સ્ક્રીન પર દેખાતી દુનિયા આભાસી છે, જ્યારે તમારી સાથે રહેલી વ્યક્તિ અને તેની સાથેનો સંબંધ વાસ્તવિકતા છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગયા અઠવાડિયે એક યંગ લેડીનો ફોન આવ્યો. રૂબરૂ મળવા માટે તેને ખચકાટ હતો એટલે તેમની સાથે ફોન પર જ વાત થઈ. તે લેડીની મૅરેજ લાઇફ આમ તો શાંત અને સુખી હતી, પણ છેલ્લા થોડા મહિનાઓથી તેના મનમાં અજીબ અસંતોષ શરૂ થયો હતો. તેણે કહ્યું કે હું જ્યારે પણ સોશ્યલ મીડિયા ઓપન કરું છું ત્યારે મારા મિત્રો કે બીજા કપલ્સની રોમૅન્ટિક રીલ્સ જોઈને, તેમના એકબીજા સાથેના રોમૅન્ટિક ફોટો જોઈને મને મનોમન દુખ થાય છે. મને થાય કે મારા પાર્ટનર કેમ રોમૅન્ટિક નથી? અમે કેમ એવી લાઇફસ્ટાઇલ નથી જીવતાં? આ સરખામણીને કારણે હવે મને મારા હસબન્ડ માટે અસંતોષ થવા માંડ્યો છે અને અમારી વચ્ચે સ્ટ્રેસ વધતું જાય છે.
આ પ્રશ્ન આજની ઑલમોસ્ટ દરેક ત્રીજી અને ચોથી પરિણીત મહિલાનો છે. હકીકતમાં આ આજના સોશ્યલ મીડિયા યુગની ગંભીર કહેવાય એવી માનસિક બીમારી છે જેને સાઇકોલૉજીમાં ‘રીલ લાઇફ V/S રિયલ લાઇફ ટ્રૉમા’ કહી શકાય. દરેકે એ સમજવું પડશે કે સોશ્યલ મીડિયા પર જે દેખાય છે એ માત્ર એડિટેડ અને ગ્લૅમરસ પાર્ટ છે. તમે એક વાત યાદ રાખવજો કે કોઈ પોતાના ઘરના ઝઘડા, આર્થિક તનાવ કે રોજિંદી દિનચર્યાની કડાકૂટના વિડિયો નથી બનાવતું. સ્ક્રીન પર દેખાતા એ હસતા ચહેરાઓ પાછળ વાસ્તવમાં કેવો ખાલીપો કે અસંતોષ છુપાયેલો છે એ કોઈ જાણી શકતું નથી. વાત પોએટિક લાગશે પણ સાચી છે. જે સુખી નથી, જે ખુશ નથી તેણે જ સુખી હોવાનો અને પોતે ખુશ છે એ દેખાડવાનો રસ્તો શોધવો પડે છે. બાકી વાસ્તવિક રીતે જે સુખી છે તેના માટે તો એ જ લાઇફસ્ટાઇલ છે. તેણે ક્યારેય પોતાના સુખને શો-કેસમાં રાખીને શો-ઑફ નથી કરવું પડતું.
ADVERTISEMENT
સ્ક્રીન પર દેખાતી દુનિયા આભાસી છે, જ્યારે તમારી સાથે રહેલી વ્યક્તિ અને તેની સાથેનો સંબંધ વાસ્તવિકતા છે. જેમ નિવૃત્તિ કે શાંત જીવનમાં સુષુપ્ત મનના વિચારો જાગ્રત થાય છે એમ રોજિંદા જીવનની એકવિધતા આપણને આવી આભાસી સરખામણીઓ તરફ ધકેલે છે. જ્યારે પણ મન ભટકે ત્યારે તમારા જીવનસાથીની એ વાસ્તવિક ખૂબીઓને યાદ કરો જેણે મુશ્કેલ સમયમાં તમારો સાથ આપ્યો છે. પાર્ટનર પર દોષારોપણ કરવાને બદલે તેમની સાથે ખુલ્લો સંવાદ કરો. તેમને કહો કે આપણે એકબીજાને થોડો ક્વૉલિટી ટાઇમ આપવાની જરૂર છે. સંબંધોને નવી ઉષ્મા આપવા માટે કોઈ મોંઘા લોકેશન કે વેકેશનની જરૂરી નથી. સાથે બેસીને ચા પીવી કે મનની વાતો શૅર કરવી એ પણ સંબંધની હૂંફ વધારી શકે છે. એમાં કોઈ એક્સ્ટ્રા ખર્ચ પણ નથી થતો.
સોશ્યલ મીડિયાના આભાસી સુખ પાછળ દોડીને વાસ્તવિક સંબંધોને વરાળ બનાવવા ન જોઈએ. પર્સનલ લાઇફની લક્ષ્મણરેખા તમારે જ નક્કી કરવી પડશે. સ્ક્રીન પરના પિક્સેલ્સ દિલના સંબંધો પર હાવી થવા ન દેવા એ જ સાચી સમજદારી છે.
