Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાળકો નકલ દ્વારા શીખે છે, જોવાનું એ છે કે આપણે એ નકલને લાયક છીએ કે નહીં

બાળકો નકલ દ્વારા શીખે છે, જોવાનું એ છે કે આપણે એ નકલને લાયક છીએ કે નહીં

Published : 16 June, 2026 12:03 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મળીએ કેટલાક લોકોને જેમણે માતા-પિતા બન્યા પછી બાળકને સારા સંસ્કાર મળે કે બાળક સાચું શીખે એ માટે પોતાનામાં જરૂરી બદલાવ લાવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાળકોને જે કહો એ નહીં, તમે જે કરો એ શીખવું હોય છે. બાળકોની આ જ લર્નિંગ પૅટર્ન છે. તેમને કહો કે હેલ્ધી ખાવાનું છે તો એ નહીં ખાય, તમે હેલ્ધી ખાતા હશો તો તે ખાશે. તેમને કહો કે મોબાઇલ છોડી પુસ્તકો અપનાવો તો તે નહીં માને જ્યાં સુધી તમે એવું કરશો નહીં. બાળકોની આ લર્નિંગ પૅટર્ન આજના પેરન્ટ્સ સમજે છે માટે પેરન્ટ્સ બન્યા પછી પોતાને એ નકલ લાયક બનાવે છે. મળીએ કેટલાક લોકોને જેમણે માતા-પિતા બન્યા પછી બાળકને સારા સંસ્કાર મળે કે બાળક સાચું શીખે એ માટે પોતાનામાં જરૂરી બદલાવ લાવ્યા છે.

તમે ખોટું બોલતા હશો તો બાળક ખોટું બોલશે, તમે અનહેલ્ધી ખાતા હશો તો બાળક એ ખાશે, તમે તમારાં માતા-પિતાનું ધ્યાન નહીં રાખતા હો તો બાળક તમારું ધ્યાન નહીં રાખે, તમે ગાળો બોલતા હશો તો એ પહેલાં બોલતાં શીખી જશે. તમે સિગારેટ પીતા હશો તો બાળક નાની ઉંમરથી સિગારેટ પીશે. જેના ઘરમાં દારૂ પીવાતો હોય છે તેના ઘરનાં સંતાનોએ ૧૨-૧૪ વર્ષની નાની ઉંમરે દારૂ ચાખી લીધો હોય છે. આપણે બધાં ઇચ્છીએ છીએ કે બાળકોને સારા સંસ્કાર આપીએ, પરંતુ બાળકને સારું બોલવાથી એ સારાં બનતાં નથી, તેમનું લર્નિંગ જોઈને આવે છે. જો તે જુએ કે મમ્મી-પપ્પા એક આદર્શ જીવન જીવે છે તો તે આદર્શ બાળક બનવાની ઇચ્છા કરે છે. એ સદ્ગુણો તેને શીખવવા પડતા નથી, તેની મેળે એ આવે છે. આમ, પેરન્ટ્સ બનવું હોય તો સૌથી પહેલાં ખુદના અવગુણો પર કામ કરવું પડે છે. આજના સમયનાં માતા-પિતા એવાં છે કે આ વસ્તુ સમજે છે અને બાળક માટે પોતાનામાં જરૂરી બદલાવ લાવે પણ છે. માતા-પિતાને જ પૂછીએ કે બાળક આવ્યા પછી તેઓએ પોતાની અંદર શું બદલાવ લાવ્યા?



જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે


કાંદિવલીમાં રહેતી કૃપા કાપડિયાને સાડાચાર વર્ષની પરિશી નામની દીકરી છે. કૃપા કહે છે, ‘એક બાળક માટે માતા-પિતાએ ઘણું બદલાવું પડે છે. પેરન્ટિંગ તમને અંદરથી, બહારથી, આદતોથી કે વિચારોથી બધી જ રીતે બદલવાની તાકાત ધરાવે છે. મને મારા પેરન્ટ્સે ખૂબ સમજાવેલી કે બધું ખાવું જોઈએ, પણ અમુક શાકને લઈને હું ખૂબ નખરાં કરતી, જેમ કે કોબીજનું શાક મને ભાવે નહીં, હું ખાઉં પણ નહીં અને એટલે જ મગજમાં ક્યારેય આવે જ નહીં કે કોબીજ બનાવું, પરંતુ હવે પરિશીને ખાતાં શીખવવા માટે હું ખાઉં પણ છું અને બનાવું પણ છું. મારા પેરન્ટ્સ માટે કે ખુદ માટે હું નહોતી બદલાઈ. મારા બાળક માટે હું બદલાઈ. એટલે જ કદાચ કહેવાયું હશે કે જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે.’

આવું ન કરાય એમ તો કહેવાતું નથી


અંધેરીમાં રહેતાં દીપ્તિ ઉનડકટને ૨ વર્ષની દીકરી છે, જેનું નામ છે નિષ્કા. પોતાની દીકરી સારી આદતો શીખે એ માટે દીપ્તિને જે વસ્તુ સમજાઈ એના વિશે વાત કરતાં તે કહે છે, ‘આજનાં બાળકોને એવું કહેવાતું નથી કે આ બાળકોનું છે અને આ મોટા લોકોનું. અમે નાનાં હતાં ત્યારે મને યાદ નથી કે અમારા પેરન્ટ્સ અમને કંઈ કહેતાં કે આમ નથી કરવાનું તો અમે કેમ પૂછતાં નહીં. અમે માની લેતાં. આજે ફક્ત નથી કરવાનું કે બાળકોએ આવું ન કરાય એવું કહેવાતું નથી. સીધી સામે કાઉન્ટર દલીલ આવે છે કે તમે તો કરો છો. તો અમે કેમ નહીં? અને તેમનો પૉઇન્ટ એકદમ સાચો છે. એટલે એ મને સમજાઈ ગયું હતું કે તેને કંઈ પણ કરાવડાવવા માટે પહેલાં મારે એ વસ્તુ અપનાવવી પડશે અને કશું એ ખોટું ન કરે એ માટે પહેલાં મારે સંપૂર્ણ રીતે સાચું બનવું પડશે, કારણ કે અંતે તો હું જે કરું એ જ તેણે કરવું હશે.’

સામાન્ય આદતો પણ બદલવી જ પડે

સામાન્ય બાબતો પણ બાળકને લીધે બદલવી પડે છે, એમ જણાવતા દીપ્તિ ઉનડકટ કહે છે, ‘ટીવીમાં આપણે કશું ન જોઈ શકીએ, કારણ કે બાળકોને દરેક વસ્તુ બતાવવી ખોટી છે. બોલવામાં પણ ધ્યાન રાખવું પડે. ઝઘડો તો ભૂલી જ જાવ, સામાન્ય દલીલ પણ કરીએ તો બાળક બધું ખોટું સમજે અને એના મન પર ખરાબ અસર થાય એટલે એમાં ધ્યાન રાખવું પડે. મને કોક ખૂબ જ ભાવે. લગભગ દરરોજ હું પીતી, મને જોઈને નિષ્કા પણ પીવા લાગી એટલે મેં તેને રોકી. પણ એ ન રોકાય. એ ન પીએ એટલે મેં સાવ છોડી જ દીધી છે. હવે તો ભાગ્યે જ ક્યારેક પીવાનો વારો આવે છે. આજકાલના છોકરાઓ રમતાં પણ નથી. નવરાં પડે તો સીધો મોબાઇલ લેઈને બેસી જાય છે. એને કારણે મેં મોબાઇલ વાપરવાનું પણ છોડ્યું. એ સ્કૂલે જાય ત્યારે જે સમય મળે એમાં મોબાઇલ લઈને બેસું. બાકી એ રમતાં શીખે એટલે એની સાથે મારે રમવું પડે છે. હું રમું તો જ એ રમે.’

જોઈને શીખી જાય છે

૧૧ વર્ષના નિમિત સાવલાનાં મમ્મી અલ્પા સાવલા ઇચ્છતાં હતાં કે નિમિત જીવદયા શીખે. એટલે નાનપણથી એ પોતે જે-જે જીવદયાનાં કામ કરતાં એમાં બધે નિમિતને સાથે રાખતાં. જે વિશે વાત કરતાં અલ્પા સાવલા કહે છે, ‘કીડીને કીડિયારું, કબૂતરને ચણ, માછલીને લોટ, ગાયને રોટલી ખવડાવવા બધે હું તેને સાથે લઈ જતી. પ્રાણીઓને પ્રેમ કરવો જોઈએ, એમને ખવડાવવું જોઈએ એ બાળકને કહેવાથી એ નથી શીખવાનાં. આપણને જોઈને જ એ શીખવાના છે એ હું સમજી ગયેલી એટલે જ બધે તેને સાથે લઈ જતી. આ બધું રૂટીનમાં અમે કરતાં રહ્યાં. એક દિવસ અમારી સોસાયટીમાં કૂતરીને બચ્ચાં જન્મ્યાં. એ તરત દોડીને ઘરે આવ્યો, દૂધ લઈને ગયો. તેણે જોયું છે કે મમ્મી આ મૂંગાં પશુઓને ખવડાવે છે તો એવું એને શીખવવું નથી પડ્યુ કે તારે આમ કરવાનું છે. એ કરવા જ લાગ્યો.’

બદલાવ જરૂરી

નિમિતમાં પોતાના જેવો જ ગુસ્સો છે એમ જણાવતાં અલ્પાબહેન કહે છે, ‘મને કોઈ ખોટી વાત કરે તો સહન થાય. મને ખુબ ગુસ્સો આવી જાય. નિમિત પણ એવો જ છે. કાં તો મને જોઈને શીખ્યો હશે અથવા તો જીન્સમાં ગુસ્સો આવ્યો હશે, પરંતુ હું એ સમજી કે હું કરું છું એટલે એ કરે એમ સ્વીકારવાનું ખોટું છે. એટલે મેં તેની પાસે ઉદાહરણ ઊભું કર્યું. કોઈ ખોટું કરે તો મને ગુસ્સો આવે, પણ હું એને કારણે કોઈ સાથે સંબંધ બગાડું નહીં. મેં તેને સમજાવ્યું, ખાસ તો જ્યારે મિત્રો સાથે ઝઘડો કરીને આવે ત્યારે કે ગુસ્સો આવવો ભલે સહજ છે, પણ એને કારણે સંબંધો ખરાબ કરવા યોગ્ય નથી. એને મારાં ઉદાહરણો આપું. પ્રસંગો કહું અને સામે જે દેખાય છે એ તો છે જ. એટલે તે ધીમે-ધીમે સમજી રહ્યો છે. બાળકો આપણા પર જ જશે એમ માનીને ખુશ થવું ન જોઈએ. આપણામાં પણ જે ખોટું છે એને બદલવું જરૂરી છે. જો એ બાળક થકી કે બાળક માટે બદલાય તો એનાથી સારું શું હોઈ શકે?

ખોટી આદત છોડી, વધુ સારા માણસ બન્યા

અંધેરીમાં રહેતા તુષાર દેસાઈને બે પુત્રો છે. મોટો દીકરો રાજ ૨૯ વર્ષનો છે અને નાનો દીકરો અનુજ અત્યારે ૨૬ વર્ષનો છે. અનુજ નાનો હતો ત્યારે તેના ખાતર તુષારભાઈએ સ્મોકિંગની આદત છોડી દીધી હતી, જે વિશે વાત કરતાં તુષારભાઈ કહે છે, ‘મને બે વર્ષથી સ્મોકિંગની આદત લાગી ગઈ હતી. મારાં મમ્મીનું કૅન્સરને કારણે મૃત્યુ થયું. આ સ્મોકિંગ અમારા જિનેટિકલ રિસ્કને વધારે છે એ હું સમજતો હતો. મારાં બાળકો મને જોશે તો તે પણ મોટાં થઈને આ ખોટી આદતમાં પડી જશે એમ વિચારીને મેં આ આદત છોડી. ફક્ત સંતાનો ખાતર મેં એ છોડી. મને ગર્વ છે કે હું એ કરી શક્યો. સંતાનો તમને જોઈને ઘણું શીખે છે. મેં મારા બિઝનેસમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે, પણ મેં ક્યારેય ભાગેડુવૃત્તિ અપનાવી નથી. હું નિરાશ નથી થયો. આ ગુણ જ્યારે હું મારાં બાળકોમાં અત્યારે જોઉં છું ત્યારે મને ગર્વ થાય છે કે જે વિચાર સાથે અમે સારું જીવન જીવ્યાં એ જ મારાં બાળકો અપનાવીને ચાલી રહ્યાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 12:03 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK