° °

આજનું ઇ-પેપર
Sunday, 26 June, 2022


ઘઉં ઘઉંની વાત

22 May, 2022 04:10 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ભારતના લગભગ પ્રત્યેક રસોડામાં આ ધાન્ય કદી ન આવ્યું હોય એવું બન્યું નહીં હોય. આપણા સૌના કૉમન ખોરાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા આ ધાન્ય પ્રત્યે આપણે ભાગ્યે જ ધ્યાન આપ્યું છે

ઘઉં ઘઉંની વાત

ઘઉં ઘઉંની વાત

ભારતના લગભગ પ્રત્યેક રસોડામાં આ ધાન્ય કદી ન આવ્યું હોય એવું બન્યું નહીં હોય. આપણા સૌના કૉમન ખોરાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા આ ધાન્ય પ્રત્યે આપણે ભાગ્યે જ ધ્યાન આપ્યું છે. એના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે હોવા છતાં આ વર્ષે સરકારે એના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આ નોબત આવવા પાછળનાં કારણો સમજીએ. સાથે જ ઘઉં આપણા જીવનમાં કેવી રીતે આવ્યા એ પણ ઇતિહાસ થકી જાણીએ

હમણાં છેલ્લા થોડા સમયથી એક ધાન્ય જે આપણા દરેકના રસોડામાં રહેતું હતું એ ડ્રૉઇંગરૂમ, ટેલિવિઝન, કૉફી ટેબલ અને અખબારોમાં પણ ખૂબ મોટી ચર્ચાનું સ્થાન જમાવી રહ્યું છે એ છે ઘઉં. ગયા અઠવાડિયામાં કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંના એક્સપોર્ટ પર બૅન લગાવી દેવામાં આવ્યો છે. મતલબ કે હાલ પૂરતો આપણા દેશમાં ઘઉંનો જેટલો પણ પાક થશે એ માત્ર ને માત્ર ભારતની જ બજારોને ઉપલબ્ધ હશે. ઘઉંના એક પણ દાણાને વિદેશના વિઝા નહીં મળે, પરંતુ આવી પરિસ્થિતિ આવી શા માટે? આ એક પ્રશ્ન દિમાગમાં ઊઠે અને એની સાથે બીજી અનેક વાતો પેટાપ્રશ્ન તરીકે દિમાગનો કબજો જમાવવા માંડે. એક એવા ધાન્ય વિશે જાણવાની લાલસા થાય જેના વિશે કદાચ આજ પહેલાં આપણે ક્યારેય આ રીતે વિચાર પણ નથી કર્યો અને ચર્ચા પણ નથી કરી. 
શાક સાથે ખવાતી રોટલીથી લઈને બીજા અનેક પ્રકારે આપણે ઘઉંનો ઉપયોગ વર્ષોવર્ષથી કરતા આવ્યા છીએ. પીત્ઝાના રોટલાથી લઈને બ્રેડ અને ફૂલકા રોટલીથી લઈને બિસ્કિટ સુધીની અનેક ખાવાની ચીજોમાં આપણે ઘઉં પુરાણકાળથી વાપરતા આવ્યા છીએ, પરંતુ આપણા રોજિંદા જીવન સાથે ઓળઘોળ થઈ ચૂકેલા ઘઉંનો ઇતિહાસ આપણે કદાચ ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કર્યો. કદાચ એવી જરૂરિયાત પણ નથી વર્તાઈ, કારણ કે જનરલ નૉલેજ તરીકે પણ કોઈ ઘઉંનો ઇતિહાસ શું કામ પૂછે કે જાણે? પરંતુ સાચું કહીએ તો આ મહામૂલા ધાનની વાતો અને ઇતિહાસ ખૂબ મજેદાર છે, જાણવા અને સમજવા યોગ્ય છે. કેમ નહીં હોય? જે અનાજ આપણા ઘરમાં ૩૬૫ દિવસ વપરાતું હોય એના વિશે આપણને પૂર્ણ નહીં તો પણ ઘણીખરી જાણકારી તો હોવી જ જોઈએ એવું નથી લાગતું? આવો, આજે રસોડામાં કોઈ ડબ્બામાં સચવાઈને બેઠેલા ઘઉંના લોટ કે સાબૂત ઘઉં સાથે વાતો કરીએ. તેમને કહીએ કે ‘ભાઈ, આજ કુછ તેરી કહાની સૂના.’ પણ ઘઉં એના વિશેની વાતો કહેવાની શરૂઆત કરે એ પહેલાં ‘એક્સપોર્ટ પર બૅન મૂકવો પડે એવી પરિસ્થિતિ શા માટે આવી ગઈ અને હવે પછી આગળ શું?’ એ વિશે થોડી વાતો કરી લઈએ.
શા માટે એક્સપોર્ટ પર બૅન? 
ભારતમાં ઘઉં જેવા ધાનનો મહત્તમ પાક ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં લેવાય છે અને હાલમાં દેશમાં કાળઝાળ ગરમીમાં જે વધારો થઈ રહ્યો છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં જે હીટવેવ આવી છે એને કારણે આ વખતે કદાચ ઘઉંની પેદાશ ધારણા જેટલી નહીં થાય એવી માન્યતા છે. હવે જો એવું બને તો ન માત્ર ઘઉંના ભાવો સાતમા આસમાને પહોંચે, પરંતુ દેશની જનતાને જરૂરિયાત અનુસાર ઘઉંનો જથ્થો નહીં મળે એવું પણ બને. રવી પાકમાં ઓછું ઉત્પાદન અને ફૂડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ઘઉં જેવા ધાનનો ઓછો જથ્થો. આ બન્ને પરિસ્થિતિ ઘઉંના બજારભાવમાં જબરદસ્ત ઉછાળો લાવી રહી છે. 
સાથે જ છેલ્લાં થોડાં વર્ષોમાં ઘઉંના એક્સપોર્ટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ૨૦૧૮-’૧૯ની સાલમાં જ્યારે આપણા દેશમાંથી માત્ર ૦.૧૮ મિલ્યન ટન ઘઉં એક્સપોર્ટ થતા હતા એ આંકડો ૨૦૨૧-’૨૨માં વધીને ૭ મિલ્યન ટન સુધી પહોંચી ગયો હતો, એટલું જ નહીં, હાલમાં ૨૦૨૨-’૨૩માં પણ ૪.૯ મિલ્યન ટન જેટલા ઘઉં માટે તો ઑલરેડી લેટર ઑફ ક્રેડિટ દ્વારા એક્સપોર્ટ કૉન્ટ્રૅક્ટ થઈ પણ ચૂક્યા છે. (આ આંકડો ઘઉંના એક્સપોર્ટ પર બૅન આવ્યા પહેલાંનો છે.)
હાલની પરિસ્થિતિ શું છે? 
સામાન્ય રીતે સરકાર પાસે એટલે કે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે ૩૦ મેટ્રિક ટન મતલબ કે ૩૦,૦૦૦ કિલોનો જથ્થો રહેતો હોય છે. જે હાલમાં માત્ર ૧૯ મેટ્રિક ટન જેટલો જ છે, જેમાંથી ૭.૫ મેટ્રિક ટન જેટલો જથ્થો તો સરકારે બફર સ્ટૉક તરીકે અલગ કાઢી રાખવો પડે. ઘઉંના જથ્થાની આ પરિસ્થિતિ છેલ્લાં પાંચ વર્ષની સૌથી નીચલી સપાટીએ છે. એટલે કે દેશમાં ઘઉંનો જથ્થો આટલો ઓછો છેલ્લાં પાંચ વર્ષમાં ક્યારેય નથી થયો. 
હવે આ પરિસ્થિતિ સરકારને મજબૂર કરે છે કે ફૂડ સિક્યૉરિટી સ્કીમ અંતર્ગત ગરીબ વસ્તીઓમાં જે મફત અનાજ વહેંચવામાં આવે છે ત્યાં ઘઉંની જગ્યાએ ચોખાની વધુ વહેંચણી કરવામાં આવે. સરકારી વ્યાપાર સંગઠનના એક અંદાજ મુજબ આ વખતનું ઘઉંનું પ્રોડક્શન આશરે ૯૬-૯૮ મેટ્રિક ટન જેટલું રહેશે. એની સામે વર્ષની શરૂઆતમાં સરકારનો અંદાજ ૧૧૧ મેટ્રિક ટન જેટલો હતો. હવે આપણા દેશની ઘઉંની સરેરાશ માગ એટલે કે ડોમેસ્ટિક વપરાશ લગભગ ૮૬થી ૮૮ મેટ્રિક ટન જેટલો છે. જો તમે આ ૮૬થી ૮૮ મેટ્રિક ટન જેટલા ડોમેસ્ટિક વપરાશ પછી ૭.૫ મેટ્રિક ટન જેટલો જથ્થો બફર સ્ટૉક તરીકે કાઢી નાખો તો બાકીના ઘઉં આપણો દેશ એક્સપોર્ટ કરી શકે એમ કહી શકાય, પરંતુ આ વખતે ગરમીને કારણે જે પાક ઓછો થવાના વરતારા છે એને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને સરકારે ઘઉંના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. મતલબ કે આપણા બધાનું પેટ ભરતા ઘઉં આજે હવે કંઈક એવું ચિત્ર દેખાડી રહ્યા છે કે એ આપણને નજીકના દિવસોમાં રડાવે એવું પણ બને.
ઘઉંનું પ્રોડક્શન-હાઉસ 
એક સમય હતો જ્યારે રશિયા ઘઉંના ઉત્પાદનમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતું હતું. ૧૯૬૦ના દાયકાની આસપાસ રશિયા પ્રથમ ક્રમાંકનું અને અમેરિકા બીજા ક્રમાંકનું રાષ્ટ્ર હતું, જ્યાં સૌથી વધુ ઘઉંનો પાક લેવાતો હતો. ત્યાર બાદ ૬૦ના દાયકાનો અંત આવતાં-આવતાં વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતાં રાષ્ટ્રોમાં ચાઇનાનો પણ ઉમેરો થયો અને એની સાથે જ કૅનેડા પણ આ રેસમાં એક પ્રબળ દાવેદાર તરીકે ઉમેરાયું, પરંતુ ૭૦નો દાયકો શરૂ થતાં-થતાં પરિસ્થિતિ બદલાઈ અને ભારતે ઘઉંના ઉત્પાદનમાં જબરદસ્ત હરણફાળ ભરી. ૮૦નો દાયકો આવતાં ચાઇનાએ અમેરિકાને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ ઘઉં ઉત્પાદનમાં બીજા ક્રમાંકના રાષ્ટ્ર તરીકેનું સ્થાન હાંસલ કરી લીધું અને ભારત અમેરિકા બાદ ચોથા ક્રમાંકનું સૌથી વધુ ઘઉં ઉત્પાદન કરતું રાષ્ટ્ર બન્યું, પણ રવી પાક લેવા બાબતે ભારતનો સોનેરી ઉદય થયો ૯૦ના દાયકાના અંત ભાગ તરફ. ચાઇના હવે પ્રથમ ક્રમાંકે પહોંચી ચૂક્યું હતું અને રશિયા અને અમેરિકાને પાછળ છોડીને ભારત બીજા ક્રમાંકનું સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતું રાષ્ટ્ર બની ચૂક્યું હતું. ૨૦૧૪-’૧૫ પછી તો એક સમય એવો પણ આવ્યો જ્યારે ભારતે આખા વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા રાષ્ટ્ર તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું. જોકે આજે પણ આપણે આખા વિશ્વમાં ૯૩થી ૧૧૦ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા બીજા ક્રમાંકનું રાષ્ટ્ર તો છીએ જ, પરંતુ વાતાવરણની તંદુરસ્તી બગડી અને ગરમી એવી કાળઝાળ થવા માંડી કે આજે હવે માત્ર ભારતમાં જ નહીં, ભારતના એક્સપોર્ટ-બૅનને કારણે આખા વિશ્વમાં કદાચ ઘઉંની અછત ઊભી થાય અથવા ભાવો આસમાને પહોંચી જાય.
મોંઘવારી નામનો રાક્ષસ દિવસો વીતતા જાય એમ પોતાનાં હથિયાર બદલતો રહ્યો છે. પહેલાં કાંદા, પછી ટમેટાં, પેટ્રોલ-ડીઝલ અને ત્યાર બાદ લીંબુ અને હવે તો સીધો તેણે ઘઉં જેવા ધાન પર હાથ અજમાવવાનું નક્કી કર્યું છે ત્યારે જીભના ચટાકા પૂરા પાડવા માટે સતત આપણી સેવામાં હાજર રહેતા ઘઉં પાસે પણ તો જાણીએ કે ‘ભાઈસા’બ આખિર આપકા ઇતિહાસ ક્યા હૈ? કહાં સે આયે હો, કહાં કો જાઓગે?’
સોનાથી જરાય ઊતરતી નથી
આ આપણે ‘જીભના ચટાકા’ કહ્યુંને? તમને ખબર છે ઘઉંને પોતાનું નામ જ આ ‘જીભના ચટાકા’ પરથી મળ્યું છે! શું? તમને અમારી વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો? તો લો જાણો કઈ રીતે ઘઉંને એનું નામ મળ્યું અને એ આવ્યા કઈ રીતે?        
જેમ ભારતનો પ્રાચીન ઇતિહાસ આર્ય સંસ્કૃતિની વાત વિના અધૂરો છે એ જ રીતે ઘઉંની વાતો પણ આર્યની વાત વિના અધૂરી છે. આ એ સમયની વાત છે જ્યારે યુરોપના સીમાંકન દેશોમાં અને એશિયા મહાખંડમાં રહેતા લોકો આર્ય કહેવાતા હતા. આજથી લગભગ ૬૦૦૦ વર્ષ પૂર્વે આર્ય ભારતમાં આવ્યા એવી એક માન્યતા છે. એવું કહેવાય છે કે આ એ સમયની વાત છે જ્યારે ઈરાન જેવા દેશો અખંડ ભારતનો હિસ્સો હતા. આર્ય ભારતમાં ઈરાનની સીમાથી પ્રવેશ્યા. ઈરાનનું એ સમયે નામ હતું આરણ્યવ્રજ, જેનો અપભ્રંશ થતાં-થતાં નામ થયું ઈરાનવેજ. આજે પણ ઇતિહાસનાં પાનાં ઊથલાવશો તો ઈરાનના સરકારી ચોપડે નામ ઈરાનવેજ હોવાનું જ માલૂમ પડે છે. ઈરાનમાં પ્રવેશ સમયે તેમણે પહેલી વાર ઘઉં જેવાં ધાન જોયાં અને ચાખ્યાં. આ સમય પહેલાં તેઓ જવ ખાતા હતા. ઈરાનમાં આવી ઘઉં ખાઈને ખુશ થયેલા આર્યોએ ઘઉંને એ સમયે નામ આપ્યું ‘ગોધુન.’ પુરાણકાળની ભાષામાં ‘ગો’નો અર્થ થાય છે ‘જીભ’ અને ધૂનનો અર્થ થાય છે ‘આનંદ.’ મતલબ કે જે ધાન જીભને આનંદ આપે એ ગોધુન. ગોધુન એક સંસ્કૃત શબ્દ છે, જે વ્યવહારની ભાષામાં પછીથી ‘ગહૂન’ કહેવાવા માંડ્યું. ભારત જેવા રાષ્ટ્રએ પછીથી હિન્દી ભાષાને પોતાની રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી અને બીજી અનેક પ્રાકૃત ભાષાઓ પણ વિકાસ પામતી ગઈ. ધીરે-ધીરે ઘઉંના સંસ્કૃત નામ ગોધુનનું ગહૂન થયું અને ગહૂનનો પણ અપભ્રંશ થયો, આખરે આજે આપણે જે બોલીએ છીએ એ ‘ગેહૂં’ શબ્દ ઘઉં માટે પ્રચલિત બન્યો. તો એ દૃષ્ટિએ જોઈએ તો ઘઉં તો આપણા દેશનાં ખેતરોમાં પુરાણકાળથી હતા જ. મતલબ કે ભારત ઘઉં એ સમયથી ઉગાડી અને ખાઈ રહ્યું છે જ્યારે મોહેંજોદરો અને હડપ્પા સિવિલાઇઝેશન આ ભૂમિ પર હતું. એવું કહેવાય છે કે ઘઉંની ખેતી ભારતમાં ૧૦,૦૦૦ વર્ષ કરતાં પણ પહેલાંના સમયથી થતી હતી અને આપણે એ ખાતા હતા.
ત્યાર પછી ભારતમાં પ્રવેશ્યા બાદ તેમને ચોખા નામનું બીજું ધાન મળ્યું, જેને નામ આપવામાં આવ્યું, ‘વ્રિહી’. ભારતની ૫૦૦૦ વર્ષ કરતાંય જૂની સંસ્કૃતિમાં વૈદિક ભાષામાં ગેહૂન એટલે કે ‘ગોધુન’ વિશેનો ઉલ્લેખ મળે છે અને એક માન્યતા અનુસાર ગોધુનની મહત્તમ વાવણી અને ઉપયોગ ભારતના સપ્તનદ વિસ્તારમાં થતો હતો. આ સપ્તનદ એટલે આજનું પંજાબ. પહેલાં આ વિસ્તારમાં ૭ નદીઓ વહેતી હતી જેને કારણે એને સપ્તનદ કહેવામાં આવતું હતું. આજે એમાંની પાંચ નદીઓ પંજાબમાંથી વહે છે જેને કારણે એને નામ મળ્યું પંજાબ. ઘઉંનો રંગ સોના જેવો પીળાશ પડતા રંગનો હોવાને કારણે પંજાબમાં ઘણા વિસ્તારોમાં એને ‘કનક’ પણ કહેવામાં આવતું હતું.
ગેહૂં રે ગેહૂં, તેરા ઘર કૌન સા?
એક રિસર્ચપેપર અનુસાર ઘઉંની સૌથી પહેલી ઉત્પત્તિ હિન્દુકુષ અને હિમાલયની વચ્ચેના વિસ્તારોમાં થઈ હતી, જ્યાંથી આખા વિશ્વમાં ઘઉં નામનું આ મહામૂલું ધાન પહોંચ્યું. અહીં હેક્સાપ્લૉઇડ ઘઉંનું વાવેતર થતું હતું (જે ઘઉં આજે આપણે રોટલી કે ભાખરી બનાવવા માટે વાપરીએ છીએ એ જ), જ્યાંથી ઘઉં પોતાની પૂર્વ તરફની સફર આરંભે છે અને સિલ્કરૂટ દ્વારા એ તુર્કસ્તાન થઈને મૉન્ગોલિયા અને ત્યાંથી ઉત્તર ચાઇના તરફ પહોંચ્યા હતા. તો બીજો રૂટ ઘઉં દ્વારા જે લેવામાં આવ્યો એ હતો અફઘાનિસ્તાન તરફનો, જ્યાંથી ખૈબરપાસ થઈને એ પંજાબ અને ત્યાર બાદ ગંગા અને યમુનાકિનારાનાં મેદાનો સુધી પહોંચ્યા અને ગંગા-યમુનાના કિનારાના મેદાન વિસ્તારોમાં એની ખેતી શરૂ થઈ. જ્યાંથી બર્મા સુધી પહોંચી ઘઉંએ પોતાનું સામ્રાજ્ય આખા ભારતમાં જમાવ્યું. ઇતિહાસનાં પાનાંઓ પર ઉલ્લેખ મળે છે અને હવે તો એ વાતની સાબિતી પણ મળી ચૂકી છે કે ઘઉંની લગભગ ૩૫૦૦ BC પહેલાંના સમયથી ભારતમાં ખેતી થઈ રહી હતી.
બીજી તરફ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ઋગ્વેદની રચના થઈ ત્યાં સુધી ઘઉં કદાચ હજી ભારતીયોના મુખ્ય આહારમાં સામેલ નહોતા થયા, કારણ કે ઋગ્વેદમાં એનો કોઈ ખાસ ઉલ્લેખ મળતો નથી, પરંતુ ઘઉંનો મહદંશે ઉપયોગ આજથી લગભગ ૧૫૦૦-૧૬૦૦ વર્ષ પહેલાં શરૂ થયો હોવો જોઈએ એમ ગણી શકાય, કારણ કે ઋગ્વેદ બાદ રચાયેલા ગ્રંથ યજુર્વેદમાં એનો ઉલ્લેખ મળે છે, જેના અનુસાર ભારતના આર્યો ઘઉંને પોતાના મુખ્ય આહારમાં સામેલ કરી ચૂક્યા હતા. ગ્રંથ પ્રકાશમાં એવો ઉલ્લેખ છે કે આર્ય પ્રજા જ્યારે નૉન-આર્ય પ્રજાના સંપર્કમાં આવી ત્યારે તેમણે તેમનું જોઈને ઘઉંની ખેતી મોટા પાયે શરૂ કરી અને ઘઉંને પોતાના મુખ્ય આહારમાં સ્થાન આપ્યું હતું. 
ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે મૌર્યવંશ દરમ્યાન કસર, સુહાલી ફાલિકા અને મંદાકા જેવા ઘઉંના મુખ્ય પ્રકાર હતા જેની ખેતી થતી હતી, પરંતુ દસમી સદી બાદ ભારત પર ઉપરાછાપરી બાહરી હુમલા થતા રહ્યા અને આ કાળ દરમ્યાન ભારતનું સાહિત્ય અને એની લાઇબ્રેરીઓ બાળી નાખી ભારતીય સાહિત્ય નષ્ટ કરવાના અનેક પ્રયત્ન થયા, જેમાં ઘઉં ઉગાડવાની આગવી રીતો, પદ્ધતિઓ અને એનો ઇતિહાસ પણ નષ્ટ કરી દેવામાં આવ્યો. એને કારણે આપણે ઘઉં જે વર્ષો-પુરાણોકાળથી આપણે ત્યાં ઉગાડવામાં આવતા હતા એની જ ખેતી અને પદ્ધતિઓ આપણે બીજા પાસેથી શીખવી અને સ્વીકારવી પડી.
પરંતુ બારમી સદીથી ભારત ફરી ઘઉંની ખેતી બાબતે આત્મનિર્ભર હતું અને ખાવાની અનેક વાનગીઓમાં ઘઉંનો બહોળો ઉપયોગ થતો રહ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. જેમ કે ૧૧૨૬-૧૧૩૫ ADમાં રચાયેલો ગ્રંથ ‘માનસોલાસા’ અને ૧૬૦૦ ADમાં રચાયેલા ‘ભોજન કુતૂહલ’ જેવા ખાવાની વાનગીઓની રેસિપીઓના પુસ્તકમાં ઘઉંના ઉપયોગની અને એની અનેક વાનગીઓ દર્શાવી છે.
આજના વૉટ્સઍપ યુનિવર્સિટીના જમાનામાં એ વાત તો આપણને બધાને ખબર છે કે ઘઉં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે અને હવે તો આપણને એ પણ ખબર પડી કે ઘઉં વાસ્તવમાં ભારતની પોતાની પેદાશ નહોતી, એ તો વિદેશથી આવ્યા, પણ તો પછી પ્રશ્ન એ થાય કે આપણે ઘઉં ખાતા અને ઉગાડતા થયા એ પહેલાં આપણે શું ખાતા હતા? તો ઘઉં આપણા દેશમાં આવ્યા એ પહેલાં આપણે કે જવ, બાજરી, જુવાર, રાગી, રાજગીરા, સાવા, કુટ્ટુ વગેરે ખાતા હતા.
આધુનિક ભારતનું આધુનિક ધાન 
ભારતને ઘઉંના ઉત્પાદનમાં આટલું ધનિક બનાવવા પાછળ આપણા દેશના ખેડૂતો અને ઍગ્રિકલ્ચર એજ્યુકેશન સાથે એક સાયન્ટિસ્ટનું પણ નામ જોડાયેલું છે અને નોબેલ પારિતોષિક વિજેતા સાયન્ટિસ્ટ એટલે ડૉ. નૉર્મન બોર્લોક. ૧૯૬૦ના દાયકામાં ડૉ. બોર્લોકે ભારતમાં ફૂડ સિક્યૉરિટી મજબૂત બનાવવાના આશયથી ઘઉં અને એની અલગ-અલગ વરાઇટી ડેવલપ કરવામાં ખૂબ મોટું કામ કર્યું. તેમણે દેશની ઍગ્રિકલ્ચર કૉલેજો અને ખેડૂતોને ઓછા પાણીએ કઈ રીતે વધુ પાક લઈ શકાય, કઈ રીતે તોફાન કે વાવાઝોડા સામે પાક સુરક્ષિત રાખી શકાય અને કઈ રીતે બિયારણ બદલીને કે એમાં જરૂરી ઉમેરો કરીને અલગ પ્રકારે ઘંઉનો પાક લઈ શકાય એ દેશને શીખવ્યું. એટલું જ નહીં, પાકને સડો નહીં લાગે અને જીવજંતુઓ પાક બગાડે નહીં એ માટેના પણ અનેક ઉપાય સૂચવ્યા અને એના પર અનેક સંશોધન પણ કર્યાં. તેમના અને આપણા દેશના ખેડૂતોના પરિશ્રમને કારણે આપણો દેશ જે ૧૧ મિલ્યન ટનનું પ્રોડક્શન કરતો હતો એ આજે ૬૦ વર્ષ બાદ ૯૩ મિલ્યન ટન પર પહોંચી શક્યો. 
વિશ્વના કેટલાય લોકોનું માનવું છે કે ડૉ. બોર્લોક ન હોત તો કદાચ આ વિશ્વમાં અનાજની અછતને કારણે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોત. તેમણે મેક્સિકોની લૅબમાં બેસીને અનેક ઍગ્રિકલ્ચરિસ્ટ અને સાયન્ટિસ્ટો સાથે મળીને માત્ર ઘઉંના બિયારણ પર જ નહીં, પરંતુ અનેક બીજી ખેતપેદાશો માટે પણ વિવિધ પ્રયોગ કર્યા. અનેક નવી પદ્ધતિઓ વિકસાવી અને આખરે આ બધું જ જ્ઞાન તેઓ એવા દેશોમાં લઈને આવ્યા જ્યાં એની ખરા અર્થમાં જરૂર હતી. ભારત જેવો દેશ જે વર્ષો પહેલાં કૃષિક્ષેત્રે ખાધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું એ વિશ્વલીડર બની શકે એવી પરિસ્થિતિ સુધી લઈ આવ્યા. આજે પણ ભારતના ઘણા ખેડૂતો ડૉ. બોર્લોકને ભગવાન માને છે, તેમને એક જીવંત યુનિવર્સિટી સમા ગણાવે છે.
અંગ્રેજો આપણો હક મારતા હતા
આ એ સમયની વાત છે જ્યારે ભારત ગુલામ અવસ્થામાં શ્વાસ લઈ રહ્યું હતું. અંગ્રેજો આપણા દેશમાં વ્યાપાર કરવાના આશયથી આવ્યા અને ધીરે-ધીરે તેમણે આખો દેશ હડપી લીધો. આ સમય દરમ્યાન તેમણે આપણી ખેતીને પણ દબાણ હેઠળ લાવી દીધી. આપણા દેશમાં જેકંઈ પાક થતો એનો મોટો હિસ્સો તેઓ ભારતમાં અને ભારતના લોકો માટે નહીં રાખીને પોતાના ઉપયોગ માટે અને પોતાના દેશમાં લઈ જતા. એટલું જ નહીં, તેમણે આપણી ખેતપેદાશો પર પણ તગડી રકમમાં ટૅક્સ વસૂલવા માંડ્યો. ભારતના દરેક ખેડૂતે આ તગડો ટૅક્સ પોતે ઉગાડેલી ખેતીમાંથી ચૂકવવો પડતો. 
પરિણામ એ આવ્યું કે અંગ્રેજો તો ચાલી ગયા, પરંતુ પાછળ ભૂખ્યું અને કુપોષિત ભારત છોડી ગયા. આ સમય સુધી આપણા દેશમાં ખેતપેદાશોનો સંગ્રહ કે બફર સ્ટૉક રાખવાની કોઈ પદ્ધતિ નહોતી, પરંતુ સમય બદલાયો અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળ્યો અમેરિકાના ‘ફૂડ ફૉર પીસ’ પ્રોગ્રામ દ્વારા. તેમની આ યોજના અંતર્ગત ભારત અમેરિકાના ઘઉંનો સરપ્લસ જથ્થો વાજબી ભાવે ખરીદવા માંડ્યું અને ખૂબ ઓછા સમયમાં આપણે અમેરિકાના મુખ્ય ગ્રાહક બની ગયા, પરંતુ આ વિકલ્પના ઉપયોગનો પણ એક મોટો ગેરફાયદો થયો. આપણે હવે ઘઉં અમેરિકા પાસે વાજબી ભાવે ખરીદતા હતા, જેને કારણે ખેતી તરફથી ન માત્ર આપણું ધ્યાન ઓછું થયું, પણ સામે ખેડૂતોને ઘઉંની ખેતી દ્વારા ખાસ મોટું વળતર નહોતું મળી રહ્યું. એને કારણે ઘઉંની ખેતી તરફ ન માત્ર દુર્લક્ષ સેવાયું, ઊલટાનું નિરાશાતરફી વલણ થવા માંડ્યું, પરંતુ આ સમસ્યા આપણને ત્યારે સમજાઈ જ્યારે ૧૯૬૫માં ભારત સામે યુદ્ધની પરિસ્થિતિ આવી પડી. અમેરિકાથી મગાવેલા ઘઉં આપણે યુદ્ધમાં વાપરવા માંડ્યા. એટલે કે સ્વાભાવિક રીતે જ પ્રાયોરિટી એ સમયે યુદ્ધના લડવૈયાઓને આપવામાં આવી, સામાન્ય જનતાને નહીં. હવે વિશ્વના ચોકીદાર અમેરિકાને આ વાત ખટકી. તેમને એ મંજૂર નહોતું કે આપણે જે ધાન મગાવીએ છીએ એ યુદ્ધમાં વાપરીએ. આથી તેમણે ભારત દેશને એક નોટિસ મોકલી આપી અને એમાં કહેવામાં આવ્યું કે હવે અમેરિકા ભારતને ત્યારે જ પોતાના ઘઉંનો જથ્થો મોકલશે જ્યારે એ ખેતી બાબતે આત્મનિર્ભર બનશે. અને આ એક નોટિસે આપણા દેશમાં પરિસ્થિતિનો આખો ચહેરો જ બદલી નાખ્યો. ભારતમાં શરૂ થયું ગ્રીન રેવલ્યુશન. 
હરિત ક્રાન્તિનું કારણ
ભારત સરકારે હવે ઘઉં અને ધાનના પ્રોડક્શન પર પૂર્ણ રીતે ધ્યાન આપવાનું અને એને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું અને હવે ભારત દેશ ઘઉં નહીં, પણ નવા પ્રકારનાં હાઇબ્રીડ બીજ ઇમ્પોર્ટ કરી પોતાના દેશમાં ઘઉંનું પ્રોડક્શન વધારવા તરફ મંડી પડ્યું છે. એટલું જ નહીં, કીડા મારવાની દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘઉંની ખેતી માટે શરૂ થયો અને પરિણામ ધાર્યા અનુસાર જ આવ્યું. ૧૯૭૦ની સાલ આવતાં-આવતાં આપણો દેશ ઘઉંના ઉત્પાદન બાબતે આત્મનિર્ભર બની ગયો. એટલું જ નહીં, હરિત ક્રાન્તિને કારણે દેશમાં ઘઉંના ઉત્પાદનમાં એવો અને એટલો નોંધપાત્ર વધારો થયો કે જે ઘઉં માટે આપણે અમેરિકા સામે હાથ ફેલાવવો પડતો હતો એ જ ઘઉં હવે આપણા દેશમાં ઉત્પાદિત થઈને આપણા જ દેશની જનતાને સબસિડાઇઝ રેટમાં મળવા માંડ્યા.
સમસ્યા બદલાઈ, એનું કારણ પણ બદલાયું 
પણ એક તરફ જ્યાં હરિત ક્રાન્તિએ દેશમાં ઘઉંનું ઉત્પાદન વધાર્યું ત્યાં બીજી તરફ ઘઉં ઉગાડવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ શરૂ થયો હોવાને કારણે ખેતી માટે પહેલાં જેટલું પાણી વપરાતું હતું એના કરતાં દસગણું વધુ પાણી વપરાવા માંડ્યું. એટલું જ નહીં, સમય બદલાયો, માગ પણ બદલાઈ. હવે ઘઉં એક એવું અનાજ બની ચૂક્યું હતું જે પ્રોસેસ્ડ ફૂડ માટે સૌથી વધુ વપરાતું હતું. એટલું જ નહીં, કીડા મારવાની દવાના બહોળા ઉપયોગને કારણે જમીનનું પાણી પ્રદૂષિત થવા માંડ્યું. જે બૅક્ટેરિયા જમીન અને માટીના ગ્રોથ માટે જરૂરી હતા એ પણ મરવા માંડ્યા. એને કારણે માટીની ગુણવત્તા તો બગડી જ ને સાથે જ ઘઉંની પૌષ્ટિકતા પણ ઓછી થવા માંડી.
સમસ્યા નવી તો એના ઉપાય પણ નવા જ 
હવે આ બધી સમસ્યાને કારણે માથું પકડીને બેસી તો રહેવાય નહીં. તો પછી કરવું શું? યસ, તો પછી હવે આ સમસ્યાનો નવો અને આધુનિક વિકલ્પ શોધાઈ રહ્યો છે. ઘઉંની જાત અને ખેતીની મોસમ બદલવામાં આવી રહી છે, કારણ કે એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે જેટલું પાણી આજે આપણે ઘઉંનો એક પાક લેવા માટે વાપરીએ છીએ એટલું જ પાણી જો કોઈ બીજા મોટા અનાજનો પાક લેવા વાપરતા હોત તો આજે આપણી પાસે જેટલા ઘઉં છે એના કરતાં ચારસો ગણું વધુ બીજું અનાજ હોત, પરંતુ વિકલ્પ કંઈક એવો શોધાઈ રહ્યો છે કે ઘઉંની જ જાત અને જન્મ બદલી નાખવામાં આવે! કન્ફ્યુઝ્‍ડ?
એક નવા પ્રકારના ઘઉં શોધાઈ રહ્યા છે જેને પેરેનિયલ વીટ એટલે કે પેરેનિયલ ઘઉં (બારમાસી ઘઉં) કહેવામાં આવે છે. કર્નઝા નામના એક પેરેનિયલ ઘઉં હમણાં અમેરિકામાં વિકસાવાઈ રહ્યા છે જે થોડા સમયમાં કમર્શિયલ માર્કેટમાં આવી જશે એવી પૂરેપૂરી શક્યતા છે. આ ઘઉંનો પાક આખું વર્ષ લઈ શકાશે. આ ઘઉંના છોડનાં મૂળિયાં જમીનમાં લગભગ ૧૦ ફુટ સુધી ઊંડાં જઈ શકે છે જેને કારણે ઘઉંનો છોડ જમીનમાંથી જાતે જ પોષક તત્ત્વો અને પાણી ખેંચી શકે અને અડીખમ ઊભો રહી ખેડૂતને દાણો-દાણો ઘઉં આપી શકે.
ભારત અને ઘઉં 
ઘઉં, ઍગ્રિકલ્ચર લિટરેચર અનુસાર વાત કરીએ તો ઘઉંનું જન્મસ્થળ આમ તો મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનને ગણવામાં આવે છે અને લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં એનું ક્લ્ટિવેશન શરૂ થયું હોવાનું ઍગ્રિકલ્ચચર લિટરેચરમાં કહેવામાં આવે છે. ઍગ્રીકલ્ચર વિશેષજ્ઞ એ.પી. ડ કોન્ડોલ તેમના પુસ્તક ‘ઓરિજિન ઑફ ક્રૉપ પ્લાન્ટ’માં નોંધે છે કે ઘઉંની ખેતી મૂળતઃ ભારત અને મેસોપોટેમિયામાં થતી હતી. તેમણે એ પણ જણાવ્યું કે ઘઉં મુખ્યત્વે ૧૮ અલગ-અલગ પ્રકારના હોઈ શકે છે. ત્યાર બાદ બીજા જે પ્રકાર છે એ બધા જ આ ૧૮ પ્રકારના જ પેટા-પ્રકાર હોઈ શકે. 
ભારતમાં ઘઉંની મહત્તમ ખેતી ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઝારખંડ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં થાય છે. ભારતમાં જે ઘઉં થાય છે એમાં કેટલીક ખાસ વરાઇટી છે, જેમ કે ભારતની ખેતીમાં મળતા ઘઉં મહદંશે, કલ્યાણ, સોના, જનક, પ્રતાપ, સોનાલિકા, લરમોરાજા, શરબતી અને સોનારા ઘઉં હોય છે.
વિશ્વ આજે ભારતને ઘઉંના એક્સપોર્ટ પર બૅન મૂકવા માટે કદાચ ગાળ આપતું હોય એ શક્ય છે, પરંતુ ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ આપવા જેવી ઉક્તિનું કામ તો ન જ કરાય એ સ્વાભાવિક છે. જો દેશમાં વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ઓછું ઉત્પાદન શક્ય થશે એમ જણાતું હોય તો પહેલાં દેશના નાગરિકો માટે અનાજ સુરક્ષિત કરવામાં આવે એ તો સ્વાભાવિક છે. ક્યારેક કપરા સંજોગોમાં આકરા નિર્ણય લેવા પડતા હોય છે. એ કેમ ભુલાય કે ભારત જયારે યુદ્ધની પરિસ્થિતિમાં હતું ત્યારે એ જ અમેરિકાએ એના ઘઉં મોકલવાની ના પાડી દીધી હતી જે માટે ભારત સૌથી મોટું ઇમ્પોર્ટર હતું.

સેંકડો પ્રકાર 
વિશ્વભરમાં ઘઉંના અલગ-અલગ લગભગ ૧૪૦ કરતાંય વધુ પ્રકાર અને વરાઇટી છે, જેમાં ભારતમાં ઉગાડાતા ૯ પ્રકારના ઘઉં વિશ્વભરમાં મશહૂર અને સૌથી વધુ માગ ધરાવતા ઘઉં છે. ભારત ભલે વિશ્વમાં બીજા ક્રમાંકનો સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ હોય, પરંતુ ક્વૉલિટીની દૃષ્ટિએ વિશ્વભરમાં ભારત એના ઘઉં માટે સૌથી વધુ પસંદ કરાતો દેશ રહ્યો છે. આથી જ જ્યારે ભારતે ઘઉંના એક્સપોર્ટ પર બૅન લગાવ્યો ત્યારે G7 દેશોની મીટિંગમાં પણ કહેવામાં આવ્યું કે ભારતે એના આ નિર્ણય બાબતે ફેરવિચાર કરવો જોઈએ અને એના આ નિર્ણયને કારણે બીજા દેશો પર એની માઠી અસર થશે એ જાણવું જોઈએ. બીજા દેશોમાં ઘઉંની મોટી અછત થઈ શકે છે.
ભારતમાં ઘઉંની મહત્તમ ખેતી ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઝારખંડ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં થાય છે. ભારતમાં જે ઘઉં થાય છે એમાં કેટલીક ખાસ વરાઇટી છે, જેમ કે ભારતની ખેતીમાં મળતા ઘઉં મહદંશે, કલ્યાણ, સોના, જનક, પ્રતાપ, સોનાલિકા, લરમોરાજા, શરબતી અને સોનારા ઘઉં હોય છે.

22 May, 2022 04:10 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો

ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે

26 June, 2022 01:35 IST | Mumbai | Raj Goswami

આજે રજા, કરો મજા

રવિવારના દિવસ માટે બધા જ આવું ખૂબ ઉમળકાથી કહી શકે છે. જોકે વીકમાં એક દિવસ કે વર્ષમાં અમુક દિવસ કામના સ્થળેથી રજા મળે એવું કલ્ચર આવ્યું ક્યાંથી?

26 June, 2022 01:29 IST | Mumbai | Aashutosh Desai

પોતાની હિરોઇનના પ્રેમમાં પડવાની રાજ કપૂરની આદત ફિલ્મોની સફળતા માટે ફાયદાકારક હતી

બૅન્ગલોરના ‘સંગમ’ના પ્રીમિયર સમયે કૃષ્ણા કપૂર હાજર હતાં. પડદા પર જે પ્રણયત્રિકોણ ભજવાતો હતો એ પ્રેક્ષકો માટે મનોરંજન હતું. અહીં અસલી જીવનનાં ત્રણ પાત્રો એકમેકની સામસામે હતાં.

26 June, 2022 01:21 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK