સ્કૂલ અને ટ્યુશનમાં જે શીખવવામાં આવે એને ઘરે ફરીથી જોઈ-જોઈને લખીને આવવાનો ટાસ્ક વિદ્યાર્થીઓ માટે સૌથી બોરિંગ અને અઘરો હોય છે. આવા કૉપી-પેસ્ટ મેથડના હોમવર્કને બદલે હવે ફન-ઍક્ટિવિટી કરીને આપવામાં આવતા શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
સ્કૂલ જતા વિદ્યાર્થીઓ માટે એક જમાનામાં કંટાળાજનક અને માથાનો દુખાવો લાગતું હોમવર્ક ધીમે-ધીમે ક્રીએટીવિટીનું સાધન બની રહ્યું છે. એક સમય હતો કે હોમવર્ક એટલે ફક્ત પુસ્તકમાંથી જોઈ-જોઈને રટ્ટો મારવા માટે ઉતારો કરવો; પણ હવે નવી શિક્ષણનીતિ, ડિજિટલ સાધનો અને બદલાતી શિક્ષણપદ્ધતિઓને કારણે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ્સ, પ્રયોગો અને ક્રીએટિવ ટાસ્ક પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે જે તેમના જીવનના દરેક તબક્કે કામમાં આવે. શાળામાં ભણતાં બાળકોને આપવામાં આવતા હોમવર્કની પૅટર્ન ક્રીએટિવ અને સ્માર્ટ બની છે કે નહીં? જો બની છે તો એ બાળકોના પર્સનલ ડેવલપમેન્ટમાં કઈ રીતે અસર કરી રહી છે એ વિશે ઇન્ટરનૅશનલ સ્કૂલના ટીચર્સ અને એજ્યુકેશનિસ્ટો પાસેથી જાણીએ અને આ નવા કન્સેપ્ટને સમજીએ.
રિયલ વર્લ્ડ સાથે કનેક્ટ કરે ક્રીએટિવ લર્નિંગ
ADVERTISEMENT
બોર્ડ પર ઉતારો કરીને એ જ કન્ટેન્ટને બીજી બુકમાં ઉતારો કરવાની ટ્રેડિશનલ હોમવર્ક સ્ટાઇલ અને ફન-ઍક્ટિવિટી સાથે ક્રીએટિવ ટાસ્ક આપીને થતા હોમવર્ક વચ્ચેનો તફાવત સમજાવતાં એજ્યુકેશન ફીલ્ડમાં બે દાયકા કરતાં વધુનો અનુભવ ધરાવતાં વરલી ખાતે આવેલી પોદાર ઇન્ટરનૅશનલ સ્કૂલનાં શિક્ષિકા પ્રીતિ રાવલ કહે છે, ‘ગણિત જેવા સબ્જેક્ટની ફૉર્મ્યુલા યાદ રખાવવા રટ્ટા મરાવવામાં આવે તો વિદ્યાર્થીઓને બોરિંગ લાગશે. ભણતી વખતે અને સમજતી વખતે કંટાળો આવશે, પણ આ જ વિષયને જો વિદ્યાર્થીઓને ટાસ્ક આપીને સમજાવવામાં આવશે તો તેઓ શીખશે. નૉર્મલી સ્કૂલમાં પિરિયડ ચેન્જ થાય અને ખબર પડે કે ગણિતનો વિષય છે તો જ્યારે ટીચર ક્લાસરૂમમાં પ્રવેશે તો સ્ટ્રેસમાં આવી જાય છે. હું આઠમા ધોરણનાં બાળકોને મૅથેમૅટિક્સ શીખવાડું છું અને જ્યારે ક્લાસરૂમમાં એન્ટર થાઉં તો વિદ્યાર્થીઓના ચહેરા ખીલેલા હોય છે. એવું એટલા માટે થાય છે કે હું ફક્ત પુસ્તકમાં ભણાવીને દાખલા બોર્ડ પર ઉતારવાને બદલે હકીકતમાં એ પરિસ્થિતિ ઊભી કરું છું. ક્લાસરૂમમાં જગ્યા હોય એને મેઝરમેન્ટથી માપવાનું કહું, જો પિલર કે ટેબલ આવે તો એ યુઝ થયેલી જગ્યાને માઇનસ કરીને ખાલી જગ્યાને કઈ રીતે માપી શકાય એ શીખવાડું છું. સ્કૂલમાં ડેમો દેખાડીને વિદ્યાર્થીઓને પોતાના ઘરમાં માપ લેવાનું અસાઇનમેન્ટ આપું છું. જો કલર કરાવવો હોય તો એક દીવાલમાં કેટલો કલર લાગી શકશે એના આધારે ખર્ચ કેટલો થશે એ શીખવાડું. જ્યારે રેશિયો-પ્રપોર્શન ભણાવું ત્યારે પણ આવાં જ ઉદાહરણો સાથે ભણાવું. જો તમે લીંબુ શરબત બનાવ્યું અને ઘરે પાંચ મહેમાન આવ્યા તો પ્રત્યેક ગ્લાસમાં કેટલું શરબત નાખશો? આ રીતે ગણિત સમજાવવાથી અભ્યાસક્રમની સાથે રિયલ લાઇફમાં કામ આવતી બાબતો પણ શીખી જાય છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી થાય તો તે મૂંઝાય નહીં. આજથી દાયકા પૂર્વે ભણાવવાની પદ્ધતિ અને અત્યારની ટીચિંગ સ્ટાઇલમાં ઘણા ફેરફાર આવ્યા છે. હોમવર્ક ઍક્ટિવિટી જેવું લાગશે તો વિદ્યાર્થીઓ હોંશે-હોંશે શીખવા પણ રાજી થશે, ઍક્ટિવિટીમાં પાર્ટ પણ લેશે અને આ પ્રોસેસને એન્જૉય પણ કરશે. આ ક્રીએટિવ ટાસ્કની સ્ટાઇલથી ભણાવવામાં આવે વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ પ્રેશર નથી આવતું. હસતાં-રમતાં ભણી લે છે. આમ થવાથી પેરન્ટ્સને બાળકને જબરદસ્તી બાજુમાં બેસીને ભણાવવાનું સ્ટ્રેસ ઓછું થાય છે. આ રીતે ભણાવવાથી હિસ્ટરી અને મૅથેમૅટિક્સ જેવા ન ગમતા સબ્જેક્ટ ગમવા લાગે છે. બાળકોની સર્જનાત્મકતા વધશે. તેઓ પોતાની અંદર રહેલી પ્રતિભાને ઓળખીને કરીઅર સંબંધિત નિર્ણયો માટે પેરન્ટ્સ કે બીજી કોઈ વ્યક્તિ પર નિર્ભર રહેતા નથી.’
ટાસ્કને કારણે શીખવાની મજા બમણી થાય છે
કેમ્બ્રિજ સર્ટિફાઇડ એજ્યુકેટર અને ટ્રેઇન્ડ ગ્લોબલ પ્રોફાઇલ સ્ટ્રૅટેજિસ્ટ હેમાંગી શાહ સ્કૂલના વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્તરે કરીઅર અને પ્રોફાઇલ ડેવલપમેન્ટનું ગાઇડન્સ આપે છે અને ઇન્ટરનૅશનલ બોર્ડના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય શીખવે છે. ક્રીએટિવ લર્નિંગને લીધે બાળકોમાં કયા ફેરફાર આવે છે એ વિશે તેઓ કહે છે, ‘જ્યારે હું ટીચર્સ ટ્રેઇનિંગનો કોર્સ કરતી હતી ત્યારે મને રિયલાઇઝ થયું કે શિક્ષક ફક્ત તેમની ભણાવવાની ડ્યુટી પૂરી કરે છે, પણ વિદ્યાર્થીઓને સમજાય છે કે નહીં એના પર ધ્યાન અપાતું નથી. ત્યારથી જ મેં નક્કી કર્યું કે હું રટ્ટા મરાવીને બાળકોને પાકું કરાવવાની સ્ટાઇલને બદલે ક્રીએટિવ રીતે શીખવાડીશ. મારા ક્લાસમાં ઇન્ટરનૅશનલ સ્કૂલનાં બાળકો ઇંગ્લિશ શીખવા આવે છે અને તેમને હું સ્ટોરી–રાઇટિંગ શીખવાડું ત્યારે એ લોકોની ક્રીએટિવિટીને બહાર લાવવાની કોશિશ કરું છું. ફેબ્લર નામની એક ગેમ છે જેમાં દરેક વિદ્યાર્થીને એક કાર્ડ આપવામાં આવે અને એમાં એક શબ્દ લખેલો હોય અને પાંચ બાળકોની ટીમ બનાવું એટલે પાંચ શબ્દ ભેગા કરીને કેવી રીતે સ્ટોરી બને એ તેમણે વિચારવાનું હોય. આ ઍક્ટિવિટીમાં બાળકોને બહુ મજા આવે. પાંચમા-છઠ્ઠા ધોરણનાં બાળકોને હું આ ઍક્ટિવિટી કરાવું. શબ્દકોશને ડેવલપ કરવા માટે થીમ પ્રમાણે ડમ શેરડ્સ રમાડું. એમાં દરેક વિદ્યાર્થીને એ થીમના હિસાબે શબ્દ કહેવાનો હોય અને એનો અર્થ સમજાવાનો હોય. આવા ટાસ્ક હોમવર્ક તરીકે ઘરે પણ કરવા આપું જેથી પેરન્ટ્સ પણ બાળકોની ઍક્ટિવિટીમાં જોડાય. તેમને પણ ખબર પડે કે મારું સંતાન ક્લાસમાં શું શીખી રહ્યું છે. ક્રીએટિવ લર્નિંગથી ફાયદો એ થાય છે બાળક અન્ડર–કૉન્ફિડન્ટ નથી રહેતું. તેમની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા, પ્રેઝન્ટેશન સ્કિલ, લાઇફ–સ્કિલ્સ, પ્રૉબ્લેમ-સૉલ્વિંગ સ્કિલ્સ સારી થાય છે. તર્કશક્તિનો વિકાસ થાય છે.’
રટ્ટામાર કલ્ચરથી ગેમ્સથી શીખવાડવાની પદ્ધતિ બહુ સારી ભારતમાં શિક્ષણની નવી નીતિ લાગુ થયા બાદ આવેલા ફેરફાર વિશે આંતરરાષ્ટ્રીય સ્તરનાં એજ્યુકેશનિસ્ટ અને કરિક્યુલમ નિષ્ણાત કિન્નરી કોટેચા શાહ કહે છે, ‘CBSE અને ICSE બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ ક્રિટિકલ થિન્કિંગ કરે, રિયલ વર્લ્ડ પ્રૉબ્લેમને જોઈને એમાં સૉલ્વ કરવાની ક્ષમતા કેળવાય એ મુજબ હવે નવી શિક્ષણનીતિ હેઠળ નવાં પુસ્તકો ડિઝાઇન કરવામાં આવ્યાં છે. ધારો કે તેમને હવા કે પાણીના પ્રદૂષણના વિષય પર પ્રોજેક્ટ કરવાનો ટાસ્ક આપ્યો હોય એમાં અમુક ફિક્સ સવાલો પૂછેલા હોય છે. તમે પ્રોજેક્ટ બનાવતી વખતે તમારા ઘરની આસપાસ શું નોટિસ કર્યું? આનાથી આસપાસ શું થાય છે એ જાણવાની, સમજવાની, નિરીક્ષણ કરવાની ક્ષમતા કેળવાશે. રટ્ટો મારીને અને હોમવર્ક કરીને પેજ ભરવા કરતાં વિષયના હિસાબે
અલગ-અલગ ટાસ્કની મદદથી બાળકોમાં એના વિશે જાણવાની જિજ્ઞાસા વધશે અને એનાથી તે વધુ શીખશે. આ ઉપરાંત અત્યારે બાળકોમાં વધી રહેલા સ્ક્રીન-ટાઇમને ઓછો કરવામાં પણ મદદ મળે છે. દરેક બાળકમાં સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ હોય છે, પણ સ્કૂલમાં જે રીતે ભણાવાતું હતું એનાથી તેમની ક્રીએટિવિટી બહાર આવતી નહોતી. જાણીતા બ્રિટિશ લેખક અને શિક્ષણ સુધારક સર કૅન્ટ રોબિન્સને શિક્ષણપદ્ધતિ વિશે કહ્યું હતું કે ‘સ્કૂલિંગ ઇઝ કિલિંગ ધ ક્રીએટિવિટી ઑફ ધ ચાઇલ્ડ’. ટીચર્સ ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં અમને શીખવવામાં આવે છે કે દરેક બાળકમાં યુનિક ટૅલન્ટ હોય છે, આપણે એને કેળવવાની છે. ફન-ઍક્ટિવિટી અને નાની-મોટી ગેમ્સ રમાડીને શીખવવામાં આવે તો તેમની ક્રીએટિવિટી બહાર આવે છે.’
પેરન્ટ્સ અને ટીચરે થોડી સમજ કેળવવી પડશે
ભારત અને UAEના ૫૬૦થી વધુ સ્કૂલ-શિક્ષકોને તાલીમ આપનારાં અને નવી શિક્ષણપદ્ધતિ, ક્રીએટીવ લર્નિંગ અને લાઇફ-સ્કિલ્સ ડેવલપમેન્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશા આપનારાં કિન્નરી ક્રીએટિવ લર્નિંગમાં શિક્ષકો અને પેરન્ટ્સનો શું રોલ હોય છે એ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, ‘શિક્ષકનો રોલ હવે પૂર્ણપણે બદલાઈ ગયો છે એમ કહી શકાય. શું થાય છે એને બદલે શેના માટે, શા માટે અને કેવી રીતે થાય છે એ રીતે બાળકોને શીખવવું જરૂરી છે. શિક્ષકોને પણ બાળકો માટે સતત શીખતાં રહેવું પડે છે. એક બુકમાંથી વાંચીને બાળકોને ભણાવી લીધું એટલે આપણો રોલ પૂરો થઈ ગયો એવું ન હોવું જોઈએ. બદલાતા સમયની સાથે નવી ચીજો શીખવી અને શીખવવી જોઈએ એમાં શીખવવાની પદ્ધતિ પણ ચેન્જ થતી રહે છે. ક્રીએટિવ લર્નિંગ હજી પણ અમુક સ્કૂલમાં જ અપ્લાય થયું છે. મોટા ભાગની એવી સ્કૂલ છે જ્યાં પહેલાંની જેમ કૉપી-પેસ્ટ મેથડથી જ શીખવવામાં અને હોમવર્ક આપવામાં આવી રહ્યું છે. એને ચેન્જ કરવાની તાતી જરૂર છે. રહી વાત પેરન્ટ્સની, તો ઘણા પેરન્ટ્સ અત્યારે બહુ સ્માર્ટ રીતે તેમનાં બાળકોને હૅન્ડલ કરે છે. સ્કૂલમાંથી બાળકોને કોઈ ટાસ્ક આપવામાં આવે તો એને નિષ્ઠાથી પૂરો કરવાને બદલે ગૂગલ અને ચૅટGPT જેવાં ડિજિટલ ટૂલ્સ અને ટેક્નૉલૉજીનો સહારો લઈને એ પૂરો કરાવી નાખે છે. પ્રોજેક્ટ આપવામાં આવે તો એ બહારથી બેથી ત્રણ હજાર રૂપિયા આપીને પૂરો કરાવે છે. ઘણી વાર તેમને હોમવર્ક પણ કરી આપે છે. આવું કરવાથી બાળક શું શીખ્યું? આ ઍક્ટિવિટી ડિઝાઇન કરવાનું મૂળ કારણ બાળક સમજે, વિચારે અને એના પર પોતાનું મંતવ્ય બનાવે એ હતું, પણ પેરન્ટ્સનું આવું વલણ બાળકોનો વિકાસ નહીં કરે. શિક્ષકની સાથે પેરન્ટ્સનું અટેન્શન બહુ જરૂરી છે. બાળકના નાના-નાના અચીવમેન્ટ્સની પ્રશંસા કરવી, તેમને આપેલું કામ તેમને જ કરવા દેવું, હોમવર્કની સાથે ઘરનાં કામ પણ શીખવવાં અને સમજાવવાં, અન્ય બાળકો સાથે તેની સરખામણી ન કરવી, બાળકના ભણતરમાં પેરન્ટ્સનું સક્રિય ઇન્વૉલ્વમેન્ટ હોવું જોઈએ. અત્યારે ઘણાં એવાં નાનાં સ્ટાર્ટઅપ્સ છે જેણે બાળકોને ઈઝી અને ક્રીએટિવ લર્નિંગ માટે કામમાં આવી શકે એવી ટેક્નૉલૉજી વિકસાવી છે. એ વિદેશની સ્કૂલમાં વપરાય છે પણ આપણા દેશમાં એના વિશે જાગરૂકતા ન આવવાને લીધે આપણાં જ બાળકો એનાથી વંચિત રહી જાય છે. આ મેં જોયું અને અનુભવ્યું છે.’

