° °

આજનું ઇ-પેપર
Sunday, 26 June, 2022


કાશી-મથુરા તો ઝાંખી હૈ...

22 May, 2022 04:01 PM IST | Mumbai
Raj Goswami

જ્ઞાનવાપી મસ્જિદની લડાઈમાં પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટની પરીક્ષા લેવાવાની છે

કાશી-મથુરા તો ઝાંખી હૈ...

કાશી-મથુરા તો ઝાંખી હૈ...

પૂજાસ્થળ કાનૂન ૧૯૯૧ સામેની અરજીમાં અશ્વિની ઉપાધ્યાયે કહ્યું છે કે દેશમાં ૯૦૦ મંદિરો એવાં છે જેમને ૧૧૯૨થી ૧૯૪૭ વચ્ચે તોડીને એના પર મસ્જિદ અથવા ચર્ચ બનાવી દેવામાં આવ્યાં હતાં. કાનૂનની કટ-ઑફ ડેટ વાસ્તવમાં ૧૧૯૨ હોવી જોઈએ. ટૂંકમાં, મંદિર-મસ્જિદના વિવાદોની એટલી મોટી યાદી તૈયાર છે કે દાયકાઓ સુધી કાનૂનના દરબારમાં અને જનતાના દરબારમાં એની દલીલો ચાલતી રહેશે

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પહેલી વાર ભાષણમાં કહ્યું હતું, ‘સદીઓથી આપણે કોઈ ને કોઈ કારણથી સાંપ્રદાયિક તનાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાંપ્રદાયિકતાને કારણે આપણે વિભાજન સુધી પહોંચી ગયા. આ પાપાચાર ક્યાં સુધી ચાલશે? બહુ લડી લીધું, બહુ બચકાં ભરી લીધાં, બહુ લોકોને મારી નાખ્યા. ભાઈઓ-બહેનો, એક વાર પાછળ વળીને જુઓ, કોઈને કશું મળ્યું નથી. ભારતના દામન પર ડાઘ સિવાય આપણને કશું નથી મળ્યું. એટલે હું દેશવાસીઓને અપીલ કરું છું કે સાંપ્રદાયિકતા, જાતિવાદ, પ્રાંતવાદ, ઊંચ-નીચના ભાવ પર દસ વર્ષ સુધી રોક લગાવી દો અને પ્રણ લો કે આપણે તમામ તનાવોથી મુક્તિની તરફ જવું છે. શાંતિ, એકતા, સદ્ભાવના અને ભાઈચારાથી આગળ વધવામાં ઘણી તાકાત છે. મારા શબ્દો પર વિશ્વાસ કરજો. આપણે અત્યાર સુધી કરેલાં પાપોને છોડી દઈએ અને દેશને આગળ લઈ જવાનો સંકલ્પ કરીએ.’
વડા પ્રધાનની આ વાતને આઠ વર્ષ થાય છે ત્યારે તેમણે કહેલા આ સુંદર શબ્દો કેટલા સાર્થક છે એનો જવાબ બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતીના એક તાજા બયાનમાં મળે છે. બુધવારે મીડિયા સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું હતું, ‘દેશમાં ગરીબી, બેરોજગારી નિરંતર વધી રહી છે અને આકાશને આંબી રહેલી મોંઘવારી જેવા મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને એનાં સહયોગી સંગઠનો ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યાં છે. એનાથી અહીં ક્યારેય માહોલ બગડી શકે છે. જ્ઞાનવ્યાપી, મથુરા, તાજમહલ વગેરેની આડમાં જે પ્રકારે કાવતરું કરીને લોકોની ભાવનાઓને ભડકવામાં આવી રહી છે એનાથી દેશ મજબૂત નહીં બલકે કમજોર થઈ જશે.’
માત્ર માયાવતી જ નહીં; કૉન્ગ્રેસના અજય માકન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પીડબ્લ્યુડી પાર્ટીનાં મેહબૂબા મુફ્તીએ પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારીના અસલી મુદ્દાઓ પર ચર્ચા ન થાય એ માટે બીજેપી જ્ઞાનવાપી જેવા મુદ્દાઓ લાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં બીજેપીના સહયોગથી મુખ્ય પ્રધાન બનેલાં મેહબૂબાએ કહ્યું હતું કે ‘મસ્જિદ લઈ લેવાથી જો બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા હલ થઈ જવાની હોય તો પછી ભારતીય જનતા પાર્ટીએ મસ્જિદોની એક યાદી બનાવી લેવી જોઈએ.’
આ નેતાઓનાં નિવેદનો ત્યારે જ આવ્યાં હતાં જ્યારે એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર રેકૉર્ડ ૧૫.૦૮ ટકા પર પહોંચી ગયો હતો. માર્ચમાં આ આંકડો ૧૪.૫૫ ટકા હતો. ગયા વર્ષે એપ્રિલમાં એ સંખ્યા ૧૦.૭૪ ટકા હતા. કૉમર્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે મિનરલ ઑઇલ, બેઝિક મેટલ્સ, ક્રૂડ પેટ્રોલિયમ અને ગૅસ, ખાદ્ય અને બિન-ખાદ્ય વસ્તુઓ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની આંતરરાષ્ટ્રીય કિમતોમાં થયેલી વૃદ્ધિની આ અસર છે. 
બીજેપી આને જનતાના મુદ્દા ગણે છે. પાર્ટીના મહાસચિવ વિજયવર્ગીએ વિપક્ષને જવાબ આપતાં કહ્યું હતું કે ‘વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ તેમની પાર્ટી નહીં પણ જનતા ઉઠાવી રહી છે. આમ લોકોને બીજેપીની સરકાર પાસે અપેક્ષા છે કે તે આવા મુદ્દાઓનો ઉકેલ લાવે.’
જે આમ જનતાની તેઓ વાત કરે છે એ જ જનતાની વચ્ચે જઈને પૂછો તો મોટા ભાગના લોકો એ વાતથી સંમત છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી વખતે ધ્રુવીકરણનો કોઈ ને કોઈ મુદ્દો લઈ આવે છે. છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીમાં આપણે આ જોયું હતું અને હવે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો જે રીતે કાનૂની દાવપેચમાં થઈને સમાચારોની હેડલાઇન્સમાં આવ્યો છે એ જોતાં એવું લાગે છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સુધી આ મુદ્દો સળગતો રહેશે. 
એ બહુ જાણીતી વાત છે કે વારાણસી અને મથુરાની મસ્જિદોને લઈને જૂનો વિવાદ છે. અયોધ્યાનો વિવાદ જ્યારે ચરમસીમા પર હતો અને મંદિરના પક્ષમાં સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો આવ્યો ત્યારે બીજેપી અને એનાં સમર્થક સંગઠનોનો એક નારો હવામાં ગુંજતો હતો, ‘અયોધ્યા-બાબરી સિર્ફ ઝાંખી હૈ, કાશી-મથુરા અભી બાકી હૈ.’ 
જ્ઞાનવાપી અને પૂજાસ્થળ કાનૂન
વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહને લઈને અયોધ્યાની જેમ કોઈ જનઅંદોલન નથી થયું, પરંતુ ‘પુન:સ્થાપના માટેની ઇસ્લામિક જગ્યાઓ’ની યાદીમાં એ મોખરે હતાં. હવે તો રાજ્યમાં અને કેન્દ્રમાં બીજેપીની સરકાર છે એટલે અયોધ્યા જેવી રથયાત્રા જેવું જનઆંદોલન શક્ય નથી એટલે એના માટે કાનૂની દાવપેચનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. 
રસપ્રદ વાત એ છે કે અયોધ્યામાં મંદિર માટે ફેંસલો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે ૧૯૯૧નાં પૂજાસ્થળોના કાનૂનનો હવાલો આપીને કહ્યું હતું કે દેશમાં પૂજાસ્થળોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે અને એમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો કરીને હવે ૧૯૯૧ના પૂજાસ્થળોના કાનૂનમાં જ પરિવર્તનની માગણી કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે હવે આ કાનૂની લડાઈ લાંબી ચાલશે. એ યાદ રાખવા જેવું છે કે બીજેપી અને અન્ય હિન્દુ સંગઠનો આ કાનૂનમાંથી અયોધ્યા, કાશી અને મથુરાને બાકાત રાખવાની માગણી ઘણા વખતથી કરી રહ્યાં છે. 
૧૯૯૧માં, અયોધ્યા આંદોલન વચ્ચે, તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવની સરકાર પૂજાસ્થળ કાનૂન લઈ આવી હતી. આ કાનૂન અનુસાર ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ પહેલાંથી અસ્તિત્વમાં હોય એ કોઈ પણ ધાર્મિક પૂજાસ્થળને બીજા કોઈ ધર્મના પૂજાસ્થળમાં બદલવામાં નહીં આવે. એવું જો કોઈ કરે તો તેને ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે. અયોધ્યાનો મુદ્દો ત્યારે કોર્ટમાં હતો એટલે એને આ કાનૂનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. 
આ કાનૂનની કલમ-બે કહે છે કે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ હયાત કોઈ પણ ધાર્મિક સ્થળના ચારિત્રમાં પરિવર્તનને લઈને કોઈ અરજી કે અન્ય કાર્યવાહી કોઈ પણ અદાલતમાં હોય તો એને તત્કાળ બંધ કરી દેવી. એની કલમ-ત્રણ કોઈ પણ પૂજાસ્થળને બીજા ધર્મના પૂજાસ્થળમાં બદલવા પર રોક લગાવે છે. એની કલમ-ચાર નવા વિવાદોને દાખલ કરવા પર પણ રોક લગાવે છે. 
આ કાનૂનની બંધારણીય વૈધતા સામે એ મુદ્દા પર સર્વોચ્ચ અદાલતમાં અગાઉથી જ બે પિટિશન થયેલી છે. એક અરજી લખનઉના વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘ અને અન્ય સનાતન ધર્મના લોકોની છે. બીજી અરજી બીજેપીના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. 
અરજીકર્તાઓની દલીલ એવી છે કે આ કાનૂન ધાર્મિક સ્થળોની અદાલતી સમીક્ષા પર રોક લગાવે છે, જે બંધારણની વિશેષતા છે. એ ઉપરાંત આ કાનૂને મનસ્વીપણે કટ-ઑફ ડેટ (૧૫ ઑગસ્ટ ૧૯૪૯) નક્કી કરી છે જે હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ ધર્મના અનુયાયીના અધિકારને સીમિત કરે છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પણ એનો જવાબ હજી ફાઇલ કરવામાં આવ્યો નથી.
આ કાનૂન જ્યારે સંસદમાં આવ્યો હતો ત્યારે બીજેપીએ એનો વિરોધ કર્યો હતો અને રાજ્યસભામાં અરુણ જેટલીએ અને લોકસભામાં ઉમા ભારતીએ એને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલવાની માગણી કરી હતી. વાસ્તવમાં હિન્દુ સંગઠનો અને પક્ષો કાશી-મથુરા સહિત દેશભરમાં ૧૦૦ જેટલાં પૂજાસ્થળો પર મંદિર હોવાનો દાવો કરી રહ્યાં છે, પરંતુ ૧૯૯૧ના પૂજાસ્થળ કાનૂનને કારણે કોર્ટ એમની માગણી પર ધ્યાન નથી આપતી. જ્ઞાનવાપી મસ્જિદમાં મુસ્લિમ પક્ષકારોએ આ જ કાનૂનનો ભંગ થતો હોવાની દલીલ પેશ કરી છે. એટલે હવે થશે એવું કે એક તરફ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવનું મંદિર હતું એ સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડાશે અને બીજી તરફ ૧૯૯૧નો કાનૂન અન્યાયી છે એટલે એને ગેરમાન્ય ઠેરવવા (અને અન્ય પૂજાસ્થળોના મામલા કોર્ટોમાં લાવવા) માટે જંગ છેડવામાં આવશે.
અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં કહ્યું છે કે ‘દેશમાં ૯૦૦ મંદિરો એવાં છે જેમને ૧૧૯૨થી ૧૯૪૭ વચ્ચે તોડીને એના પર મસ્જિદ અથવા ચર્ચ બનાવી દેવામાં આવ્યાં હતાં. એમાંથી ૧૮નો ઉલ્લેખ તો પુરાણોમાં પણ છે. તેઓ કહે છે કે કાનૂનની આ કટ-ઑફ ડેટ વાસ્તવમાં ૧૧૯૨ હોવી જોઈએ. ટૂંકમાં, મેહબૂબા મુફ્તીના નિવેદનને યાદ કરીએ તો મંદિર-મસ્જિદના વિવાદોની એટલી મોટી યાદી તૈયાર છે કે દાયકાઓ સુધી કાનૂનના દરબારમાં અને જનતાના દરબારમાં એની દલીલો ચાલતી રહેશે.
ના કાનૂન, ના ઇતિહાસ; પણ રાજનીતિ
નોંધવા જેવું એ છે કે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં જે ઝડપે ઘટનાઓ બની છે - સ્થાનિક કોર્ટના હુકમથી સર્વે આવી ગયો, સર્વે લીક થયો, એમાં ‘શિવલિંગ’ મળી આવ્યું, સર્વોચ્ચ અદાલતે ‘શિવલિંગ’વાળો ભાગ સીલ કરવા અને બાકીના ભાગમાં નમાજ અદા કરવા હુકમ કર્યો અને છેલ્લી સુનાવણીમાં આ કેસને વારાણસી સિવિલ કોર્ટમાંથી ખસેડીને જિલ્લા કોર્ટમાં સોંપવા હુકમ કર્યો એ પરથી સ્પષ્ટ દેખાય છે કે બહુ ઝડપથી આ મામલો ગંભીર બની ગયો છે. હવે તો મથુરાની સિવિલ કોર્ટે પણ ઈદગાહ પર કૃષ્ણજન્મભૂમિ ટ્રસ્ટની અરજીને ‘મેઇન્ટેનેબલ’ ગણીને એમાંય એક નવું કાનૂની પ્રકરણ શરૂ કર્યું છે. 
છેલ્લા દોઢ વર્ષથી હિન્દુ-મુસ્લિમને લઈને દેશમાં સતત કોઈ ને કોઈ ચર્ચા-વિવાદ ચાલતાં રહ્યાં છે. ચાહે હિઝાબનો વિવાદ હોય, ધર્મસંસદ હોય, હલાલ માંસનો મુદ્દો હોય, રામનવમી અને હમુમાન જયંતીનાં તોફાનો હોય, લાઉડસ્પીકર હોય, બુલડોઝર હોય, તાજમહલ કે કુતુબ​મિનાર હોય; એવો એક પણ દિવસ પસાર થતો નથી જ્યાં ધ્રુવીકરણના, ધાર્મિક ભાવનાના અને કાયદો અને વ્યવસ્થાના સમાચારો આવતા ન હોય. એમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અચાનક સૌથી મોટો વિવાદ બની ગઈ છે. 
આગળ કહ્યું એમ ત્યાં મંદિર હોવાનો દાવો નવો નથી અને કોર્ટમાં આ મામલો ઘણા સમયથી છે, પરંતુ અયોધ્યાના ફેંસલા પછી અને ખાસ તો બીજા કોઈ પૂજાસ્થળમાં ફેરફાર કરવામાં નહીં આવે એવા કોર્ટના નિરીક્ષણ પછી કોઈને એવી આશા નહોતી કે જ્ઞાનવ્યાપીનો મુદ્દો અયોધ્યાની જેમ મોટો થઈ જશે. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ અયોધ્યાના ચુકાદા પછી વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે ‘આજનો દિવસ કડવાહટ ભૂલી જવાનો છે.’ ઇન ફૅક્ટ, મુસ્લિમો સહિત બહુમતી લોકોએ પણ એક પીડાદાયક પ્રકરણ પૂરું થયું છે એમ માનીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. 
એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પણ એવું પૂછવામાં આવ્યું હતું કે શું સંઘ હવે વારાણસી અને મથુરાનો મુદ્દો ઉઠાવશે? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અયોધ્યાની ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોવાથી એક સંગઠન તરીકે સંઘ એમાં જોડાયો હતો. એ એક અપવાદ હતો. હવે અમે માનવીય વિકાસનાં કામોમાં ધ્યાન આપીશું.’
જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને જે રીતે હેડલાઇન્સ આવી રહી છે એ જોતાં તો એવું લાગે છે કે પૂજાસ્થળ કાનૂનને રદ કરવા માટે અને દેશમાં મંદિરોની પુન: સ્થાપના કરવા માટેની એક વ્યવસ્થિત ઝુંબેશ છેડાઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશાં ‘જનતાની ભાવના’ને સર્વોપરી માનીને માથે ચડાવતી આવી છે. એવું લાગે છે કે જનતાની ભાવના ફરી એક વાર જાગી રહી છે. કોર્ટમાં આ મુદ્દાનું જે થવું હોય એ થાય, બીજેપી માટે તો કાશી-મથુરાની નવી ઝાંખી ઊઘડી રહી છે. 

22 May, 2022 04:01 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે

26 June, 2022 01:35 IST | Mumbai | Raj Goswami

અગ્નિપથ : અશ્રુ સ્વેદ રક્ત સે લથપથ

એ વખતે તેમની પાછળ ‘ગંગા જમુના સરસ્વતી’, ‘તૂફાન’, ‘જાદુગર’ અને ‘મૈં આઝાદ હૂં’ જેવી નિષ્ફળ ફિલ્મોની ‘લાશ’ પડેલી હતી.

25 June, 2022 01:38 IST | Mumbai | Raj Goswami

ટીવી ચૅનલોનો અગ્નિપથ : હવે મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા કરશે?

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સૅક્રેડ ગેમ્સ’માં એક સંવાદ હતો : દુનિયા કી બાઝાર મેં ધરમ હી સબસે બડા ધંદા હૈ. આ લાઇન ટીવી ચૅનલો માટે એકદમ ફિટ બેસતી હતી.

19 June, 2022 02:13 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK