વારતહેવારે કુટુંબીજનો મળે, કાકા, મામા, માસી, ફઈ અને આ સૌ સગાંસંબંધીઓ પરસ્પરને પારિવારિક વાતોથી માહિતગાર કરે એ સૌકોઈને ગમતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘આજકાલ હળવા-મળવાનું બહુ ઓછું થઈ ગયું છે.’
‘ક્યાંથી મળાય? કામનો તો ઢગલો હોય છે. એમાંય ટ્રાફિકનો પાર નહીં. બબ્બે-ત્રણ-ત્રણ કલાક ટ્રાફિકમાં જાય. શી રીતે મળાય?’
ADVERTISEMENT
આવો સંવાદ કંઈ નવો નથી. આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે અથવા સંભળાવ્યો હશે. આમાં જે પીડા છે એ કંઈ અજાણી નથી. આ પીડા શબ્દ પણ અહીં સમજી લેવા જેવો છે. આપણા સ્વજનો, મિત્રો જેમની સાથે આપણો વૈચારિક મનમેળ છે એ સૌને આપણને મળવું ગમે, પણ મળી શકાતું નથી. થોડાં વર્ષો પહેલાં આપણી સામાજિક પરિસ્થિતિ જુદી હતી. જેઓ કામધંધે જતા તેઓ પણ સાંજે સમયસર ઘરે આવી જતા અને આવ્યા પછી કાં તો પાડોશીઓ સાથે બહાર બેસતા અને આજની કંઈ નવાજૂની હોય તો કહો એની વાતો હોય. આ વાતોથી ભલે ખાસ કંઈ મળતું ન હોય, પણ બધા સાથે મળીને બહાર બેસે એ રોજિંદા જીવનનો એક ભાગ હતો. જેઓ બહાર ફળિયામાં કે ઓટલા પર મળી નહોતા શકતા તેમના ઘરે પણ એક પ્રથા પેદા થઈ ગઈ હતી. સાંજનું વાળુ તો સાથે કરીએ. સાથે વાળુ ન કરી શકે તો અઠવાડિયે એક વાર રવિવારે રોટલા ખાવા ઘરમાં સૌ સાથે બેસતા. આજે આ દૃશ્ય અલોપ થઈ ગયું છે. આજે એક પરિવારમાં પણ સૌ સાથે ભોજન કરી શકતા નથી. સૌકોઈને પોતપોતાનો સમય હોય છે.
વારતહેવારે કુટુંબીજનો મળે, કાકા, મામા, માસી, ફઈ અને આ સૌ સગાંસંબંધીઓ પરસ્પરને પારિવારિક વાતોથી માહિતગાર કરે એ સૌકોઈને ગમતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
કોણ જાણે કેમ, ક્યારેક તો એવું પણ લાગે છે કે આવાં મિલનો હવે આપણને ગમતાં નથી. કાકા, મામા કે ભાઈ, ભત્રીજાને મળવા જવા કરતાં કોઈક મનોરંજન કાર્યક્રમમાં જવું કે પછી કશુંક
હરવા-ફરવા જવું એ હવે વધુ સામાન્ય બની ગયું છે. હવે પછી જો બે દિવસ કે ૪ દિવસની રજા મળતી હોય કે પછી વેકેશન આવી ગયું હોય ત્યારે આપણે કાર્યક્રમો ગોઠવી રહ્યા હોઈએ છીએ; પણ આ ગોઠવણમાં ક્યાંય કાકા, મામા, ભાઈ, ભત્રીજા હોતા નથી. આમાં એવું પણ બન્યું છે કે ક્યારેક કોઈને મળવા જવાની વાત કરીએ ત્યારે બીજું કોઈક એવું પણ કહી દે છે કે તેમને અમથા-અમથા શું કરવા મળવા જવું? આપણી સાથે ક્યાં કોઈ લેવાદેવાનો રિવાજ છે. લેવાદેવાનો રિવાજ એ સૌથી મોટી વાત થઈ ગઈ.
મારા પિતાજી દરેક રજાના દિવસે મને અગાઉથી કહી દેતા, ‘આજે સાંજે આપણે શારદાના ઘરે જવું છે.’ શારદા એટલે અમારી દૂરની ભાણેજ. પિતાજી કહે, ‘ઘણા દિવસથી શારદાના સમાચાર નથી મળ્યા એટલે તપાસ કરવી જોઈએ.’ આ તપાસ કરવી જ જોઈએ એટલે કાં તો લોકલ ગાડીમાં કે પછી પગપાળા ચાલીને જ તેમના ઘરે જવું પડે. ત્યાં પહોંચ્યા પછી શારદાના ઘરના સૌ રાજી-રાજી થાય. સિંગલ કે ડબલ રૂમના ઘરમાં ચટાઈ પાથરીને શારદા મામાને ઓશીકું આપે અને આમ રજાનો દિવસ કામે લાગ્યો છે એમ ગણાય.
હળવું-મળવું એટલે શું?
