Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સરવેના સમયમાં મેં વાંઢાઓ પર સરવે માંડ્યો

સરવેના સમયમાં મેં વાંઢાઓ પર સરવે માંડ્યો

Published : 12 April, 2026 02:58 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

મોટા ભાગના વાંઢા રહી ગયેલા મિત્રોને જોશો તો તમને એ જ કારણો જોવા મળશે જે મારા સરવેમાં ઊડીને આંખે વળગ્યાં. જોવો એ વાંઢા રહી જવામાં મહત્ત્વનો ભાગ ભજવનારાં કારણો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આજકાલ સર્વેનો જમાનો ચાલે છે. આટલા ટકા લોકો આમ જીવે છે અને આટલા ટકા લોકો તેમ જીવે છે, આટલા ટકા લોકો આ કારણે સુખી છે ને આટલા ટકા લોકો આ કારણે દુખી છે. મને થ્યું કે માળું બેટું, દુનિયા આખી સર્વે કરે તો મારે પણ એકાદા સર્વે પર હાથ અજમાવવો જોઈએ. એવામાં ખબર પડી કે પાછી મૅરેજ સીઝન ચાલુ થવામાં છે એટલે મને થયું કે હાલો, આ કુંવારા રહી ગયેલા વાંઢાઓ પર જ સરવે કરી નાખીએ અને આપણે તો સરવે માંડી દીધો. મારા મંડાયેલા સરવેમાં મેં નોંધ્યું કે વાંઢા રહી ગયેલા લોકોમાં સૌથી મોટું પ્રમાણ એવા લોકોનું છે જેઓ જવાબ આપે છે કે હજી કરીઅર સેટ નથી.

અમુક મુરતિયાઓ કરીઅર સેટ કરવામાં એવા મચી પડે છે કે તેમનાં લગ્નના સેટ કદી બંધાતા જ નથી. નબળા પગારે નબળી કન્યા મળે એવી ધારણાએ આ લોકો દસકો કાઢી નાખે છે. પછી પગાર તો જાડો થઈ જાય પણ સાથોસાથ કન્યા પણ જાડી જ પ્રાપ્ત થાય. નોકરીને સદા ‘છોકરી મેળવવાની પૂર્વશરત’ માનનારા કેટલાય મુરતિયાઓને જ્યારે સત્ય સમજાય છે ત્યારે પરણવાની ઉંમર વીતી ચૂકી હોય છે. પછી તો વડીલ તરીકે કો’ક જોડાને આશીર્વાદ જ દેવાના હોય છે.



બીજા નંબરે એવા વાંઢા મને મળ્યા જેમના મોઢે એક જવાબ વારંવાર આવતો’તો, આવી છોકરી ના ચાલે!


શરૂ-શરૂમાં જ્યારે પુષ્કળ માગાં આવતાં હોય ત્યારે અમુક મુરતિયાના મગજમાં એવી રાઈ ભરાય જાય કે મારે આવી છોકરી તો ચાલે જ નહીં. અલ્યા ભઈ! તારે પગમાં કપાસી છે અને તું દોડવીર શોધવા નીકળ્યો છે? તારા ચહેરાના ખીલ, તારા બાપનું નબળું વિલ ને તારી મમ્મીના મગજના ઢીલા સ્ક્રૂ જો. આ ૩ વસ્તુ તપાસી લે, તારું દિલ કોઈ પણ કન્યામાં હા પાડી દેશે. અચ્છે બચ્ચે જિદ નહીં કરતે. નહીંતર પેલી જૂની ઍડ્વર્ટાઇઝમેન્ટની જેમ ‘આઇ ઍમ અ કૉમ્પ્લાન બૉય’ને બદલે ‘આઇ ઍમ અ કમ્પ્લેઇન બૉય’ બનીને રહી જાઈશ!

સરવેના આંકડા જોતાં ત્રીજા નંબરે માબાપ આવ્યાં. હા, છોકરો વાંઢો રહી જાય એમાં જો ત્રીજા નંબરનું કારણ હોય તો એ છે પેરન્ટ્સની આડોડાઈ.


‘આપણા ઘરમાં આવી છોકરી ન ચાલે’, ‘આપણું મહેમાનવાળું ઘર છે’, ‘આપણું ખાનદાન ઊંચું છે’, ‘આપણી રહેણીકરણી ઊંચી છે’ આવાં તો કેટલાંય બહાનાં કન્યા જોયા પછી મુરતિયાના ઘરમાં ચર્ચાય છે. ભાઈ, તારું ઘર દોઢસો ફુટનું, એમાં ઝાઝું હાલવાનું ક્યાં છે? તારા ઘરે મે’માન કરતાં ઉઘરાણીવાળા જ ઝાઝા આવે છે ને તારું આખું ખાનદાન ‘નસકોરાં ફૅમિલી’ તરીકે ઓળખાય છે. ઘરમાં એકાદ રાત રોકાવા આવેલા મહેમાન નસકોરાંથી કંટાળીને અડધી રાત્રે લિફ્ટમાં જઈને સૂઈ જાય છે. તારા ઘરમાં હાંડલાં કુસ્તી લ્યે છે અને ઉંદરડા ભૂખ્યા આપઘાત કરે છે. તારા ઘરમાં ચોર આંટા મારે ત્યારે ઘરની દયામણી સ્થિતિ જોઈને પોતાના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ફાળામાં મૂકતો જાય છે. ભાઈ, તું ઊંચી રહેણીકરણીની વાત રહેવા દે. આખું ખાનદાન એક રૂપિયાના ૩ આઠ આના ગોતતું હોય છે. માબાપના આવા ખોટા વહેમને લીધે જ બે મોટા દીકરા ૪૨ અને ૪પ વરસના વાંઢા બેઠા છે અને દીકરીનું ક્યાંયથી માગું પણ આવતું નથી.

