ખેડૂતોને સશક્ત કરવાની આ ઐતિહાસિક પહેલ વિશે ન જાણ્યું તો આ જન્મારો નિષ્ફળ માનજો
૨૦૨૪ના ફાર્મર કપના પહેલા ઇનામના વિજેતાઓની એક ઝલક
મહારાષ્ટ્રના કૃષિ ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ ક્રાન્તિની શરૂઆત થઈ ચૂકી છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પાની ફાઉન્ડેશનના ફાઉન્ડર આમિર ખાને ડિજિટલી ‘સત્યમેવ જયતે ફાર્મર કપ’ નામની ખેડૂતોની સ્પર્ધા લૉન્ચ કરી. ના, આ કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટના કપની વાત નથી, પરંતુ ખેડૂતોને કેમિકલના ઉપયોગ વિના ઓછા પાણીમાં સાયન્ટિફિકલી ખેતી કરવા માટે એજ્યુકેટ કરવાની સાથે સારું પર્ફોર્મ કરવા માટેનું પ્લૅટફૉર્મ પૂરી પાડતી અનોખી સ્પર્ધાની વાત છે જેના ઉપક્રમે સામૂહિક ખેતી અને મહિલાઓના ખેતીમાં યોગદાનને વેગ મળ્યો છે
‘પહેલાં પંચાવન વાર હૅન્ડ-પમ્પ મારતા ત્યારે એક બાલદી પાણી ભરાતું. આજે પાંચ વાર હૅન્ડ-પમ્પ મારો અને બાલદી ભરાઈ જાય છે.’
ADVERTISEMENT
આ વાત તે ખેડૂત કહી રહ્યો છે જેણે ભયંકર દુકાળમાં પોતાના સાથી ખેડૂતોને ઝાડ પર લટકીને પ્રાણ ત્યાગતા જોયા છે. વાતની શરૂઆત કરીએ વર્ષ ૨૦૧૫થી જ્યારે મહારાષ્ટ્ર સરકારે પણ મહારાષ્ટ્રના ૨૦ જેટલા જિલ્લાઓને ઑફિશ્યલી દુકાળગ્રસ્ત જાહેર કર્યા હતા. આ ૨૦ જિલ્લામાં આવતાં લગભગ ૪૭૦૦થી વધુ ગામડાંઓ પાણીના ટીપા માટે તરસતાં હતાં. આ એક જ વર્ષમાં લગભગ સાડાત્રણ હજાર ખેડૂતોએ આપઘાત કર્યો હતો. સૂકી અને બંજર જમીન, જેમાંથી અનાજનો એક દાણો પણ ન ઊપજે, કરજના બોજ નીચે દબાયેલા લાચાર ખેડૂત પરિવારો અન્નના દાણા અને પીવા માટે પાણીના ટીપા માટે તરસતા અને કિલોમીટરો સુધી ચાલીને સરકારી ટૅન્કર દ્વારા આવતા પાણીની લાઇનમાં કલાકો સુધી ઊભા રહેતા. ભલભલાના હૃદયમાં કંપારી છોડાવી દે એવી દશા અને દારુણ લાચારીમાંથી બહાર નીકળવાનો રસ્તો નહોતો દેખાતો.

તસવીરમાં જુઓ જ્યારે ખેડૂતો પોતે જ પાનીના આકારમાં ઘડાઈ ગયા.
કટ ટુ ૨૦૨૦.
મહારાષ્ટ્રના આ જ જિલ્લાઓ, ગામડાની હવા, ગામડાની માટી અને ત્યાંના વાતાવરણમાં કોઈ બદલાવ નહોતો; પરંતુ ત્યાંનું જળસ્તર બદલાઈ ગયું હતું. ત્યાંની બંજર જમીનમાં હરિયાળી દેખાવી શરૂ થઈ ગઈ હતી. ગામના લોકોને ગામમાં જ પાણી મળતું થઈ ગયું હતું અને એમાંના જ એક ગામડાના ખેડૂતે લેખની શરૂઆતમાં લખેલા શબ્દો કહ્યા હતા...
‘પહેલાં પંચાવન વાર હૅન્ડ-પમ્પ માર્યા પછી જે પાણીની બાલદી નહોતી ભરાતી એ કામ હવે પાંચ જ વારના પ્રયાસમાં થઈ જાય છે.’
મહારાષ્ટ્રમાં જળક્રાન્તિ આવી એમાં નિમિત્ત બન્યો પાની ફાઉન્ડેશનનો ‘સત્યમેવ જયતે વૉટર કપ’. સ્થળને જળથી ભરી દેવાની અનોખી સ્પર્ધા જેમાં એજ્યુકેશન પણ હતું, સહયોગ પણ હતો અને આત્મનિર્ભર બનાવવાની ઉદાત્ત યોજના પણ હતી. એના વિશે આપણે વિગતવાર વાત કરીશું જ, પણ એ પહેલાં એ પણ જાણી લો કે ‘વૉટર કપ’ની અંજાવી નાખે એવી સફળતા બાદ હવે મહારાષ્ટ્રમાં અનાજ ક્રાન્તિનું વાવેતર થઈ ગયું છે અને એનું ટ્રેલર પણ લોકો ‘સત્યમેવ જયતે ફાર્મર કપ’ થકી જોઈ ચૂક્યા છે જે આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં, આખા દેશ માટે કૃષિ ક્રાન્તિના ઉદ્ઘોષસમાન છે. જો ઊંડાણમાં ઊતર્યા વિના માત્ર રિઝલ્ટ વિશે જ સાંભળો તો તમને બધી જ વાતો કાલ્પનિક કથા કે ચમત્કાર લાગે; પણ ના, જરાય નહીં. આ કોઈ કાલ્પનિક કથા કે ચમત્કાર નથી. તીવ્ર ઇચ્છાશક્તિ, નિષ્ઠા સાથેનો સહયોગ અને સંગઠન-શક્તિનો જીવંત પુરાવો છે જે દર્શાવે છે કે જો માનવસમૂહ ઇચ્છે તો ચમત્કાર સર્જી શકે. આજે જાણીએ પાની ફાઉન્ડેશન નામની અનોખી સંસ્થાએ મહારાષ્ટ્રના ખેડૂતોને અને ખેડૂતોના માધ્યમથી આપણને કઈ રીતે મદદ કરી છે, જેનાં ફળ આવનારી અનેક પેઢીઓને મળવાનાં છે એની ઝિંદાદિલ દાસ્તાન જાણીએ.

તાજેતરમાં અગ્રણીઓ દ્વારા ‘ફાર્મર કપ ૨૦૨૬’નો ડિજિટલી શુભારંભ થયો હતો.
શરૂઆતથી શરૂઆત
જળક્રાન્તિની આ સફર સીધી જમીન પર નહોતી શરૂ થઈ, પરંતુ એની પાછળ એક નૅશનલ ટેલિવિઝન શોનો મજબૂત વૈચારિક પાયો હતો જેનું નામ હતું ‘સત્યમેવ જયતે’. આ માત્ર એક મનોરંજન કાર્યક્રમ નહોતો, પરંતુ ભારતીય સમાજની અંદર ધરબાયેલી કડવી વાસ્તવિકતાઓને લોકોની સામે લાવવાનો અનોખો પ્રયાસ હતો. આ શોએ સ્ત્રીભ્રૂણહત્યા, વ્યસનમુક્તિ, બાળ જાતીય શોષણ અને ખેડૂતોની આત્મહત્યા જેવાં ગંભીર સામાજિક દૂષણો પર ખુલ્લી ચર્ચા કરી હતી. આ શોની નિર્માતા ટીમમાં આમિર ખાન, સ્વાતિ ભટકળ, સત્યજિત ભટકળ, લેન્સી ફર્નાન્ડિસ અને અન્ય સાથીઓ સામેલ હતાં. તેમણે અનુભવ્યું કે જ્યારે સામાન્ય લોકોની સાચી વાર્તાઓને સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવે છે ત્યારે એ સમાજના હૃદયને સ્પર્શી જાય છે અને સરકારને પણ હલબલાવી મૂકે છે. શોના અલગ-અલગ એપિસોડ્સ બાદ દેશભરમાં કાયદાકીય સુધારાઓ અને જનજાગૃતિનો અભૂતપૂર્વ જુવાળ જોવા મળ્યો હતો. એ સમયે આ શોમાં સક્રિય ભૂમિકા ભજવનારાં અને હાલમાં પાની ફાઉન્ડેશનમાં મુખ્ય કમ્યુનિકેશન્સ ઑફિસર તરીકે કાર્યરત લિપિ મહેતા કહે છે, ‘સત્યમેવ જયતે શો ૩ વર્ષ ચાલ્યો અને એમાંથી જ અમે કન્વર્સેશન અને કમ્યુનિકેશનની સાચી તાકાતને ઓળખી શક્યા. જ્યારે તમે લોકોની સામે વાસ્તવિક વાર્તાઓ મૂકો છો ત્યારે એની ઇમ્પૅક્ટ અદ્ભુત અને લાંબા ગાળાની હોય છે. જેમ કે અમે જ્યારે આલ્કોહોલિઝમ પર એપિસોડ કર્યો ત્યારે અમારો હેતુ દરદીને ‘દારૂડિયો’ કહીને સમાજમાં ખરાબ રીતે ચીતરવાનો નહોતો, પરંતુ શરાબી વ્યક્તિને ટ્રીટ કેમ કરવી એ શીખવવાનો હતો. ભારતમાં આલ્કોહોલિક્સ ઍનૉનિમસ નામની સંસ્થા છે જે ડી-ઍડિક્શન પર કામ કરે છે. એમાં પહેલાં ખૂબ ઓછા મેમ્બર્સ હતા, પરંતુ શોના પ્રસારણ પછી સાડાત્રણ લાખથી વધુ લોકોએ વ્યસનમુક્તિ માટે આલ્કોહોલિક્સ સિનૉનિમસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. ડી-ઍડિક્શનના ક્ષેત્રમાં ભારત જ નહીં, આખી દુનિયામાં ૨૦૧૨નું સૌથી ઇમ્પૅક્ટફુલ કૅમ્પેન સાબિત થયું. એ જ રીતે ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ પરના એપિસોડ પછી ચાઇલ્ડ હેલ્પલાઇન પર એટલા બધા કૉલ્સ આવ્યા કે ગ્લોબલી ચાઇલ્ડલાઇનનું નેટવર્ક ઘણું મોટું બની ગયું. તમે જ્યારે સાચા લોકોની સાચી કહાનીઓ લાવો છો ત્યારે જ સમાજ એક કૉમન ગોલ માટે કનેક્ટ થાય છે.’
આટલું સમજાયું, પરંતુ શોના સમાપન પછી અમારી કોર ટીમના મનમાં એક પ્રશ્ન સતત ઘૂમરાતો હતો : જો લિમિટેડ ટાઇમ માટે પ્રસારિત થતો એક ટીવી-શો આટલો મોટો સામાજિક બદલાવ લાવી શકતો હોય તો જો આપણે આપણી તમામ શક્તિ અને સંચાર-કૌશલ્યને કોઈ એક જ ગંભીર મુદ્દા પર કેન્દ્રિત કરીએ તો ગ્રાઉન્ડ લેવલે કેટલું મોટું પરિવર્તન લાવી શકાય. બસ, આ જ પ્રશ્નમાંથી પાની ફાઉન્ડેશનનો વૈચારિક જન્મ થયો.

ગ્રાઉન્ડ રિયલિટી તરફ
અમારી ટીમે મહારાષ્ટ્રના સૌથી ગંભીર અને જીવલેણ સંકટ દુકાળ પર કામ કરવાનું નક્કી કર્યું એમ જણાવીને લિપિ કહે છે, ‘દુકાળનાં કારણો પર અમે સતત એક વર્ષ સુધી મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પ્રવાસ કર્યો. આ ગ્રાઉન્ડ રિસર્ચ દરમ્યાન ચોંકાવનારી વાસ્તવિકતાઓ સામે આવી. જેમ કે અમને સમજાયું કે દુકાળ માત્ર આકાશમાંથી વરસતા પાણીની અછત નથી; પરંતુ જે પાણી વરસે છે એને રોકવા, સંગ્રહ કરવા અને જમીનમાં ઉતારવા માટેના સાયન્ટિફિક માળખાનો અભાવ છે. આ રિસર્ચ દરમ્યાન જ મહારાષ્ટ્રનાં રાળેગણ સિદ્ધિ અને હિવરે બાઝાર જેવાં મૉડલ ગામો અમારા ધ્યાનમાં આવ્યાં જેમણે સાબિત કર્યું હતું કે વૉટરશેડ મૅનેજમેન્ટ દ્વારા દુકાળને હરાવી શકાય છે. આ ગામોએ જે કર્યું એ સરળ હતું અને દરેક ગામ એને અનુસરી શકે એમ હતું, પરંતુ મુશ્કેલી એ હતી કે આ જ્ઞાન માત્ર થોડાં ગામો પૂરતું સીમિત હતું; પાડોશી ગામો હજી પણ ટૅન્કરોના ભરોસે જીવતાં હતાં. અમારા ધ્યાનમાં એ પણ આવ્યું કે સરકારી યોજનાઓ અને CSR ફન્ડિંગ ઉપરના સ્તરેથી સમસ્યાઓ ઉકેલવા માટે અસ્તિત્વમાં છે જ, પરંતુ લાંબા ગાળાનું પરિવર્તન ત્યારે જ શક્ય બને છે જ્યારે સમુદાયો પોતે એની સાચી જવાબદારી સ્વીકારે અને પોતાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોતે જ કંઈક કરવાનો નિર્ણય કરે. બસ, પાની ફાઉન્ડેશનની ટીમના આ આઉટકમમાંથી જ ઉદ્ભવ થયો વૉટર કપનો.’

ખેડૂતોનાં વિવિધ ગ્રુપ ખૂબ જ ઉત્સાહ સાથે ફાર્મર કપમાં ભાગ લે છે.
એક અનોખો સંગમ
માત્ર ઉપદેશ આપવાથી કે તાલીમ આપવાથી લોકો લાંબો સમય કામ નહીં કરે. જો તાલીમની સાથે કૉમ્પિટિશન અને સેલિબ્રેશનનો માહોલ જોડવામાં આવે તો એ ગામડાંઓની અંદર એક નવી ઊર્જાનો સંચાર થઈ શકે છે. લિપિ કહે છે, ‘આ વિચારમાંથી જન્મી સત્યમેવ જયતે વૉટર કપની પરિકલ્પના, જેમાં અમે ગામડાંઓને સીધેસીધી માત્ર આર્થિક મદદ આપવાને બદલે પ્રૉપર તાલીમ આપવાનું બીડું ઝડપ્યું. ગામના પ્રતિનિધિઓને જળસંરક્ષણનું વિજ્ઞાન શીખવાડ્યું. તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમનામાં એ આત્મવિશ્વાસ જાગી ચૂક્યો હતો કે તેઓ પોતાના ગામનું નસીબ બદલવા માટે કોઈ સરકાર કે બહારની એજન્સી પર નિર્ભર નથી. તેમણે પાણીની બચતની શીખ ગામના અન્ય લોકોને શીખવી. પાની ફાઉન્ડેશન અને સરકારના મદદનીશો આ ગામડાંઓનાં ગ્રુપ બનાવીને કયું ગામ સૌથી વધુ જળસરંક્ષણ માટે ગામડામાં માળખાકીય બદલાવ લાવવા માટે મહેનત કરે છે એ સ્પર્ધાનું મૂળ હતું. બધી બાબતો ડિજિટલી અપડેટ કરવાની હતી. બેસ્ટ ગ્રુપને સારામાં સારી પ્રાઇઝ-મની આપવાની જાહેરાત થઈ ગઈ હતી. ૨૦૧૬માં યોજાયેલા પહેલા વૉટર કપે જ એવો જુવાળ જગાવ્યો કે એક નાનકડો સામાજિક પ્રયોગ જોતજોતાંમાં એક અદ્ભુત લોકઆંદોલનમાં ફેરવાઈ ગયો જેણે ગ્રામીણ જનતાને શ્રમદાન, સામાજિક એકતા અને આત્મનિર્ભરતાના પાઠ ભણાવ્યા. બીજી મહત્ત્વની બાબત એ બની કે આ લોકઆંદોલનને કારણે ગામડાંઓમાં સદીઓ જૂની પિતૃસત્તાક પ્રથાઓ તૂટી અને મહિલાઓ ગૌરવભેર શ્રમદાનમાં જોડાઈ. એટલું જ નહીં, વર્ષો જૂના ધાર્મિક અને સામાજિક મતભેદો ભૂલીને હિન્દુ-મુસ્લિમ સમુદાયો એક સામાન્ય ધ્યેય માટે ખભેખભા મિલાવીને ઊભા રહ્યા.’

‘વૉટર કપ’ ૨૦૧૮ના લૉન્ચ વખતે ઘણા અગ્રણીઓએ હાજર રહીને એને લીલી ઝંડી આપી હતી.
હવે વૉટર કપને કારણે આવેલા બદલાવની ગ્રૅવિટીને આંકડાકીય દૃષ્ટિએ પણ સમજીએ. ૨૦૧૬થી ૨૦૧૯ દરમ્યાન ચાલેલી વૉટર કપ સ્પર્ધામાં કુલ ૭૦૦૦ ગામડાંઓ જોડાયાં હતાં. તેમણે વૉટર રિટેન્શન માટે જાતે શ્રમદાન દ્વારા ૭૦૦૬ કિલોમીટર લાંબી સળંગ ખાઈ બનાવી. આ અંતર કાશ્મીરથી કન્યાકુમારી કરતાં પણ વધારે કહી શકાય. કુલ બે લાખથી વધારે શહેરી જળમિત્રો આ સ્પર્ધાનો હિસ્સો બન્યા હતા અને રોજ દોઢ લાખ ગ્રામજનો કાર્યમાં જોડાતા હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. તેમની મહેનતના જ પરિણામે ઊભી કરેલી વ્યવસ્થામાં ૫૫૦ અબજ લીટર પાણી એકઠું થયું. તમને થશે કે ૫૫૦ અબજ લીટર એટલે કેટલું? તો જવાબ છે કે આટલા પાણીથી ૧૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળાં સાડાપાંચ કરોડ ટૅન્કરો ભરી શકાય, જેને લાઇનમાં ઊભાં રાખતાં એ આખી પૃથ્વીની ફરતે આઠથી વધુ વખત ચક્કર લગાવી શકે.
ખેડૂત-સ્પર્ધાની જાણવા જેવી બાબતો
આ વર્ષે મહારાષ્ટ્ર સરકારના સહયોગથી ૪૬ તાલુકામાંથી વધીને ૩૫૧ તાલુકા સ્પર્ધામાં સામેલ થયા છે. ૨૦૨૪ની તુલનાએ એમાં આઠગણો વધારો થયો છે.
ખેડૂતજૂથોમાં પણ આ વર્ષે તોતિંગ ઉછાળો આવ્યો છે. ૨૦૨૪માં ૪૦૦૦ જૂથો હતાં જે ૨૦૨૬માં વધીને ૧૮,૭૦૦ થયાં છે.

લિપિ મહેતા, કમ્યુનિકેશન્સ ઑફિસર, પાની ફાઉન્ડેશન
આ વર્ષે અંદાજે અઢી લાખ ખેડૂતો સ્પર્ધામાં સીધા જોડાયા છે.
૨૦૨૨ની તુલનાએ આ વર્ષે ઑલ-વુમન ગ્રુપ્સનું પ્રમાણ ૬૧ ટકા જેટલું થઈ ગયું છે.
આ સ્પર્ધાની ઇમ્પૅક્ટનો પાછલાં ૩ વર્ષનો સર્વે કહે છે કે સામૂહિક ખેતી અને નવી પદ્ધતિઓને કારણે પાકની ઉત્પાદકતામાં ૭૦થી ૧૧૦ ટકાનો વધારો અને એકરદીઠ ૧૦૦ ટકા કરતાં પણ વધારે નફો છે.
દેશના ૧૨૦ જેટલા ટૉપ ફાર્મિંગ સાયન્ટિસ્ટ્સ દ્વારા ૩૬ પાકો માટે લાઇવ ‘ડિજિટલ શેતી શાળા’નાં સેશન યોજાય છે.
રાજ્યસ્તરે બેસ્ટ પર્ફોર્મ કરનારા ખેડૂતના ગ્રુપને ૫૦ લાખ, એ પછી ૩૦ લાખ અને ૨૦ લાખ રૂપિયાનાં ઇનામો ઉપરાંત ડિસ્ટ્રિક્ટ લેવલ અને મહિલા ગ્રુપ માટે અલગથી કૅશ પ્રાઇઝ રાખવામાં આવ્યાં છે.

આ ઍપના માધ્યમથી ખેડૂતો મેળવે છે વૈજ્ઞાનિક ખેતીના પાઠ.
ફાર્મર કપની શરૂઆત
પાણીની અછતની સમસ્યા ઉકેલાયા પછી પાની ફાઉન્ડેશનની સામે આગામી સંકટ આવ્યું કૃષિક્ષેત્રનું આર્થિક સંકટ અને ગ્રામીણ ગરીબી. લિપિ કહે છે, ‘મહારાષ્ટ્ર જ નહીં, દેશમાં મોટા ભાગે ખેડૂતો એકલા-અટૂલા રહીને ખેતી કરે છે. વૈજ્ઞાનિક જ્ઞાનના અભાવે મોંઘાં કેમિકલ ફર્ટિલાઇઝર અને ઝેરી જંતુનાશકો પાછળ આંધળો ખર્ચ કરે છે. એને લીધે જમીનની ફળદ્રુપતા બગડે છે અને ખેતી ખોટનો ધંધો સાબિત થઈ રહી છે. ફાર્મર કપનો ઉદ્દેશ જ એ હતો જેમાં ખેડૂતો સામૂહિક ખેતી તરફ વળે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ તરફ આકર્ષાઈને એને અમલમાં મૂકે.
આ જ ધ્યેય સાથે વૉટર કપની સફળતા બાદ ‘સત્યમેવ જયતે ફાર્મર કપ’ની શરૂઆત કરવામાં આવી. આ સ્પર્ધાએ ધ્યાન વ્યક્તિગત ખેતીથી હટાવીને ગ્રુપ-ફાર્મિંગ પર કેન્દ્રિત કર્યું. ખેડૂતોને અમે અપીલ કરી કે તમે જે પાકની ખેતી કરો છે એ જ પાકની ખેતી કરતા હોય એવા ખેડૂતોને ભેગા કરીને ગ્રુપ બનાવો. એ પછી તેમની સામૂહિક અને ગ્રુપ સ્પેસિફિક ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી. ૨૦૨૦માં પહેલી ફાર્મર કપ સ્પર્ધામાં પણ અમને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. સ્પર્ધાનો નિયમ છે કે તેમણે સાથે મળીને ખેતી કરવાની, જેથી ખર્ચ ઘટે. એકબીજાનાં ખેતરોમાં શ્રમ વહેંચ્યો, સાયન્ટિફિક મેથડ અપનાવીને નૅચરલ ફર્ટિલાઇઝર તરફ વળ્યા. આ આંદોલનથી ખેતીમાં મહિલાઓનો અદ્ભુત ઉદય થયો છે. જે મહિલાઓને માત્ર ખેતમજૂર ગણવામાં આવતી હતી તેઓ હવે કાર્યક્ષમ ફાર્મ-મૅનેજર બની છે. મહિલાઓ હવે ઘરની બહાર નીકળીને પરિવારો સામે હકથી જમીન માગીને કે ભાડે લઈને આત્મવિશ્વાસપૂર્વક ટ્રૅક્ટર ચલાવે છે અને ખેતીના મોટા આર્થિક નિર્ણયો જાતે લે છે. આ બદલાવમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સાથે કામ કરનારી સંસ્થા ઉમેદનો બહુ મોટો ઑર્ગેનિક રોલ રહ્યો છે.’

મહિલાઓ વધુ સક્રિયતા સાથે આ ફાર્મર કપમાં જોડાઈ છે અને સૌથી મહત્ત્વની વાત એ કે આ વર્ષે મહિલાઓના ગ્રુપના પ્રમાણમાં ૬૧ ટકા જેટલો વધારો થયો છે.
સરકારનો સાથ કેવી રીતે?
જે પ્રોગ્રામ પહેલાં સીમિત સ્તરે એક સામાજિક પ્રયોગ તરીકે થોડાક જ જિલ્લાઓમાં શરૂ થયો હતો એને વ્યાપક બનાવવા માટે મહારાષ્ટ્ર સરકારે ખૂબ મોટો રોલ અદા કર્યો. મહારાષ્ટ્ર સરકારના કૃષિવિભાગ અને ઉમેદ નામની સ્ત્રીસશક્તીકરણ માટે કામ કરતી સંસ્થાના ઑફિશ્યલ સહયોગથી એ રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચી ગયો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઐતિહાસિક નિર્ણય લઈને સરકારના ૮૦૦ અધિકારીઓને સ્પેશ્યલી ફાર્મર કપના કામ પર જ લગાડી દીધા છે. સરકાર અને પાની ફાઉન્ડેશન સાથે કઈ રીતે કામ કરે છે એનો જવાબ આપતાં લિપિ મહેતા કહે છે, ‘પાની ફાઉન્ડેશનની ફીલ્ડ ટીમ અને સરકારની આ સંયુક્ત કાર્યપ્રણાલીમાં કેટલાંક કામ વહેંચાયેલાં છે. જેમ કે પાની ફાઉન્ડેશન દ્વારા સરકારી કૃષિ યુનિવર્સિટીના ખેતીના પ્રોફેસરો દ્વારા ગ્રુપના લીડર્સ માટે ફિઝિકલ આવાસીય તાલીમનું આયોજન થાય છે, જેમાં ખેતીનું સચોટ પ્લાનિંગ શીખવવામાં આવે છે. જોકે એ વાત ગામના ઘરે-ઘરે સરકારના અધિકારીઓ પહોંચાડે છે. ૮ મહિનાની સ્પર્ધાના નિર્ધારિત મહિનાઓ દરમ્યાન ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક ઉગાડવાનો હોય છે. શરૂઆતના મહિનાઓમાં ડિજિટલ શેતી શાળા ચાલે છે, જેમાં મહારાષ્ટ્રની કૃષિ યુનિવર્સિટીઓના ટૉપ સાયન્ટિસ્ટ્સ ડાયરેક્ટ ખેડૂતો સાથે વાત કરીને અલગ-અલગ પાકો માટે તેમની સમસ્યાઓ ઑન-ધ-સ્પૉટ સૉલ્વ કરે છે. ખેડૂતોને એજ્યુકેટ કરવા માટે પાની ફાઉન્ડેશન દ્વારા સરકારી યુનિવર્સિટીના નિષ્ણાતોની મદદથી કેટલાક શૉર્ટ વિડિયો બનાવવામાં આવ્યા છે. ૯ મુખ્ય ક્રૉપના આ વિડિયોમાં ખેડૂતોએ બિયારણ કેવી રીતે વાવવું, જમીનનો બેઝ કેવી રીતે બનાવવો વગેરે બાબતોનો સમાવેશ હોય છે. છેલ્લે ખેડૂતોએ પોતાનો ડેટા, ખર્ચની વિગતો અને ફોટોગ્રાફ્સ પાની ફાઉન્ડેશનની સ્પેશ્યલ ઍપ્લિકેશનમાં અપલોડ કરવાનાં રહે છે. કોઈ ખેડૂત અવાસ્તવિક પાક-ઉત્પાદન ક્લેમ કરે તો ઍપ અને ટીમ એનું સાયન્ટિફિક વેરિફિકેશન કરે છે. જજિંગ માટે અલગ જ રીજનના હેડની પૅનલ ક્રૉસ-ક્વેશ્ચનિંગ કરે છે અને અંતે એક્સપર્ટ્સની થર્ડ પાર્ટી જ્યુરી દ્વારા ફાઇનલ વેરિફિકેશન થાય છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યસ્તરે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર લાખો રૂપિયાનાં મોટાં પ્રાઇઝ-મની રાખવામાં આવ્યાં છે. સાથે જ મહિલાઓ માટે સ્પેશ્યલ પ્રાઇઝ પણ છે. સ્પર્ધાના કડક નિયમો છે. જેમ કે જો કોઈ ગ્રુપ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) ફૉલો ન કરે કે ડિજિટલ ખેતીશાળા અટેન્ડ ન કરે તો તેઓ ડિસક્વૉલિફાય થઈ જાય છે. આ જ ડિસિપ્લિન આ આંદોલનની જીવાદોરી છે.’
