નૂતન વર્ષ આરંભ થયાને ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં દિલ્હીમાં કારમાં થયેલા કારમા વિસ્ફોટે સૌને હચમચાવી દીધા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી શાંત લાગતા સરોવરમાં પાકિસ્તાને પ્રૉક્સી-ચાળો કર્યો છે.
દિલ્હી બ્લાસ્ટ (સૌજન્ય: મિડ-ડે)
નૂતન વર્ષ આરંભ થયાને ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં દિલ્હીમાં કારમાં થયેલા કારમા વિસ્ફોટે સૌને હચમચાવી દીધા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી શાંત લાગતા સરોવરમાં પાકિસ્તાને પ્રૉક્સી-ચાળો કર્યો છે. બીજી તરફ ગુજરાત ATS દ્વારા ૩ આતંકી શકમંદોને પકડવામાં આવ્યા છે એમાંનો એક ડૉક્ટર છે. વાઇટ કૉલર આતંક ધીરે-ધીરે વિસ્તરે એ ચિંતાનો વિષય છે. સરહદની બહાર તો દુશ્મન છે જ, પણ સરહદની અંદરનો દુશ્મન વધારે ખતરનાક સિદ્ધ થાય છે. કિશોર જિકાદરા લખે છે...
સાદ કરું તો કામ બધાં છોડીને આવે
ADVERTISEMENT
પડઘો મારા સરનામે દોડીને આવે
પ્હેલી નજરે પોપટ એ પરદેશી લાગે
બચકારો તો સરહદ એ તોડીને આવે
સત્તા ઉથલાવવા પરદેશી તાકાતનો ઉપયોગ સતત થતો આવ્યો છે. પરદેશી તાકાત સાથે દેશી દ્રોહ ભળે એટલે પલીતો ચંપાતાં વાર ન લાગે. દુનિયાના ઘણા દેશમાં સત્તા ઉથલાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ સંઘર્ષમાં દેશનું યુવાધન આડે પાટે ચડી જાય અને જાહેર સંપત્તિને પારાવાર નુકસાન થાય. વહાલની જગ્યાએ વેર ઘર કરવા લાગે. ગૌરાંગ ઠાકર કહે છે એવો માનવીય અભિગમ દીવો લઈને ગોતવા જવું પડે...
હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું
મેં ભીતરનો આનંદ માણી લીધો છે
હવે વહાલની રોજ લહાણી કરું છું
ભીતરનો આનંદ એવી અનુભૂતિ છે જેને પામી શકાય પણ માપી નથી શકાતી. એ કોઈ સ્થિતિ કે પરિસ્થિતિ નથી, એ એક અવસ્થા છે. તમે કાર્યરત લાગો છતાં તમે કાર્યમાં નથી એવો અનુભવ થાય. આ અવસ્થા સુધી પહોંચવા અનેક સોપાનો સર કરવાં પડે. દુનિયા જેને સફળતા ગણે છે, ફકીરી એને ઉપલબ્ધિ ગણતું નથી. જોકે દુનિયાને બન્નેની જરૂર છે; સાધનની પણ અને સાધનાની પણ. સવાલ સંતુલનનો છે. દિનેશ કાનાણી નાની વાતમાં સુખ શોધી લે છે...
એક કપ કૉફી અને તાજી હવા દે
કાં મને રાજીખુશીથી તું જવા દે
જો તને ગમતું નથી તો શું કરું હું?
સૂર્યનાં કિરણ મને તો વાંચવા દે
જિંદગીમાં કેટલાંક ઉત્તમ સુખોની વાત કરીએ તો સવારના ઊઠીને ચા પીતાં-પીતાં નિરાંતે છાપું વાંચવા મળે એનો આઠ કૉલમના મથાળા જેવો ઉલ્લેખ થવો જોઈએ. એમાં પણ છાપું ગુજરાતી હોય તો ચાની ચૂસકીમાં ગૌરવ ઉમેરાય. મુંબઈમાં લોકલ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એ. એચ. વ્હીલર્સના સ્ટૉલ ચાલતા. આજે પણ ચાલે છે. ફરક એટલો કે પહેલાં એમાં અખબાર અને સામયિકો મળતાં, હવે ત્યાં ખાનપાનની સામગ્રી મળે છે. વાંચનની તરસ પર પેટની ભૂખ હાવી થઈ ગઈ છે. એક સમય હતો કે સ્ટેશન પર મિત્રને મળવાનું હોય તો મીટિંગ પૉઇન્ટ વ્હીલર્સનો સ્ટૉલ રહેતું, મિત્રને દસ-પંદર મિનિટ મોડું થાય તોય વિવિધ સામયિકોનાં મુખપૃષ્ઠ પર આંખ ફેરવવામાં જ એટલો સમય નીકળી જતો. મૅગેઝિનના વિશેષાંકોથી ટ્રેનની સફર રળિયાત થતી. ખેર, સર્વાઇવલ માટે બધાએ સમાધાન શોધવાં જ પડે છે. અમૃત ઘાયલ આ ભીંસને આલેખે છે...
શુષ્ક છું, બટકું નહીં તો શું કરું
અધવચે અટકું નહીં તો શું કરું
ક્યાં સુધી હોઠોમાં ભીંસાતો રહું?
શબ્દ છું, છટકું નહીં તો શું કરું
આપણે અનેક સ્થિતિમાંથી છટકવા માગીએ છીએ પણ છટકી નથી શકતા. અનેક સ્થિતિ બદલવા માગીએ છીએ પણ બદલી નથી શકતા. ઘણી વાર દુન્વયી બાબતોમાં આપણો જીવ સોરવાયા કરે. ખોટું થતું આપણાથી જોવાય નહીં અને ખોટું થતું આપણાથી રોકાય નહીં. સુધીર પટેલ આવા અફસોસને આવરે છે...
ભૂલવાની કરું છું જેમ કોશિશ
હર કદમ પર કથા એની મળી છે
સત્ય બોલ્યો હતો એક જ વખત હું
જિંદગીભર સજા એની મળી છે
સત્ય પીડા સાથે આવતું હોય છે. સત્ય અંગત સંબંધોને કસોટીએ ચડાવે. જાણતા હોવા છતાં સત્ય ન કહી શકાય એ સ્થિતિ અસ્થમાના દરદી જેવી અકળામણ વધારે. તથાગત પટેલ આ મથામણ બયાં કરે છે...
ખરેખર નથી એ થવાને મથું છું
સભર આ ગગન ખોલવાને મથું છું
કરું શું? અહીંનું સળગતું રહેને
જઈ બાજુમાં ઓલવાને મથું છું
લાસ્ટ લાઇન
ભીતર વહેતી ગંગામાં હું સ્નાન કરું છું
રસ્તે મળતા આઘાતોને મ્યાન કરું છું
ના પાડું હું બૂમ તને કોઈ પર્વત પર
આસન વાળી ભીતરમાં હું ધ્યાન ધરું છું
ને ક્યાંક વિસામે બેઠેલા એ ખેતરમજૂરનાં
આંસુ આડે સપનાને દરવાન કરું છું
મેલીઘેલી ઝોળીમાં પણ ઊંઘમાં હસતા
બાળકને જોઈ ચિંતાઓને મ્લાન કરું છું
કોઈ નથી રસ્તો ફંટાયો રાહ ન ભૂલ્યા
મંદિર-મસ્જિદ સઘળે હું મુસ્કાન ધરું છું
- ઉષા ઉપાધ્યાય


