વધુપડતી માહિતીઓથી ભરાયેલું મગજ વધુપડતું વિચારે એ સહજ છે જેને કારણે મગજ અને મન બન્ને લૉજિક અને ઇમોશનના હથિયાર લઈને એકબીજા સામે યુદ્ધે ચડેલાં જ રહે છે. આજે એવા જ એક યુદ્ધની વાત...
પ્રતીકાત્મક તસવીર
આજના મનુષ્યનું મગજ અઢળક માહિતીઓથી લદાયેલું છે, જેને લીધે ઍવરેજ બાવન ટકા લોકો ઓવરથિન્કર બની ગયા છે. કંઈ પણ કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારે છે કે આ કરવાનું કે નહીં, કરીએ એનાથી શું થાય અને ન કરીએ તો શું. એના ચક્કરમાં ઘણુંબધું છૂટી જાય છે પણ આ ઓવરથિન્કિંગને કારણે અમુક ઊંડાણ જીવન તમને આપે છે. જેટલું વધુ જાણો એટલા વધુ કન્ફ્યુઝ થાઓ એ જ્ઞાનનો નિયમ છે. સાચું શું અને ખોટું શું એ સમજવું દિવસે ને દિવસે અઘરું થતું જાય છે. મગજ અને મન બન્ને લૉજિક અને ઇમોશનનાં હથિયાર લઈને એકબીજા સામે યુદ્ધે ચડેલાં જ રહે છે. આ સતત ચાલતી લડાઈના પરિણામસ્વરૂપ કેટલાક એવા અનુભવો થાય છે જે તમને ઊંડાણ સાથે કંઈક શીખવી જાય છે. આ લડાઈની એક ઝલક માટે જીવનનો એક જૂનો એપિસોડ રિપ્લે કરું તમારી સામે.
૨૦૧૨માં ‘કાનજી વિરુદ્ધ કાનજી’ નાટકમાંથી ઇન્સ્પિરેશન લઈને બનેલી સુપરહિટ ફિલ્મ ‘ઓહ માય ગૉડ’ રિલીઝ થઈ હતી, જેમાં પરેશ રાવલે હૃદયસ્પર્શી વાત કરી હતી કે મંદિરમાં પથ્થર પર દૂધ ચડાવવાને બદલે એક ગરીબને તમે દૂધ આપો પીવા માટે એ વધુ સારું કહેવાય. વાત તેમની ૧૦૦ ટકા સાચી હતી એટલે મગજમાં ઘર કરી ગઈ હતી, પણ ત્યારે મનમાં પ્રશ્નોનું યુદ્ધ શરૂ થયું. નાનપણથી પૂજા કરતી વખતે આપણને આ વાત કેમ ન સૂઝી? ચાલો, ન સૂઝી પણ હવે શું? હવે પહેલાંની જેમ મારાથી પૂજા નહીં થઈ શકે. સતત અપરાધભાવ આવશે કે કંઈ તો ખોટું કરી રહ્યા છીએ આપણે. મગજ તો કહેતું હતું કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, દૂધ તેમને ખપે નહીં. પણ જે મન નાનપણથી ભગવાનને દૂધ ચડાવીને શાંત થતું હતું, જે પૂજાનું સુખ પામતું હતું, ભગવાન સાથે કનેક્શન ફીલ કરતું હતું એનું શું?
ADVERTISEMENT
તો એનો વચગાળાનો રસ્તો કાઢ્યો. જનસેવા એ જ પ્રભુસેવા આ નિયમ મુજબ પ્રભુ સાથે કનેક્શન માણસો દ્વારા સાધીશું એમ વિચારીને મેં પરેશભાઈની સલાહ મુજબ ગરીબ લોકોને દૂધ પીવડાવવાનું નક્કી કર્યું, પણ ચડાવવાનું દૂધ તો નાનકડી ટબૂડી જેટલું હોય. જો પીવડાવવું જ છે તો વધારે પીવડાવીએ એમ વિચારીને નક્કી કર્યું કે બે લીટર દૂધ તો લેવું જ જોઈએ. હવે તકલીફ ત્યાં પડી કે મંદિરે જે દૂધ ચડાવતા હતા એ તો મંદિરની બાજુની ડેરીમાં સીધો લોટો લઈને જતા અને કહેતા કે દસનું દૂધ આપો. એ ભાઈ આપી દેતા. હવે બે લીટર દૂધ તો પ્લાસ્ટિકની થેલીમાં લેવું પડશે. આ સાથે મગજનો પર્યાવરણ સંબંધિત જાગૃતિનો પટારો ખૂલી ગયો, જેમાંથી નીકળેલી માહિતી મુજબ પ્લાસ્ટિકની થેલી તો પર્યાવરણ માટે કેટલી ખરાબ ગણાય. આ રીતે તમે પ્લાસ્ટિકના વેસ્ટમાં વધારો કરી રહ્યા છો. એ પ્લાસ્ટિકની થેલી જ્યારે સમુદ્રમાં કોઈ માછલીના કે ઉકરડામાંથી ખાવાનું શોધતા કોઈ પ્રાણીના પેટમાં ગઈ અને એને જે નુકસાન થાય એની જવાબદારી કોની? દૂધ ખરીદવા માટે ભગવાન સાથે કનેક્શન બનાવવાના ચક્કરમાં તમે કોઈ પ્રાણીને હાનિ પહોંચાડો તો તમે ભગવાનને ખુશ કરી રહ્યા છો કે દુખી? મગજે આ પ્રશ્ન ઊભો કર્યો એટલે નક્કી કર્યું કે જીવનમાંથી સદંતર પ્લાસ્ટિકને હટાવી ભલે ન શક્યા પરંતુ દૂધ પીવડાવવા જેવા સારા કામમાં આપણે પ્લાસ્ટિક તો વચ્ચે નહીં જ આવવા દઈએ; દૂધના વિતરણમાં પણ પ્લાસ્ટિકના ગ્લાસ નહીં, પેપરના ગ્લાસ વાપરીશું. ત્યાં જ તરત માહિતીનો ઓવરલોડ જેના પર થયો છે એ મગજ બોલે કે પેપર પણ ઝાડમાંથી જ બને છે અને ઝાડ કપાય તો કુદરતને નુકસાન થાય, પણ હવે વિતરણ માટે કંઈક તો જોઈશે જને? જે મળે સામે તેને તો કહેવાતું નથી કે તમે તમારો ગ્લાસ લઈ આવો. હે ભગવાન, સાચા રસ્તે ચાલવું કેટલું અઘરું છે. પેપરના ગ્લાસનો ઑલ્ટરનેટિવ મળ્યો નહીં પણ દૂધને ડેરીથી મિલ્ક-કૅનમાં લાવીશ એમ વિચાર્યું. ત્યાંથી લાવી, ખાંડ ઉમેરી, ગરમ કરીને ફરી નવશેકું થાય એટલી રાહ જોઈને કૅનમાં ભરી હું દૂધ-વિતરણ કરવા નીકળી જેમાં વધુ નહીં પણ એકાદ કલાક તો જતો જ રહેલો. પૂજામાં તો ૧૦ મિનિટ થાય અને આમાં તો... એવી મગજની ગણતરીને મેં નજરઅંદાજ કરી.
ચાર રસ્તે જે લોકો રોડ પર સૂતા હોય છે તેમનાં બાળકોને દૂધ આપીશ એમ વિચારી હું ઘરેથી નીકળી. ત્યાં પાછું મારું બોલકું મગજ કહેવા લાગ્યું : તને ખબર તો છે કે આ લોકો ગરીબ નથી. તેમની પાસે ઘર છે. એ રેન્ટ પર ચડાવીને એ લોકો અહીં રહે છે. તેમનું એક નેટવર્ક હોય છે. એક ભિખારી એક મહેનતકશ માણસ કરતાં વધુ કમાય છે. તેમને ભીખ આપી તમે તેમને પરાવલંબી બનાવી રહ્યા છો વગેરે.. વગેરે..
મારા મને મારા મગજને આ વખતે લૉજિકથી જ ચૂપ કરવાનું નક્કી કર્યું. મેં એને કહ્યું કે ભગવાન પાસે આપણે બધા પણ ભીખ જ માગીએ છીએ. તો આપણે બધા પણ ભિખારી જ થયાને? મારી પાસે છે તો પણ એનાથી વધુ મને જોઈએ જ છેને. વળી હું તો પૈસા નથી આપી રહી કે જેનો મિસયુઝ થઈ શકે. અન્નદાન તો શ્રેષ્ઠ દાન કહેવાય. આ દલીલથી મગજ બે મિનિટ શાંત બેઠું.
ચાર રસ્તા પર બે છોકરાઓ મસ્તી કરતા દેખાયા. મેં તેમને પૂછ્યું કે દૂધ પીશો? એ છોકરાઓએ સામેથી પૂછ્યું કે પેપ્સી છે? કઈ રીતે જન્ક ફૂડ આ દેશની નવી પેઢીને બરબાદ કરી રહ્યું છે એ લેખ લખતી વખતે મને કોઈ અંદાજ નહોતો કે રોડ પર રહેતી ગરીબ કુપોષિત પ્રજા સુધી પણ કોલા ડ્રિન્ક્સ પહોંચી ગયાં છે. ત્યાં તેની મા દોડતી આવી. તેણે કહ્યું, હા, આપો. તેમને દૂધ આપ્યું ત્યાં આ બાજુ ભીડ જોઈને સિગ્નલથી બીજી બાજુના લોકો દોડીને મારી પાસે આવ્યા. તેમના હાથમાં ખાલી બૅરલ્સ હતાં. તેમણે પૂછ્યું, તમે પાણી આપવા આવ્યાં છો? મેં કહ્યું ના, હું તો દૂધ આપી રહી છું. નાનપણમાં એવી વાર્તાઓ સાંભળતા હતા કે રાજાને ત્યાં રાજકુમાર પાણી માગે તો દૂધ હાજર થાય એવી જાહોજલાલીમાં મોટા થયા હોય. પણ મારી સામે તો બધા રંક હતા. તેમણે પાણી માગ્યું, એના બદલે મેં દૂધ ધર્યું. પણ તેમને એ પીવું જ નહોતું. એમાંથી એકની માએ કહ્યું કે ૩ દિવસથી પાણીની સમસ્યા છે, બાજુના બિલ્ડિંગમાંથી ભરતા હતા, તેમણે અમને ના પાડી દીધી. હું તેમની વાત સમજું એ પહેલાં તેમણે કહ્યું, લાવ જલદી. મેં તરત ગ્લાસ ભર્યો પણ ત્યાં સામેથી એક રાડ આવી, અહીં પાણી ભરવા દે છે. મારા આપેલા દૂધનો ગ્લાસ અડધો પી શકી હતી તે, બાકીનો પીવામાં તેને સમય વેડફવો નહોતો. એને ત્યાં જ ફેંકીને તે બહેન ભાગી. હું સ્તબ્ધ થઈને ઢોળાયેલું દૂધ જોઈ રહી.
ભગવાન પણ આપણને અઢળક આપે છે પણ તે જે આપે છે એ હંમેશાં પામી નથી શકતા આપણે, કારણ કે આપણે કોઈ બીજી વસ્તુઓ તરફ ભાગતા હોઈએ છીએ. જુદા-જુદા ચાર રસ્તે ફરીને મેં એ બે લીટર દૂધ પૂરું કર્યું, જેમાં બે કલાક નીકળી ગયા. કોઈને સાબુ જોઈતો હતો તો કોઈને કપડાં, કોઈને પૈસા તો કોઈને બીડી. બધાને મેં કહ્યું કે મારી પાસે દૂધ છે, એના સિવાય અત્યારે હું કંઈ આપી શકું એમ નથી. એવું બધાને બોલતાં-બોલતાં ઘણી બેબસ થઈ ગયેલી હું. મગજે કહ્યું કે ભગવાન પણ આવો જ બેબસ થઈ જતો હશે જ્યારે આપણે તેની પાસે બધું માગ-માગ કરીએ. એના જવાબમાં તરત મન બોલ્યું કે હું માણસ છું, હું એ જ આપી શકું જે મારી પાસે છે. એ તો ભગવાન છે ને એટલે તે આપી શકે. મગજે તરત વ્યંગ કસ્યો, એ તો આપી શકે, પણ તારી લાયકાત?
આ મગજનો ખૂબ ત્રાસ છે મારા જીવનમાં. કેટલા વિચારો કરાવડાવે છે? દૂધ ચડાવવાનું મુકાવી દીધું, ભગવાન પાસે ભીખ માગતી પણ અટકાવી દીધી. હવે ઈશ્વર જે મારી સામે ધરે છે એ મનથી માથે ચડાવી લઉં છું, પ્રસાદ સમજીને.
