Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે પણ ધોધમાર પડી શકે છે વરસાદ

આજે પણ ધોધમાર પડી શકે છે વરસાદ

Published : 05 July, 2026 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં આજે પણ રેડ અલર્ટ : પંચાવનથી ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી હવામાન ખાતાએ ચેતવણી આપી

ભારે વરસાદને કારણે ગઈ કાલે વેસ્ટર્ન લાઇનના માટુંગા રોડ સ્ટેશનની બહાર ભરાઈ ગયેલા પાણીમાંથી રાહદારીઓએ મહામુશ્કેલીથી માર્ગ કાઢવો પડ્યો હતો.

ભારે વરસાદને કારણે ગઈ કાલે વેસ્ટર્ન લાઇનના માટુંગા રોડ સ્ટેશનની બહાર ભરાઈ ગયેલા પાણીમાંથી રાહદારીઓએ મહામુશ્કેલીથી માર્ગ કાઢવો પડ્યો હતો.


મુંબઈ સહિત આખા રાજ્યમાં ધોધમાર પડેલા વરસાદે ગઈ કાલે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આજે પણ એવી જ જોરદાર બૅટિંગ થાય એવી શક્યતા હવામાન ખાતાએ જણાવી છે. એથી મુંબઈ સહિત પાલઘર, થાણે અને રાયગડમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આજે મુંબઈમાં પંચાવનથી ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે અને ભારેથી અતિ ભારે ઝાપટાં પડી શકે એવી આગાહી હવામાન ખાતાએ દર્શાવી છે. 

ગઈ કાલે મુંબઈમાં કેવી રહી વરસાદની ઇનિંગ્સ?



ગઈ કાલે મુંબઈ સિટીમાં ૧૨૯ મિલીમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૮૬ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૧૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.  
ઈસ્ટર્ન સબર્બ્સના સાકીનાકા, કાજુપાડા-કુર્લા, છેડાનગર જંક્શન-ચેમ્બુર, પવઈ અને ભાંડુપમાંથી પાણી ભરાવાની ફરિયાદો BMCને મળી હતી. 
વેસ્ટર્ન સબર્બ્સમાં સાંતાક્રુઝ, વિલે પાર્લે, અંધેરી, ગોરેગામ-ઈસ્ટ અને દહિસરમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવી હતી.  
મુંબઈમાં ગઈ કાલે કુલ ૧૦૩ ઝાડ કે ઝાડની ડાળીઓ પડવાની ફરિયાદો મળી હતી. એમાંથી સિટીમાંથી ૨૧, ઇસ્ટર્ન સબર્બ્સમાંથી ૨૬ અને વેસ્ટર્ન સબર્બ્સમાંથી ૫૬ ફરિયાદ મળી હતી. 
ગઈ કાલે શૉર્ટ સર્કિટની સિટીમાં ૪, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૩ અને વેસ્ટર્ન  સબર્બ્સમાં ૮ ઘટના નોંધાઈ હતી.
ઘર કે ભીંત પડવાની સિટીમાં ૩, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૭ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૭ ઘટના બની હતી. 
નાલાસોપારામાં ટ્રૅક પર પાણી ભરાયાં હોવાથી વેસ્ટર્ન રેલવે ૨૦-૨૫ મિનિટ મોડી દોડી રહી હતી.


ઓવરહેડ વાયર તૂટી પડ્યો, મેટ્રો થઈ ગઈ ઠપ

વરસાદને કારણે લોકલ ટ્રેનો લેટ દોડી રહી હતી એટલે કેટલાક મુંબઈગરાઓએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો. જોકે એમાં પણ તેમણે નિરાશ થવું પડ્યું હતું. દહિસરથી અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર સુધી દોડતી મેટ્રો 2નો કાંદરપાડા અને આનંદનગર સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર તૂટી પડવાને કારણે મેટ્રો પણ ઠપ થઈ ગઈ હતી અને એનું ઑપરેશન રોકી દેવું પડ્યું હતું. મેટ્રોના સ્ટાફે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને પાછા મોકલ્યા હતા. આ બાબતે સ્ટેશનો પર અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી.


અંધેરી સબવેમાં પાંચ ફુટ પાણી

થોડા જ વરસાદમાં બંધ થઈ જતો અંધેરી સબવે ગઈ કાલે પણ બંધ થઈ ગયો હતો અને એમાં પાંચ ફુટ કરતાં વધુ પાણી વહી રહ્યું હતું. BMCના કર્મચારીઓ ત્યાં પમ્પ લગાડીને એ પાણી કાઢી રહ્યા હતા, પણ વરસતા વરસાદમાં પાણીનો ફ્લો એટલો બધો હતો કે તેમના એ પ્રયાસો ઓછા પડી રહ્યા હતા. તસવીર: સતેજ શિંદે

મુંબઈમાં ક્યાં કેટલો વરસાદ? (મિલીમીટરમાં)

સવારના આઠથી રાતના
૮ વાગ્યા દરમ્યાન

મુંબઈ સિટી

મલબાર હિલ

૧૭૪.૮

BMC  G સાઉથ

૧૭૨.૮

ફ્રોઝબૅરી ​રિઝર્વર

૧૭૨.૪

એન. એમ. જોશી માર્ગ

૧૭૦.૬

BMC  F સાઉથ

૧૬૭.૦ 

ઈસ્ટર્ન સબર્બ્સ

વિક્રોલી-વેસ્ટ

૨૬૩.૦

ટાગોરનગર, વિક્રોલી-ઈસ્ટ

૨૫૦.૦

પવઈ

૨૪૯.૬

ભાંડુપ કૉમ્પ્લેક્સ

૨૪૩.૦

વિક્રોલી ફાયર-સ્ટેશન

૨૩૫.૨

વેસ્ટર્ન સબર્બ્સ

BMC P નૉર્થ

૨૩૪.૪

ચિંચોલી-મલાડ

૨૩૪.૦

કાંદિવલી ફાયર-સ્ટેશન

૨૨૮.૦

જોગેશ્વરી-ઈસ્ટ

૨૧૯.૪

અંધેરી ફાયર-સ્ટેશન

૨૧૭.૨

માત્ર ૪ દિવસમાં જુલાઈનો ૭૪ ટકા વરસાદ વરસી ગયો

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ ગુરુવારે, શુક્રવારે અને શનિવારે પડેલા જોરદાર વરસાદે મૉન્સૂન દરમ્યાન જુલાઈ મહિનામાં પડતા સરેરાશ વરસાદનો ૭૪ ટકા પૂરો કરી લીધો છે. આ વર્ષે જૂન મહિનામાં મૉન્સૂન દરમ્યાન પડતા સરેરાશ વરસાદ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે જુલાઈમાં પડેલા વરસાદે બધું સરભર કરી દીધું છે.

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ પહેલી જુલાઈથી ચોથી જુલાઈએ સવાર સુધી સાંતાક્રુઝ વેધશાળાએ ૫૧૨ મિલીમીટર વરસાદ જ્યારે કોલાબા વેધશાળાએ આ સમયગાળા દરમ્યાન ૪૩૦ મિલીમીટર વરસાદ નોંધ્યો હતો, જે જુલાઈ મહિનામાં પડતા સરેરાશ વરસાદના ૭૪ ટકા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વર્ષ દરમ્યાન ૨૩૧૮ મિલીમીટર જેટલો વરસાદ નોંધાતો હોય છે જેમાંથી જુલાઈ મહિનામાં મુંબઈમાં સૌથી વધુ ૮૦૦ મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે. છેલ્લા ચાર દિવસમાં જ મુંબઈમાં ૫૮૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK