દેશભરમાં મેજર ઍરપોર્ટ્સ પર આ ઍરલાઇન્સની ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ, ૭૦૦ ફ્લાઇટ્સ મોડી : ક્યાંક ટેક્નિકલ તો ક્યાંક ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે સમસ્યા સર્જાઈ : બધું ઠીક થતાં ૪૮ કલાક લાગશે
મુંબઈ ઍરપોર્ટ પર રઝળી પડેલા ઇન્ડિગો ઍરલાઇન્સના મુસાફરો.
મંગળવારે મધરાત પછી લગભગ ૩ વાગ્યાથી ભારતનાં ૭ ઍરપોર્ટ પર ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ્સ મોડી પડવાને કારણે સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં ચેક-ઇન સિસ્ટમ ડાઉન હોવાથી કામ ધીમું પડ્યું હતું અને પછી થર્ડ-પાર્ટી સિસ્ટમમાં આવેલી ટેક્નિકલ ખામીને કારણે કામ ખોરંભાયું હતું. જોકે એને કારણે ફ્લાઇટ્સ ડિલે થવાથી ઍરપોર્ટ પર ભીડ વધી જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી.
ભારતનાં સૌથી બિઝિએસ્ટ ગણાતાં દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોરનાં ઍરપોર્ટ્સ પર સૌથી વધુ સમસ્યા જોવા મળી હતી. લાઇવ ફ્લાઇટ ટ્રેકર ‘ફ્લાઇટરડાર24’ના ડેટા મુજબ માત્ર બુધવારના એક દિવસમાં દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર અને હૈદરાબાદનાં ઍરપોર્ટ્સ પરથી ઇન્ડિગોની કુલ ૭૦૦ ફ્લાઇટ્સ મોડી પડી હતી. બૅન્ગલોરમાં ૪૨, મુંબઈમાં ૧૦, હૈદરાબાદમાં ૧૯, અમદાવાદમાં ૨૫, ઇન્દોરમાં ૧૧, સુરતમાં ૮ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી.
ADVERTISEMENT
ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ગઈ કાલે ઇન્ડિગોના નેટવર્કમાં આવી રહેલી અડચણો માટે તપાસ શરૂ કરી દીધી હતી. દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર ઍરપોર્ટ્સ પર ભારે ભીડ અને અંધાધૂધી સર્જાતાં DGCAએ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે ‘યાત્રીઓને થઈ રહેલી અગવડો માટે ખેદ છે. સૌને સલાહ છે કે ઘરેથી નીકળતાં પહેલાં ઑફિશ્યલ ચૅનલના માધ્યમથી ફ્લાઇટનું સ્ટેટસ વેરિફાય કરી લો.’
DGCAએ ઇન્ડિગો ઍરલાઇન્સને DGCA હેડક્વૉર્ટરમાં રિપોર્ટ કરવાનું કહ્યું એ પછીથી ઍરલાઇન તરફથી સત્તાવાર રીતે જાહેર થયું હતું કે ‘ખરાબ મોસમ, સિસ્ટમની ગરબડ અને સ્ટાફને લગતા નિયમોમાં થયેલા બદલાવને કારણે અસુવિધા થઈ છે એ માટે માફી માગીએ છીએ. આગામી ૪૮ કલાકમાં ઑપરેશન્સ પૂરી રીતે ઠીક થશે.’
નવેમ્બર મહિનામાં ઇન્ડિગોની કુલ ૧૨૩૨ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ છે. એમાંથી ૭૫૫ ફ્લાઇટ્સ સ્ટાફની અછતને કારણે અને ૯૨ ફ્લાઇટ્સ ઍર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમની ગરબડને કારણે કૅન્સલ થઈ હતી. મંગળવારે પણ ઇન્ડિગોની માત્ર ૩૫ ટકા ફ્લાઇટ્સ જ સમયસર ઊડી હતી. બુધવારે તો દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બૅન્ગલોર જેવાં મુખ્ય શહેરો સહિત દેશભરમાંથી ૨૦૦ જેટલી ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી.