માણસ એકલવાયો નથી રહેતો. તેને હળવું-મળવું ગમે છે, પણ આ હળવા-મળવામાં શું મળે છે એની ગણતરી કદાચ ગઈ કાલે નહોતી. મળવું એટલે મળવું, એમાં વળી બીજી કઈ ગણતરી હોઈ શકે. જોકે આવું હવે નથી રહ્યું. હવે મળવા માટે પણ આપણે કારણ શોધીએ છીએ. સમાજજીવનનું સ્વરૂપ જ એવું બદલાઈ ગયું છે કે આપણે મળતાં પહેલાં મળવા માટેનું કારણ શોધી કાઢીએ છીએ. કારણ શોધ્યા વિના મળવાની વાત કરીએ તો તરત જ ક્યાંકથી એક પ્રશ્ન થઈ જાય છે - ‘કામ વગર વળી શું મળવું?’
મનોરંજન : ગઈ કાલે અને આજે
મુંબઈના કાલબાદેવી રોડ પર આવેલા દેશી નાટક સમાજને સંભાર્યા વિના ચાલે નહીં. દર બુધવારે અને રવિવારે અહીં નાટકો ભજવાતાં અને આઠ આના કે એક રૂપિયાની ટિકિટમાં આખું ઘર એ નાટક જોવા જતું. નાટક જોઈને જ્યારે બહાર નીકળતા ત્યારે હોટેલમાં જવાની કોઈ વાત જ નહોતી. સિંગ-દાળિયા કે સેવ-મમરાની પડીકીઓ બહાર મળતી હોય એ લઈ લીધી હોય અને ચાલતાં-ચાલતાં એ પડીકીને ન્યાય અપાઈ જતો અને સૌ ઘરે પહોંચી જતા. આ બધું સહકુટુંબ થતું અને થતું ત્યારે કોઈને બીજું કંઈ યાદ નહોતું આવતું. આજે મનોરંજનનાં ક્ષેત્રો સાવ બદલાઈ ગયાં છે. આજે મનોરંજન મોંઘુંદાટ થઈ ગયું છે. થિયેટરમાં જો ફિલ્મ જોવા જવું હોય તો સાવ નાખી દેવા જેવી ફિલ્મ પણ બસો-ચારસો રૂપિયામાં આવે. એટલે આખા કુટુંબને આ એક મનોરંજન ભારે મોંઘું પડે અને પરિણામે એ આવે કે હવે મનોરંજનનાં નવાં-નવાં ક્ષેત્રો શોધી કાઢવાં પડે અને ટોળાંઓને મનોરંજન માનવામાં આવે.
આપણે સૌ સાથે
સમાજજીવનનું જે નવું દૃશ્ય નજરે પડે છે એમાં પરિવારજનો પણ ક્યાંક પરસ્પરને મળવા કરતાં બહાર કશેક વૈચારિક સંગઠનોમાં સમય પસાર કરવો વધારે પસંદ કરે છે. ૪ દીવાલો વચ્ચે આપણે જઈને સરનામું કહીએ છીએ એવા ઘર વચ્ચે વસતા હોવા છતાં જાણે એકબીજાથી દૂર થઈ ગયા છીએ. હવે સૌને કામનો પાર નથી. સૌકોઈને ઘણું વધુ પ્રાપ્ત કરી લેવું છે. આ પ્રાપ્તિ એટલે જાણે કે પાર વિનાની સિદ્ધિ. આ સિદ્ધિમાં આપણને શું જોઈએ છે એની ચોક્કસ ખબર પડતી નથી. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે આપણે આગળ વધવાનું છે. આ આગળ વધવું એટલે વધુ ધનપ્રાપ્તિ, ખ્યાતિ અને વધુ ને વધુ સંબંધો. આ સંબંધોમાં જે કંઈ છે એ લેવા-દેવાનું છે. હવે લેવા-દેવાની વાત શિખર ઉપર આવી જાય છે, પણ એ આવતી નથી એવું દેખાડવાનો આપણો પ્રયત્ન ચાલુ રહે છે. આ પ્રયત્નો કરીએ છીએ, પણ કરીએ છીએ એ ક્યાંક પ્રગટ થાય એવું કરતા નથી.
બધું બદલાય એમ કંઈ નાવીન્ય નથી. સમાજજીવન સદૈવ બદલાતું જ રહે છે, પણ આ બદલાવનાં મૂલ્યો આપણને ક્યાં લઈ જાય છે એના વિશે થોડો વિચાર કરી લેવા જેવો છે. અંતે તો માણસને સુખ અને શાંતિ જોઈએ છે. આ સુખ અને શાંતિ વિશે તેના ખ્યાલો વખતોવખત બદલાતા રહે છે એય આપણે જોયું છે, પણ આજે આ બદલામાં સ્થૂળ સગવડો ઢગલાબંધ વધતી રહી અને આ ઢગલા વચ્ચે પેલી શાંતિ ક્યાં ખોવાઈ ગઈ એની જાણે કે આપણને જાણ રહી નહીં. આવો, આપણે મળીએ, કામ વગર મળીએ, અમથા-અમથા મળીએ.
