વધારે પડતું જન્ક ફૂડ ખાવાને કારણે ઉત્તર પ્રદેશની આહનાનાં આંતરડાં સૂજી ગયાં, દિલ્હીની હૉસ્પિટલમાં લાવવામાં આવી એ છતાં ન બચી
આહના
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની ૧૧મા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની આહનાનું ફાસ્ટ ફૂડના વધુપડતા સેવનને કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં સારવાર દરમિયાન આહનાએ ૨૧ ડિસેમ્બરે છેલ્લા શ્વાસ લીધા હતા. તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. તેના પર ઉપચાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી જન્ક ફૂડ ખાવાથી તેનાં આંતરડાંને ભારે નુકસાન થયું હતું.
આહના અમરોહાના નાગર કોતવાલી વિસ્તારના અફઘાન મોહલ્લાની રહેવાસી હતી અને હાશ્મી ગર્લ્સ ઇન્ટર કૉલેજમાં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેને ચાઉમીન, મૅગી, પીત્ઝા અને બર્ગર જેવું ફાસ્ટ ફૂડ ખાવાનું ગમતું હતું અને એનું જાણે વ્યસન થઈ ગયું હતું. ૨૮ નવેમ્બરે આહનાની તબિયત અચાનક બગડી હતી. તેને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો. તેને અમરોહાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પણ દુખાવામાં રાહત નહીં મળતાં તેને મુરાદાબાદ લઈ જવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેનાં આંતરડાં ખરાબ થઈ ગયાં હતાં અને તેનું પેટ પ્રવાહીથી ભરાઈ ગયું હતું. મુરાદાબાદમાં ઑપરેશન કરીને તેના પેટમાંથી ૭ લીટર પ્રવાહી કાઢવામાં આવ્યું હતું અને છેવટે તેને દિલ્હી લાવવામાં આવી હતી.
ADVERTISEMENT
ડૉક્ટરોના મતે ફાસ્ટ ફૂડના વધુપડતા સેવનથી તેને આંતરડાની ગંભીર સમસ્યાઓ થઈ હતી. આંતરડાં સાફ કરવા માટે સર્જરી કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થિનીનો જીવ બચાવી શકાયો નહોતો.


