સોમવારે અંતિમ શ્વાસ લેનારાં મહારાણી દરભંગાનાં મહારાણી કામસુંદરીદેવીજીના જીવનની કેટલીક રસપ્રદ વાતો વાંચો
મહારાણી કામસુંદરીદેવી
આવું કંઈક કહીને વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ભારત-ચાઇના વૉર સમયે ૬૦૦ કિલો સોનું, ૩ પ્રાઇવેટ પ્લેન અને પોતાના પ્રાઇવેટ ઍરપોર્ટની ચાવી મોકલી દેનારાં દરભંગાનાં મહારાણી કામસુંદરીદેવીજીએ સંસ્કૃતિ બચાવવા માટે પણ અથાગ પ્રયાસો કર્યા અને દેશની અનેક યુનિવર્સિટીને ઊભી કરવા માટે આર્થિક પીઠબળ પણ પૂરું પાડ્યું હતું. સોમવારે અંતિમ શ્વાસ લેનારાં મહારાણીના જીવનની કેટલીક રસપ્રદ વાતો વાંચો
વાત ૧૯૬૨ના ભારત-ચાઇના વૉરની છે.
આઝાદીને હજી તો માંડ દોઢ દસકો થયો હતો, જેમાં ભારત ઑલરેડી પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે એક વખતે આમને-સામને આવીને પોતાની આર્થિક પરિસ્થિતિ બગાડી ચૂક્યું હતું. ભારત પાસે દુનિયા સામે હાથ ફેલાવવા સિવાય છૂટકો નહોતો અને એ સમાચાર દેશનાં અનેક જાણીતાં ન્યુઝપેપરમાં પ્રસિદ્ધ થયા અને બીજી જ સવારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને એક ફોન આવે છે અને એ ફોનમાં કહેવામાં આવે છે કે રાષ્ટ્ર રક્ષા કાજ અમારા રાજ્ય તરફથી ભારત સરકારને ૧પ મણ એટલે કે છસ્સો કિલો સોનું દાન આપવામાં આવે છે. એ ફોન કરનારાં બીજું કોઈ નહીં, બિહારના દરભંગા રાજના છેલ્લા રાજાધિરાજ મહારાજા કામેશ્વરસિંહનાં પત્ની મહારાણી કામસુંદરીદેવી હતાં. એ જ ફોનમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે હજી હમણાં જ મહારાજાનું નિધન થયું હોવાથી તે એકાંતવાસમાં છે એટલે મળી નહીં શકે પણ ભારતની રક્ષા માટે અન્ય કોઈ પણ પ્રકારની જરૂર હોય તો પણ દરભંગા સ્ટેટ ભારત સરકારની બાજુમાં ઊભું છે.
કહેવામાં આવ્યું એટલું જ નહીં, આ જ ભારત-ચાઇના વૉરમાં દરભંગા સ્ટેટે પોતાનાં ત્રણ પ્રાઇવેટ પ્લેન અને નેવું એકરમાં ફેલાયેલું ખાનગી ઍરપોર્ટ પણ સરકારને આપી દીધાં, જે બેમાંથી એક પણ ચીજ મહારાણી કામસુંદરીજીએ પાછી લીધી નહીં. વર્ષો સુધી પ્લેનનો ભારત સરકારના પ્રધાનો માટે ઉપયોગ થતો રહ્યો અને દેશને આપી દીધેલા તેમના પ્રાઇવેટ દરભંગા ઍરપોર્ટ પર જ ભારત સરકારે ત્યાર પછી દરભંગા ઍરપોર્ટ બનાવ્યું જ્યાંથી આજે રોજની અનેક ફ્લાઇટ અવરજવર કરે છે.
આપવા માટે સદા તત્પર રહેતાં અને દરભંગા સ્ટેટનાં જાજરમાન ઇતિહાસનાં અંતિમ જીવંત સાક્ષી એવાં મહારાણી કામસુંદરીદેવીએ ૧૨ જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધાં. ૯૪ વર્ષની ઉંમરે કામસુંદરીજીની વિદાય સાથે આઝાદી અને દેશની પ્રથમ દશકની સરકાર સાથે અનેક યાદગાર અનુભવો ધરાવતા એક આખા યુગનો અંત આવ્યો.
મહારાણી કામસુંદરીદેવીનો જન્મ ૧૯૩૨માં કાશીમાં થયો અને તેમણે મહારાજા કામેશ્વર સિંહ સાથે ૧૯૪૪માં લગ્ન કર્યાં. મહારાજાનાં તે ત્રીજાં પત્ની હતાં પણ ખરા અર્થમાં અર્ધાંગિની હતાં. મહારાજા સાથે તેમણે ખરા અર્થમાં કદમથી કદમ મિલાવ્યાં. દરભંગા સ્ટેટને દેશ સાથે વિલય કરવાની વાત આવી ત્યારે મહારાજા કામેશ્વરસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલની જે બેઠક થઈ એમાં મહારાજાએ એ સમયે માત્ર ૧૪ વર્ષની ઉંમર ધરાવતાં કામસુંદરીજીને પણ હાજર રાખ્યાં હતાં. લાંબી ચર્ચાના અંતે મહારાજાએ જોયું કે કામસુંદરીજી વાતો પર બહુ ધ્યાન આપતાં નથી એટલે સરદારની હાજરીમાં જ તેમણે મહારાણીને કારણ પૂછ્યું અને મહારાણીએ જવાબ આપ્યો, વાત અખંડ ભારતની છે પછી બીજી બધી ચર્ચા અસ્થાને રહી જાય છે અને મહારાજા એ મોઘમ જવાબ સમજી ગયા. એક પણ જાતના સવાલ-જવાબ વિના દરભંગા સ્ટેટના રાજાધિરાજ કામેશ્વરસિંહે સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ એવા વી. પી. મેનનને ટેબલ પર મૂકેલી ફાઇલના અંતિમ પેજ પર સહી કરી આપી.
ADVERTISEMENT

મહારાજા કામેશ્વર સિંહ સાથે મહારાણી કામસુંદરીદેવી
૧૯૬૨માં મહારાજાના નિધનના પખવાડિયામાં જ ભારત-ચાઇના વૉર શરૂ થયું. રાજવી લૌકિક ક્રિયા મુજબ અંતિમ વિધિ પછી મહારાણીએ એક મહિનો કોઈની સામે નહોતું આવવું એટલે તેમણે ફોન કરીને જવાહરલાલ નેહરુને સતાવતી દેશની આર્થિક કફોડી પરિસ્થિતિનું સૉલ્યુશન આપી દીધું અને એકાંતવાસમાં હોવા છતાં બીજા દિવસે જ છસ્સો કિલો સોનું દિલ્હી રવાના કરી દીધું. આ નિર્ણય માટે જ નહીં, આ પ્રકારનો વિચાર કરવા માટે પણ ખમીર જોઈએ. દેશનાં રજવાડાં યુદ્ધ સમયે પોતાના એશોઆરામ જોઈ રહ્યાં હતાં ત્યારે મર્દને પણ શરમાવે એવું ખમીર મહારાણીએ દેશને દેખાડ્યું હતું.
દરભંગા સ્ટેટ વિશે થોડું

- બિહારમાં આવેલા દરભંગાના મહારાજાના ત્રણ પૅલેસ હતા. આ ત્રણમાંથી નરગોના પૅલેસમાં મહારાણી કામસુંદરીદેવી રહેતાં. અન્ય બે પૅલેસની વાત કરીએ તો લક્ષ્મી પૅલેસ દાનમાં આપી દેવામાં આવ્યો છે જ્યાં અત્યારે સંસ્કૃત યુનિવર્સિટી ચાલે છે તો ત્રીજા પૅલેસ રામબાગ પૅલેસની માલિકી પણ ટ્રસ્ટની છે. આ પૅલેસ દિલ્હીના લાલ કિલ્લાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
- દરભંગા સ્ટેટનો તમે ઇતિહાસ ફેંદવા જાઓ તો તમને એનાં મૂળિયાં છેક ૧૬મી સદીના ખંડવાલા રાજવંશમાં જોવા મળે. ખંડવાલા રાજવંશ દ્વારા આ રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ અકબર કાળ હતો. બિહારના મિથિલા ક્ષેત્રમાં અંદાજે ૨પ૦૦ ચોરસ માઇલમાં પથરાયેલા આ રાજ્યના મહારાજાઓ શિક્ષણ પ્રત્યે પહેલેથી જ જાગ્રત. બનારસ હિન્દુ યુનિવર્સિટી, પટના યુનિવર્સિટી અને કલકત્તા યુનિવિર્સિટી માટે દરભંગા રાજ્યએ ૧૦૦ કરોડથી વધારે મોટી રકમનું દાન કર્યું હતું.
- તમને જાણીને નવાઈ લાગશે, દેશનાં તમામ રજવાડાંમાં એકમાત્ર દરભંગા હતું જેણે ૧૮૭૪માં દરભંગા સ્ટેટમાં ખાનગી રેલવેલાઇન પાથરી હતી. વાજિતપુરથી નરગૌના ટર્મિનલ સુધીનો પપ માઇલ લાંબો રેલવે વિભાગ માત્ર ૬૨ દિવસમાં તૈયાર કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવીને દરભંગા સ્ટેટે બ્રિટિશરોની પણ બોલતી બંધ કરી દીધી હતી. વાત આગળ સાંભળો, થર્ડ-ક્લાસમાં શૌચાલય હોવું જોઈએ એ વિચાર દરભંગાના મહારાજાઓને જ આવ્યો અને ભારતમાં પહેલી વાર થર્ડ ક્લાસના ડબ્બામાં ટૉઇલેટ મૂકવાનું તેમણે શરૂ કર્યું. આ રૂટ પર મહારાજાની પ્રાઇવેટ ટ્રેન પણ દોડતી. દરભંગા રાજ્યની આ ટ્રેન-સર્વિસને દરભંગા સ્ટેટ રેલવે નામ આપવામાં આવ્યું હતું, જે રેલવેમાંથી અમુક લાઇન સમય જતાં બ્રિટિશ રેલવેલાઇન સાથે કનેક્ટ કરવામાં આવી અને દેશ આઝાદ થવાનો હતો એના એક વર્ષ પહેલાં બધ્ધેબધું દેશને સમર્પિત કરી દીધું.
- નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રમણને દરભંગા સ્ટેટે સંશોધન માટે કીમતી ડાયમન્ડ ગિફ્ટ આપ્યો હતો જેની કિંમત એ સમયે કરોડામાં થતી હતી. આ ગિફ્ટનું કારણ માત્ર એટલું જ કે તેમણે દેશ અને દેશવાસીઓનું નામ રોશન કર્યું હતું. મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે તેમને આર્થિક મદદ કરવામાં દરભંગા રાજ સૌપ્રથમ હતું.
કોણ છે કામસુંદરીદેવી?
૧૯૩૨ની ૨૨ ઑક્ટોબરે કાશીમાં જન્મેલાં કામસુંદરીદેવી સંસ્કૃતમાં અભ્યાસ કરતાં હતાં. લગ્ન સમયે જ તેમણે મહારાજા પાસેથી પ્રૉમિસ લીધું હતું કે તે લગ્ન પછી તમામ જવાબદારીઓ સંભાળવાની સાથોસાથ પોતાના ભણતર પર પણ ફોકસ કરશે અને મહારાજાએ તેમની વાત માન્ય રાખી. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે મહારાણી સંસ્કૃતમાં સ્નાતક થયાં એટલું જ નહીં, તેમણે બનારસ યુનિવર્સિટીમાં વેદોનો પણ અભ્યાસ કર્યો.
દરભંગાના રાજવી પરિવારની પરંપરા મુજબ લગ્ન પછી પરિવારમાં આવનારાં મહિલા સદસ્યને નામ રાજા આપતા. કામસુંદરીજીનું મૂળ નામ કલ્યાણી હતું, જે લગ્ન પછી કામસુંદરી કરવામાં આવ્યું. મહારાજાને ઑલરેડી બે પત્ની હતાં. દરભંગા રાજ પરિવારની પરંપરા મુજબ પ્રથમ પત્નીને ‘લક્ષ્મી’, બીજાં પત્નીને ‘પ્રિયા’ અને ત્રીજા પત્નીને ‘કામા’ નામ આપવામાં આવતું, જે મુજબ કલ્યાણીજીનું નામ કામસુંદરી રાખવામાં આવ્યું.
મહારાજાનાં બીજાં પત્ની કામેશ્વરી પ્રિયાનું ૧૯૪૦માં નિધન થયું. કામસુંદરીજી આ જ કામેશ્વરી પ્રિયાનાં સગાં માસીનાં દીકરી બહેન હતાં. બાળકો નાનાં હોવાથી તેમણે આ લગ્ન માટે હા પાડી અને મહારાજાએ ત્રીજાં મૅરેજ કર્યાં. બલિદાનની ભાવના તમે જુઓ, માસીનાં દીકરી એવાં કામેશ્વરી પ્રિયાજીનાં બાળકોને મોટાં કરવામાં ક્યાંય અગવડ ન પડે એ માટે મહારાણી કામસુંદરીજીએ મહારાજા પાસે વચન લીધું હતું કે તે ક્યારેય બાળકો નહીં કરે અને આ વચનને તે અંતિમ ક્ષણ સુધી વળગેલાં રહ્યાં અને તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી મહારાણી રાજલક્ષ્મીદેવી અને કામેશ્વરી પ્રિયાજીનાં સંતાનોને જ પોતાનાં સંતાનો માન્યાં.
૧૯૬૨માં મહારાજાના અવસાન પછી કામસુંદરીજીએ સમગ્ર સ્ટેટની જવાબદારી એકલા હાથે સંભાળી અને આ વાત આંખો પહોળી ત્યારે કરી જાય જ્યારે તમને એ ખબર પડે કે દરભંગા એ સમયે દેશનાં ટોચનાં પાંચ રિચેસ્ટ સ્ટેટ પૈકીનું એક હતું. કામસુંદરીજીએ માત્ર રાજ્યની જવાબદારી જ નહીં પણ પારિવારિક પરંપરાઓને પણ અકબંધ રાખી. કોઈ પણ પ્રકારના આક્ષેપો ન આવે એ માટે મહારાજાના અવસાન પછી મહારાણીએ તેમના આખા સ્ટેટને એક ટ્રસ્ટમાં કન્વર્ટ કરી નાખ્યું, જેને નામ આપ્યું કામેશ્વરસિંહ રિલિજિયસ ટ્રસ્ટ. આ ટ્રસ્ટનાં તે અંતિમ જીવંત ટ્રસ્ટી હતાં.
આ ટ્રસ્ટ પાસે આજની તારીખે ૧ લાખ એકર જમીન છે તો અંદાજે ૨૦૦૦ કરોડનું સોનું છે. આ ઉપરાંત ટ્રસ્ટ પાસે દેશવિદેશમાં ૧૦૮ મંદિરોનો વહીવટ છે, જેમાંથી એક મંદિર પાકિસ્તાનમાં આવેલું છે અને આજે પણ એ મંદિરનો વહીવટ દરભંગા રાજવી પરિવાર જ સંભાળે છે. મજાની વાત એ છે કે ટ્રસ્ટનો વાર્ષિક વહીવટ દસ હજાર કરોડથી પણ વધારેનો છે અને આ ટ્રસ્ટના વહીવટમાંથી એક પણ પૈસો રાજવી પરિવારમાં લેવામાં નથી આવતો. મહારાણી કામસુંદરીદેવીની ગેરહાજરીમાં પણ તેમના જે કોઈ પૌત્રને આ ટ્રસ્ટની જવાબદારી સોંપાશે તેણે પણ રાજવી પરંપરા મુજબ ટ્રસ્ટ માટે નિઃશુલ્ક કામ કરવાનું રહેશે અને એક રૂપિયો પણ ટ્રસ્ટમાંથી ઉપાડવાનો નહીં રહે.

મહારાણી કામસુંદરીદેવી
સંસ્કૃતને રાખો જીવંત...
થોડાં વર્ષો પહેલાં કામસુંદરીદેવીએ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંસ્કૃત દેવોની ભાષા છે, જો એનો વ્યાપ વધારવામાં નહીં આવે તો સનાતનનો પ્રસાર અટકી જશે. કામસુંદરીદેવી જેટલાં સંસ્કૃતમાં અવ્વલ હતાં એટલાં જ તે ફ્રેન્ચમાં પણ માસ્ટર હતાં. તમારી જાણ ખાતર દુનિયાભરમાં ફ્રેન્ચને સૌથી ક્લાસિક ભાષા માનવામાં આવે છે.
સંસ્કૃતનો વ્યાપ વધે અને પરંપરાગત શિક્ષણ પણ અકબંધ રહે એવા હેતુથી તેમણે કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી તો દેશભરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તે ઍક્ટિવ રહ્યાં હતાં.
શિક્ષણ ઉપરાંત તેમને આર્ટમાં પણ ખૂબ ઇન્ટરેસ્ટ, આજે જે મધુબની આર્ટ કહેવાય છે એ મિથિલા પેઇન્ટિંગને જીવંત રાખવા માટે પણ તે અંતિમ શ્વાસ સુધી પ્રયાસો કરતાં રહ્યાં. આ આર્ટ જાણતા લોકોને સ્કૉલરશિપ આપવાનું કામ પણ તે કરતાં. જો તમે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક અને ધ્રુપદ ગાયકીના જાણકાર હો તો તમારા આ નૉલેજમાં ઉમેરો કરી દો કે એ દરભંગા કાળનું સર્જન છે. મહારાણીએ આ ગાયકી અકબંધ રહે એ માટે અઢળક કલાકારોને માસિક પગાર પર રાખ્યા હતા જેથી તેમને આજીવિકાની ચિંતા ન રહે.
અંતિમ સમય...
ઉંમરના કારણે આવતી તકલીફો વચ્ચે સપ્ટેમ્બરમાં તેઓ બાથરૂમમાં પડી ગયાં, જેને લીધે તેમને બ્રેઇન-હૅમરેજ થયું. ત્યાર પછી તેમને લાંબો સમય ICUમાં રાખવામાં આવ્યાં પણ તબિયત રિકવર થઈ નહીં અને ગયા સોમવારે તેમનું નિધન થયું. જીવતેજીવ સેંકડો લોકો માટે દૃષ્ટાંત બની ગયેલાં મહારાણીને ગાર્ડ ઑફ ઑનર આપીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.


