Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઇમોશનલ સપોર્ટ માટે કોણ ચડિયાતું બાળક કે ડૉગ?

ઇમોશનલ સપોર્ટ માટે કોણ ચડિયાતું બાળક કે ડૉગ?

Published : 22 May, 2026 01:26 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

તાજેતરમાં બૉલીવુડની અભિનેત્રી શેફાલી શાહે એક ઇન્ટરવ્યુમાં ખૂબ જ હળવા મૂડમાં એક વાત કહી હતી કે બાળકો ન કરો, ડૉગ રાખો; મારા મતે નિઃસ્વાર્થ પ્રેમનું આ એકમાત્ર સ્વરૂપ છે. સેલિબ્રિટીના આ નિવેદને એક નવી જ ચર્ચા છેડી દીધી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ચાલો, મુંબઈનાં જ કેટલાંક એવાં કપલ્સના અનુભવો જાણીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું એક મૂંગો જીવ ખરેખર માણસને સંતાન જેટલો જ ભાવનાત્મક સંતોષ આપી શકે ખરો?

બૉલીવુડની અભિનેત્રી શેફાલી શાહે થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યુમાં ખૂબ જ હળવા અંદાજમાં બાળકો ઉછેરવા કરતાં ડૉગ પાળવા સારા એવું સૂચન કર્યું હતું અને પેટ્સને નિઃસ્વાર્થ પ્રેમનો એકમાત્ર સાચો સોર્સ ગણાવ્યા હતા. ઇન્ટરસ્ટિંગ વાત એ છે કે શેફાલી શાહને પોતાને બે દીકરાઓ આર્યમાન અને મૌર્ય છે. તેમના આ નિવેદન બાદ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે કે શું એક પેટ ક્યારેય સંતાનની જગ્યા લઈ શકે? બન્નેમાંથી મળતો ભાવનાત્મક સંતોષ કેટલો અલગ હોય છે? શું ડૉગ ખરેખર ફૅમિલી મેમ્બરની જેમ માણસને પ્રેમ અને ઇમોશનલ સપોર્ટ આપી શકે? જેમને સંતાન નથી તેમના માટે શું એક પેટ ખુશીનો આધાર બની શકે? આ જ સવાલોના જવાબ શોધવા માટે આપણે એવાં કેટલાંક કપલ સાથે વાત કરીએ જેઓ પોતાનાં સંતાનોની સાથે પેટ્સને પણ પરિવારના સભ્ય તરીકે ઉછેરી રહ્યાં છે, જ્યારે કેટલાક માટે તેમના પેટ્સ જ સંતાન સમાન છે.



ડૉગ અને બાળકના પેરન્ટ્સ બનવામાં કોઈ ફરક નથી


થાણેમાં રહેતાં પરાગ અને હેતલ સાવલા બોલ્ટ અને બેન્ઝીના પેટ પેરન્ટ્સ છે. તેઓ બીગલ અને રોટવીલર બ્રીડના બે ડૉગનો ઉછેર તેમનાં બાળકોની જેમ જ કરી રહ્યાં છે. ૨૦૧૧થી પેટ પેરન્ટ બનવાની જર્ની શરૂ કરનાર પરાગભાઈ કહે છે, ‘અમારો અનુભવ કહે છે કે દુનિયામાં ડૉગ્સ સિવાયના બધા જ સંબંધો ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓ પર ટકેલા છે. ૧૫ વર્ષ પહેલાં અમે બે રેસ્ક્યુ કરેલાં પપી બસંતી અને વીરુને અડૉપ્ટ કર્યાં હતાં. એ સમયે અમને ડૉગ્સનો ઉછેર કેવી રીતે કરાય એની પૂરતી સમજ નહોતી. કમનસીબે બસંતી બીમારીને કારણે થોડા જ દિવસોમાં મરી ગઈ, પણ વીરુ અમારી સાથે ૬ વર્ષ રહ્યો. એના ઉછેર દરમ્યાન અમને રિયલાઇઝ થયું કે એક ડૉગના પેરન્ટ બનવામાં અને બાળકના પેરન્ટ બનવામાં ઝાઝો ફરક નથી. જેમ બાળકની કાળજી રાખવી પડે એમ ડૉગના પ્રૉપર ન્યુટ્રિશન, આઉટડોર ઍક્ટિવિટીઝ અને મેડિકલ કૅરનું ધ્યાન રાખવું પડે છે. અમારો ડૉગ બીમાર પડે ત્યારે બાળકની જેમ જ એની નાની-નાની વાતો નોંધવી પડે છે. જેમ કે એણે કેટલું ખાધું કે પૉટીનો કલર કેવો છે? ઘણી વાર તો અમને એટલી ઍન્ગ્ઝાયટી થઈ જાય છે કે એની ચિંતામાં રાત્રે ઊંઘ પણ નથી આવતી. ઑફિસથી ઘરે પાછા ફરતી વખતે પણ મગજમાં એ જ વિચારો હોય કે ઘરે બધું બરાબર હશેને? અમારા તહેવારો, વેકેશન કે બહાર જવાનું પ્લાનિંગ પણ એમને કેન્દ્રમાં રાખીને જ થાય છે. ખાસ કરીને દિવાળીમાં ફટાકડાના અવાજથી તેઓ બહુ ડરી જાય એટલે અમારે એમના પડખે રહીને ખાસ સંભાળ લેવી પડે છે. પેટ પેરન્ટિંગની આ પ્રોસેસ બહુ અદ્ભુત છે જ્યાં જોતજોતામાં તમે ઓનરમાંથી પેરન્ટ બની જાઓ છો. બૉન્ડિંગ મજબૂત થાય એટલે તેઓ તમારી ભાષા બોલ્યા વગર જ ખુશી કે ઉદાસી સમજી જાય છે. તમે ઉદાસ હો તો એ ચૂપચાપ પાસે આવી, છાતી પર માથું ટેકવીને બેસી જશે. આ કોઈ ટ્રેઇનિંગ નથી, આ તો તેમનો કુદરતી પ્રેમ છે.’

