ભારતનો ૧૯૧ રનનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડે ૧૯ ઓવરમાં ૬ વિકેટના નુકસાન સાથે ચેઝ કર્યો, ૧૭મી ઓવરમાં ૨૯ રન કરીને જેકબ બેથલે મૅચની દિશા બદલી દીધી
ભારત માટે T20 ડેબ્યુ પર સ્ટમ્પ-આઉટ થનાર પહેલો ક્રિકેટર બન્યો હતો વૈભવ.
મૅન્ચેસ્ટરમાં બીજી T20 મૅચ ૪ વિકેટે જીતીને ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. ભારતીય ટીમે એક પણ ફિફ્ટી પ્લસના સ્કોર વગર ૭ વિકેટ ગુમાવીને ૧૯૦ રન કર્યા હતા. યુવા બૅટર જેકબ બેથલના તોફાની ૭૬ રનની મદદથી યજમાન ટીમે ૧૯ ઓવરમાં ૬ વિકેટે ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
અંગ્રેજ ટીમ ભારત સામેનો હમણાં સુધીનો સૌથી મોટો ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીતી છે. અગાઉ આ ટીમે ૨૦૧૨માં મુંબઈમાં ભારત સામે ૧૭૮ રનનો સફળ રનચેઝ કર્યો હતો.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારત માટે નવી ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં ૫૦ રનની ભાગીદારી કરી હતી. અભિષેક શર્માએ ૨૪ બૉલમાં ૮ ફોર અને એક સિક્સના આધારે ૪૩ રન અને વૈભવ સૂર્યવંશીએ ૧૦ બૉલમાં ૧૪ રન કર્યા હતા.
ADVERTISEMENT
ઈશાન કિશને ૪૦ બૉલમાં ૪૯ રન, શ્રેયસ ઐયરે બાવીસ બૉલમાં ૩૭ રન અને તિલક વર્માએ ૧૧ બૉલમાં અણનમ ૨૪ રન કર્યા હતા. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર સેમ કરૅને ચાર ઓવરમાં ૩૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. વિલ જૅક્સ, જોફ્રા આર્ચર અને લિયામ ડૉસનને એક-એક સફળતા મળી હતી.
અર્શદીપ સિંહે બીજી ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં માત્ર એક રન આપીને બન્ને ઓપનર્સને તંબુભેગા કરી દીધા હતા. જૉસ બટલર અને ફિલ સૉલ્ટ ઝીરો પર કૅચ-આઉટ થયા એટલે પહેલી વખત ઇંગ્લૅન્ડ તરફથી T20 ઇનિંગ્સમાં બન્ને ઓપનર્સ ડક આઉટ થવાની ઘટના બની હતી.
કૅપ્ટન હૅરી બ્રૂકે ૧૫ બૉલમાં ચાર ફોર અને ત્રણ સિક્સના આધારે ૩૯ રન અને ટૉમ બેન્ટને ૩૨ બૉલમાં ૩૯ રન કર્યા હતા. જેકબ બેથલે પાંચ ફોર અને પાંચ સિક્સની મદદથી ૪૬ બૉલમાં અણનમ ૭૬ રન કર્યા હતા.
છેલ્લી ચાર ઓવરમાં જ્યારે જીત માટે ૪૯ રનની જરૂર હતી ત્યારે જેકબ બેથલે સ્પિનર રવિ બિશ્નોઈની ૧૭મી ઓવરમાં ૨૯ રન ફટકાર્યા હતા. અર્શદીપ સિંહે ચાર ઓવરમાં ૪૪ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. હર્ષિત રાણા, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.
3- T20 ઇન્ટરનૅશનલ મૅચમાં આટલા નો-બૉલ ફેંકનાર ફુલ મેમ્બર ટીમનો પહેલો સ્પિનર બન્યો રવિ બિશ્નોઈ.
100 - ભારત માટે આટલી T20 વિકેટ લેનાર પહેલો સ્પિનર અને ઑવરઓલ ચોથો બોલર બન્યો અક્ષર પટેલ.
