મધ્ય પ્રદેશના પ્રખ્યાત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ખંડવા જિલ્લા-પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલને કારણે મંદિરમાં આવનારા ભક્તો મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે.
ઓમકારેશ્વર મંદિર
મધ્ય પ્રદેશના પ્રખ્યાત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ખંડવા જિલ્લા-પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલને કારણે મંદિરમાં આવનારા ભક્તો મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. આ અભિયાન હેઠળ રક્તદાન કરનારા ભક્તોને મંદિરમાં ત્રણથી ૪ કલાકની લાંબી લાઇનમાંથી મુક્તિ મળી રહી છે અને તેમને સીધા VIP દર્શનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
મંદિર સંકુલ પાસે એક અત્યાધુનિક પાંચ બેડ ધરાવતી બ્લડ-ડોનેશન સુવિધા બનાવવામાં આવી છે. ઓછામાં ઓછું ૪૫ કિલો વજન ધરાવતા ૧૮થી ૬૦ વર્ષની વયના સ્વસ્થ ભક્તો અહીં રક્તદાન કરી શકે છે. રક્તદાન કર્યા પછી તરત જ તેમને નાસ્તો, પ્રમાણપત્ર, બાબાનો પ્રસાદ અને ભગવાન ઓમકારેશ્વરનું ચિત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર દાતા અને તેમના પરિવારને તાત્કાલિક VIP એન્ટ્રી આપે છે, જેનાથી વૃદ્ધો અને બાળકોને લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. વધતા સ્ટૉકને ધ્યાનમાં રાખીને મેડિકલ કૉલેજમાં એક અલગ સ્ટૅન્ડ-અલોન બ્લડ-બૅન્ક સ્થાપવાની તૈયારીઓ ચાલી રહી છે.
અધિક માસમાં દાનમાં રેકૉર્ડ તૂટ્યો
ADVERTISEMENT
કલેક્ટર ઋષભ ગુપ્તાના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાને પવિત્ર અધિક માસમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. અધિક જેઠ મહિનામાં દાનના વિશેષ મહત્ત્વને કારણે જૂનના પહેલા ૧૪ દિવસમાં રક્તદાનના આંકડા સામાન્ય માસિક સરેરાશ કરતાં વધી ગયા હતા. ફેબ્રુઆરીમાં શરૂઆતમાં ફક્ત ૧૬૮ યુનિટ રક્ત પ્રાપ્ત થયું હતું, પરંતુ ૧૪ જૂન સુધીમાં રેકૉર્ડ ૪૯૭ યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું.
દુર્લભ રક્ત-જૂથોનો મોટો ભંડાર
આ જબરદસ્ત પ્રતિસાદનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્થાનિક રક્તની અછત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. બ્લડ-બૅન્ક પાસે હવે AB-નેગેટિવ, O-નેગેટિવ, A-નેગેટિવ અને B-નેગેટિવ જેવાં અત્યંત દુર્લભ રક્ત-જૂથોનો પૂરતો બફર સ્ટૉક છે. નવી મેડિકલ કૉલેજ ખૂલ્યા પછી આ વિસ્તારમાં રક્તની ડિમાન્ડ વધીને દર મહિને ૧૨૦૦ યુનિટ થઈ ગઈ છે, જે અગાઉ પૂરી કરવી મુશ્કેલ હતી. હવે આ મૉડલ માત્ર ડિમાન્ડને પૂરી નથી કરતું, વધારાનો સ્ટૉક પણ બનાવી રહ્યું છે.
