્શનની જ્વેલરી, ઇકો-ફ્રેન્ડ્લી અન્ડરગાર્મેન્ટ્સ, ઇકો-ફ્રેન્ડ્લી અને ડિઝાઇનર ક્રૉકરી, એક જુઓ ને એક ભૂલો એવાં અનોખાં આર્ટપીસિસથી લઈને અનોખાં પેઇન્ટિંગ્સ અને ફ્લાવર્સની વિશિષ્ટ વરાઇટીઝ અહીં મળી રહી છે. જોકે આજે અને આવતી કાલે જોવા મળનારી આ વસ્તુઓ મંગળવારે નહીં હોય. ત્યારે કોઈ નવા સ્ટૉલ્સ આ બારો માર્કેટમાં આવી ગયા હશે.
૪. પિયર પૅન્ટ્રી :
ખાસ રીતે ક્યુરેટ કરાયેલા આ ફૂડ-ઝોનમાં આર્ટિઝનલ બેક્ડ ટ્રીટ્સ, લોકલ ફૂડ- આઉટલેટ્સ, મોંમાં પાણી લાવી દે એવી વાનગીઓ અને ખાસ વૉટરફ્રન્ટ બાર આકર્ષણનું કેન્દ્ર છે. અહીં તમને પીત્ઝા મફિન્સ પણ મળશે અને ગાયનું ગાર્લિક ફ્લેવરનું ઘી પણ મળશે. વેન્ડી બ્રૅન્ડની હેલ્ધી ચૉકલેટ પણ મળશે તો સાથે નૂડલ્સ, ટાકોઝથી લઈને સુશી, સમોસાં, ડિમસિમ અને પ્રોટીન મૉકટેલ્સ પણ મળશે. પ્લાન્ટ પ્રોટીન પાઉડર અને હેલ્ધી સ્નૅકિંગના પર્યાયો પણ અહીં બજેટ-ફ્રેન્ડ્લી ભાવમાં મળી રહ્યા છે.
સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ
અહીં મુલાકાતીઓ માટે દર અઠવાડિયે બદલાતા કૅલેન્ડર મુજબ વીક-એન્ડ પ્રવૃત્તિઓનું ખાસ આયોજન છે, જેમ કે સિનેમા બાય ધ સી અંતર્ગત દરિયાના નજારા સાથે બીન બૅગ સીટિંગ સાથે ઇન્ડોર વૉટરફ્રન્ટ સિનેમા સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે. વેવલેગ્થ સ્ટેજ સાથે વીક-એન્ડ પર લાઇવ મ્યુઝિક પણ માણવા મળશે. બાળકો માટે કિડ્ઝ ઍટ વર્ક નામનો ખાસ ઝોન ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં કન્સ્ટ્રક્શન પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે. અહીં બાળકો મનોરંજન સાથે શીખી શકે, શાંતિથી વાંચવા માટે ધ રીડિંગ નુક છે અને આર્ટ ફૉર આકાંક્ષા અંતર્ગત સર્જનાત્મક આર્ટવર્કની વર્કશૉપ્સ છે જે તમારાં બાળકો માટે ફુલ ઑન એન્ટરટેઇનિંગ બની શકે. ગાડીઓના શોખીનો માટે રિમોટ કન્ટ્રોલ મોટરસ્પોર્ટ ઝોન છે, જેમાં માઇન્ડ-કન્ટ્રોલ્ડ કારનો પણ સમાવેશ છે અને ફિટનેસ-ફ્રીક્સ માટે ખાસ ટ્રેઇનિંગ-સેશન્સ પણ અહીં માણવા મળશે.
ADVERTISEMENT
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
ક્યારથી ક્યાં સુધી? : ૨૧ જૂનથી ૨૩ જુલાઈ
દિવસો અને સમય : મંગળવારથી રવિવાર, સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી (સોમવારે બંધ).
ક્યાં જવાનું? : ધ બૅલાર્ડ પિયર ડાઉનટાઉન એક્સ્પીરિયન્સ સેન્ટર, શૂરજી વલ્લભદાસ માર્ગ, બૅલાર્ડ એસ્ટેટ, ફોર્ટ, મુંબઈ.
ખર્ચનું શું? : પ્રવેશ નિ:શુલ્ક છે, પરંતુ ગો-કાર્ટિંગ (૧૨૯૮ રૂપિયાથી શરૂ), પિકલબૉલ (૩૫૦૦ રૂપિયા પ્રતિ કલાક) અને RC ઝોન (૬૫૦ રૂપિયાથી શરૂ) જેવી ચોક્કસ પ્રવૃત્તિઓ માટે અને શૉપિંગ અને ઈટિંગ માટેના ચાર્જિસ છે જેનું બુકિંગ BookMyShow પર ઉપલબ્ધ છે.
