આપણાં શાસ્ત્રો અને સંસ્કૃતિમાં ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે અને મારું દૃઢપણે માનવું છે કે ગૌમાતાની પ્રત્યક્ષ સેવા એ ભગવાનની મૂર્તિપૂજા કરતાં પણ ઉત્તમ છે.
શ્રી મા ભરત ઠક્કર
આપણાં શાસ્ત્રો અને સંસ્કૃતિમાં ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે અને મારું દૃઢપણે માનવું છે કે ગૌમાતાની પ્રત્યક્ષ સેવા એ ભગવાનની મૂર્તિપૂજા કરતાં પણ ઉત્તમ છે. આપણા ધર્મમાં સવારે રસોઈ બને ત્યારે પહેલી રોટલી ગાયને આપવાની પરંપરા રહી છે, પરંતુ શહેરીકરણ અને બદલાતા જમાનામાં શહેરોમાં ગાયો દેખાતી બંધ થતાં હવે ભાગ્યે જ કોઈ ઘરમાં આ પ્રથા જીવંત રહી છે. જોકે લોકો ઘરમાં ગાયના ઘાસચારા માટે દાનપેટી રાખતા થયા છે એ સરાહનીય છે. પરિવાર કે મિત્રો સાથે હોટેલમાં જઈએ તો એક જ વારમાં ૮૦૦-૧૦૦૦ રૂપિયા સહેલાઈથી વાપરી નાખીએ છીએ, જ્યારે આટલા જ પૈસામાં એક ગાયનો આખો મહિનો નીકળી જાય છે. આ વર્ષે કચ્છ અને ગુજરાતમાં દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિ છે. આ સંજોગોમાં અબોલ જીવો અને નિરાધાર ગૌવંશને આશ્રય આપવા વધુમાં વધુ આર્થિક સહયોગ પહોંચાડવાનો પ્રયાસ કરીએ. જોકે, ગાયોની સંભાળ માટે માત્ર ઘાસચારો કે મેડિકલ સારવારની સુવિધા ઊભી કરી દેવાથી હેતુ સંપૂર્ણપણે સિદ્ધ નથી થતો.
મારી માતાના આદેશથી ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છના અંતરિયાળ વિસ્તારમાં ગૌશાળાનું નિર્માણ કર્યું છે, જ્યાં ૮૦૦ જેટલી ગાયોનો નિભાવ થઈ રહ્યો છે. મુંબઈમાં પણ સક્રિયપણે કાર્યરત છું. ગૌશાળાના સંચાલન અને ગાયોના સ્વાસ્થ્ય પાછળ રહેલા ગંભીર પડકાર તરફ આજે સૌનું ધ્યાન દોરવા માગું છું. ગાયોને માત્ર ઘાસચારો જ નહીં, હરવા-ફરવા અને ચરવા માટે ખુલ્લી જમીનની પણ જરૂર હોય છે. ગાય જો મુક્તપણે હરે-ફરે તો માંદી ન પડે. સાંકડી જગ્યામાં ગૌશાળા ઊભી કરી દેવાથી ગાયો હરીફરી શકતી નથી અને બીમાર પડે છે. ભારતનું કોઈ પણ રાજ્ય હોય, વધતા શહેરીકરણ અને વિકાસની દોટને કારણે જમીનની અછત સર્જાઈ છે. જમીનના માલિકોને થાય છે કે ગાયને રાખવાથી શું મળવાનું છે? બધાને જમીનમાંથી કમાઈ લેવું છે. પરિણામે ભારતભરમાં ગૌશાળાની અંદર ગાયોની કાળજી લેવી એ એક ચૅલેન્જ બની ગઈ છે. રસ્તે રઝળતી ગાયો માટે અમે સરકાર પાસે અપીલ કરી છે કે ગૌશાળાઓ માટે પૂરતી ગોચર જમીન ફાળવવામાં આવે, જેથી ગાયોને તમામ સુવિધા મળી રહે. સેવાના આ કાર્ય સાથે જોડાયેલા સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓ પૌષ્ટિક પશુઆહાર માટે ઘરમાં દાનપેટી રાખે છે એવી જ રીતે હવે એક પેટી જમીન ખરીદવા પૈસા ભેગા કરવા માટે પણ રાખવી જોઈએ, કારણ કે સેવાનાં કોઈ પણ કાર્યો પૈસા વિના પાર પડતાં નથી. તમારી પાસે ગામમાં વાડી કે ખેતર હોય અને શહેરમાં સુખી જીવન જીવતા હો તો એ જમીનનો મોહ છોડીને ગૌશાળા માટે દાનમાં આપો. સૌના સાથ-સહકાર અને સંવેદનાથી જ અબોલ જીવોનું રક્ષણ થઈ શકશે.
ADVERTISEMENT
- શ્રી મા ભરત ઠક્કર
શ્રી મા ભરત ઠક્કર ગાયોની સેવા માટે કાર્યરત શ્રી મા ગ્રુપ ચૅરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અને મૅનેજિંગ ટ્રસ્ટી છે.
