બે-ચાર કે આઠ-દસ વાતથી દેશને ઓળખાવવાની ભૂલ આપણે કરતા આવ્યા છીએ, પણ ભારતની ઓળખાણ દેવાની હોય તો આ ઓળખમાં પણ એક આખો ગ્રંથ ભરાઈ જાય. વાંચો તમે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારત દેશ એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો?
બસ એટલું જ! ના ભઈ!
ADVERTISEMENT
ભારત એટલે કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચીને કન્યાકુમારીના લોકો હૃદયમાં આંચકો અનુભવે. સંવેદનાનું સાતત્ય એટલે ભારત. ભારત એટલે પરંપરાઓનું પહેરણ. સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભોમકા ભારત એટલે સંસ્કારોનો વડલો. સૌને સાથે રાખીને સતત વિકસતી સનાતની વેલ. વિવિધ ભાષાની રંગોળી, જુદી-જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી અલભ્ય માળા, પરમ સમીપે પહોંચવાનો પવિત્ર પ્રયત્ન. ભારત એટલે સાત્ત્વિક સદ્ગુણોનો ડંખ વગરનો મધપૂડો, ભારત એટલે અસ્તિત્વનાં ગૂઢ રહસ્યોને ઉકેલવાની સૃષ્ટિની એકમાત્ર લિપિ.
દેશ એટલે ઇન્ડિયા, હિન્દુસ્તાન, હિન્દ, ભારત જેવા વિધ-વિધ નામોલ્લેખ?
ના ભઈ ના. જોકે આ શબ્દો બોલાયા પછી પ્રત્યેક ભારતીય આંખો બંધ કરીને જેને મહેસૂસ કરે છે એ અતુલ્ય ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું અને બંગાળી સાડી એટલે ભારત? અહં! પરંતુ આવા પચરંગી પહેરવેશ પહેરીને જ્યાં હજી પણ ઓળખાવું ગમે એ રંગીલું ભારત.
તિરંગાના ૩ રંગો એટલે ભારત?
ના રે ના! પરંતુ એ તિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા ક્રાન્તિવીરોનું પુણ્ય સ્મરણ એટલે પરાક્રમી ભારત.
ક્યાંક હિન્દીનું સંબોધન, ક્યાંક તામિલ ભાષાની જીદ, ક્યાંક આંધળી રીતે અંગ્રેજીનું અનુકરણ તો ક્યાંક ગુજરાતી. શું આ ભારત છે? જી નહીં, પરંતુ ભારતમાં બોલાતી થોકબંધ ભાષાઓ જ્યારે મૌન થઈ જાય એમ છતાં જે શેષ રહે એ વિશેષ ભારત.
ઈશ્વરને પામવાના અલગ-અલગ સંપ્રદાયો એટલે ભારત? સહેજ પણ નહીં, પરંતુ સ્વયં ઈશ્વરને જે ધરતી પર વારંવાર સહકુટુંબ-મિત્રમંડળ સહિત અવતાર લેવાનું મન થાય એ દેવભૂમિ ભારત. ટીલાં-ટપકાં, પૂજાવિધિ, કર્મકાંડ, ધ્યાન-ધારણા, આરતી-નગારાં વિના પણ ઈશ્વર હોવાનો જે સતત અહેસાસ વર્તાય એ અદ્ભુત ભારત.
મોગલોની બર્બરતા, અંગ્રેજોનો અમાનુષી અત્યાચાર કે વિદેશીઓનાં ભયંકર આક્રમણો એટલે ભારત? ના ભાઈ ના! સદીઓથી આવા તો કેટલાય પિશાચો અને શેતાનોને મૌન સહ્યા પછી પણ બદલાની ભાવના વગર ફરી ટટ્ટાર ઊભું થાય એ ખમીરવંતું ભારત. મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, ભગત સિંહ અને વીર સાવરકરની ખુમારી અને આવા સેંકડો નરપુંગવોના નામમાત્રથી યુગો પછી અનુભવાતું ગૌરવ એટલે ભારત.
ભારત એટલે હિમાલયની ઠંડક માત્ર નહીં, વિશ્વભરમાં અધ્યાત્મની ઠંડીનો અનુભવ કરાવે એ ભારત. ભારત એટલે વહેતી ગંગા, યમુના કે નર્મદાનો દેશ નહીં; સત્ય, પ્રેમ અને કરુણાની અખંડ વહેતી ધોધમાર નદી. ભારત એટલે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનની બૉર્ડર નહીં, જગતભરને સાચું જીવન જીવવાની બૉર્ડર બતાવનાર રાષ્ટ્ર.
ભારત એટલે ખેતીપ્રધાન દેશ નહીં પરંતુ ‘પ્રધાનોની ખેતી’. માત્ર ચરખાથી ક્રાન્તિ નહીં પરંતુ ક્રાન્તિનો ચરખો. સત્ય અને અહિંસા નહીં, અહિંસાનું સત્ય એટલે ભારત. જે દુભાયેલાઓને દિલમાં સ્થાન આપે, પીડિતોને પ્રેમેથી આવકારે, આંગણે આવેલા પ્રત્યેકને મહેમાન ગણીને વધાવે પછી તે ચાહે લૂંટના ઇરાદાથી જ કેમ ન આવ્યો હોય તો પણ...!
‘જન ગણ મન અધિનાયક જય હૈ!’ આ રાષ્ટ્રગીત એટલે ભારત? ના!
એ તો કદાચ એ સમયે અંગ્રેજોની પ્રશસ્તિ માટે લખાયેલું પણ હોઈ શકે, પણ આ ગાતી વખતે કરોડરજ્જુના મણકાનું આપમેળે ટટ્ટાર થવું અને પ્રત્યેક ભારતીયની છાતીનું દોઢ-બે ઇંચ ફુલાવું એ ખરું ભારત. ‘વંદે માતરમ્’ બોલીને તરત આંખો બંધ કર્યા બાદ થતી અનુભૂતિ એટલે ભારત.
હિન્દુસ્તાન એટલે એક એવું અવકાશ જ્યાં પ્રત્યેક તારલાને પ્રકાશવાની તક અને સ્વતંત્રતા. એક એવો બગીચો જ્યાં હરએક ફૂલને પોતાના ગમતા સમયે ખીલવાની અને મહોરવાની અને મઘમઘવાની સ્વાયત્તતા.
ભારત એટલે સમગ્ર વિશ્વનો શાંતિયોગ. માત્ર ‘૦’ - શૂન્યની ભેટ આપનાર દેશ નહીં, સાધના દ્વારા વિચારશૂન્ય થવાની કળા જાણતો દેશ. ભારત એટલે માત્ર એરિથમૅટિક સૉલ્યુશન નહીં, કોઈ પણ સમસ્યાનું અર્થપૂર્ણ સમાધાન. ‘તાજમહલ’ બનાવીને એના કારીગરોના હાથ કાપી લે એ ભારત નહીં, પત્નીના પવિત્ર પ્રેમ ખાતર દરિયામાં ‘સેતુબંધ’ બનાવે અને મોરબીમાં ‘મણિમંદિર’ બંધાવે એ ભારત.
‘તક્ષશિલા’ના નામે વિશ્વની સૌથી સમૃદ્ધ યુનિવર્સિટી એટલે હિન્દુસ્તાન એટલે ભારત અને સમગ્ર જગતને એક તાંતણે બાંધવા તત્પર પ્રેમની યુનિવર્સિટી, લોહીનું ટીપું વહાવ્યા વગર દિગ્ગજોને રાંક કરવાનું શાણપણ એટલે ભારત.
શર્ટ કે શેરવાનીનાં બટનની શોધ કરનાર ભારત નહીં, પ્રત્યેક શરીરને એની અદબ સાથે ઢાંકવાની મહેચ્છા એટલે ભારત. માથાની ઉપરનો અને અંદરનો કચરો સાવ સહેલાઈથી સાફ કરવાની આવડત એટલે અદ્વિતીય ભારત.
‘મોક્ષપટ’ના નામે જગતને સાપસીડીની રમત આપનાર જ ભારત નહીં, જીવનની રમતમાં આસાનીથી ઉતાર-ચડાવને સ્વીકારવાનો સદ્ગુણ એટલે ભારત. હજારો વર્ષોથી ‘આયુર્વેદ’ની ભેટ આપનાર જ ભારત નહીં, પ્રકૃતિને સાચવીને સ્વયંને તંદુરસ્ત રાખવાની સદાબહાર ટ્રિક એટલે વિદ્વાન ભારત. બુદ્ધ અને મહાવીરની વિચારધારા એ જ ભારત નહીં, અફાટ સંપત્તિ અને ઐશ્વર્યની ચકાચૌંધ રોશની વચ્ચે ઝળહળતો ત્યાગ અને સાધનાનો દીવો એટલે અખંડ ભારત.
‘છોડમાં જીવ છે’ - સર જગદીશચંદ્ર બોઝનું આ વિધાન એટલે જ ભારત નહીં, દરેક છોડમાં રણછોડ છે એવી દૃઢ માન્યતા સાથે આગળ વધે એ ભારત. ગ્રંથોનું સર્જન એ જ ભારત નહીં, માનવજીવનને ગ્રંથિઓથી મુક્ત કરવાની સદીઓ જૂની મથામણ એટલે ભારત. માત્ર કાશ્મીરી શાલની જગતને ભેટ આપનાર ભારત નહીં, વિશ્વબંધુત્વની હૂંફ વિશ્વને ભેટ ધરવાનો સંકલ્પ એટલે ભારત. માત્ર જૂટ કાપડની ભેટ એ ભારત નથી, વિકટ પરિસ્થિતિઓમાં એકજૂટ રહેવાની સંઘભાવનાની કામના એ ભારત. માત્ર શ્રીખંડની ભેટ એ ભારત નથી, જીભ પર અખંડ રહેતી આવકારની મીઠાશ એ ભારત.
ભારત એટલે એક ભાવજગત. સમગ્ર માનવજાત માટે મૂલ્યોનું નિદર્શન આપતી મહામૂલી દીવાદાંડી. આદર્શોના આંધણમાં પકાવતી જીવનની સ્વાદિષ્ટ વાનગી. ‘સ્વ’ને સાચવીને સર્વને સ્વીકારતી વિચારધારા. ‘હું છું’ કારણ કે ‘અમે બધા છીએ’ એવો અન્યોઅન્યનો લગાવ. ભારત એટલે દર વખતે માત્ર હાસ્ય નહીં, ભારત એટલે પરંપરા અને પોરસની આંગળીએ રસઝરતું વાંચન એટલે ભારત.