ડૉગ ક્યારેય સંતાનની સ્પેસ ન લઈ શકે, પણ એના વગર ફૅમિલી અધૂરું છે


વાલકેશ્વરમાં રહેતાં હર્ષ અને વિધિ ગાંધીનાં લગ્નને ૧૭ વર્ષ થયાં છે. તેમને બે દીકરીઓ ક્રિષ્ના અને દિત્યા છે. આ કપલના જીવનમાં અત્યાર સુધીમાં બે ફીમેલ ડૉગ્સ આવી છે. એમાં હાલ તેમની પાસે ૭ વર્ષની શી ત્સુ બ્રીડની ડૉગ છે, જેને પ્રેમથી તેઓ કુકી કહીને બોલાવે છે. પોતાનો અનુભવ શૅર કરતાં વિધિ ગાંધી કહે છે, ‘મારા હસબન્ડને પહેલેથી જ ઘરમાં ડૉગ જોઈતો હતો, પણ ફૅમિલીમાં પરવાનગી નહોતી. આથી તેમણે મિત્રોને કહી રાખેલું કે લગ્નમાં ગિફ્ટ આપવી હોય તો ડૉગ જ આપજો, કારણ કે ગિફ્ટમાં આવેલી વસ્તુ રાખવાની પેરન્ટ્સ ના નહીં પાડી શકે. લગ્ન પછી જે દિવસે મારો આ ઘરમાં પહેલો દિવસ હતો એ જ દિવસે લ્હાસા આપ્સો ફીમેલ ડૉગનો પણ ઘરમાં ફર્સ્ટ ડે હતો. એનું નામ અમે મર્સી રાખેલું. લગ્નનાં ૪ વર્ષ પછી મારી મોટી દીકરીનો જન્મ થયો. દીકરીઓના જન્મ પહેલાં જ ઘરમાં મર્સી આવી ગઈ હોવાથી એણે મને મધરહુડ માટે મેન્ટલી પ્રિપેર કરવાનું કામ કર્યું હતું. આખરે ડૉગ પણ એક નાનું બાળક જ છે. બન્નેના ખાવા-પીવાથી લઈને ડૉક્ટર સુધીની જવાબદારી સરખી જ હોય છે. જોકે મર્સી હવે રહી નથી. એના ગુજરી ગયા પછી અમે ઘરમાં કુકી લાવ્યા હતા. મારી દીકરીઓ નાની હતી અને ક્યારેય રડતી ત્યારે આ ડૉગી ભાગીને તેમની રૂમમાં પહોંચી જતી. ખરેખર તો મારી બન્ને દીકરીઓ માટે આ ફીમેલ ડૉગી સગી બહેન જેવી જ છે. ડૉગ ક્યારેય સંતાનોની સ્પેસ કે તેમનો ખાલીપો પૂરો ન કરી શકે, પણ એના વગર ફૅમિલી કમ્પ્લીટ પણ નથી લાગતું. જીવનમાં બન્નેનું પોતાનું આગવું સ્થાન છે એટલે કોઈ સરખામણી ન થઈ શકે. બાળક સાથે માતા-પિતા પણ ગ્રો થાય છે અને એક લૉન્ગ ટર્મ ઇમોશનલ જર્ની જીવે છે; જ્યારે ડૉગનો પર્પઝ પ્યૉર કમ્પૅનિયનશિપ, અનકન્ડિશનલ લવ અને રોજિંદા જીવનમાં હૂંફ લાવવાનો છે. તેઓ કોઈ પણ જાતના જજમેન્ટ વગર માત્ર પોતાની પ્રેઝન્સથી માણસનું સ્ટ્રેસ અને એકલતા હળવાં કરે છે.’

જીવનમાં બન્નેની ખુશી તદ્દન અલગ છે

જુહુમાં રહેતાં કનિષ્ક મોદી અને મૃણાલ મોદીને ૯ વર્ષની દીકરી શનાયા છે. છેલ્લાં બે વર્ષથી તેમના ઘરે વુડલ બ્રીડનો ડૉગ છે જેનું નામ તેમણે ઓલાફ રાખ્યું છે. પોતાનો એક્સ્પીરિયન્સ શૅર કરતાં કનિષ્કભાઈ કહે છે, ‘ડૉગ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ તમને ક્યારેય જજ નથી કરતા. આજે તમે બિઝનેસમાં નુકસાન કરીને આવ્યા છો કે ઘણું કમાઈને, તમે કેવા દેખાવ છો એનાથી એમને કોઈ ફરક નથી પડતો. ત્યાં માત્ર અનલિમિટેડ અને અનકન્ડિશનલ લવ જ હોય છે. અમારા ઘરમાં ઓલાફ આવ્યા પછી ફૅમિલી તરીકે અમે વધુ હૅપી અને પૉઝિટિવ બન્યા છીએ, ઘરનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું છે. હું ક્યારેય એવું નહીં કહું કે આ બન્નેમાંથી કોઈ એકની જ પસંદગી કરવી પડે. પોતાનું બાળક હોય એ ખુશી તદ્દન અલગ છે. જીવનમાં કોઈ કોઈની જગ્યા લઈ શકતું નથી. જ્યાં સુધી ભાવનાત્મક સંતોષની વાત છે તો એ ખૂબ જ સબ્જેક્ટિવ બાબત છે. દરેકના જીવનના અનુભવો અને ઇમોશનલ નીડ્સ અલગ હોય છે. એક પેટ તમને એવા નિઃસ્વાર્થ પ્રેમનો અનુભવ કરાવશે જે કોઈ માણસ ક્યારેય નહીં કરાવી શકે. માણસ તરીકે આપણે કોઈ વાર ગુસ્સે થઈએ, રિસાઈ જઈએ કે મનમાં રાગદ્વેષ રાખીએ; જ્યારે ડૉગ હંમેશાં વર્તમાનમાં જીવે છે. તમે એના પર ગમે એટલો ગુસ્સો કર્યો હોય, પાંચ જ મિનિટ પછી એ આવીને તમને વહાલ કરવા માંડશે. ઘરમાં પેટ લાવવું એ અમારી લાઇફનું બેસ્ટ ડિસિઝન છે, કારણ કે એના આવ્યા પછી મારી દીકરી પણ ઘણી જવાબદાર થઈ ગઈ છે.’

આ ત્રણેય પરિવારોના અનુભવો જોયા પછી એક વાત બહુ ક્લિયર થાય છે કે આ કોઈ ચાઇલ્ડ v/s ડૉગની કૉમ્પિટિશન નથી. લાઇફમાં આ બન્નેની એકદમ અલગ જગ્યા છે અને બન્ને પાસેથી મળતું ઇમોશનલ ફુલફિલમેન્ટ સંપૂર્ણપણે વ્યક્તિગત છે. જેમની પાસે સંતાન નથી તેમના માટે પેટ ડૉગ આખા ઘરનું સેન્ટર ઑફ અટ્રૅક્શન અને બાળક સમાન બની જાય છે, જ્યારે જે ઘરમાં બાળકો છે ત્યાં પેટ્સ તેમના બેસ્ટ કમ્પૅનિયન બનીને બાળકોને વધુ રિસ્પૉન્સિબલ અને હૅપી બનાવે છે. વાત બાળક કે ડૉગની પસંદગીની નથી, લાઇફમાં ક્યાંથી ઇમોશનલ સપોર્ટ અને ખુશી મળે છે એની છે. કોઈ કોઈનું સ્થાન લઈ શકતું નથી, બન્ને પોતપોતાની રીતે જીવનને કમ્પ્લીટ અને બ્યુટિફુલ બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 01:26 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK