Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મળો ઘર-ઘરની અન્નપૂર્ણાઓને

મળો ઘર-ઘરની અન્નપૂર્ણાઓને

Published : 04 December, 2025 01:36 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

માગશર મહિનાની પૂર્ણિમા એટલે કે આજના દિવસને અન્નપૂર્ણા દેવીના અવતરણનો દિવસ માનવામાં આવે છે. અન્નની પૂર્તિ કરીને જગતને પોષણ આપનારી અન્નપૂર્ણા દેવીનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ પરિવારનું સમગ્રતાથી પોષણ કરનારી ઘરની અન્નપૂર્ણાનું પણ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક કથાથી વાતની શરૂઆત કરીએ. ભગવાન શિવનાં પત્ની મા પાર્વતીનું જ એક સ્વરૂપ એટલે મા અન્નપૂર્ણા. એક વાર બન્યું એવું કે વારાણસીના રાજા ભગવાન શિવ અને વારાણસીની રાણી એટલે કે મા પાર્વતી વચ્ચે કોઈ વિવાદ થયો અને શિવજીથી બોલાઈ ગયું કે આ સંસાર જ એક માયાજાળ છે અને એમાં અન્નનું કોઈ મહત્ત્વ નથી. એ સમયે શિવજીને સમજાવવા મા અન્નપૂર્ણાએ અન્નના બધા જ ભંડારો ખાલી કરી નાખ્યા. ચારેય બાજુ ભૂખમરો મચી ગયો અને ત્રાહિમામ મચી ગઈ. આ જોઈને ભગવાન શિવે મા અન્નપૂર્ણા પાસે અન્નની માગણી કરી અને વાત સમેટી લીધી. જોકે એ સમયથી જ અન્ન વિના જીવન અધૂરું જ નહીં, અસંભવ છે એ માન્યતા શરૂ થઈ. આપણાં શાસ્ત્રોમાં મા અન્નપૂર્ણાનું વિશેષ મહત્ત્વ છે. ભોજન માત્ર પેટ ભરવા નહીં પણ શરીર અને મનને પોષણ આપવા માટે અનિવાર્ય છે. સ્વાસ્થ્ય માટે જરૂરી છે સાત્ત્વિક અને સંતુલિત આહાર. અન્ન પ્રસાદ છે અને અનાજનો આદર કરવો જ જોઈએ એ સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ. આજે આમ તો બહારનું ખાવાનું ચલણ વધ્યું છે અને ગણતરીની ક્ષણોમાં વિવિધ ઍપ્લિકેશનથી ફૂડ મગાવો અને તમારા સુધી પહોંચી જાય છે એ પછી પણ એવા કેટલાય પરિવારો છે જ્યાં પારિવારિક પોષણ માટે ઘરના ખાવાનું વિશેષ મહત્ત્વ છે. જસ્ટ ઇમૅજિન, જેમ શિવજીને સબક શીખવવા પાર્વતી મા રિસાયાં અને અન્નના ભંડાર ખાલી કર્યા એમ તમારા ઘરની અન્નદાત્રી તમારી પત્ની, માતા, બહેન કે ઈવન પતિ, પુત્ર કે પિતા પણ જો રિસાય અને રસોડાને કાયમ માટે તાળું લાગી જાય તો? અમને મળ્યા કેટલાક એવા પરિવારો જેઓ આ કલ્પનાથી પણ ગભરાઈ જાય છે. તેમના ઘરની અન્નદાત્રીનો તેમના જીવનમાં શું રોલ છે અને કઈ રીતે તે ખાસ છે એ‌ વિષય પર તેમણે કરેલી વાતો અહીં પ્રસ્તુત છે.

અમારું રસોડું એટલે મમ્મીની લૅબોરેટરી જ્યાં હેલ્ધી પ્રયોગોની ભરમાર છે



બાંદરા વેસ્ટમાં રહેતાં તૃષા ગોડાના પરિવારના સભ્યો બહાર જમવા જાય ત્યારે ઘરેથી જમીને જાય અને હોટેલમાં કે લગ્નમાં માત્ર સૂપ કે જૂસથી કામ પતાવી લે. ઘરનું ખાવાનું એટલું સારું અને સ્વાદિષ્ટ હોય છે કે બહાર ખાવાનું મન જ નથી થતું એવી સ્પષ્ટતા કરતાં તૃષાબહેનના હસબન્ડ નિમેશભાઈ કહે છે, ‘હું મારી જાતને આ બાબતમાં ખરેખર નસીબદાર માનું છું. મારાં મમ્મીના હાથમાં ખાસ સ્વાદ હતો કે તેમના હાથનું ભોજન ક્યારેય મિસ કરવાનું મન નહોતું થતું. એ પછી પત્ની આવી તો તેણે ટ્રેડિશનલ અને મૉડર્ન ફૂડ-હૅબિટ્સને સમજીને એક સરસ મજાનું ફ્યુઝન ફૂડ અમને ખવડાવ્યું. તમે કોઈ પણ ડિશ કહો, તૃષા પાસે એને હેલ્ધી બનાવવાનો તોડ છે. યુટ્યુબ પર રેસિપી જોશે, કુકિંગ શો પર રેસિપી જોશે; પણ પછી બનાવશે પોતાની રીતે. મારા બન્ને દીકરા અને હું અમે બહારનું ખાવાના ખાસ શોખીન નથી. અમને ઘરનું જ મીલ વધુ પસંદ છે, કારણ કે સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને મળી જાય છે. મનમાં ગિલ્ટ નથી રહેતું. જોકે અમે ઘણી વાર ડાઇનિંગ ટેબલ પર ફૂડની રાહ જોતા હોઈએ ત્યારે મજાકમાં કહીએ પણ ખરા કે આજે મમ્મીની લૅબોરેટરીમાંથી કોને ખબર કયો નવો પ્રયોગ અમારી સામે પીરસાશે. અફકોર્સ આઇટમ નવી હોય, એક્સપરિમેન્ટલ હોય; પરંતુ એના સ્વાદની અમને ગૅરન્ટી હોય. હું ખરેખર પોતાને નસીબદાર પણ માનું છું અને મનોમન મારી આ અન્નપૂર્ણાને પગે પણ લાગ્યો છું. જોકે આજે તમારી સાથે વાત કર્યા પછી સાચે પગે લાગવાનો છું.’


અહીં હેલ્ધી ડિશનાં આગ્રહી તૃષાબહેન કહે છે, ‘આજે જ્યારે બીમારીઓ વધી રહી છે અને અન્ન એ હેલ્થમાં સૌથી મોટો રોલ અદા કરે છે ત્યારે આજની પેઢીના ટેસ્ટ-બડ્સને સમજીને હેલ્ધી ઑપ્શન વિચારવા અઘરું છે કારણ કે તમે લાખ કોશિશ કરો તો પણ મેંદાની બ્રેડથી બનતા પીત્ઝા જેવા પીત્ઝા તમે ઢોકળાના કે મલ્ટિગ્રેન રોટલીના બેઝથી બનાવો તો એવો સ્વાદ ન જ આવે. મેયોનીઝ, પનીર, કેચપ વગેરે બધું જ હું ઘરે બનાવું. જમવાનું બનાવતી વખતે ધાર્મિક શ્ળોક ચાલતા હોય. હુ દૃઢતા સાથે માનું છું કે ભોજન બનાવતી વખતે આપણી મનોસ્થિતિની અસર ભોજનમાં ભળતી હોય છે.’

એ ખાસિયત છે કે સ્વાદિષ્ટ હોય છે છતાં ભોજન ખૂટ્યું નથી અમારે ત્યાં


મા અન્નપૂર્ણાની કૃપા એવી કે બે જણની રસોઈમાં ચાર જણ જમવાના હોય તો પણ ખાવાનું ખૂટે નહીં એવો અનુભવ રાકેશ પંડ્યાનો રહ્યો છે. પત્ની ડિમ્પલના હાથમાં જાદુ છે એવી કમેન્ટ કરીને રાકેશભાઈ કહે છે, ‘રસોડામાં જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે ડિમ્પલ પૂજા કરી રહી હોય એવું લાગે. ખરેખર અમારા ઘરનું ભોજન પ્રસાદ જેવું હોય છે અને પ્રસાદ ક્યારેય ખૂટે નહીં. રસોડામાં સ્નાન કરીને જ પ્રવેશ કરવાનો. રસોડામાં રસોઈ બનાવતી વખતે રુદ્રાષ્ટકમ, હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્રનામ, શ્રી સૂક્તમ, કનકધારા જેવા કેટલાય ધાર્મિક સ્તોત્ર યુટ્યુબ પર ચાલતા હોય છે. બહારનું ખાવાનું અમારા ઘરે ભાગ્યે જ આવે છે.’

ડિમ્પલબહેન કુકિંગ ખરેખર પૂજા છે એ વાતને સ્વીકારે છે અને કહે છે, ‘આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવું મન. જોકે હું ઊંધું પણ માનું છું કે ભોજન બનાવતી વખતે જેવું તમારું મન હોય એવું અન્ન બને. ધારો કે તમે ગુસ્સામાં, ડિપ્રેશનમાં, ઉતાવળમાં ભોજન બનાવો તો એ બધા જ ભાવ તમારા ભોજનમાં ભળતા હોય અને એની અસર પરિવારના સભ્યો પર પડતી હોય. એટલે જ જાણે કે મેડિટેશન હોય એમ હું શાંતિથી પૂરી શ્રદ્ધા સાથે ભોજન બનાવવાનું પ્રિફર કરું છું. ફ્રેશ અને ગરમાગરમ ભોજન હોય અને સીઝનલ ફૂડ જ હોય. જેમ કે અત્યારે શિયાળો છે તો આમળાનો રસ, શિયાળુ શાકભાજી વગેરેનો ભરપૂર ઉપયોગ રસોઈમાં થતો હોય છે.’

નવાઈ લાગે પણ કહીએ એ પહેલાં પત્નીને સમજાઈ જાય મારે શું ખાવું છે

ઘાટકોપરમાં રહેતા પ્રકાશ અને પ્રીતિ દાવડાની દીકરીનાં હમણાં જ લગ્ન થયાં. પત્નીના હાથની કેટલીક મીઠાઈઓ સામે આખા વિશ્વના તમામ કંદોઈ ઝાંખા પડે એવી નિખાલસ કબૂલાત કરતાં પ્રકાશભાઈ કહે છે, ‘મને મીઠાઈઓ ભાવે. નસીબથી મને ડાયાબિટીઝ જેવી કોઈ બીમારી નથી અને પત્ની એ ન થાય એનું પણ ધ્યાન રાખે છે. ખરેખર કહું તો મને તો પત્નીમાં સાક્ષાત અન્નપૂર્ણા દેવી જ દેખાય છે, કારણ કે હું કંઈ કહું એ પહેલાં તે મને શું ખાવાનું મન થયું હશે એ સમજી જાય. એ ધારો કે કોઈક નવી ડિશ ટ્રાય કરે તો પણ સાથે મને ભાવતી એક આઇટમ જરૂર બનાવે જેથી નવી ડિશ ન ભાવે તો પણ હું ભૂખ્યો ન રહું. તેના હાથ જેવો મગની દાળનો શીરો, દૂધીનો હલવો સંસારમાં કોઈ ન બનાવી શકે. તે ખરેખર બધી રીતે નંબર વન છે. તેની સાથે હવે મારી પુત્રવધૂ પણ કિચનમાં અવનવી આઇટમો બનાવતી થઈ છે. પોતે વર્કિંગ છે છતાં હેલ્ધી કુકિંગમાં એક્સપર્ટ છે.’

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2025 01:36 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK