ગ્લોબલ પરિબળો સુધરવાનાં શરૂ, ફૉરેન ઇન્વેસ્ટર્સના પ્રવાહના સંકેત, ક્રૂડના ઘટેલા ભાવ, સપ્લાયની સમસ્યા દૂર, રોકાણકાર વર્ગનો પાછો ફરતો વિશ્વાસ, સરકારનાં રિફૉર્મ્સ વગેરે કારણો તેજીના વાહક બની શકે. જોકે વચ્ચે-વચ્ચે સ્પીડબ્રેકર આવી શકે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક તરફ વરસાદનું આગમન થઈ ગયું છે અને બીજી તરફ મૂડીબજારમાં ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)નું આગમન. સંખ્યાબંધ IPO મૂડીબજારમાં ભંડોળ ઊભું કરવા માટે સજ્જ થયા છે જે અત્યાર સુધી યુદ્ધની અસરોનાં કાળાં વાદળો હેઠળ રિસ્પૉન્સની (પ્રતિભાવની) અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ઢંકાઈ ગયા હતા. અનુકૂળ વરસાદ શૅરબજાર માટે સકારાત્મક ઘટના છે એમ IPOની કતાર પણ પૉઝિટિવ ઘટના કહેવાય. જોકે IPO બાબતે રોકાણકારોએ સાવચેતીના ભાગરૂપ સમજણની-જાગૃતિની યોગ્ય છત્રી અથવા રેઇનકોટ રાખવા જોઈશે. અલબત્ત, IPO નવી તકો લઈને આવતા હોય છે જેને સમજદારીપૂર્વક લેવામાં આવે તો સંપત્તિસર્જનમાં ઉપયોગી થઈ શકે છે. અલબત્ત, વરસાદના મામલે પણ હજી અછતના વર્તારા હોવાથી અમુક અંશે સાવચેતી જરૂરી જણાય છે.
શૅરબજારનું હવામાન બદલાવાનું શરૂ થયું છે. વરસાદના આગમન સાથે લોકો છત્રીઓ-રેઇનકોટની સાથે-સાથે મૂડીબજારમાં રોકાણ માટે નાણાં પણ બહાર કાઢશે એવી આશા બંધાઈ છે. અમેરિકા-ઈરાન શાંતિ રાખે તો IPO અને માર્કેટના વરસાદમાં ભીંજાવાનું નાના-મોટા ઇન્વેસ્ટર્સને ગમશે. જોકે અછતવાળું ચોમાસું હજી પણ ચિંતાનું કારણ ખરું જેને લીધે માર્કેટ સાવચેતીથી આગળ વધશે એવું માની શકાય.
ADVERTISEMENT
જુલાઈમાં IPOનો વરસાદ
આ જુલાઈમાં આશરે ૧૫ જેટલા IPO બજારમાં પ્રવેશીને ૪૦થી ૪૫ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. ગ્લોબલ સંજોગો, ખાસ કરીને વેસ્ટ એશિયાની તંગદિલી ઓછી થવાથી બજારમાં પ્રવાહિતા અને રોકાણ આકર્ષણ વધવાની આશા જાગી છે. બજારે રિકવરી મારફત સંકેત આપવાનું પણ શરૂ કર્યું છે. આ IPO ઝડપી લિસ્ટિંગનો માર્ગ પસંદ કરવાના છે જેથી પ્રવાહિતાને પણ વધુ આકર્ષશે. જુલાઈના અગ્રણી અને મોટા IPOમાં SBI ફન્ડ્સ મૅનેજમેન્ટ (૧૨થી ૧૩ હજાર કરોડ રૂપિયા), મનિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝિસ (૧૧,૦૦૦ કરોડ રૂપિયા), ઝેપ્ટો (૮૦૦૦ કરોડ રૂપિયા) સહિતના ઇા્યુઝનો સમાવેશ થાય છે. પ્રાપ્ત ડેટા મુજબ આશરે ૧૭૩ કંપનીઓને સેબી તરફથી IPO માટે મંજૂરી મળી ગઈ છે, જ્યારે કે ૬૪ કંપનીઓ મંજૂરીની રાહમાં છે. જેમને મંજૂરી મળી છે એ કંપનીઓ અંદાજિત ૨.૭ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવા ધારે છે. જેમની મંજૂરી બાકી છે એ કંપનીઓ આશરે ૧.૯ લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્લાન ધરાવે છે.
વધુ ઊંચા વળતરની આશા રાખવી નહીં
દરમ્યાન પરાગ પરીખ ફાઇનૅન્સિયલ ઍડ્વાઇઝરી સર્વિસિસ (PPFAS) મ્યુચ્યુઅલ ફન્ડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર અને ડિરેક્ટર રાજીવ ઠક્કરના તાજેતરના શબ્દોને ધ્યાનમાં લઈએ તો તેમના મતે જૂન ક્વૉર્ટર ઍન્ડમાં કંપનીઓનાં પરિણામ કેવાં રહે છે એ જોવાનું રહેશે. એ પછી પણ બે ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામ મહત્ત્વના રહેશે કેમ કે વેસ્ટ એશિયાના ઈરાન-અમેરિકાના વિવાદની અસરો હજી ઊભી છે. એ પછી બધું સમુસૂતરું પાર ઊતરશે તો બજાર નૉર્મલ થવાની આશા રાખી શકાય. કૉર્પોરેટ નફાનું પ્રમાણ અસર પામ્યું હોવાથી રોકાણકારોએ ઊંચા વળતરની આશા રાખવી નહીં બલકે નીચા સાધારણ વળતરને સ્વીકારવું જોઈશે. લાંબા ગાળાના રોકાણકારોએ આ વાત સમજવી જરૂરી છે. જો લોકો ૧૫થી ૨૦ ટકા વળતરની અપેક્ષા રાખી શૅરબજારમાં આવી રહ્યા હોય તો તેમણે નિરાશ થવાની તૈયારી રાખવી પડશે.
વૅલ્યુએશન પર નજર જરૂરી
રાજીવ ઠક્કર જણાવે છે કે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ સુધી ભારતીય માર્કેટ અમેરિકન માર્કેટ કરતાં બહેતર કામગીરીવાળું રહ્યું, જ્યારે કે અમેરિકન માર્કેટે ઝીરો વળતર આપ્યું. જોકે છેલ્લાં ત્રણેક વર્ષથી અમેરિકન માર્કેટ સારી કામગીરી બજાવી રહ્યું છે. રોકાણકારોએ પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશનની દૃષ્ટિએ અમેરિકન માર્કેટની ઇક્વિટીઝમાં રોકાણનો વિચાર કરી શકાય. જોકે પ્રાપ્ત જાણકારી મુજબ હાલ ડૉલરના દબાણને કારણે વિદેશમાં કરાતાં રોકાણ પર રિઝર્વ બૅન્કના ચોક્કસ અંકુશ છે. તેમ છતાં, અમુક ભારતીય ઇન્ટરનૅશનલ મ્યુચ્યુઅલ ફન્ડ્સ વિદેશોની ઇક્વિટીઝમાં રોકાણ કરવાની યોજના કે ઑફર ધરાવે છે અને મર્યાદા દૂર થવાની રાહ જુએ છે. ઠક્કરના મત પ્રમાણે ભારતીય માર્કેટના વૅલ્યુએશન હજી કંઈક અંશે ઊંચા ગણાય છે. બજારને સમય આપવો જોઈશે. એ દરમ્યાન ગ્લોબલ સંજોગોમાં પણ સુધારા થાય એની રાહ જોવી પડે.
ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ વિશે આ પણ જુઓ
વીતેલા સપ્તાહના ટ્રેન્ડ પર નજર કરીએ તો ગયા સોમવારે બજારે સારી રિકવરી નોંધાવ્યા બાદ મંગળવારે કરેક્શન બતાવ્યું, બુધવારે ફરી એટલી જ રિકવરી પણ નોંધાઈ. ગુરુવારે રિકવરી આગળ વધી, પરંતુ પછી પ્રૉફિટ બુકિંગ આવી જતાં સાધારણ પ્લસ સાથે બજાર બંધ રહ્યું. આમ સપ્તાહની ગતિવિધિ સુધારાતરફી ચાલનો નિર્દેશ કરતી કહી શકાય. એમાં વળી આવનારા IPO નવા રોકાણને આકર્ષશે. બદલાતા કે સુધરતા વૈશ્વિક સંજોગો ફૉરેન ઇન્વેસ્ટર્સની પાછા સક્રિય થવાની આશા ઊભી કરે છે. ભારતમાં વિદેશી રોકાણ ઇક્વિટી સિવાયનાં સાધનોમાં આવી રહ્યું છે, જે મુજબ આ રોકાણકારોએ સરકારી બૉન્ડ્સમાં (ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ) ૩૯,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે જેને પગલે ફૉરેક્સ રિઝર્વને બળ મળી રહ્યું છે. તાજેતરમાં જ વિશ્વની વિરાટ ઑનલાઇન રિટેલ કંપની ઍમૅઝૉને ભારતમાં ૪૮ અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે જે એના ૯૦ અબજ ડૉલરના રોકાણના કમિટમેન્ટના ભાગરૂપ છે. આ રોકાણ ૨૦૩૦ સુધીમાં થશે. શૅરબજારની બુલિશ ટ્રેન પાટે ચડી છે, વૉલેટિલિટીનું પ્રમાણ ઘટી રહ્યું છે. હવે એની ગતિ પર ધ્યાન આપીને રોકાણકારોએ પોતાની પોર્ટફોલિયો રૂપી બોગી પસંદ કરવાની રહેશે.
મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત
ભારત ૨૦૨૫માં ઊંચી રેવન્યુ સાથે ગ્રીન ઇકૉનૉમી તરીકે એશિયામાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી રહી છે.
દેશમાં ઍક્ટિવ ક્રેડિટ કાર્ડની સંખ્યા વિક્રમી સપાટીએ પહોંચીને ૧૨ કરોડ પર પહોંચી છે. જોકે એના દ્વારા થતા ખર્ચમાં વર્ષથી વર્ષના ધોરણે ૬.૩ ટકા જેટલો જ વધારો થયો છે. અલબત્ત, આ કાર્ડ વધવાનો ટ્રેન્ડ ખર્ચ કરવાની પૅટર્નમાં પરિવર્તન બતાવે છે.
રિઝર્વ બૅન્કે ટર્મ મની માર્કેટ અખિલ ભારતીય નાણાસંસ્થાઓ તેમ જ હાઉસિંગ ફાઇનૅન્સ કંપીઓ માટે ખુલ્લી મૂકી છે.
નબળી માગ અને વધતા ભાવોને પરિણામે આ ૩ મહિનામાં બિઝનેસ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો છે.
તાતા મોટર્સ આગામી પાંચ વર્ષમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન ધરાવે છે.
રિઝર્વ બૅન્કે માઇક્રો, સ્મૉલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) પ્રત્યે બૅન્કોને એમનો અભિગમ બદલવા અનુરોધ કર્યો છે અને કહ્યું છે કે આ સેગમેન્ટને લાંબા ગાળાના બિઝનેસ પાર્ટનર તરીકે જોવાનું રાખો અને એમની સાથે એ મુજબ વ્યવહાર કરો.
અગ્રણી ખાનગી ઇક્વિટી કંપની કાર્લિલે ઑટો અને હેલ્થકૅર ક્ષેત્રને ધ્યાનમાં રાખી એક અબજ ડૉલર IPO મારફત ઊભા કરવાનું આયોજન કરી રહી છે.
ખાસ વાત
આ દરમ્યાન એક હકીકત ધ્યાનમાં રાખવી જરૂરી છે, અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી બાબતે ૬૦ દિવસનો સમય ઠરાવાયો છે, હજી સમજૂતી થઈ ગઈ અને શાંતિ થઈ ગઈ એમ ગણાય નહીં. છમકલાં-હુમલા ક્યાંક ચાલુ છે, જે ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે. આની અસર ગમે ત્યારે તેજીની ટ્રેનને બ્રેક મારી શકે. એ પૂરતી સાવચેતી રાખવામાં સાર ગણાશે.
