આ સહકારી સ્ટોરના ઇતિહાસથી લઈને આજ સુધીની રસપ્રદ વાતો જાણીએ
બ્રુકલિનનો ધમધમતો સહકારી સ્ટોર.
ન્યુ યૉર્કના બ્રુકલિનમાં ૧૯૭૩ની સાલથી એક સહકારી સ્ટોર ચાલે છે જે ખરા અર્થમાં આ સ્ટોરના સભ્યો દ્વારા, સભ્યો માટે અને સભ્યોના સહકારથી ચાલે છે. અહીં મહિને ચોક્કસ કલાક કામ કરનારો મેમ્બર જ ગ્રોસરીની ખરીદી કરી શકે છે જે તેને માર્કેટ કરતાં વીસથી ૩૦ ટકા જેટલી સસ્તી પડે છે. આ સહકારી સ્ટોરના ઇતિહાસથી લઈને આજ સુધીની રસપ્રદ વાતો જાણીએ
સાલ હતી ૧૯૭૩ની. ન્યુ યૉર્કના બ્રુકલિનમાં એક અનોખા ઇતિહાસનું સોનેરી પાનું લખાવાની શરૂઆત થઈ. નામ રાખવામાં આવ્યું Park Slope Food Coop. આમ જોવા જઈએ તો આ માત્ર એક દુકાન છે, સમજોને ગ્રોસરી સ્ટોર; પરંતુ એક એવી નૈતિક જવાબદારી ધરાવતો અને શીખવતો સ્ટોર જ્યાં ગ્રોસરી ખરીદવા જતાં પહેલાં તમારે ‘સહકાર’ નામનો સદ્ગુણ શીખવો પડે.
ADVERTISEMENT
વાસ્તવમાં Park Slope એ ન્યુ યૉર્કના બ્રુકલિનમાં આવેલો એક વિસ્તાર છે જ્યાં કંઈક અનોખો ઉદ્દેશ પરિવર્તિત થયો એક અનોખા ગ્રોસરી સ્ટોરમાં અને શરૂ થઈ એક એવી દુકાન જ્યાં ખરીદી કરવા માટે જતો ગ્રાહક માત્ર ગ્રાહક નથી. જો કોઈ વ્યક્તિ માત્ર ગજવામાં પૈસા છે એટલે સામાન ખરીદવા માટે એ દુકાનમાં પ્રવેશે તો કદાચ તેણે નિરાશ થવું પડે એ શક્ય ખરું, કારણ કે આ સ્ટોરમાં પ્રવેશતો ગ્રાહક એક ગ્રાહક તો છે પરંતુ સાથે જ તે એ સ્ટોરનો માલિક પણ છે. અરે, માલિક જ નહીં, એ સ્ટોરમાં કામ કરતો કામદાર પણ છે અને સાથે આ જસ્ટોર-સંસ્થાના નિર્ણયોમાં મતદાર પણ ખરો જ.
ચાલો તમને લઈ જઈએ Park Slope Food Coopમાં. ૧૯૭૩માં આશરે ૧૦ સ્થાનિક રહેવાસીઓએ એક નાનકડો સહકારી પ્રયોગ શરૂ કર્યો, જે આજે પાંચ દાયકાથી પણ વધુ સમય પછી માત્ર એક સહકારી સ્ટોર ન રહી જતાં અંદાજે ૧૭,૦૦૦થીયે વધુ સભ્યો ધરાવતી એક વિશાળ સંસ્થા બની ગઈ છે. એટલી મોટી સંસ્થા કે બ્રુકલિન પબ્લિક લાઇબ્રેરી આજે એને આખા અમેરિકાની સૌથી મોટી સિંગલ સ્ટોર ફૂડ કો-ઑપરેટિવ તરીકે વર્ણવે છે. આ ગ્રોસરી સ્ટોરમાંથી કંઈ પણ ખરીદી કરવી હોય તો તમારે દર મહિને તમારે એમાં વૉલન્ટિયર તરીકે કામ કરવું જરૂરી છે.

૧૦ લોકોનો નાનો પ્રયોગ
૧૯૭૩માં બ્રુકલિનને આજના જેવો સમૃદ્ધ અને મોંઘા પાર્ક સ્લોપ નહોતો. એ સમયે આ વિસ્તાર એક નીચી આવક ધરાવતો અને અમેરિકાની બહારથી આવેલા વિવિધ જાતિના, વિવિધ દેશોના લોકોથી ભરેલો હતો. અહીં સારો, પૌષ્ટિક તથા સસ્તો ખોરાક મેળવવો પણ મુશ્કેલ હતું.
COVID : જ્યારે કૂપ અટકી પડી
૨૦૨૦માં આખી દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ ચૂકી હતી ત્યારે પાર્ક સ્લોપ ફૂડ કૂપે પણ એક ઐતિહાસિક નિર્ણય લેવો પડ્યો હતો. ૨૦૨૦ની ૨૩ માર્ચથી સભ્યોએ દુકાનમાં ફરજિયાત કામ કરવાના નિયમને પહેલી વાર સ્થગિત કરવો પડ્યો. થોડા સમય માટે દુકાન પેઇડ અને ટેમ્પરરી વર્કર્સના ભરોસે ચલાવવી પડી હતી. આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે આર્થિક અસરો ગંભીર પડવાની જ હતી. એ સમય દરમ્યાન એક તબક્કે કૂપનું સાપ્તાહિક નુકસાન લગભગ ૧,૨૦,૦૦૦ ડૉલર સુધી પહોંચી ગયું હતું. સભ્યોનું કામ ન થવાથી વધારાના ટેમ્પરરી વર્કર્સ રાખવા પડતા હતા અને વેચાણમાં પણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ આ એક ઘટનાએ એ સાબિત કરી દીધું કે કૂપની આખી આર્થિક રચના ખરેખર જ એના સભ્યોના સહકારી શ્રમ પર કેટલી ઊંડી રીતે આધારિત છે. આ અનોખા પ્રયોગને સ્થાનિક સ્તરે અનેક અવૉર્ડ્સ મળ્યાં છે.
આ પરિસ્થિતિ સામે ઝીંક ઝીલવા આશરે ૧૦ રહેવાસીઓએ મળીને વિચાર્યું કે જો બજારમાં સસ્તું અને સારું ખાવાનું સહેલાઈથી નથી મળી રહ્યું તો આપણે ભેગા મળીને ખરીદી કેમ ન કરીએ? આમ ૧૯૭૩ની સાલના ફેબ્રુઆરી મહિનામાં ‘પાર્ક સ્લોપ ફૂડ કૂપ’નો જન્મ થયો. મોંગૂસ કમ્યુનિટી સેન્ટરના ઉપરના માળે એક નાનકડી ઑર્ડરથી ચાલતી દુકાન તરીકે શરૂઆત થઈ. ગણીને દસથી ૧૨ સભ્યો પાસેથી તેઓ પહેલાં ઑર્ડર લેતા અને એ પ્રમાણે હન્ટ્સ પૉઇન્ટ ટર્મિનલ માર્કેટ જઈને સામાન લઈ આવતા અને જે-તે સભ્યને તેના ઑર્ડર પ્રમાણે વહેંચી દેતા. આજે વાંચવામાં સાવ સામાન્ય લાગતી આ વાત એ સમયે ખરેખર ખૂબ મહેનત માગી લેતું કામ હતું. જોકે ત્યાં જ એક સમસ્યા ઊભી થઈ. હજી તો સ્ટોર શરૂ જ થયો હતો ત્યાં બન્યું એવું કે એ ૧૦-૧૨ સભ્યો દુકાનના માલિક બનવા તો તૈયાર હતા પરંતુ દુકાન ચલાવવા માટે, કામ કરવા બધા તૈયાર નહોતા. પરિણામે એવું થતું કે અમુક સભ્યો પર ભારે કામ આવી પડતું અને અમુક સભ્યો કોઈ ને કોઈ કારણ દેખાડીને કામમાંથી છટકી જતા. આ કારણે ક્યારેક આર્થિક નુકસાન સુધ્ધાં થવા માંડ્યું. હજી તો શરૂઆત હતી ત્યાં આવી સમસ્યા અને આર્થિક નુકસાન? આખરે ૧૯૭૩ની જ સાલમાં સ્થાનિક ગૅજેટમાં એવી ચેતવણી આપવામાં આવી કે જો સભ્યોની સક્રિય ભાગીદારી અને આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય તો કૂપ ગણતરીના દિવસોમાં બંધ થઈ જશે. આખરે આ મુશ્કેલી સામે નિર્ણય લેવાયો કે દરેક સભ્યે કમ્પલ્સરી કામ કરવું પડશે.
ઇઝરાયલી વસ્તુઓનો બહિષ્કાર
પાર્ક સ્લોપ ફૂડ કૂપની લાંબી રાજકીય અને સામાજિક પરંપરામાં ૨૦૨૬નું વર્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. કૂપમાં એક વિષયને લઈને ચર્ચા અને અભિયાન ઘણા સમયથી ચાલતાં હતાં. વિષય હતો ઇઝરાયલ અને ત્યાંની વસ્તુઓ. ખાસ કરીને ૨૦૨૩ની જનરલ મીટિંગ્સમાં અનેક વાર આ વિશે ચર્ચા થઈ હતી. ત્યાર બાદ ૨૦૨૬માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને આખરે આ ચર્ચા એક નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ. ૨૦૨૬ની ૨૬ મેની જનરલ મીટિંગમાં પહેલાં બૉયકૉટ માટે જરૂરી ૭૫ ટકા સુપર મેજોરિટીની શરત દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેમાં કુલ ૬૭૨૫ મત પડ્યા. ૬૧ ટકા આ પસ્તાવના સમર્થનમાં, ૩૮ ટકા વિરોધમાં અને ૧ ટકો કોઈ મત નહીં તરીકે પરિણામ આવ્યું અને આખરે એ મીટિંગમાં ઇઝરાયલી વસ્તુઓનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ફરી એક વાર મતદાન થયું. આ વખતે કુલ ૬૭૫૩ મતમાંથી ૬૭ ટકા જેટલા લોકોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું, ૩૧ ટકા લોકોએ વિરોધ કર્યો અને બે ટકા કોઈ થોડી મત નહીંના પક્ષમાં રહ્યા. પરિણામે ૨૦૨૬ની ૨૭ મેથી ઇઝરાયલી વસ્તુઓનો બૉયકૉટ કૂપ માટે અમલમાં મૂકવામાં આવ્યો. આમ પણ કૂપમાં ઇઝરાયલમાં બનેલી વસ્તુઓની સંખ્યા કંઈ બહુ મોટી નહોતી. અંદાજે એક ડઝનથી પણ ઓછી હશે. જોકે આ નિર્ણયને કારણે કૂપ આખા વિશ્વમાં એક ચર્ચાનો વિષય બની ગઈ હતી.

સહકારી સ્ટોર શરૂ થયો ત્યારની લગભગ ૧૯૭૪ની સાલની તસવીર.
‘ગ્રોસરી’ નહીં, ‘ગ્રોસરી + મજૂરી’
આજે પણ કૂપનો એ સૌથી અનોખો નિર્ણય એક નિયમ તરીકે પળાય છે. દરેક સભ્યે ૬ અઠવાડિયાંની વર્ક-સાઇકલમાં કમસે કમ એક વખત પોણાત્રણ કલાક કામ કરવાનું હોય છે. કામના પ્રકારો બીજા સામાન્ય સ્ટોર્સમાં હોય એવા જ છે. જોકે એ સરળ અર્થશાસ્ત્ર પર આધારિત મૉડલ સ્વીકારવાના નિર્ણયથી સહકારી સ્ટોર તરીકે ચાલતા એ સાહસને જબરદસ્ત મોટો ફાયદો થયો.
કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં માલની ખરીદકિંમત સિવાય બીજો સૌથી મોટો ખર્ચ ત્યાં કામ કરતા લોકોના પગારનો હોય છે. તો પાર્ક સ્લોપ ફૂડ કૂપે એ ખર્ચ જ હટાવી દીધો. સ્ટોરનું લગભગ ૭૫ ટકા જેટલું કામ એ દુકાનમાં ખરીદી માટે આવતા ગ્રાહકો એટલે કે દુકાનના સભ્યો જ કરે, જેથી પગાર વગેરેનો ખર્ચ નહીંવત્ કરી શકાય. આ નિર્ણયનું પરિણામ એ મળ્યું કે સભ્યોને તેમની જરૂરિયાતની દરેક વસ્તુઓ બજાર કરતાં ઘણી ઓછી કિંમતે મળવા માંડી. કૂપે પોતે એક પ્રાઇસ કમ્પૅરિઝન સર્વે કર્યો તો જાણવા મળ્યું કે સ્ટોરના સભ્યોની સાપ્તાહિક ગ્રોસરી ખરીદી પર અંદાજે ૨૦થી ૪૦ ટકા સુધીની બચત થઈ રહી હતી. અર્થાત્, અહીં સસ્તું મળતું ખાવાનું કે ખાવાનો સામાન એ કોઈ ચમત્કાર નહોતો પરંતુ સભ્યોએ પૈસા ઉપરાંત તેમનો સમય અને આવડત પણ આપવાનું નિર્ધાર્યું એનું પરિણામ હતું.
આ મૉડલમાં ‘દુકાન’ અને ‘ગ્રાહક’ વચ્ચેનું અંતર લગભગ ગાયબ થઈ ચૂક્યું છે. સામાન્ય સુપરમાર્કેટમાં ગ્રાહક પૈસા આપે છે અને માલ લઈ જાય છે. અહીં સભ્ય પૈસા પણ આપે છે અને કામ પણ કરે છે, દુકાનની માલિકી પણ ધરાવે છે અને સંસ્થાની નીતિઓ વિશે નિર્ણય પણ લઈ શકે છે.
એક સભ્ય, એક મત
કૂપની બીજી મોટી વિશેષતા છે એની લોકશાહી વ્યવસ્થા. દર મહિને આ સ્ટોરની જનરલ મીટિંગ થાય છે. આ શિરસ્તો આજનો નથી. ૧૯૭૩થી જનરલ મીટિંગ એ સંસ્થાની નિર્ણય-પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. કોઈ પણ સભ્ય એ મીટિંગમાં એજન્ડા તરીકે પૉઇન્ટ્સ રજૂ કરે, હાજર રહેલા સભ્યો એના પર ચર્ચા કરે. દરેક સભ્યને પોતાનો મત આપવાનો અધિકાર છે. એ પ્રમાણે મતદાન થાય અને નિર્ણયો લેવાય.
આ વ્યવસ્થા એટલી કારગત નીવડી કે ૧૯૭૭ની સાલમાં તો તેમણે કાયદાકીય કારણોસર બોર્ડ ઑફ ડિરેક્ટર્સનું માળખું પણ બનાવવું પડ્યું, પરંતુ આજેય એ બોર્ડ સંસ્થાની સમગ્ર સત્તા પોતાના હાથમાં લેતું નથી. આજેય સભ્યોની ચર્ચા અને નિર્ણય-પ્રક્રિયાને જ જનરલ મીટિંગમાં વિશેષ સ્થાને રાખવામાં આવ્યાં છે. આ રીતે હવે આ શૉપ એ માત્ર એક સહકારી દુકાન નહીં પરંતુ દૈનિક જીવનમાં લોકશાહીના પ્રયોગનું ઉત્તમ ઉદાહરણ છે. રોજિંદા વ્યવહારો અને કામકાજની ચર્ચા વિશે થતી મીટિંગ્સ તો ઠીક, જ્યારે કોઈ મુદ્દો મહત્ત્વનો હોય ત્યારે આ જનરલ મીટિંગમાં સભ્યોની સંખ્યા અચાનક હજારો સુધી પણ પહોંચી જાય છે.
દુકાનનું પોતાનું અડધી સદી જૂનું ‘મીડિયા’
૧૯૭૩થી જ કૂપનું પોતાનું એક ન્યુઝ લેટર પણ શરૂ કરવામાં આવ્યું હતું, The Linewaiters’ Gazette. આ મજાનું નામ ન્યુઝ લેટરને કઈ રીતે મળ્યું? તો વાસ્તવમાં ખરીદી કરી લીધા પછી ચેકઆઉટની લાઇનમાં ઊભા રહેતા લોકો એટલે linewaiters અને એ પરથી નામ પડ્યું ન્યુઝ લેટરનું.
જોકે એ દુકાનથી પ્રસિદ્ધ થતું આ માત્ર ન્યુઝ લેટર નહોતું બની રહ્યું. એમાં પાંચ દાયકાથી વધુ સમય દરમ્યાન સભ્યોના પત્રો, જનરલ મીટિંગના મુદ્દાઓ, દુકાનનાં ઉત્પાદનો વિશેની ચર્ચાઓ, બૉયકૉટની માગણીઓ સુધ્ધાં અને નીતિ કે વિવાદો વિશે, સ્થાનિક પ્રશ્નો અને ક્યારેક તો આંતરિક મતભેદો પણ પ્રકાશિત થતા રહ્યા.
દુકાન મોટી થઈ અને સમુદાય પણ
૧૯૭૮માં આ સહકારી દુકાને પહેલાં નાની જગ્યા લીધેલી, પણ ૧૯૮૦માં તો આખું મકાન ખરીદી લેવામાં આવ્યું. ત્યાર બાદ ૧૯૮૮ અને ૧૯૯૯માં એની બાજુની બીજી બે ઇમારતો પણ ખરીદી લેવામાં આવી. ૨૦૦૯ની સાલ આવતાં સુધીમાં આ ત્રણેય બિલ્ડિંગોનું બાકી રહેલું લગભગ ૭,૦૭,૦૦૦ ડૉલરનું મોર્ગેજ પણ ચૂકવી દેવામાં આવ્યું. એક સહકારી સંસ્થા માત્ર ‘લોકો ભેગા થઈને દુકાન ચલાવે’ ત્યાં સુધી જ અટકી નહીં. એણે વીતતા સમય સાથે પોતાની રિયલ એસ્ટેટ પણ ઊભી કરી.
એકમાત્ર શૉપિંગ કાર્ડ નહીં, સભ્યપદ
સસ્તા ભાવે રોજિંદા જીવનની વસ્તુઓ મેળવવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી દુકાન મીડિયા હાઉસ પણ બની, પોતાની પ્રૉપર્ટી પણ ઊભી કરી અને સાથે રચાયો એક બહોળો જનસમુદાય. આડપેદાશ તરીકે મળ્યો એક સમાજ; જ્યાં ફિલ્મો, સંગીત-કાર્યક્રમો, ફૂડ-ક્લાસિસ, પાર્ટીઝ અને કૉન્ટ્રા-ડાન્સ જેવી સામુદાયિક પ્રવૃત્તિઓ પણ થતી રહી. કૂપમાં અનેક વાર સભ્યો એક વાક્ય બોલતા સંભળાય છે, ‘The Coop — It ain’t just food.’
કૂપમાં સામાન્ય રીતે માત્ર સભ્યો જ ખરીદી કરી શકે છે. જોકે મેમ્બરશિપ બધા માટે ખુલ્લી છે અને સભ્યપદ માટે પાર્ક સ્લોપમાં જ રહેતા હોવું પણ જરૂરી નથી. સામાન્ય સભ્યપદ માટે તેમણે હાલ પચીસ ડૉલરની નૉન-રીફન્ડેબલ ફી અને ૧૦૦ ડૉલરનું રીફન્ડેબલ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ જેવા નિયમો રાખ્યા છે. સાથે જ ઓછી આવક ધરાવતા લોકો માટે બીજી પણ એક વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં Coop SNAP/food stamps તેઓ સ્વીકારે છે. આ સ્ટોરમાં ૫૦૦૦થીયે વધુ પ્રકારની અલગ-અલગ વસ્તુઓ વેચે છે.