લગ્ન થાય ધરતી પર પણ મેળાપ તો ઉપરવાળો જ કરાવતો હોય છે. આવું બોલનારા આપણા વડવાઓનો પગ કુંડળીમાં બહુ પડે અને એમાં છોકરા વાંઢા રહી જાય. હા, સરવેમાં ચોથા નંબરનું કારણ મળ્યું કુંડળી.

‘અમે કુંડળીમાં નથી માનતા. તમારે જોવડાવવી છે?’, ‘મંગળ છે એટલે પ્રૉબ્લેમ થાય!’, ‘બસ, કુંડળી નથી મળતી, બાકી કોઈ પ્રૉબ્લેમ નથી’ આ વાક્યો પણ લગભગ કુંવારા રહી ચૂકેલા કેટલાય વાંઢાવીરોના ઘરમાં આજીવન સંભળાય છે. અરે ભઈલા, ગ્રહોનું ગણિત સો ટકા સાચું હોય પણ ઘણી વાર ગણવાવાળાની ગણતરી ગોટે ચડાવે. વળી તમારા ગગાના છ ગ્રહો સ્વરાશિમાં છે. એમ છતાં ગગાને બાજુવાળા રમેશભાઈની દીકરી રાશિમાં જ રસ છે. ગગો ક્યારેય ઘરમાંથી નોકરી શોધવા બહાર નથી નીકળ્યો. એક નંબરનો આળસુનો પીર મુરતિયો છે એટલે મંગળ ગ્રહ આરામ કરવા અને શનિ પનોતી સાથે પિકનિકના મૂડમાં ગગાની કુંડળીમાં છે. કેટલાંક વર-કન્યાની કુંડળી પર્ફેક્ટ મળી, પરંતુ એમ છતાં જીવનભેર મન ન મળ્યાં. એકબીજા પર વક્રદૃષ્ટિથી અતિ શત્રુ બનીને જ રહ્યાં છે. તો કેટલીક કન્યાની કુંડળીમાં ચાર-ચાર ગ્રહો અતિ શત્રુ હતા, પરંતુ તેને પતિને મિત્ર બનાવતાં આવડ્યું એટલે ગ્રહો શત્રુ હોવા છતાં સુખરૂપ જીવન જીવ્યાં. કુંડળીમાં માનીએ તો વાંઢાપણું ખાળી શકાય કે ન માનીને? આ પ્રશ્ન કેટલાયને યક્ષ પ્રશ્ન જેવો આજે પણ લાગે છે.

પાંચમું કારણ આવ્યું છોકરીનો દેખાવ. માળો બેટો પોતે ભૂંડ જેવો હોય પણ વાંધાવચકા કાઢે કે છોકરી કાળી-ધોળી છે ને છોકરી
જાડી-પાતળી છે!

ખરેખર સારા ઘરની ગૃહિણી કન્યા અને જોવા જનારા કેટલાક મુરતિયા શ્રેષ્ઠ પત્ની મેળવતા એટલે રહી જાય છે કે તેઓ છોકરીના દિલ અને સ્વભાવ કરતાં વધુ પ્રાધાન્ય તેના દેખાવને આપે છે. ‘છોકરીને આંખો પાસે કાળાં કૂંડાળાં છે.’ તો ભઈલા, તારાં કૉલેજનાં કે ધંધાનાં કૂંડાળાં તને સાંભરે છે? ‘તે બહુ પાતળી છે.’ અરે ભઈલા...! આ પાતળાપણું મેળવવા માટે લાખો બહેનો ડાયટિશ્યન પાસે કરોડો રૂપિયા ખર્ચે છે અને તને સીધી પાતળી છોકરી મળે છે તો તું ના પાડે છે! થોડું ખવડાવીશ અને ઓછું લોહી પીશ તો લગ્ન પછી કન્યાને નવું લોહી ચડશે જ, ભરોસો રાખ ભાઈ! ‘કન્યા ઢીચકી અને જાડી છે!’ ઇટ્સ ઓકે, પણ તે સારામાં સારી કુક છે, ઘર સાચવવા માટે તૈયાર છે, સમૂહ કુટુંબમાં રહેવા માટે તૈયાર છે આ બધાનું કશું જ મૂલ્ય નથી તને ભૂરા! તો ખરેખર તું વાંઢો રહેવાને જ લાયક છે.

મારા ભાઈબંધ અતુલનું સંશોધન છે કે જે યુવકને યુવાનીમાં તરબૂચ જેવી ટાલ, માટલા જેવી ફાંદ કે બાટલા જેવાં ચશ્માં આવી જાય છે તે યુવકે મનોમન એકલા રહેવાનો મૂડ બનાવી જ લેવો પડે છે. હશે, જેવાં તેનાં નસીબ ને તેનો મૂડ. પણ હા, વરપક્ષનાં વાંઢાપણાનાં કારણો જાણ્યા બાદ કન્યાપક્ષનાં સાવ બિનજરૂરી પરંતુ અતિમહત્ત્વનાં કારણો ફરી ક્યારેક...!

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 02:58 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK