ગઈ કાલે મુંબઈ પોલીસને નેવલ ડૉક પર આતંકવાદી હુમલાની ધમકી સાથેનો ફોનકૉલ મળ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે મુંબઈ પોલીસને નેવલ ડૉક પર આતંકવાદી હુમલાની ધમકી સાથેનો ફોનકૉલ મળ્યો હતો. આવો ફોન આવતાં જ તાત્કાલિક સિક્યૉરિટી પ્રોટોકૉલ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે સર્ચ-ઑપરેશન પછી નેવલ ડૉક નજીક કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવી નહોતી. પોલીસે એ પછી ફોનકૉલ કરનાર જહાંગીર શેખને કસ્ટડીમાં લીધો હતો.
પ્રાથમિક તપાસમાં એવી જાણકારી મળી હતી કે કૉલ કરતી વખતે તે દારૂના નશામાં હતો. સામે આવેલી માહિતી પ્રમાણે ફોન પર જહાંગીર શેખે એવું કહ્યું હતું કે તે પોતે આંધ્ર પ્રદેશમાં છે અને અન્ય વ્યક્તિ પાસેથી તેને આતંકી હુમલાના આયોજનની જાણકારી મળી છે.
ADVERTISEMENT
૧૦ નવેમ્બરે દિલ્હીમાં લાલ કિલા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભયાનક વિસ્ફોટ પછી દેશભરની સુરક્ષા એજન્સીઓને રેલવે-સ્ટેશનો, ઍરપોર્ટ, બસડેપો અને અન્ય જાહેર સ્થળોએ વધારે અલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
પાછલા થોડા દિવસોમાં મુંબઈમાં આતંકી ધમકીની આ સતત ત્રીજી ઘટના છે. મુંબઈથી ગોવા જતી એક ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી આપતી ચિઠ્ઠી મળી હતી તો મહાનગરી એક્સપ્રેસ ટ્રેનના ટૉઇલેટમાં કોઈએ બૉમ્બધમાકાનો સંદેશ આપતા શબ્દો લખ્યા હતા.


