Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં નવજાત બાળકી માટે સ્થાનિક મહિલા બની દેવદૂત

ભિવંડીમાં નવજાત બાળકી માટે સ્થાનિક મહિલા બની દેવદૂત

Published : 04 October, 2026 08:26 AM | Modified : 04 October, 2026 08:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસ્તા પર તરછોડવામાં આવ્યા પછી કૂતરાઓએ તેને બચકાં ભર્યાં ત્યારે હિ‍‍ંમત કરીને બચાવી, મમ્મીની અટકાયત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભિવંડીના કાલ્હેર વિસ્તારમાં ગુરુવારે રાત્રે હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. એક નિર્દયી મમ્મીએ પોતાના પતિ સાથે થયેલા ઝઘડાને કારણે પોતાની જ નવજાત બાળકીને ગટર પાસે તરછોડી દીધી હતી. આ ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે રખડતા કૂતરાઓએ આ માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બેથી ૩ બચકાં ભર્યાં હતાં. જોકે આ વિસ્તારની એક જાગૃત અને દયાળુ મહિલાની નજર સમયસર પડી જતાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ કેસમાં નારપોલી પોલીસે શુક્રવારે બાળકીની મમ્મીને શોધીને તેની અટકાયત કરી છે.
નારપોલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે મુસ્કાન મલખાન સિંહ નામની મહિલાએ પોલીસ કન્ટ્રોલમાં કાલ્હેર ખાતે આવેલી ગટર પાસે એક નવજાત બાળકી રઝળતી હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. માહિતી મળતાં જ અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીને કબજામાં લીધી હતી. ત્વરિત કાર્યવાહી કરીને માસૂમ બાળકીને સૌપ્રથમ ભિવંડીની IGM હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના શરીર પર બેથી ૩ જગ્યાએ કૂતરાઓએ બચકાં ભર્યાં હોવાની માહિતી ડૉક્ટરે આપી હતી. કૂતરાઓએ બચકાં ભર્યાં હોવાથી બાળકી રડી રહી હતી. તેનો અવાજ સાંભળીને ત્યાંથી પસાર થતી મહિલાએ હિંમત કરીને, ચારથી પાંચ કૂતરાઓની વચ્ચે જઈને બાળકીને પોતાના હાથમાં લઈને અમને જાણ કરી હતી. મહિલાની સતર્કતાને કારણે જ બાળકીનો જીવ બચી ગયો છે. આ મામલે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં બાળકીની મમ્મીને શોધી કાઢી છે અને વધુ તપાસ શરૂ કરી છે. બાળકીની મમ્મીનો તેના પતિ સાથે ઘરમાં વિવાદ થયો હતો જેને કારણે તેણે રોષમાં આવીને પોતાની બાળકીને રસ્તા પર મૂકી દીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK