ભારતની પહેલી વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌરે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
હરમનપ્રીત કૌર
ભારતની પહેલી વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌરે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ઑલઆઉટ કરવા માટેની છેલ્લી વિકેટ અફલાતૂન કૅચ પકડીને લીધી હતી.
આ કૅચ વિશે વાત કરતાં હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે ‘મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. વર્લ્ડ કપ ફાઇનલ બાદ મેં છેલ્લો કૅચ ઓછામાં ઓછો ૧૦૦૦ વખત જોયો છે. ફક્ત હું જ નહીં, અમારી ટીમ વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી. મને એ ક્ષણ વારંવાર જોવાની ઇચ્છા થાય છે. જ્યારે મેં છેલ્લો કૅચ પકડ્યો ત્યારે મને ખરેખર ખબર નથી કે હું શું વિચારી રહી હતી. એને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.’
ADVERTISEMENT
હરમનપ્રીત કૌરે વધુમાં કહ્યું હતું કે ‘અમે બધી ટીકાઓને સકારાત્મક રીતે લીધી. લોકો અમારી ટીકા કરી રહ્યા હતા, કારણ કે અમે સારું રમી શક્યા હોત. ચાહકોને અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. અમે એ સમયે ટીકાકારોને ખોટા સાબિત કરવાનું નહીં પરંતુ પોતાનું શ્રેષ્ઠ ક્રિકેટ-પ્રદર્શન કઈ રીતે આપી શકાય એ વિશે વિચારી રહ્યાં હતાં.
પહેલી સૅલેરી મેળવીને મને દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ જેવો અનુભવ થયો: હરમનપ્રીત કૌર
કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૨૦૦૯માં લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં અને ૨૦૧૪માં ટેસ્ટ-ફૉર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. તેની પહેલી સૅલેરી વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘એ દિવસોમાં અમારી ટૂર-ફી એક લાખ રૂપિયા હતી. અમે ગમે એટલી મૅચ રમીએ તો પણ અમને સમાન રકમ મળતી હતી અને TDS કપાયા પછી એ લગભગ ૯૦,૦૦૦ રૂપિયા જેટલી થઈ જતી હતી. હું આ રૂપિયા મેળવીને મારી જાતને દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ માનતી હતી, કારણ કે એ મારો પહેલો પગાર હતો. આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ રહ્યાં હતાં. હંમેશાં ભારતીય ટીમની જર્સી પહેરવાનું સ્વપ્ન જોતી હતી.’
હરમનપ્રીત કૌરે વધુમાં કહ્યું હતું કે ‘એ ચેક મારા ઘરે પહોંચાડવામાં આવ્યો હતો, કારણ કે એ સમયે ચુકવણી આ રીતે થતી હતી. મેં એ મારા પપ્પાને આપ્યો. એ ક્ષણ પહેલાં મારા પપ્પા મારામાં ઇન્વેસ્ટ કરતા હતા અને આ પહેલી વાર હતું જ્યારે હું તેમને કંઈક પાછું આપી રહી હતી. રકમ ગમે એટલી મોટી કે નાની હોય, પરંતુ મારા કરતાં વધુ તેઓ એ પૈસાને લાયક હતા.’


