Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૉલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં ધક ધક સૉન્ગ પર થયેલા કામુક ડાન્સના વિવાદને તમે કઈ રીતે જુઓ છો?

કૉલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં ધક ધક સૉન્ગ પર થયેલા કામુક ડાન્સના વિવાદને તમે કઈ રીતે જુઓ છો?

Published : 20 April, 2026 12:58 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

શૈક્ષણિક મંચ પર થયેલા નૃત્યને બીભત્સ અને સંસ્કારોનું હનન ગણાવનારાઓનો વિરોધ સાચો કે વ્યક્તિસ્વાતંય અને સંકુચિત માનસિકતામાંથી બહાર આવવાની દલીલને યોગ્ય ગણવી? આ વિષય પર જુદા-જુદા ક્ષેત્રના અગ્રણીઓ સાથે વાત કરીએ

કલ્ચરલ કાર્યક્રમમાં ડાન્સ કરતી  અને ટીકા થયા પછી રડતો વિડિયો પોસ્ટ કરનારી વિદ્યાર્થિની

કલ્ચરલ કાર્યક્રમમાં ડાન્સ કરતી અને ટીકા થયા પછી રડતો વિડિયો પોસ્ટ કરનારી વિદ્યાર્થિની


છેલ્લા થોડાક દિવસથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) આયોજિત સંસ્કાર સંગમ નામના કાર્યક્રમમાં એક યુવતી કૉલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં ‘ધક ધક કરને લગા’ સૉન્ગ પર ડાન્સ કરે છે જેમાં તેના ડાન્સનાં મૂવ્સ અને સાડી પહેરવાની સ્ટાઇલને લઈને નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI) જેવી સંસ્થાઓ સહિત સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ એની આકરી ટીકા કરી. શૈક્ષણિક મંચ પર આવો ડાન્સ અભદ્રજનક છે અને સંસ્કાર નગરી વડોદરામાં સંસ્કારોનું નિકંદન નીકળી રહ્યું છે એવો ઊહાપોહ થયો તો કેટલાક વર્ગે વ્યક્તિસ્વાતંય અને બદલાઈ રહેલા સમયમાં લોકોએ પોતાની સંકુચિત માનસિકતાઓમાંથી બહાર આવવું જોઈએ અને આવી નાની-નાની વાતોને મુદ્દો ન બનાવવો જોઈએ એવી આર્ગ્યુમેન્ટ્સ સોશ્યલ મીડિયા પરની કમેન્ટ્સમાં કરી. જોકે આ બધી ચર્ચામાં બળતામાં ઘી ત્યારે હોમાયું જ્યારે ડાન્સ કરનારી યુવતીએ ગીતની પસંદગી ખોટી થઈ ગઈ એની માફી માગવાની સાથે એવો તો કયો મોટો દેશદ્રોહ કરી લીધો કે લોકો મારી પાછળ જ પડી ગયા છે, આ ઘટનાએ મારી મેન્ટલ હેલ્થને ભયંકર રીતે અસર પહોંચાડી છે જેવી વાતો કરતો આંખમાં આંસુ સાથેનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો. જે લોકોને આ મુદ્દા વિશે ખબર નહોતી તેઓ પણ આ વળતા વિડિયો પછી આ ચર્ચાનો હિસ્સો બની ગયા. ખરેખર આ મુદ્દા માટે આટલો ઊહાપોહ યોગ્ય હતો? ખરેખર શૈક્ષણિક સંસ્થાનના કાર્યક્રમોમાં આ પ્રકારનાં નૃત્યોને ચૂપચાપ સ્વીકારી લેવાં જોઈએ? અહીં ઘટનાની ટીકા કરનારા સાચા કે ઘટનાનો ભોગ બનેલી દીકરીની વાત સાચી? આ પ્રશ્નોના જવાબ સમાજના કેટલાક અગ્રણીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. તેમના જવાબો અહીં પ્રસ્તુત છે.

પહેલો વાંક આયોજકોનો કે તેમણે આ થવા જ કેમ દીધું? : કાજલ હિન્દુસ્થાની, હિન્દુત્વનાં પ્રચારક, સામાજિક ચળવળકાર



કોઈ પણ કલ્ચરલ પ્રોગ્રામમાં એવું તો ન હોય કે સીધેસીધું કોઈ સ્ટેજ પર આવીને પર્ફોર્મ કરવા માંડે. એનાં રિહર્સલ થયાં હોય, કૉસ્ચ્યુમ્સ સાથે રિહર્સલ થયાં હોય. ત્યારે કેમ વિરોધ ન થયો? હકીકતમાં પહેલી ભૂલ તો આયોજકોની છે કે તેમણે આ થવા દીધું. યસ, કલ્ચરલ પ્રોગ્રામમાં આ પ્રકારનાં નૃત્યો ન થાય. આમાં કોઈ પૉલિટિકલ પાર્ટીની દૃષ્ટિએ વાતને ગજવવાનો અર્થ નથી, કારણ કે આમાં એક વિદ્યાર્થીની માનસિક સ્થિતિને ૧૦૦ ટકા અસર થઈ શકે છે. આમાં વાંક છોકરીનો હતો જ નહીં.


સાડીને આપણે ત્યાં જુદી-જુદી રીતે પહેરવામાં આવે છે. સાડી એ રીતે પણ પહેરી શકાય જેમાં શરીરનું એક પણ અંગ ન દેખાય અને ખૂબ શાલીન હોય અને સાડીને ઉત્તેજના જગાડે એમ સેક્સીએસ્ટ રીતે પણ પહેરી શકાય. આપણે ત્યાં એવા લોકો પણ છે જેઓ બિકિની સાથે સાડી પહેરે છે. આજનાં યંગ બાળકોમાં સાડી સેક્સિઝમનું સિમ્બૉલ છે. યસ, બેશક શિક્ષાના મંદિરમાં આ પ્રકારનો ડાન્સ ન શોભે. તમે તમારા ઘરની પ્રાઇવેટ પાર્ટીમાં આવો ડાન્સ કરો તો એ તમારી મરજી, પરંતુ અહીં તો હજારો લોકોની વચ્ચે તમે શૈક્ષણિક મંચ પર આવું નૃત્ય કરો એટલે વિરોધ તો થાય. જોકે વિરોધ કરનારાઓને પણ મારે કહેવું છે કે વિરોધ તે વિદ્યાર્થિનીનો નહીં પણ આયોજકોનો કરો જેમણે આ થવા દીધું. તેમણે પહેલા જ તબક્કે આ રોક્યું હોત તો પેલી વિદ્યાર્થિની આ ડાન્સ ન કરત. વિરોધ એ ભાવકોનો કરો જેઓ પોતાનાં સંતાનો જ્યાં ભણવા જાય છે ત્યાં બીજું શું કરે છે એની ચોકસાઈ નથી રાખતા. જે થયું એ ખોટું થયું, પરંતુ અત્યારે મને બેશક પેલી દીકરીની મેન્ટલ હેલ્થની ચિંતા થાય છે. સોશ્યલ મીડિયા પર મનફાવે એવી ભાષા વાપરતા લોકોએ એ ન ભૂલવું જોઈએ કે તેની જગ્યાએ તમારી દીકરી પણ હોઈ શકે. હજી કૉલેજમાં ભણતી દીકરી બાળક જ ગણાય. હું એ કૃત્યને વખોડું છું, પરંતુ એના માટે તે દીકરીને માત્ર ટાર્ગેટ કરો એ મને યોગ્ય નથી લાગતું.’

ભૂલ આ સમાજની છે જેણે નવી પેઢીને આવું કરી શકાય એ ઠસાવી દીધું છે :  ડૉ. સંગીતા શ્રીવાસ્તવ, કાંદિવલી એજ્યુકેશન સોસાયટીનાં ઍકૅડેમિક અને ઍડ્‍મિનિસ્ટ્રેટિવ ઍડ્વાઇઝર


આવી કોઈ ઘટના પહેલી વારની નથી. આ પહેલાં મુંબઈની સ્કૂલોમાં પણ આવું બન્યું છે. આમાં કોઈ વ્યક્તિનો વાંક જ નથી. આમાં પહેલો વાંક આ કાર્યક્રમના આયોજકોનો જ છે. અમારી સ્કૂલ અને કૉલેજમાં પણ કલ્ચરલ પ્રોગ્રામ, ઍન્યુઅલ ફંક્શન્સ, ફેરવેલ પ્રોગ્રામ્સ વગેરે થતું હોય છે. વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય છે એટલે DJ પણ રાખીએ છીએ, પરંતુ મ્યુઝિક-ટીચરથી લઈને કલ્ચરલ પ્રોગ્રામના હેડ્સ સુધી બધા જ કયાં ગીતો લેવાઈ રહ્યાં છે એનું મૉનિટરિંગ કરે છે. અમે અમારા DJથી લઈને બધા જ ઇન્વૉલ્વ્ડ લોકોને કહી દીધું હોય છે કે ગીતોની અને વેશભૂષાની પસંદગી સ્કૂલની ગરિમાને વધારે એવી હોવી જોઈએ. કોણે શું પહેરવું એનું ડિક્ટેશન આજની પેઢીને નથી ગમતું અને એ કરવું પણ નથી, પરંતુ દરેક સ્થાનનું મહત્ત્વ છે અને એ સ્થાન મુજબનો વ્યવહાર અપેક્ષિત છે. વિદ્યાના ધામમાં સેન્સ્યુઅલિટી વધારે એવી વસ્તુઓ અલાઉડ જ ન હોવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત એટલે આવી સેન્સ્યુઅલિટી કે વલ્ગરિટી વિનાની અઢળક વસ્તુઓ છે. એવાં અઢળક ગીતો છે જે વિદ્યાર્થીઓને એન્જૉય કરાવે અને સ્થાનને અનુરૂપ પણ હોય. એટલે યસ, પહેલી ભૂલ આયોજકોની છે.

બીજી વાત. આજના સમયમાં વિદ્યાર્થીઓને આ પ્રકારના ડાન્સમાં કંઈ અજુગતું નથી લાગતું એમાં પણ ભૂલ આપણી જ છે. આપણે જ તેમને એવો માહોલ આપ્યો છે કે તેમને આ બધું જ નૉર્મલ લાગે છે. તેમને સાડીમાં અમુક પ્રકારનાં મૂવ્સ નૉર્મલ લાગે છે અને તેઓ એને જસ્ટિફાય પણ કરે છે એમાં પણ ઍઝ અ સોસાયટી ભૂલ તો આપણી ને માત્ર આપણી જ છે. કેટલાક લોકો દલીલ કરે છે કે આમાં છોકરીની પ્રાઇવસીનો ભંગ થયો છે આ ગીત સોશ્યલ મીડિયા પર મૂકીને. એ બાબતમાં હું કહીશ કે જ્યારે કોઈ નૃત્ય તમે સેંકડો વિદ્યાર્થીઓની સામે કર્યું છે ત્યારે એનો વિડિયો જાહેરમાં આવે તો એમાં કોઈ પ્રાઇવસીની વાત નથી, કારણ કે આ નૃત્ય જાહેરમાં જ થયું હતું. સોશ્યલ મીડિયા અત્યારે સૌથી મોટું દૂષણ છે અને એનો દુરુપયોગ કરનારાઓ વધ્યા છે એમાં કોઈ શંકા નથી.

કોઈ સૉફ્ટ ટાર્ગેટ દેખાય એટલે સોશ્યલ મીડિયાના બહાદુર લોકો તૂટી પડતા હોય છે : ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

અત્યારે સોશ્યલ મીડિયા પર આ વાતનો વિરોધ કરનારાઓ એટલે બેધડક વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને ખબર છે કે જેનો તેઓ વિરોધ કરે છે તે નબળું છે. લોકો પાવરફુલ લોકો ખોટું કરે તો પણ વિરોધ નથી કરતા. જાહેરમાં રાજ ઠાકરેનો વિરોધ કરનારા નહીં મળે, કારણ કે તેમને ડર છે કે આવતી કાલે તેમના પર હુમલો થઈ શકે છે, પરંતુ કોઈ સ્ટુડન્ટનો વિરોધ કરવો તેમના માટે સૉફ્ટ ટાર્ગેટ છે. વિરોધ કરનારાઓ સાચા છે કે ખોટા એ મહત્ત્વનું છે જ નહીં, કારણ કે તેમના વિરોધના ઉદ્દેશમાં જ મલિનતા છે. કૉલેજ-ફેસ્ટમાં થયેલો ડાન્સ એટલો મહત્ત્વનો મુદ્દો છે જ નહીં કે એને આટલો ઉછાળવામાં આવે કે એની પાછળ આટલા લોકો તૂટી પડે.

બીજી બાજુ આ વિરોધનો વિરોધ કરવા માટે તે છોકરી નવો વિડિયો બનાવે એય પોતાનામાં કૌતુક જન્માવનારી બાબત છે. આજે દરેકને અટેન્શન જોઈએ છે. નેગેટિવ પબ્લિસિટીથી પણ જો થોડીક સહાનુભૂતિ સાથે અટેન્શન મળી જાય અને પોતે વધુ ફેમસ થઈ જાય તો વાય નૉટ એવું વિચારનારાઓનો તોટો નથી. ફરીથી રડતો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકીને પોતાની સફાઈ આપવી અને મેન્ટલ હેલ્થને અસર થઈ રહી છે એવું કહેવું એમાં પણ ઇન્ટેશન સાફ નથી દેખાતું. એ વ્યક્તિનું કન્ફ્યુઝન અને સાથે વહેતી ગંગામાં હાથ ધોઈને થોડુંક અટેન્શન મેળવવાની, થોડાક ફૉલોઅર વધારવાની લાલચ હોઈ શકે છે કારણ કે સાચી વાત એ છે કે જેની મેન્ટલ હેલ્થ બહુ જ વધારે ડિસ્ટર્બ થઈ હોય તેનામાં એવી સૂઝબૂઝ ન હોય કે તે એક વિડિયો શૂટ કરે અને એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે. એવા સમયે તે ફૅમિલી સાથે રહે અને કોઈ ચિકિત્સક પાસે જઈને પોતાનું કાઉન્સેલિંગ કરાવે. મારી દૃષ્ટિએ તો અત્યારે દરેક પક્ષ માત્ર પોતપોતાના લાભ માટે લડી રહ્યો છે. કોઈને સંસ્કૃતિ, સંસ્કાર કે સન્માનની પરવા નથી. એ બધો જ માત્ર દેખાડો છે.

વિરોધ કરનારાઓની દલીલ

માધુરી દીક્ષિતને પૉપ્યુલર કરનારા ગીત ‘ધક ધક કરને લગા’ સાથે યુવતીએ કરેલો ડાન્સ અશ્લીલ હતો.

સંસ્કાર સંગમ જેવા નામ હેઠળ આ પ્રકારનું પ્રદર્શન ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.

ભૂલ પછી પણ રડતાં-રડતાં સોશ્યલ મીડિયા પર વિડિયો મૂકવો એ યુવતીનો પબ્લિસિટી સ્ટન્ટ છે.

ડાન્સ કરનારી યુવતીની દલીલ

તેણે કોઈ અશ્લીલ કપડાં પહેર્યાં નહોતાં પરંતુ એક સાદી સાડી પહેરી હતી.

ગીતની પસંદગી ખોટી હતી અને એ બદ્દલ તેણે માફી માગી, પરંતુ શું આ એટલી મોટી વાત હતી કે તેને આ સ્તર પર ટાર્ગેટ કરવામાં આવે? શું દેશમાં તેના ડાન્સ સિવાય અન્ય કોઈ ગંભીર મુદ્દાઓ નથી?

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 12:58 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK