Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > BEST@100 : બસ નહીં, મુંબઈની જીવનરેખા

BEST@100 : બસ નહીં, મુંબઈની જીવનરેખા

Published : 21 July, 2026 05:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પર કોઈ ફિલ્મ કે ડૉક્યુમેન્ટરી બની હોય અને એમાં લાલ ડબલ ડેકર બસ ન બતાવી હોય એ શક્ય જ નથી. આમચી મુંબઈની શાન આ લાડકી પરીએ લાખો લોકોને રોજેરોજ મુસાફરી કરાવી છે. ફીનિક્સ પક્ષીની જેમ આજે નવા રંગેરૂપે એ મુંબઈના રસ્તા પર ઊડી રહી છે

બેસ્ટ બસ

બેસ્ટ બસ


૨૦૨૬ની ૧૫ જુલાઈએ મુંબઈની આઇકૉનિક બસ-સર્વિસનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં. આટલા મહત્ત્વના દિવસને BEST Co. એ શા માટે ઊજવ્યો નહીં એ આશ્ચર્યની વાત છે. જોકે બસ ફૅન કમ્યુનિટીએ આ વિશિષ્ટ દિવસને પોતાની રીતે ઊજવ્યો જ. મુંબઈની ઓળખ સમી લાલ બસની એક શતાબ્દીની ઉજવણી કંઈ નાનીસૂની વાત તો ન જ કહેવાય. મુંબઈની ધમની સમી, સવાર-સાંજ ધમધમતી બસસેવાની ઉજવણી નવી રીતે કરી. લાંબા-પહોળા ચારે દિશામાં ફેલાયેલા મુંબઈને એક છેડેથી બીજે છેડે જોડતી બસસેવાની ઉજવણી નવી રીતે કરી એટલે કે ૧૯૨૬ના એ જ અફઘાન ચર્ચથી ક્રૉફર્ડ માર્કેટ સુધીના પ્રથમ રૂટ પર મુસાફરી કરીને ભૂતકાળ સાથે જે રોમૅન્સ કર્યો એ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. કેટલાક પ્રસંગો ઊજવવાના જ હોય છે, એકબીજાની સાથે માણવાના હોય છે. કહેવાનું ઘણું હોય પણ કહી શકાય નહીં ને આંખો જ્યારે બધું કહી દેતી હોય ત્યારે કોઈ શબ્દો, કોઈ ભાષાની શી જરૂર? એ તો ગૂંગે કેરી શર્કરા જેવી અનુભવવાની વાત થઈ. આ ઉજવણી એવી જ રહી. બસને હારતોરા કરીને શણગારી. જૂની બસોનાં વિવિધ મૉડલો, બસની જૂની ટિકિટો, કન્ડક્ટરનું કાગળની ટિકિટોનું બૉક્સ, ડ્રાઇવરની ટોપી વગેરેના પ્રદર્શન પછી કેક કાપીને, પહેલો કોળિયો ડ્રાઇવરને અને કન્ડક્ટરને ખવડાવીને પસાર થયેલી શત-શત શરદો સાર્થક કરી.
એક સદી પહેલાં શરૂ થયેલી BESTની બસ આજે પણ મુંબઈના મધ્યમ વર્ગની રોજની દોડધામની વિશ્વાસુ સાથી છે. છોકરાઓને સ્કૂલમાં લેવા-મૂકવા જવાનું હોય, કૉલેજમાં જવાનું હોય, ઑફિસમાં જવાનું હોય કે કોઈના ઘરે કે હૉસ્પિટલમાં જવાનું હોય એ લાલ પરી રોજની સફરની સાથીદાર રહી છે. આ શહેરમાં બસ માત્ર જાહેર પરિવહનનું સાધન નથી, એ લાખો લોકોના દિવસની સુંદર શરૂઆત છે. હા, હવે એનાં રૂપરંગમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. સાદી મજબૂત બસનું સ્થાન પ્રમાણમાં હલકી ઇલેક્ટ્રિક બસે લીધું છે. ઍર-કન્ડિશન્ડ (AC) બસ આવી છે. નવી ડબલ-ડેકર AC બસોની આરામદાયક કૂલ-કૂલ સફરનો આનંદ મુંબઈગરો માણી રહ્યો છે. જોકે પેલી જૂની ડબલ ડેકર બસના ઉપરના માળની એકદમ આગળની સીટમાં દોડીને બેસીને કુદરતી ઠંડા પવનમાં ઊડવાના આનંદ સામે કૃત્રિમ ACની ઠંડકને કેમ કરી સરખાવવી? વરસાદના છાંટાથી સિસકારા સાથે ભીંજાવાની મજા તો ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવી છે. ચર્ચગેટ ખાતે જમનાલાલ બજાજ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પાસે જ બસડેપો છે. LICનું પ્રખ્યાત અર્ધગોળાકાર બિલ્ડિંગ છે. ત્યાંથી ઊપડતી ડબલ ડેકર બસના ઉપરના માળે આગળની સીટ પર બેસતાં જ સરસર ફૂંકાતો પવન માથાના વાળ જે રીતે ઉડાડતો એમાં ફાઇનૅન્સનાં કૅલ્ક્યુલેશન્સ કવિતા થઈ જતાં.
મુંબઈની બસમાં ઘણી પ્રેમની કવિતાઓ રચાઈ છે, તારામૈત્રકો રચાયાં છે. અમોલ પાલેકર મધ્યમ વર્ગનો હીરો હતો. બસની લાઇનમાં ઊભેલો જોવા મળે એવો હીરો હતો. બસમાં તે અને વિદ્યા સિંહા સાથે બાજુ-બાજુમાં બેસે એમાં તો કેટલાય કૉલેજિયનો પોતાને કલ્પીને સપનાનાં મેઘધનુષ્ય રચી દેતા, કંઈકેટલાય જન્મોની ઓળખાણનાં પ્રકરણ ખૂલી જતાં અને ભીડ વચ્ચે પણ પ્રેમકથાઓનાં કમળો ખીલી ઊઠતાં. મુંબઈના રોમૅન્સના અલગ જ અધ્યાયો બસોમાં લખાયા છે. 
 મુંબઈનો મધ્યમ વર્ગ BESTનાં પૈડાં પર જ આગળ વધ્યો છે. લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, બૅન્કનો સ્ટાફ, નર્સો, દુકાનદારો અને ઑફિસ જનારાઓ માટે બસ માત્ર ભાડું બચાવવાનું જ સાધન નહોતી; એ રોજની જિંદગીનો અભિન્ન હિસ્સો પણ હતી. આ લાલ પરીએ માત્ર ઘર અને ઑફિસ વચ્ચેનું અંતર ઓછું નથી કર્યું, લોકોનાં અંતરને જોડ્યાં પણ છે. એક જ બસમાં વેપારી અને વિદ્યાર્થી, ક્લર્ક અને કર્મચારી, શેઠ અને સફાઈ-કામદાર મુસાફરી કરતા જોવા મળે છે. હિન્દુ પૂજારી અને મુસ્લિમ કાજી બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળી શકે છે. પ્રેગ્નન્ટ લેડીને જોતાં જ મુંબઈગરો તરત ઊભો થઈ જાય છે - પછી તે હિન્દુ હોય, મુસ્લિમ કે ખ્રિસ્તી. ત્યારે તે ફક્ત માનવ બની રહે છે. કદાચ એટલા માટે જ BESTને લોકશાહીનું સાચું વાહન કહી શકાય.
 આજે શહેર બદલાઈ રહ્યું છે. મેટ્રો વધી રહી છે, કાળીપીળી ઉપરાંત ઍપ-આધારિત ટૅક્સીઓ વધી રહી છે. જોકે તેથી BESTનું મહત્ત્વ ઘટતું નથી, કારણ કે બસ માત્ર એક સ્થળેથી બીજે લઈ જતું વાહન નથી બલ્કે વિવિધ વર્ગ-ધર્મ-ભાષા અને વ્યવસાયના લોકોને એક જ છત નીચે થોડો સમય સાથે જીવવાનું શીખવતો શાંત શિક્ષક પણ છે. આ બસ લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી પહોંચાડે છે, લાખો લોકોને રોજગાર સુધી પહોંચાડે છે, સંઘર્ષમાંથી સફળતા સુધી પહોંચાડે છે. કહે છે કે કોઈ શહેરને ઓળખવું હોય તો એની જાહેર બસોમાં ફરવું જોઈએ. મુંબઈ માટે આ વાત ૧૦૦ ટકા સાચી છે.

બાય ધ વે



તમને ખબર છે કે જે પહેલી બસ અફઘાન ચર્ચ અને ક્રૉફર્ડ માર્કેટ વચ્ચે દોડી હતી એમાં ટપાલપેટી પણ હતી? અને એ બસમાં ફક્ત ૨૪ વ્યક્તિ જ બેસી શકતી હતી? ખબર છે કે આજની તારીખે પણ એ જ રૂટ પર એક બસ દોડે છે? એનો નંબર શોધી શકશો? એ વખતે બસને નંબર નહીં પણ લેટર્સ આપવામાં આવતા. પ્રથમ રૂટને લેટર A આપ્યો હતો. B રૂટની બસ ઑપેરા હાઉસ અને લાલબાગ વચ્ચે તથા C રૂટની બસ દાદર ટ્રામ ટર્મિનસ અને કિંગ્સ સર્કલ વચ્ચે દોડતી હતી અને સફરનું ભાડું હતું એ વખતે મોંઘું ગણાય એવું પૂરા ચાર આના.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK