મને ક્યારેય ૭૦ ટકા કરતાં વધુ માર્ક્સ આવ્યા જ નથી.
તુકારામ મુંઢે
પોતાનાં સંતાનો પર પરીક્ષામાં વધુ માર્ક્સ લાવવાનું પ્રેશર કરતા વાલીઓને મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ સોનેરી સલાહ આપી છે. પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં તુકારામ મુંઢેએ વાલીઓને કહ્યું હતું કે ‘હું જોઉં છું કે અહીં વાલીઓ પણ હાજર છે. તમારાં બાળકો દસમા કે બારમા ધોરણની પરીક્ષા આપતાં હોય તો આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ એવું દબાણ તેમના પર ન કરવું. લોકો ૯૯.૯૯ ટકા આવવા જ જોઈએ એવી અપેક્ષા પણ રાખતા હોય છે. મને ૯૯.૯૯ તો દૂરની વાત છે, ક્યારેય ૭૦ ટકા કરતાં વધારે માર્ક્સ આવ્યા નહોતા. દસમા ધોરણમાં મને ૬૯ અને બારમામાં મને ૭૦ ટકા મળ્યા હતા. બધા સાયન્સ લેતા હતા એટલે મેં પણ સાયન્સ લીધું હતું અને મને એમાં ઓછા માર્ક્સ આવ્યા તો મારી કરીઅર પૂરી નહોતી થઈ. તમને કેટલા માર્ક્સ આવે છે એનાથી તમારી કરીઅર નક્કી થતી નથી. હું ફરી કહું છું કે માર્ક્સથી તમારી કરીઅર નથી નક્કી થતી એટલે ફક્ત માર્ક્સ માટે વાલીઓ બાળકો પર પ્રેશર નાખે એ ખોટું છે.’
