યુવાનીની આંખોમાં તો જગત આખા માટે મહોબ્બતનો નશો છલકે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વૉબ્લી ટૂથ પ્યુબર્ટી પછી ઍડોલસન્સનો અણસમજુ તબક્કો. ત્યાર પછીનો ટીન એજનો નાજુક તબક્કો. ઘટમાં ઘોડા થનગનતા હોય એવો યુવાનીનો તબક્કો આંગણે આવીને ઊભો રહે ને
માતા-પિતાના હાથમાંથી સંતાનની લગામ ગઈ જ સમજો. સંતાન ઘરની બહાર જતાં ન પૂછે, ન કહે ને તેમની આંખોમાં એક છૂપો ડર ડોકિયાં કરે. બીજી બાજુ, યુવાનીની આંખોમાં તો જગત આખા માટે મહોબ્બતનો નશો છલકે. સવારે સૂઝે કવિતા ને સાંજે ફૂટે ગઝલ. કોઈ એક ફૂલ શું આપી દે આંખોમાં આખો બગીચો ખીલી ઊઠે. શ્વાસમાં ગુલાબની સુગંધ આવે ને ઉચ્છવાસમાં મોગરાની. મિલન-વિરહ, આશા-નિરાશાની લહેરો ઊઠે ને આથમે. હાથનાં ટેરવાં શું અડી જાય આખા શરીરમાં વીજળી ફરકી જાય.
યુવાની એટલે ધમનીઓમાં ધસમસતું એડ્રિનલિન. એ જંપવા ન દે, ન દિવસે ન રાતે. મિત્રોનો સંગાથ મળે ને ખાવાપીવાનુંય ભૂલી જાય. સાથે પીનારી અજાણી વ્યક્તિય જિગરજાન દોસ્ત બની જાય. કેમ એ સમજવામાં સમય ન બગાડવો. ક્યોંકિ યે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’. ત્રણ દોસ્તોની એ ફિલ્મ યાદ છેને? એક નવો જ ટ્રેન્ડ ઊભો કર્યો હતો એ ફિલ્મે. એમાં ત્રણ યુવાનોની મિત્રતાની વાત છે. ક્યારેક અંતરાત્મા ધક્કો મારીને પૂછે કે ‘હમણાં જીવશો કે પછી?’ અર્જુન, કબીર અને ઇમરાનને કશુક ખૂટતું હોય એવું લાગે છે. તેમની મિત્રતા આ ‘કશુંક’થી જિંદગીને ભરી લેવા નીકળી પડે છે. એ જ રીતે અમેરિકન વેબ-સિરીઝ ‘ધ બોલ્ડ ટાઇપ’માં પણ ત્રણ યુવતીઓની વાત છે. ત્રણેય ઉંમરના વીસીના તબક્કામાં છે. જેન, કૅટ અને સટન ન્યુ યૉર્કના મૅગેઝિનમાં કામ કરે છે. તેમની મિત્રતા પણ આ ‘કશુંક’ની શોધથી શરૂ થાય છે. એનાથી પોતાની અને દુનિયાની દિશા બદલવા માગે છે. દિગ્દર્શક બતાવે છે કે સ્ત્રીપાત્રો સજાવટ કે સાઇડ પ્લૉટ માટે નથી પણ એ હાઈ-હીલ્સ મુખ્ય ધારા બની શકે છે. લિપસ્ટિકથી લૅપટૉપની યાત્રા સંવેદનશીલ છે. માણવા જેવી છે.
ADVERTISEMENT
બાય ધ વે, યુવાનીમાં મળેલી મિત્રતા એવી થેરપી છે જે પેલું ‘કશુંક’ આપી કાર્ડિયોલૉજિસ્ટને દૂર રાખે છે. વળી આ થેરપી મફત છે. એને પૈસા નહીં પણ સમય આપવો પડતો હોય છે અને એની ઇફેક્ટ લાઇફટાઇમ રહે છે.
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)


