ઘાટકોપર, સાંતાક્રુઝ અને સાયનની પોલીસ શોધી રહી છે આ સિરિયલ તસ્કરને
સાંતાક્રુઝના કલીકુંડ પાર્શ્વનાથ જૈન દેરાસરમાં ચોરી કરતી મહિલા બ્લુ ડ્રેસમાં. ઘાટકોપરના જીરાવલ્લા દેરાસરમાં ચોરી કરનાર મહિલા પિન્ક ડ્રેસમાં.
મુંબઈના સાયન, સાંતાક્રુઝ અને ઘાટકોપર વિસ્તારમાં આવેલાં વિવિધ જૈન દેરાસરોમાંથી છેલ્લા ૧૦ દિવસમાં એક અજાણી મહિલાએ લાખો રૂપિયાની કીમતી પંચધાતુની સિદ્ધચક્રની છબિની ચોરી કરી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એને પગલે ત્રણેય દેરાસરના જૈન સંઘો દ્વારા સાયન, વાકોલા અને પંતનગર પોલીસ-સ્ટેશનમાં અલગ-અલગ સત્તાવાર ફરિયાદો નોંધાવવામાં આવી છે.
આ ત્રણેય ઘટનાઓ દેરાસરમાં લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ છે, જેમાં આ મહિલા ખૂબ જ શાંતિપૂર્વક દર્શન કરવાનો ઢોંગ કરીને આવે છે અને નજર ચૂકવીને ભગવાન પાસે રાખવામાં આવેલી પંચધાતુની સિદ્ધચક્રની છબિની ચોરી કરતી સ્પષ્ટ નજરે પડે છે. આ મામલે ત્રણેય પોલીસ-સ્ટેશનની ટીમો દ્વારા CCTV કૅમેરાના ફુટેજના આધારે મહિલાની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ શાતિર મહિલાએ મુંબઈનાં અન્ય દેરાસરોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય એવી પૂરેપૂરી શક્યતા છે. આથી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને પણ આ મહિલા વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરે.
ADVERTISEMENT
ઘાટકોપરના જીરાવલ્લા દેરાસરની ઘટના
ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારમાં આવેલા શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ જૈન દેરાસર સંઘના સેક્રેટરી હેમલ પાસડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચમી જૂને સાંજે ૪ વાગ્યે એક મહિલા દેરાસરમાં આવી હતી. શરૂઆતમાં તેણે સામાન્ય શ્રદ્ધાળુની જેમ ભગવાનનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તે દેરાસરની અંદર દર્શન કરવાનો ઢોંગ કરીને આસપાસ ફરતી જોવા મળી હતી. એ દરમ્યાન તક જોઈને તેણે ભગવાનની નજીક રાખવામાં આવેલી આશરે ૫૦૦ ગ્રામના પંચધાતુની સિદ્ધચક્રની છબિ અત્યંત ચાલાકીપૂર્વક સેરવીને પોતાની પાસે છુપાવી દીધી હતી. સાંજના સમયે મંદિરના પૂજારીનું ભગવાનની મૂર્તિ નજીક ધ્યાન ગયું ત્યારે તેમને પંચધાતુની આ છબિ ગાયબ જણાઈ હતી. તેમણે દેરાસરની અંદર એની સઘન શોધખોળ કરી હતી, પરંતુ એ ક્યાંય મળી આવી નહોતી. અંતે દેરાસરમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં આ મહિલા પંચધાતુની સિદ્ધચક્રની છબિ ચોરતી સ્પષ્ટ નજરે પડી હતી. એને પગલે અમે તાત્કાલિક પંતનગર પોલીસ-સ્ટેશનમાં જઈને આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ કેસમાં આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.’
સાંતાક્રુઝના કલીકુંડ પાર્શ્વનાથ જૈન દેરાસરની ઘટના
સાંતાક્રુઝ-ઈસ્ટમાં આવેલા કલીકુંડ પાર્શ્વનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી પરેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેરાસરમાં ૧૦ જૂને સાંજે પાંચ વાગ્યે એક મહિલા દર્શન કરવા આવી હતી. એ સમયે તેણે શરૂઆતમાં દર્શન કર્યા બાદ ભગવાન પાસે રાખવામાં આવેલી આશરે ૬૦૦ ગ્રામ વજનની ચાંદીની સિદ્ધચક્રની છબિ ચોરી લીધી હતી. સાંજે દેરાસરના પૂજારી પૂજાની તૈયારી કરવા ગયા ત્યારે છબિ ગાયબ જણાતાં દેરાસરના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં બ્લુ રંગના પંજાબી ડ્રેસમાં આવેલી આશરે પચાસ વર્ષની મહિલા દર્શન કરવાના બહાને આવીને અત્યંત ચાલાકીપૂર્વક આ પવિત્ર છબિની ચોરી કરતી કેદ થઈ હતી. અંતે આ મામલે અમે વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ કરી છે.’
સાયનના અભિનંદન સ્વામી જૈન દેરાસરની ઘટના
સાયનની જૈન સોસાયટીમાં આવેલા અભિનંદન સ્વામી જૈન દેરાસરના એક કમિટી સભ્યે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સાંજે પોણાછ વાગ્યે એક મહિલા દર્શન કરવાના બહાને આવીને ૮૮૦ ગ્રામ વજનની ચાંદીની પવિત્ર સિદ્ધચક્રની છબિ ચોરીને ફરાર થઈ ગઈ હતી. સાંજે પૂજારી પૂજાની તૈયારી કરવા ગયા ત્યારે છબિ ગાયબ જણાતાં દેરાસરના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં એક મહિલા અત્યંત ચાલાકીપૂર્વક મંત્રો કોતરેલી આ પવિત્ર છબિની ચોરી કરતી જોવા મળી હતી. આ મામલે અમારા દેરાસરના ટ્રસ્ટીએ તાત્કાલિક સાયન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
શું કહેવું છે પોલીસનું?
વાકોલા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ ખાંડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે એક જ મહિલાએ મુંબઈનાં અલગ-અલગ દેરાસરોમાં ચોરી કરી હોવાની માહિતી મળી છે. આ કેસમાં અમે જ્યાં-જ્યાં આ પ્રકારની ચોરી થઈ હતી એ પોલીસ-સ્ટેશનના અધિકારીનો સંપર્ક કરીને આગળ તપાસ કરી રહ્યા છીએ. સાથે અમે નાગરિકોને પણ અપીલ કરી છે કે આ પ્રકારની મહિલા દેરાસરમાં દેખાતાં તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરે.’
