Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > દાળ પકવાન હોય, પણ દાળ સૅન્ડવિચ તમે સાંભળી છે?

દાળ પકવાન હોય, પણ દાળ સૅન્ડવિચ તમે સાંભળી છે?

Published : 27 June, 2026 09:34 PM | Modified : 27 June, 2026 10:10 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આવી કોઈ વરાઇટીનું નામ સાંભળ્યું ન હોય તો પહોંચી જાઓ ઝવેરીબજારની ગણેશગલીમાં. અદ્ભુત દાળ પકવાનની સાથે દાળ સૅન્ડવિચનો પણ આસ્વાદ કરવા મળશે

દાળ પકવાન હોય, પણ દાળ સૅન્ડવિચ તમે સાંભળી છે?

દાળ પકવાન હોય, પણ દાળ સૅન્ડવિચ તમે સાંભળી છે?


હમણાં આપણે ફાઉન્ટનની ગુપ્તા ભેળપૂરીની વાત કરી અને અનાયાસ જ મને ફરીથી ટાઉન જવાનું થયું. ટાઉનનું નામ પડે એટલે હું રાજી-રાજી થઈ જાઉં. મારું આખું નાનપણ ત્યાં પસાર થયું છે એટલે સ્વાભાવિક છે કે મને એ બધી જૂની વાતો યાદ કરવાનો અવસર મળી જાય. આ વખતે હું બે-ત્રણ કામ સાથે લઈને ગયો હતો, પણ એ કામોની વચ્ચે ટૉપ પ્રાયોરિટીમાં એક કામ હતું દાળ પકવાન ખાવાનું. હા, દાળ પકવાન ખાવાનું જ. મને છેલ્લા કેટલાય મહિનાઓથી એ દાળ પકવાન યાદ આવતાં હતાં જે હું ૧૯૮૦માં ખાતો હતો. એ સમયે હું ઝવેરીબજારની ગણેશગલી પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો. ખિસ્સામાં બરાબરની તંગી હોય એટલે ક્યારેક પૈસા હાથમાં આવે કે તરત હું એ જગ્યાએ પહોંચી જતો અને મસ્ત મજાનાં દાળ પકવાન અને દાળ સૅન્ડવિચ ખાતો. હવે ખિસ્સામાં તંગી નથી તો સમયમાં તંગી આવી ગઈ છે.
ઍનીવે, હું તો મારાં કામ પતાવીને પહોંચ્યો ગણેશગલીમાં અને ત્યાં જતાંની સાથે મને હાશકારો થયો. એ ખૂમચો અકબંધ હતો. અફકોર્સ, ભાઈ બદલાઈ ગયા હતા અને બદલાય જને. હું વાત કરું છું છેક ૪૫ વર્ષ પહેલાંની. તો ત્યાં સુધી એ જ ભાઈ થોડા ઊભા રહેતા હોય.
જઈને મેં ઑર્ડર આપ્યો દાળ પકવાનનો. આ જે દાળ પકવાન છે એના જેવી દાળ અને પકવાન મને ક્યાંય એટલે ક્યાંય ચાખવા નથી મળ્યાં. અહીં હું નાનપણની યાદોને જોડતો નથી, સાચી રીતે જ કહું છું. મોટા ભાગે દાળ પકવાનમાં જે દાળ મળે એ વઘાર કરેલી કે જાતજાતના મસાલા નાખેલી દાળ હોય છે અને પકવાનમાં એટલું તેલ હોય કે તમારી હથેળી આખી તેલ-તેલ થઈ જાય. આ જે દાળ પકવાનવાળો છે તે મગની દાળ વાપરે છે. દાળમાં સહેજ અમસ્તું મીઠું અને આખું જીરું. બસ, આ બે જ વરાઇટી. દાળ એકદમ ઘટ્ટ હોય. એક મોટા પકવાન પર આ દાળ પાથરવામાં આવે અને એના પર પછી સિંધી સ્ટાઇલનાં આથેલાં મરચાં નાખે અને તમારે એ ખાવાનું.
એકદમ ઑથેન્ટિક સિંધી ટેસ્ટ. જલસો જ જલસો. મારી તો ઇચ્છા બે-ત્રણ પકવાન ખાઈ જવાની હતી; પણ સાહેબ, હું ક્યાં મારા માટે ખાઉં છું? મારે તો તમારા માટે ખાવાનું હોય એટલે અલગ-અલગ વરાઇટી પણ ટ્રાય કરી લેવી પડેને.
મેં ઑર્ડર કર્યો દાળ સૅન્ડવિચનો. હવે પહેલાં આ દાળ સૅન્ડવિચની તમને રેસિપી કહી દઉં. બે બ્રેડ લેવાની અને બ્રેડની સ્લાઇઝ પર ચટણી લગાડતા હો એ રીતે દાળ પાથરી દેવાની અને પછી એમાં એક નાનકડું મરચાનું ભજિયું અને એક નાનકડું સમોસું નાખે. પછી સૅન્ડવિચની જેમ કાપીને ફરીથી એના પર દાળ અને પેલાં આથેલાં મરચાં નાખીને તમને જે આપે એ દાળ સૅન્ડવિચ. આ દાળ સૅન્ડવિચ તમને ઉલ્હાસનગરમાં ખાવા મળે, મને લાગે છે કે જેને પકવાન ન ખાવાં હોય એ આ રીતે ખાઈ શકે એવા કોઈક વિચારમાંથી આ દાળ સૅન્ડવિચની શોધ થઈ હશે અને કાં તો કોઈ દિવસ પકવાન ખાલી થઈ ગયાં હશે અને દાળ વધી હશે એટલે બ્રેડ મગાવીને આવો કોઈ રસ્તો કાઢ્યો હશે. 
રામ જાણે જે બન્યું હોય એ, આપણને નવી વરાઇટી ખાવા મળી એ તો સ્વીકારવું જ રહ્યું. મૉરલ ઑફ ધ સ્ટોરી, દાળ સૅન્ડવિચ જેવી નવી વરાઇટી કે પછી એકદમ ઑથેન્ટિક સિંધી ટેસ્ટનાં સાત્ત્વિક દાળ પકવાન ખાવાં હોય તો ઝવેરીબજારની ગણેશગલીમાં પહોંચી જજો. આજકાલ તો જ્વેલર્સ પણ હવે સબર્બમાં સેટલ થવા માંડ્યા છે એટલે એંસી-નેવુંમાં જે ભીડ ઝવેરીબજારમાં થતી એવી તો ભીડ હવે જોવા નથી જ મળતી. હા, તમે વાહન લઈને તો ન જ જઈ શકો અને એટલે જ કહું છું કે ચાલવાનો બધો થાક આ દાળ પકવાન અને દાળ સૅન્ડવિચ ખાધા પછી એકદમ ઊતરી જશે.
મારી ગૅરન્ટી.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 10:10 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK